home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
સૂર્યોદય પછી થોડી વાર માટે અંધારું થઇ જવાની ઘટના વિરલ
૨૨ જુલાઇના સૂર્યગ્રહણને પ્રવાસન આકર્ષણ બનાવવા માટે કવાયત

અમદાવાદ,

બાવીસ જુલાઇના સંપૂર્ણ સૂર્યગ્રહણની શરૂઆત તારીખ ૨૨ જુલાઇએ ગુજરાતના સુરતના દરિયા તટેથી થવાની છે. આ દિવસે સૂર્યગ્રહણ એક પ્રવાસનના ઇવેન્ટ તરીકે ઉભરી આવે તે માટેના પ્રયત્નો રાજ્ય સરકારે શરૂ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે ચર્ચા કરવા માટે સુરતના કલેક્ટરને આવતા અઠવાડિયે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે.

સાયન્સ સિટી દ્વારા સુરત, ભરૂચ, વડોદરામાં સૂર્યગ્રહણનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ થશેઃ સોલાર કિટો વહેંચવાનું શરૂ

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ જુલાઇએ સવારે ૬ઃ૦૮ વાગ્યે સુરતમાં સૂર્યોદય થશે પછી અજવાળું થવા માંડશે પરંતુ ૬ઃ૨૧ વાગ્યે સોળમી સેકન્ડે સૂર્ય પર ચંદ્રની છાયા આવી જશે અને પુનઃ રાત્રિની માફક અંધારું થઇ જશે. આના કારણે પક્ષીઓ અવઢવમાં મૂકાશે. અંધકારભરી આ સ્થિતી ૬ઃ૨૪ વાગ્યે ૩૩.૪મી સેકન્ડે પૂરી થશે. એ દરમિયાન અંધકારની ટોચની સ્થિતી ૬છ૨૨ મીનીટે ૫૪મી સેકન્ડે આવશે. લોકોને કુલ ૩ઃ૧૭ મિનીટના સંપૂર્ણ સૂર્યગ્રહણનો અનુભવ થશે. સૂર્યગ્રહણ સુરતથી આગળ મઘ્યપ્રદેશ થઇને તિબેટ તરફે ભારતમાંથી બહાર નીકળવાનું છે. આ રૂટ પરના ઘણા સ્થળોએ દિવસના જ અંધકાર થઇ જાય એવી અનોખી ઘટનાસભર સૂર્યગ્રહણને પ્રવાસન પ્રોડક્ટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. એ જોતા હવે ગુજરાતનું તંત્ર પણ જ્યાંથી સૂર્યગ્રહણ શરૂ થવાનું છે એવા સુરતમાં સૂર્યગ્રહણ જોવાનું એક સ્થળ નક્કી કરી તેને લગતા કાર્યક્રમો ઘડી કાઢવા પ્રયત્નશીલ થયું છે.

ગુજરાતમાં સુરત સિવાય વડોદરામાં પણ સૂર્યગ્રહણ જોઇ શકાશે. વડોદરામાં ૨૨ જુલાઇએ સવારે ૬ઃ૦૫ વાગ્યે સૂર્યોદય થશે પછી ૬ઃ૨૨ વાગ્યે ૪૧.૩મી સેકન્ડે સંપૂર્ણ સૂર્યગ્રહણ શરૂ થશે જે ૬ઃ૨૩ વાગ્યે ૨૦.૬મી સેકન્ડે તેની ટોચ પર પહોંચીને ૬ઃ૨૩ વાગ્યે ૫૯.૯મી સેકન્ડે સમાપ્ત થશે. આમ વડોદરામાં સંપૂર્ણ ગ્રહણની પરિસ્થિતી સુરત કરતા ઓછા સમય માટે એટલેકે ૧ઃ૧૯ મિનીટ માટે દેખાશે.

ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણને વિમાનમાંથી જોવા માટે ખાનગી કંપનીઓએ ખૂબ જ ઉંચી કંિમતની ટિકીટવાળા પેકેજ જાહેર કર્યા છે. સૂર્યગ્રહણના દિવસે વિમાન સુરતથી પૂર્વ ભારત સુધી ગ્રહણની સાથે સાથે ઉડે તેને બારીમાંથી જોવાની ટિકીટ એંશી હજાર રૂપિયાની છે. આનાથી વિપરીત સૂરત અને વડોદરામાં લોકો મફતમાં જ સૂર્યગ્રહણ જોઇ શકશે.

દરમિયાન અમદાવાદની સાયન્સ સિટી દ્વારા સૂર્યગ્રહણ માટેની કીટ બનાવવામાં આવી છે જેનું વિતરણ પણ શરૂ થઇ ગયું છે. આ કીટમા સૂર્યગ્રહણ જોવા માટેના સોલાર ચશ્મા, પીન હોલ કેમેરા વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ સિટી દ્વારા મઘ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ગુજરાતના વીસ વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ જોવા માટે લઇ જવામાં આવનાર છે. ઉજ્જૈનમાં દિવસનું ખાસ્સું અજવાળું થઇ ગયા પછી અને સંભવિત રીતે તડકો પણ નીકળ્યા પછી સૂર્યગ્રહણનું અંધારુ થઇ જવાનું છે.

Copyright   © Gujarat Samachar