home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગોચરની જમીન સુધારણામાં ગ્રામ પંચાયતો ઉત્સાહી નથી

ગાંધીનગર,

ગુજરાતમાં ગોચરની જમીન સુધારણા યોજનામાં ગ્રામ પંચાયતોમાં નિરૂત્સાહ જોવા મળ્યો છે, પરિણામે રાજ્ય સરકારે નિયત કરેલા લક્ષ્યાંકો નિષ્ફળ ગયા છે. આ કામગીરી માટે રાજ્ય બે લાખના ભંડોળમાં ૫૦ ટકા રકમ આપે છે પણ બાકીની ૫૦ ટકા રકમ માટે ગ્રામ પંચાયતોને ફાંફાં પડી રહ્યાં છે. એક સર્વેક્ષણ અનુસાર જમીન સુધારણાનું જે કામ થયું છે તેમાં જૈન, મહાજન અને ધાર્મિક જેવી ૨૦ જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ અગ્રેસર રહી છે.

રાજ્ય સરકાર ૫૦ ટકા રકમ આપે છે પણ બાકીનો હિસ્સો મેળવવાના ફાંફાંઃમાત્ર સ્વૈચ્છિક સંસ્થાઓએ કામગીરી કરી

ગોચર માટે એવો નિયમ છે કે ૧૦૦ પશુદીઠ ૪૦ એકર જમીન હોવી જોઇએ પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આવી જમીનની ઘટ છે. રાજ્ય સરકારે ૨૦૦૧માં ગૌચરની જમીન સુધારણાની એક યોજના બનાવી હતી અને તેમાં એવું નક્કી કર્યું હતું કે પ્રત્યેક ગામની ૫ થી ૨૫ હેક્ટર જમીન સુધારવા માટે બે લાખ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે પૈકી ૫૦ ટકા રકમ એટલે કે એક લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે અને બાકીના પ૦ ટકા ગ્રામ પંચાયત તેમજ પાંજરાપોળ, વિવિધ સંગઠનો, સહકારી મંડળીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી એકત્ર કરાશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ ૮.૫૦ લાખ હેક્ટર જમીન કાયમી ગોચર અને ચરાણ હેઠળની છે.

પ્રોજેક્ટના પહેલા વર્ષમાં આ ક્ષેત્રમાં કામગીરી શરૂ થઇ શકી હતી પરંતું ગ્રામ પંચાયતને નાણા એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી સરકારની યોજના ફળીભૂત થઇ શકી નથી. આ યોજના હેઠળ જે બાબતો સમાવવામાં આવી હતી તેમાં ગામડામાં ગોચરની જમીનમાં અનિયંત્રિત ચરિયણ દૂર કરવું, પશુને ચરવા માટે ઘાસ વાવવું, જમીનની ફળદ્રુપતા ફરીથી મેળવવી તેમજ તાર ફેન્સંિગ કરી હયાત દબાણો દૂર કરવા જેવા કામોનો સમાવેશ થતો હતો. જો કે સરકારના લક્ષ્યાંક મુજબ આ દિશામાં કાર્યવાહી થઇ નથી.

વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લાની વનથલ, બનાસકાંઠાની મોરવાડા, જૂનાગઢની વિરડી અને જામકા, અમરેલીની નાના ભયોદ્રા, ગાંધીનગરની ચરાડા અને વડોદરાની દરિયાપુર ગ્રામ પંચાયતમાં ગોચરની જમીન સુધારણાનું કામ થયું છે, જેમાં જામકા અને નાના ભાયોદ્રા ગ્રામ પંચાયતને બાદ કરતાં તમામ જગ્યાએ સ્વૈચ્છીક સંસ્થાઓએ કામગીરી કરી છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં કાર્યરત એવી ૨૦ સંસ્થાઓએ જમીન સુધારણામાં તેમનું યોગદાન આપ્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૭૧.૬૩ લાખના ખર્ચે ૩૧૪ હેક્ટર જમીન સુધારી શકાઇ છે. ખાસ કરીને મહાજનો અને પાંજરાપોળના સંચાલકોએ ગોચરની જમીન સુધારણા યોજનામાં તેમનું યોગદાન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષના અનુભવે જણાયું છે કે સરકાર તરફથી ૫૦ ટકા નાણાં મળતાં હોવા છતાં રાજ્યની ગ્રામ પંચાયતોએ આ કામગીરીમાં રસ દાખવ્યો નથી.

Copyright   © Gujarat Samachar