home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

લીડર

મોરલ પોલીસ

લોક સંસ્કૃતિ, લોક લાજ, નૈતિક ફરજો વગેરેનું રક્ષણ કરતી મોરલ પોલીસ આજકાલ ટીકાના કેન્દ્રમાં છે. આ લોકોની કમનસીબી એ છે કે તેઓ મારઝૂડ કરે છે. એક તરફ વૈશ્વિકરણની ઝુંબેશ ચાલે છે, મલ્ટીનેશનલ કંપનીઓ ડેરા-તંબુ નાખીને બેઠી છે ચોમેર વિદેશનો ‘ઓપન’ ટચ અનુભવાઈ રહ્યો છે ત્યારે આ મોરલ પોલીસની ધાંધલ-ધમાલ અસ્થાને છે. મેંગલોર પર ‘પબ’ પરનો હુમલો કેટલો વાજબી છે તે અંગે પાને-પાના ભરાય એટલા મટીરીયલ છે પરંતુ તેમાં એક બીજા પર થૂંક ઉડાડવા સિવાય બીજું કશું નથી. મુંબઈમાં ડાન્સબાર બંધ થયા અને બારગર્લ નાચતી બંધ થઈ પરંતુ હવે એ લોકો બીજા ફોર્મમાં પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે. જેમકે ફાઈવ સ્ટારમાં ડાન્સ, પ્રાઇવેટ પાર્ટીઓ, લગ્ન પાર્ટીઓ વગેરેમાં તેઓ બિન્દાસ્ત ડાન્સ આઇટમ આપે છે. ‘પબ’ સેન્ટરોમાં ચાલતી ગેરરીતીઓ લોકોથી બહુ અજાણ નથી. આવી પ્રવૃત્તિઓ સ્થાનિક યુવા ધનને બગાડે છે, માટે જ મોરલ પોલીસને ઠેક ઠેકાણેથી આવકાર મળી રહ્યો છે. અહીં સમસ્યા મોરલ પોલીસ દ્વારા મોરલના નામે થતી ગુંડાગીરી માટે છે. તેઓ કામ ઓછું કરે છે પણ સમાચાર માઘ્યમોમાં તે ચગવવા માંગે છે. આવી પોલીસ મૂક આંદોલન કરે તો પણ પબ ચલાવનારા ભાગી જાય. આવા કામ માટે ગાંધીગીરી અમલમાં લાવવી જોઈએ. સેંકડોની સંખ્યામાં મોરલ પોલીસ ‘પબ’ની બહાર બેનર લઈને ઊભી થાય જો તો પબના માલિકોને જાતે તાળા મારવા પડે !! સ્થાનિક લોકો પબ ચલાવીને તગડી કમાણી ઉભી કરે છે, અને લોકોને જોઈતી તમામ વસ્તુઓ પુરી કરી આપતી એક દૂષણ-ચૅનલ ઉભી થઈ જાય છે.

ગોવા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે વિદેશી ટુરીસ્ટોને આવકારવા અહીં જાહેરમાં અને પડદા પાછળ અનેક છૂટો આપવામાં આવી છે. સ્થાનિક લોકો જ સવલતો ઉભી કરી આપે છે અને સ્થાનિક લોકો જ બદનામ થાય છે. ગોવામાં તો વેસ્ટર્ન ટચ એટલી માત્રાએ વધી ગયો છે કે ભારતના પ્રવાસીને એવું લાગે કે તે કોઈ વિદેશી ટાપુ પર ફરી રહ્યો છે. મોરલ પોલીસના કાફલાને કાફલા તેમને અટકાવી શકે એમ નથી. મેંગલોર, બેંગલોર, દિલ્હી વગેરે સ્થળોએ ચાલતી નાની પાર્ટીઓમાં દુનિયાની તમામ બદીઓની પ્યાલી નજરે પડતી હોય છે.

પોલીસ ખાતાએ પોતે જ મોરલ પોલીસ ઉભી કરવી જોઈએ. જયાં ભારતની સંસ્કૃતિ પર ઘા પડતાં દેખાય ત્યાં આ મોરલ પોલીસ આડે આવી જાય એમ કરવું જોઈએ. આવા સ્વૈચ્છિક સેવા આપતા હજારો લોકો મળી શકે છે અને તેમને સેવા માટે સમજાવી શકાય એમ છે. આવી મોરલ પોલીસ જયારે હાથમાં તલવાર કે હોકી લઈને ફરતી દેખાય છે ત્યારે સૌને આઘાત લાગે છે ના-સમજ લોકોને મારવાથી કંઈ વળવાનું નથી. જેમને સમજ છે એ તો પબ માં જવાના નથી પરંતુ જે લોકો પબમાં જવું કે ના જવું ની બોર્ડર પર ઉભા છે એવા લોકો એકાદવાર લટાર માર્યા પછી તે સ્થળના બંધાણી બની જાય છે. અહંિસક મોરલ પોલીસ ધાર્યા પરિણામો લાવી શકે એમ છે, સંસ્કૃતિની જાળવણી એ દરેકની ફરજ છે.

ઑમારનો થનગનાટ

દેશના સૌથી નાની ઉંમરના મુખ્ય પ્રધાન ઑમાર અબ્દુલ્લાનો થનગનાટ માતો નથી. જમ્મુ-કાશ્મીરમાં તે આમૂલ પરિવર્તન લાવવા માગે છે. ઑમાર પોતે ઇન્ટરનેટના આગ્રહી છે. તેઓ ઇન્ટરનેટ પરની બ્લોગ સિસ્ટમમાં માને છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટનો વ્યાપ વધારવા માગે છે, રાજયની કેબીનેટના પ્રધાનો પોતાની આવક જાહેર કરે એમ તેઓ ઇચ્છે છે. જમ્મુ-કાશ્મીરમાં ઑમારની સરકારને ૧૦૦ દિવસો પુરા થવાને વાર છે પરંતુ ત્યાં સુધીમાં તેઓ અનેક ફેરફારો લાવવા માગે છે. આ પ્રશંસનીય વાત છે. ઑમારનો આગ્રહ એવો છે કે મારા પ્રધાનો એ માત્ર એકવાર નહીં પણ દર વર્ષે આવક જાહેર કરે એવા પ્રયાસો હું કરવાનો છું. આ મુદ્દો ખૂબ આવકારદાયક છે. ઑમાર અબ્દુલ્લાને કોંગ્રેસનો ફુલ ટેકો છે, સોનિયા ગાંધીએ તેમની શપથવિધિમાં હાજર રહીને બતાવી આપ્યું હતું કે તેઓ ઓમારની સાથે છે. રાહુલ ગાંધીની લોબી પણ આ યુવા ચહેરા છે. પરંતુ આ પ્રેમતરકટી ના નીકળે તે જરૂરી છે. ઓમાર રાજકારણના આટાપાટા, પિતા ફારૂક અબ્દુલ્લા પાસેથી શીખ્યા છે. એ હકીકત કોંગ્રેસે ભૂલવી ના જોઈએ.

ઓમાર એ ઉકળતું લોહી છે. વઘુ પડતી ઉતાવળ અને સ્માર્ટનેસ સેન્સીટીવ રાજ્યમાં મુશ્કેલી ઉભી કરી શકે એમ છે. જમ્મુ-કાશ્મીર જોખમોથી ભરેલું છે. અહીં તોફાનગ્રસ્ત પવન ફૂંકાતો રહે છે. ઓમારે હજુ પીપલ્સ ડેમોક્રેટીક ફ્રંટનો પણ સામનો કરવાનો છે. શરૂઆતમાં ઠંડા બેઠેલા દેખાતા આ પક્ષને ગમે ત્યારે વાંકુ પડે એમ છે. જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી તત્વો થોડો સમય શાંતિ રાખીને ઓમારની કામગીરીનો તાલ જોશે અને પછી પોતાના મેલા હાથ લંબાવશે. ઓમાર પણ તમામ શક્તિઓ કામે લગાડીને રાજયને ભાગલાવાદી તત્વોની પકક્ડમાંથી છોડાવી વિકાસના કામો કરવા મક્કમ બન્યો છે.

Copyright   © Gujarat Samachar