home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ઓબામાનો માર્ગ સરળ બનાવવામાં રૂપેરી સૃષ્ટિનો ફાળો જેવો તેવો નથી

૨૦મી જાન્યુઆરીએ બરાક ઓબામાએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તરીકે સોગંદ લીધા. આ એક બિનગોરા કે શ્યામ પ્રમુખ છે. લેખકો અને સમીક્ષકોએ માર્ટિન લ્યૂથર કંિગ અને બીજા શ્યામ ચંિતકોને યાદકર્યા પરંતુ એક હકીકત ભૂલી જવાઇ અને તે એ કે જાણે-અજાણે હૉલિવૂડે પણ બરાક ઓબામાનો માર્ગ સરળ કરવામાં યથાશક્તિ ફાળો આપ્યો ગણાય.

વાસ્તવ જીવનમાં બરાક ઓબામા જેવા અશ્વેત નેતા અમેરિકી પ્રમુખ બન્યા એ પહેલાં રૂપેરી પરદે અને ટીવી પ્રોગ્રામમાં ઘણા ‘અશ્વેત અમેરિકી પ્રમુખ’ આવી ગયા. માત્ર બે ચાર દાખલા જોવા હોય તો જુઓ- ‘ધ મેન’ ફિલ્મમાં જેમ્સ અર્લ જોન્સ, ફિલ્મ ‘ડીપ ઇમ્પેક્ટ’માં મોર્ગન ફ્રીમેન, ફિલ્મ ‘હેડ ઑફ ધ સ્ટેટ’માં ક્રિસ રૉક અને ટેલિવિઝન શૉ નામે ‘૨૪’માં ડેનિસ હેઝબર્ગ- આ તમામ ફિલ્મ-ટીવી પ્રોગ્રામમાં અશ્વેત પ્રમુખો ચમક્યા અને એ બાબતે પણ ઓબામાના આગમનને વઘુ સહ્ય અને વઘુ સરળ બનાવ્યું.

એક સમય હતેા જ્યારે હૉલિવૂડમાં શ્યામ કલાકારો તરફ હલકી નજરે જોવામાં આવતું. તેમને ઘરનોકર કે ડ્રાઇવર કે બાવર્ચી જેવા અને તદ્દન મામૂલી કહી શકાય એવા રોલ ઑફર કરવામાં આવતા. ઘણી વાર તો તેમને અન્ય કલાકારોની તુલનાએ મહેનતાણું પણ તદ્દન નજીવું કે ચણા-મમરા જેટલું ચૂકવાતું.

આ વાત લગભગ પચાસ વરસ પહેલંાની છે. અથવા કહો કે ઓબામાની વય જેટલાં એટલે કે ૪૭ વરસ પહેલાંની છે. એક તરફ ચાર્લ્સ બર્નેટ, સ્પાઇક લી અને જ્હૉન સંિગલટન જેવા ફિલ્મસર્જકો અને બીજી તરફ પોતાની કલાથી રૂપેરી પરદે પોતાનું સ્થાન જમાવનારા શ્યામ કલાકારોએ પરિસ્થિતિ બદલવામાં માતબર ફાળો આપ્યો.દાખલા તરીકે ‘ઇન્ડિપેન્ડન્સ ડે’માં ચમકેલો વીલ સ્મિથ. સદ્‌ભાગ્યે આજે એવી પરિસ્થિતિ રહી નથી. જો કે એ સ્થિતિ સર્જવા માટે પણ શ્યામ કલાકારોએ રીતસર ખૂન-પસીનો વહાવ્યો છે. ૧૯૬૦ના દાયકામાં શ્યામ કલાકાર સિડની પોઇતિયરે એટલો જબરદસ્ત પરિશ્રમ કર્યો કે એને ફિલ્મના ટાઇટલમાં સૌથી પહેલો ચમકાવવામાં આવતેા એટલું જ નહીં પણ એને ઓસ્કાર એવોર્ડ સુદ્ધાં મળ્યો. અલબત્ત, પોઇતિયરનો પણ કટ્ટર વિરોધ થયેલો પણ એણે પ્રતિકાર કરવાને બદલે ‘ઇન ધ હિટ ઑફ ધ નાઇટ’ અને ‘ગૅસ હૂઝ કમંિગ ટુ ડિનર ?’ જેવી ફિલ્મોમાં સશક્ત અભિનય દ્વારા પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી.

પછી તો લગભગ દરેક શ્યામ કલાકારે પોતાની ટેલેન્ટનો પરચો આપવા માંડ્યો. સ્થળસંકોચને કારણે અહીં તમામ શ્યામ કલાકારોની તવારીખ આપવી શક્ય નથી પરંતુ ૨૦૦૨માં બીજા એક શ્યામ કલાકારને ઓસ્કાર એવોર્ડ મળ્યો. એનું નામ ડેન્ઝેલ વૉશંિગ્ટન. એણે ફિલ્મ ‘ટ્રેનંિગ ડે’ ફિલ્મમાં લોસ એંજલ્સના પોલીસ ડિટેકટિવની અફલાતૂન ભૂમિકા ભજવીને ઓસ્કાર આંચકી લીધો. એમ તો ઓપર્રાહ વિનફ્રેના ટીવી શૉએ પણ શ્યામ કલાકારો પ્રતિભાની દ્રષ્ટિએ જરાય ઊતરતા નથી એ દેખાડી આપ્યું છે. ૧૯૮૪માં બિલ કોસ્બીએ પોતે યુવાન શ્યામ કલાકારો માટે ફાધર ફિગર બની શકે છે એ પુરવાર કરી આપ્યું હતું. એનો ‘કોસ્બી શૉ’ ઘૂમ લોકપ્રિયતાને વર્યો હતો. કોસ્બીએ અમેરિકી સમાજના મોટા ભાગના લોકોનો શ્યામ કલાકારો માટેનો પૂર્વગ્રહ ઓગાળી નાખવામાં ધરખમ ફાળો આપ્યો એમ કહી શકાય. અને આજે તો ઢગલાબંધ શ્યામ કલાકારો ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકેની ભૂમિકા ભજવતા થયા છે. ખાસ કરીને હૉલિવૂડની મોટા ભાગની એક્શન ફિલ્મો જુઓ તો એમાં શ્યામ કલાકારો પોતાના બાવડાના ગોટલા ચડાવતા નજરે પડશે.

માર્ટિન લ્યૂથર કંિગ જેવા આગેવાનો અને વિચારકોના ફાળા અંગે શંકા નથી પરંતુ એક વાત નક્કી કે કરોડો લોકો પર જે અસર ફિલ્મો કે ટીવી પ્રોગ્રામ કરે છે એવી અસર બીજાં પ્રચાર માઘ્યમો બહુ ઓછી કરે છે. એક કરતાં વઘુ અશ્વેત કલાકારો મૂગે મોઢે પોતાની ફિલ્મો દ્વારા કરોડો લોકોે પ્રભાવિત કરતા રહ્યા અને જાણે-અજાણે તેમના મનમાં અશ્વેત લોકો માટે માન તથા પ્રેમ જગાડતા રહ્યાં. કદાચ એટલે જ ઓબામાના સોગંદવિધિ વખતે હાજર રહેલા લાખો લોકોમાં અડધો અડધ લોકો ગોરા અમેરિકનો હતા. એ બધા ભૂલી ગયા હતા કે બરાક ઓબામા કોઇ અશ્વેત વ્યક્તિ છે. એમને તો આ વ્યક્તિમાં પોતાની મોટા ભાગની સમસ્યાઓનો તારણહાર દેખાયો. વિશ્વના બીજા કોઇ પણ નેતાની જેમ ઓબામા પાસે પણ જાદુઇ લકડી નથી કે રાતોરાત બધી સમસ્યાઓનું નિરાકરણ કરી નાખે. ઊલટું અગાઉના બીજા કોઇ પણ પ્રમુખ કરતાં એના પર વઘુ જોખમ છે કારણ કે એણે શબ્દો ચોર્યા વિના આતંકવાદને ખતમ કરવાની જાહેરાત કરી છે. એની સાથે દેશના હજારો નાગરિકોની શુભેચ્છા છે પરંતુ આર્થિક મંદી અને આતંકવાદ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે એણે ખરા અર્થમાં ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ દ્રષ્ટિએ ફિલ્મી પ્રમુખ કે નેતા કરતાં ઓબામાનું કામ કઠિન છે એ હકીકત છે.

Copyright   © Gujarat Samachar