૩૦ જૂને વજુભાઈ વાળા ૧૪મી વાર બજેટ રજુ કરશે વિધાનસભામાં પાંચ સરકારી વિધેયકો દાખલ થશે ગાંધીનગર, તા. ૨૯ જૂને શરૂ થનારા ગુજરાત વિધાનસભાના ૧૦૯માં સત્રમાં તા. ૩૦ જૂને નાણામંત્રી વજુભાઈ વાળા ૧૪મી વાર બજેટ રજુ કરીને પોતાનો જ રેકર્ડ બ્રેક કરશે. સત્ર દરમિયાન સરકાર પાંચ વિધેયકો દાખલ કરશે. ૧૮૨ની સભ્ય સંખ્યા ધરાવતા ગુજરાત વિધાનગૃહમાં ૧૭૫ સભ્યોની સંખ્યા રહી છે. ધારાસભ્યોના ૩૯૯૬ તારાંકિત પ્રશ્નો સચિવને મળ્યા તે પૈકી ૧૭૩૨ પ્રશ્નો દાખલ વિધાનસભાના અઘ્યક્ષે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી દ્વારા શોકદર્શક ઉલ્લેખો રજૂ કરશે જેમાં પૂર્વ સ્વર્ગસ્થ સભ્યો સ્વ. મનુભાઈ વ્યાસ અને સ્વ. હમીરભાઈ રાયજાદા તેમજ ૧૨મી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય સ્વ. પોપટભાઈ જીંજરિયાનો શોકદર્શક ઉલ્લેખ બાદ પરંપરા પ્રમાણે વિધાનસભાની બેઠક મુલતવી રહેશે. તેમણે જણાવ્યું હતું કે ૩૦ જૂને અંદાજપત્રનીરજૂઆત બાદ કુલ પાંચ વિધેયકો દાખલ કરવામાં આવશે. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી સુધારા વિધેયક, નિરમા યુનિવર્સિટી સુધારા વિધેયક, ખાનગી યુનિવર્સિટી વિધેયક અને કામધેનુ યુનિવર્સિટી વિધેયક ઉપરાંત ગુજરાતના અધિનિયમો રદ કરવા બાબતનું વિધેયક દાખલ થશે અને ચર્ચવામાં આવશે. ગત ફેબુ્રઆરી માસમાં મળેલા ત્રીજા સત્રમાં રાજ્ય સરકારે વોટ ઓન એકાઉન્ટ પર જુલાઈ માસના અંત સુધીનું લીઘું હતું. તેથી ૩૧ જુલાઈ પહેલા અંદાજપત્ર પસાર કરવું પડે. તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભામાં ૧ બેઠક મૃત્યુના કારણે, ૧ બેઠક રાજીનામાના કારણે અને ૫ બેઠકો ધારાસભ્યો લોકસભામાં ચૂંટાવાના કારણે ખાલી પડી છે. કુલ બેઠકોમાં ભાજપની ૧૧૬ બેઠકો, કોંગ્રેસ પક્ષની ૫૩ બેઠકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની ૩ બેઠકો, જનતાદળની ૧ બેઠક અને ૨ અપક્ષનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૩૯૯૬ તારાંકીત પ્રશ્નોની સૂચના મળી તેમાંથી ૧૭૩૨ પ્રશ્નો દાખલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદે નરેન્દ્ર આવ્યા પછી ૨૦૦૨થી દરેક વિધાનસભા સત્ર દરમિયાન સત્રના દિવસો ટૂંકાવવા માટે એક દિવસની બેઠકોનું પ્રમાણ વધારે રહેતું હતું પરંતુ તા. ૨૯ જૂનથી શરૂ થનારા સત્રમાં એક પણ દિવસ બે બેઠકો રાખવામાં આવી નથી, તેનું આશ્ચર્ય ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યો અનુભવી રહ્યા છે. જો કે સત્ર શરૂ થયા બાદ કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય લઈને દિવસ ટૂંકાવવા બે બેઠકો રાખી શકે છે. |