‘સાંભળ્યું છે કે, પ્લેન હાઈજેક થવાનું છે’ અમદાવાદ એરપોર્ટ ઉપર બે ધમકીભર્યા ફોનથી દોડધામ અમદાવાદ, શુક્રવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આજે બપોરના સમયે બે ધમકીભર્યા ટેલીફોન આવતા દોડધામ મચી ગઈ હતી. પ્લેન હાઈજેક થવાની વાત સાંભળી હોવાની જાણકારી આપતો ફોન આવ્યા પછી કલાકમાં પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવતાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. ધમકીભર્યા ફોનથી એરપોર્ટ ઉપર બે કલાક સુધી તનાવની સ્થિતિ સર્જાઈ હતી. બેન્ક મેનેજરના નામે પ્લેન હાઈજેક થવાની વાત અને બીજા ફોનમાં પ્લેનમાં બ્લાસ્ટની ધમકી આપી અમદાવાદ એરપોર્ટના એર ટર્મીનલ મેનેજર રૂમના ફોન ઉપર આજે બપોરે ૩ વાગ્યાના અરસામાં કોઈએ ફોન કરીને કહ્યું હતું કે- ‘હું આઈસીઆઈસીઆઈ બેન્કનો મેનેજર બંસલ બોલું છું અને બે વ્યક્તિને એવી વાત કરતા સાંભળ્યા છે કે, કોઈ પ્લેન હાઈજેક થવાનું છે.’ ભારતમાંથી કોઈ પ્લેન હાઈજેક થવાની ભીતિ અગાઉથી વ્યક્ત થઈ ચૂકી છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને તમામ આવતા જતા વિમાનો તથા મુસાફરોની તપાસ સઘન બનાવવામાં આવી હતી. એવામાં બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં ઈન્ડીયન એરલાઈન્સના મેનેજરની ઓફીસના ફોન ઉપર કોઈએ મજીદખાન તરીકે ફોન ઉપર ઓળખ આપી એવી ધમકી આપી હતી કે- ‘ફલાઈટમાં બ્લાસ્ટ કરી ઉડાવી દઈશ.’ બે ધમકીઓ મળતાં પોલીસ, બોમ્બ સ્કવોડ, ક્રાઈમ બ્રાંચ અને ગુપ્તચર એજન્સીઓ સહીતના કાફલાએ વિમાનો અને ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મીનલની સઘન તપાસ બાદ સબ સલામતનો આદેશ કર્યો હતો. બપોરે ૩ વાગ્યે કોલર આઈ.ડી.માં નોંધાયેલા નંબરની તપાસ કરવામાં આવતા આ ફોન લો ગાર્ડન પાસેના એસ.ટી.ડી. પી.સી.ઓ. ઉપરથી આવ્યો હતો. બાઈક ઉપર આવેલો ૪૦થી ૪૫ વર્ષની વયનો શખ્સ ફોન કરી ગયાની વિગતો ખૂલતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે, બેન્કમાં બંસલ નામના કોઈ મેનેજર ન હોવાની વિગતો ખૂલી હતી. જ્યારે, બીજો ધમકીભર્યો ફોન ક્યાંથી આવ્યો હતો તે કોલર આઈ.ડી. ન હોવાથી સ્પષ્ટ થયું નથી. આ અફવાના કારણે અમુક ફલાઈટો મોડી પડી હતી. |