home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

મેરા ભારત મહાન

લગ્નની એનિવર્સરી વખતે પત્નીને વાઘણની ભેટ

લગ્નની એનિવર્સરી વખતે કોઈ પતિદેવ પત્નીને સોનાનો સેટ કે હીરાજડિત હાર, મોંઘી દાટ સાડી કે ડ્રેસ, કૂકંિગ રેન્જ કે ડિનર સેટ જેવી જાત જાતની ભેેટ આપતા હોય છે. પરંતુ ભોપાલના ગુલરેઝ અહમદે શાદીની ત્રીજી સાલગિરહ વખતે બીબીને સોગાતમાં શું આપ્યું ખબર છે? એક ખૂનખાર વાઘણ. કેવી હટકે ભેટ આપી કહેવાય? જો કે ગુલરેઝે વાઘણને ઘરે લાવીને બીબીને તોહફા તરીકે નથી આપી. એણે તો વનવિહાર નેશનલ પાર્કનાં જંગલી પ્રાણીઓ દત્તક લઈને તેનો ખાવાપીવાનો ખર્ચ ઉઠાવવાને લગતી ખાસ સ્કીમ હેઠળ વાઘણને ત્રણ મહિના માટે ૩૬ હજાર રૂપિયા ચૂકવી દત્તક લીધી.

પત્નીને નામે દત્તક લીધેલી વાઘણના બદલામાં નેશનલ પાર્ક તરફથી ગુલરેઝને ખાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ૨૦૦૯થી જ શરૂ થયેલી આ સ્કીમ હેઠળ અગાઉ બે અજગરને આ રીતે દત્તક આપવામાં આવ્યા છે. આવી હટકે ભેટ મળે પછી કોઈ બીબી મેરેજ એનિવર્સરી ભૂલે? ભૂલકણાં પતિદેવો માટે એવુંકહેવાય છે કે તમને પણ કાયમ માટે લગ્નની તારીખ યાદ રહી જાય એ માટે એક વાર તારીખ ભૂલી જુઓ. વહુ જ વાધણ બની જશે.

મંદી અને મોંઘવારી સામે બાથ ભીડતો એમપીનો ખલી

હિમાચલ પ્રદેશના દિલીપસંિહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીએ અમેરિકા જઈ ડબલ્યુ.ડબલ્યુ.એફ.ની કુસ્તીમાં ઝૂકાવી બેશુમાર દૌલત અને શોહરત હાંસલ કરી છે. રસ્તા પર પથ્થર ફોડીને મજૂરી કરી ચૂકેલો ખલી આજે ભલભલા પહેલવાનોના માથા ફોડી રહ્યો છે.

હવે ખલીના વતન હિમાચલ પ્રદેશથી જોજનો દૂર આવેલા મઘ્ય પ્રદેશના બૈરાગઢમાં બીજો ખલી પાકયો છે. સાત ફૂટ બે ઈંચ ઊંચાઈ, ૧૬૫ કિલોગ્રામ વજન અને ૫૩ ઈંચની છાતી સાથે રાક્ષસી કાયા ધરાવતા એમપીના ૨૬ વર્ષના ખલીનું સાચું નામ ધર્મપ્રકાશ ભોેજવાની છે.

ધર્મપ્રકાશની તમન્ના કુસ્તીમાં ઝંપલાવી ખલીની જેમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવાની છે. પરંતુ અત્યંત સાધારણ પરિવારનો આ પહેલવાન અત્યારે તો મંદી, ંમોંઘવારી અને બેકારી આ ત્રણ આર્થિક પહેલવાનોની ત્રિપુટીનો માર ઝીલી રહ્યો છે. પોલીસમાં કે કોઈ સારી કંપનીમાં કાયમી નોકરી મળી જાય એ માટે આ તાડના ત્રીજા ભાઈ જેવો મહાકાય જણ ધરતી ધમધમાવતો આમથી તેમ ફાંફા મારતો રહે છે. ઘરે હાંડલા કુસ્તી કરે એવી સ્થિતિમાં આ ખલી કયાંથી બહાર જઈ કુસ્તી કરે? ખેલકૂદ પાછળ કરોડો રૂપિયા ખર્ચતા વામણા નેતાઓની નજરે હજી સુધી આટલો ઊંચો પહેલવાન નહી ચડયો હોય?

કુર્સી સંભાલ કે

નેતાઓ એક વાર ખુરશી પર ચોંટીને બેસી જાય પછી એમને ઊથલાવવામાં બહુ મુશ્કેલી પડે છે. પણ પોતાની મેળે ઊથલી પડે એ જુદી વાત છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદુયરપ્પા આવી જ રીતે ખુરશી પરથી ભોંયભેગા થઈ ગયા હતા ને? મહારાષ્ટ્ર-કર્ણાટકના સીમા વિવાદે ફરી માથું કાઢતા ભાજપી ચીફ મિનિસ્ટર યેદુયરપ્પાની ખુરશી ઘુ્રજવા માંડી હતી. એમા ંવળી મેંગલોરમાં શ્રીરામ સેનેના ગુંડાઓએ પબ પર હુમલો કરી ત્યાં ગયેલા યુવક-યુવતીઓની આડેધડ મારપીટ કરતા દેશભરમાં ઊહાપોહ મચી ગયો.

ભાજપને આ રામનામી સેના સાથે કોઈ સંબંધ નથી એવો ખુલાસો કરવા અને પક્ષની ઈંમેજ બચાવવા રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજનાથ સંિહ પણ મેંગ્લોર દોડી ગયા હતા. શ્રીરામસેને સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી એ જાહેર કરવા ભગવા પાર્ટીએ જે પત્રકાર પરિષદ બોલાવી એ વખતે ચીફ મિનિસ્ટર સાહેબ ખુરશીમાં બેસતી વખતે ભોંયભેગા થઈ ગયા હતા. બધાની નજર સામે ખુરશી જાય ત્યારે કેવું ખરાબ લાગે? આ દેશ પહેલાં કૃષિ-પ્રધાન હતો, હવે કુર્સી-પ્રધાન બની ગયો છે. આ ખુરસીદાસોને જોઈને જ એક હિન્દી કવિએ ડેમોક્રેસીનું ગજબનું હિન્દીકરણ કર્યું છે. ઃ દે-મોહે-કુર્સી. સૂર્યભાનુ ગુપ્ત લખે છે કે આદમી કુર્સી બનાતા હૈ, પર કુર્સી આદમી નહી બનાતી.

કબૂતર લડે અને

કપૂતર લડે

કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે છે. એટલે પંડિત જવાહરલાલ નેહરુ શાંતિનો સંદેશ ચારે તરફ ફેલાવવા માટે પ્રસંગોપાત શ્વેત કબૂતરો ઊડાડતા. પરંતુ પંડિતજીની જ માતૃભૂમિ ઉત્તર પ્રદેશના. માયારાજમાં આજે શાંતિના દૂત સમા કબૂતરોને લડાવીને જાહેરમાં જુગાર ખેલાય છે. કૂકડાની લડાઈની જેમ નવાબી શહેર અને યુપીના પાટનગર લખનઉમાં પાળેલા કબૂતરોને પગે છલ્લાં બાંધીને લડાવવામાં આવે છે. આ તો ભાઈ લોકશાહી છે. એક તરફ કબૂતર લડે અને બીજી તરફ સત્તા માટે લોકતંત્રના કપૂતર લડે.

પતિને ભરણ પોષણ આપવા પત્નીને આદેશ

છૂટાછેડાના કેસમાં સામાન્ય રીતે પતિએ જ પત્નીને ભરણપોષણ આપવું પડતું હોય છે. પરંતુ દિલ્હીની એક કોર્ટે સારૂ કમાતી પત્નીને જ આદેશ આપ્યો હતો કે છૂટા પડયા પછી દર મહિને પાંચસો રૂપિયા પતિને ચૂકવવા પડશે. શરીરને પોષણ વિના ન ચાલે અને સંસારમાં તિરાડ પડે ત્યારે ભરણપોષણ વિના ન ચાલે.

નજાફગંજનીએક મહિલાએ બિમાર અને પથારીવશ પતિ સાથે છેડો ફાડતી વખતે કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૪ હેઠળ ભરણપોષણનો દાવો માંડયો હતો. પરંતુ આ દાવો બૂમરેંગ થયો. એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ઊમેદસંિહે પતિ અને પત્નીની આર્થિક સ્થિતિ અને આવકની પૂરેપૂરી તપાસ કર્યા બાદ પત્નીને જ ઓર્ડર છોડયો કે તારે જ વિખુટા પડેલા વરજીને ભરણપોષણ આપવું પડશે ઉપરાંત કોર્ટ કચેરીના ખર્ચ પેઠે બીજા સાડાત્રણ હજાર રૂપિયા પણ ચૂકવવા પડશે. પતિદેવ ભારે પાક્કો નીકળ્યો તેણે પત્નીનું ઈન્કમટેક્સ રિટર્ન દેખાડી પૂરવાર કર્યું કે નર્સરી કલાસ ચલાવીને વહુજી મહિને નવ હજાર કમાય છે અને આવકવેરો પણ ભરે છે. કોર્ટે આ દલીલ માન્ય રાખી અને અનોખો આદેશ આપી દીધો.

હવે તો પ્રાણી જગતની રક્ષા માટે જાતજાતના કાયદા ઘટાવવા માંડયા છે ત્યારે એવો વિચાર ઝબકી જાય કે સાસણ ગીરના જંગલમાં માંદા પડયા રહેતા સંિહથી છૂટી પડવા માગતી સંિહણે ભરણપોષણ આપવું પડશે કે હરણ-પોષણ?

પંચ-લાઈન

આળસુ વાંઢાની પ્રાર્થના ઃ હે ચોખ્ખાઈના દેવ ઘર વાળી દે અથવા ઘરવાળી છે.

Copyright   © Gujarat Samachar