મંત્રીઓ જવાના હોય તે વિસ્તાર પર વિશેષ ઘ્યાન પ્રવેશોત્સવમાં સ્કૂલ બોર્ડનાં બાળકો માટે પૂરતી કિટ જ ન આવીઅમદાવાદ, અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ અને વિવાદ હવે એકબીજાના પર્યાય બની ગયા છે. કોઇને કોઇ બાબતે વિવાદ ઉભો કરવામાં જાણીતા મ્યુનિ. સ્કૂલ બોર્ડના અધિકારીઓએ હવે પ્રવેશોત્સવનાં બાળકોને પૂરતી કિટ ન આપીને નવો જ વિવાદ છંછેડ્યો છે. મંત્રીઓના વિસ્તારમાં પૂરતી કિટ આપીને બાકીના બાળકોને લટકાવી દેવાતાં હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત, ૩૦,૦૦૦થી વઘુ કિટની જરુરિયાત સામે કેટલીય કિટ તો ૩૦ ટકા જ આવી છે. પસંદગીનાં બાળકોને જ કિટ અપાતી જોઇ બીજાં બાળકો હતાશ ઃ વિપક્ષના આક્ષેપ વચ્ચે પાંચ દિનમાં કિટ આપવાનો સ્કૂલ બોર્ડના ચેરમેનનો બચાવ મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં કોંગ્રેસ પક્ષના સભ્યોએ આજે આક્ષેપ કર્યો હતો કે મ્યુનિ. સ્કૂલના બાળકોને પૂરતી કિટ આપવામાં ન આળતાં માત્ર શાળાદિઠ પાંચેક બાળકોને જ કિટ અપાય છે. આ જોઇને જે ગરીબ બાળકોને કિટ ન મળી હોય તે ખૂબ જ હતાશ થઇ જાય છે. કેટલાક કિસ્સામાં બાળકો રડી પણ પડ્યા હોય તેવા બનાવ બન્યા છે. સ્કૂલ કિટ ઓછી આવવા બાબતે સ્કૂલ બોર્ડના ચેરમેન મનુભાઇ રાવલને પૂછાતાં તેમણે કિટ ઓછી આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં અમે પ્રતિકાત્મક રીતે પાંચ વિદ્યાર્થીઓને કિટ આપીએ છીએ. પરંતુ આગામી દિવસોમાં અમે તમામ બાળકોને કિટ આપી દઇશું. શનિ-રવિની રજા પછી અમે એ કામગીરી પર ઘ્યાન આપીશું. ચેરમેન ભલે ગમે તે કહેતા હોય પરંતુ સ્કૂલ બોર્ડની કિટ ખરીદવામાં ભારે અનિયમિતતા થઇ છે. આગોતરા આયોજનના અભાવે ગરીબ બાળકોને ભણવા માટે પ્રોત્સાહનરુપે અપાતી કિટ પણ અધિકારીઓ લાવી શક્યા નથી. બાળકો માટે ૩૦,૧૦૦ સ્લેટની સામે પેન્સિલ માત્ર ૧૦,૦૦૦ આવી હતી. આ ઉપરાંત, બુટમોજા ૧૬,૪૦૦ જોડી, દેશીહિસાબ ૧૪,૮૦૦ તેમજ અતિમહત્વની સ્કૂલબેગ તો માત્ર ૯૧૭૮ જ આવ્યા છે. બાળકોને આપવાના ચડ્ડી-ટીશર્ટ માત્ર ૫૦૦ જોડી જ આવતાં કોને ડ્રેસ આપવો અને કોને ન આપવો તે પ્રશ્નો સર્જાયા હતાં. વિપક્ષે આરોપ કર્યો હતો કે ૨૭ ફેબુ્રઆરીના રોજ કિટ માટે વર્તમાનપત્રોમાં જાહેરાત આપ્યા છતાં છેલ્લી ઘડીએ કિટ શા માટે ખુટી પડી. વિપક્ષે પ્રવેશોત્સવ અને તાલીમોના તાયફા બંધ કરીને બાળકોનો ભણતરનો સમય વ્યય બંધ કરવાની માંગ કરી છે. છેલ્લી માહિતી મળ્યા મુજબ ગુરુવારે ૮૫૦૦ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો જેમાંથી ઘણા બધા કિટથી વંચિત રહ્યા હતાં. |