બિજલ જોશી કેસ પછી પણ આંખો ઊઘડી નથી
સુરત ગેંગરેપ જેવી ઘટના પછી જ પોલીસ જાગશે?
અમદાવાદ
ગુજરાતમાં યુવતીઓ અડધી રાતે પણ મુક્તમને ફરી શકે છે તેવા દાવાઓને ભ્રામક પૂરવાર કરતી અનેક ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદની બિજલ જોશી, જૂનાગઢની ચાંદનીની હત્યા, પાટણ ગેંગરેપ પછી સુરત ગેંગરેપની ઘટનાઓ બની હોવા છતાં અમદાવાદ પોલીસે એવી રીતે આંખો મીંચી દીધી છે કે વઘુ એક વખત ગેંગરેપની ઘટના બને તો જ કુંભકર્ણ નંિદ્રામાંથી જાગવું.
તરૂણીઓ હિમ્મતપૂર્વક ગેંગરેપના પ્રયાસની ફરિયાદ કરે તો પોલીસની નફફટાઈનો નકાબ ચીરી શકાય
અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડીના પરિમલ ગાર્ડનમાં ધોળાદિવસે બપોરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ધો. ૮ કે ૯માં અભ્યાસ કરતી અંદાજે ૧૪ વર્ષની બે વિદ્યાર્થિનીઓને ચાર લૂખ્ખાઓએ સરેઆમ છેડછાડ કરી નિર્લજજ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સદ્દનસીબે લોકોની મદદ સમયસર મળી જતાં આ તરૂણીઓની ઈજજત બચી ગઈ છે. પરંતુ, પોલીસ તંત્ર હવે હેવાનોની આબરૂ બચાવવી હોય તેમ આવો કિસ્સો જ બન્યો નહીં હોવાની વાત કરી રહી છે. આવા ગંભીર કિસ્સાની વાત કરવા માટે કોઈ ખૂલીને આગળ આવતું ન હોવાથી પોલીસ ફરિયાદી ન હોવાની વાત કરી પાપીઓને છાવરવામાં મશગૂલ બની છે.
સૂરત ગેંગરેપ કેસમાં ધો. ૧૨ની વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી અને આરોપીઓને ઓળખી બતાવતાં તેમના તમામ પાપ ખૂલ્લા પડી રહ્યાં છે. શાળાએ ન જતાં બગીચામાં ગઈ હોવાની વાત છૂપાવવા માટે પરિમલ ગાર્ડનમાં બચી ગયેલી બે તરૂણીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવી નથી. આ તરૂણીઓ હિમ્મત દાખવે અને તેના પરિવારજનો પણ તેને સહકાર આપે તો અત્યાર સુધી નફફટાઈપૂર્વક વર્તી રહેલી પોલીસનો નકાબ ચિરાય તેમ છે.
દરરોજ હજારો લોકો ફ્રેશ થવા આવે છે તે પરિમલ ગાર્ડનમાં ગેંગરેપનો પ્રયાસ સામાન્ય ઘટના નથી જ. આમ છતાં, પોલીસ જાણે ગંભીર ઘટના ન બની જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવા તૈયાર હોય તેમ અત્યાર સુધી જણાતું નથી. લોકોએ બે દીકરીઓની આબરૂ બચાવી છે ત્યારે સામાજીક જવાબદારીના ભાગરૂપે પોલીસની આંખો ખોલવાનું અને આવા હેવાનોને ખૂલ્લા પાડવાનું કામ પણ હવે લોકોએ જ કરવું પડશે.