home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બાલાસિનોરમાં બે દિવસ પહેલાં થયેલા
ઝઘડામાં ઘવાયેલા યુવકનું મૃત્યુ થતાં વાતાવરણ તંગ

નડિયાદ,તા.૨૬

જિલ્લાના બાલાસિનોરમાં બે દિવસ પહેલાં થયેલા ઝઘડામાં ઘવાયેલ યુવકનું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થતાં નગરમાં તનાવ વ્યાપી વળ્યો હતો. મૃત્યુના સમાચારની સાથે જ આરોપીઓના ઘર પર સ્થાનિકોએ હલ્લો બોલાવી છાપરા સાથે ઘર તોડી પાડયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી સ્થિતિને જોતાં વધારાની પોલીસ બોલાવી હતી.

લોકોએ હુમલાખોરોના ઘર પર ધસી જઈ છાપરું તોડી નાખ્યું

બાલાસિનોરના તળાવ દરવાજા વિસ્તારમાં સાંકળી ગલી જેવા રહેઠાંણોમાં રહેતાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે પાણી જવાની નીક બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાટમાં ઘારિયા ઉછળ્યાં હતાં. આ ઝઘડામાં સલીમ કાલુભાઈ શેખ (ઉ.વ.૩૮) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધારિયાના ઘા થી ઘવાયેલા સલીમને તરત જ અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. બાદમાં આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ આપી હતી.

આજે અમદાવાદમાં સારવાર દરમ્યાન સલીમનું મૃત્યું થયું હતું. મૃત્યુના સમાચાર બાલાસિનોર પહોંચતા જ આરોપીઓના ઘર પર સ્થાનિકોએ ખેક જૂથ થઈને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાંએ ઘર ભાંગી નાંખ્યું હતું. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તો ઘર ભાંગી નાખ્યું હતું. બાલાસિનોરના પી.એસ.આઈ. આઈ.બી.અજમેરી ને ઘટનાની જાણ થતાં પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ પ્રથમ તો ટોળાથી આરોપીઓના ઘરના સભ્યોને બચાવી દૂર ખસેડી લીધા હતાં. બાદમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આખા નગરમાં અને વિશેષ તો તળાવ દરવાજા વિસ્તારમાં પોલીસને સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્થિતિને જોતાં વિરપુરથી પણ વધારે પોલીસ કુમક બોલાવવામાં આવી હતી.

મૃતક સલીમનો મૃતદેહ મોડી સાંજ સુધીમાં બાલાસિનોર લાવવામાં આવે તેવી શક્યતા જોતાં વળી, સાંજે અંતિમ સંસ્કાર વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સખત પગલાં રૂપે પોલીસ નગરમાં ગોઠવાઈ હતી.

Copyright   © Gujarat Samachar