home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

દિયા મિર્ઝા - વાત કરે છે તેની પસંદગી અને નાપસંદગીની

દિયા મિર્ઝાની ગણતરી બોલીવુડની ફેશનેબલ અને સ્ટાઇલિશ હિરોઇન તરીકે થાય છે. દિયા દરેક કાર્યક્રમમાં તે કાર્યક્રમને અનુરુપ ડ્રેસંિગ અને મેક-અપમાં જ જોવા મળે છે. દિયા ક્યારેય જાહેર કાર્યક્રમોમાં તેનો પોશાક રિપીટ નથી કરતી અને એટલે જ તેની પાસે ઢગલાબંધ કપડાં, મેચંિગ જુતા અને એસેસરીનો ખજાનો છે. દિયાની આ ખાસિયતને કારણે જ તેને બોલીવુડની સ્ટાઇલ આઇકન ગણવામાં આવે છે.

પોતાની પાસેના કપડાં અને જુતાના વિશાળ કલેક્શન વિશે વાત કરતા દિયા કહે છે કે ‘‘મારી પાસે એટલા બધા કપડાં છે કે એને રાખવા માટે મને છ કબાટ અને લગભગ છ મોટા ડ્રોઅરની જરૂર પડે છે. મારા જુતાના કલેક્શનને રાખવા મારી પાસે ત્રણ નાની સાઇઝના કબાટ છે. મારા આ વિશાળ કલેક્શનને કારણે જ હું અલગઅલગ કાર્યક્રમમાં નવા લુક સાથે દેખાઈ શકું છું. જોકે મારા માટે સારા દેખાવા માટે આકર્ષક ડ્રેસંિગ સાથે યોગ્ય મેક-અપનો સમન્વય હોય એ બહું જરૂરી છે. સામાન્ય રીતે મેક-અપ માટે હું આર્ટિસ્ટની મદદ લઉં છું, પણ મને મારો મેક-અપ પોતાની મેળે પણ બહુ સારી રીતે કરતા આવડે છે. મને લાગે છે કે જે વ્યક્તિને કલર કોમ્બિનેશન વિશે પાયાનું જ્ઞાન હોય તે સારી રીતે મેક-અપ કરી શકે છે. મિસ ઇન્ડિયા પેજન્ટ સ્પર્ધા વખતે અમને મિકી કોન્ટ્રાક્ટર જેવા ટોચના મેક-અપ આર્ટિસ્ટ પાસે જાતે મેક-અપ કરવાની ટ્રેનંિગ આપવામાં આવી હતી કારણ કે તે સ્પર્ધામાં દરેક સ્પર્ધકે પોતાનો મેક-અપ જાતે જ કરવો પડે છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ પોતાની ત્વચાને અને ચહેરાને આકર્ષક ભાગને વધારે સારી રીતે ઓળખી શકે છે. હું મારા મેક-અપ સાથે સતત પ્રયોગો કરીને મારા માટે અલગ લુક મેળવવાના પ્રયાસ કરતી રહું છું.’’

ફેશન અને મેક-અપ વિશેની પોતાની પસંદગી વિશે વાત કરતા દિયા કહે છે કે ‘‘હું માનું છું કે જે પહેર્યા પછી તમને મજા આવે એ જ ફેશન. હું ક્યારેય ટ્રેન્ડ કે ગાડરિયા પ્રવાહમાં તણાઈને કપડાંની પસંદગી નથી કરતી. હું ફેશનેબલ ડ્રેસ ખરીદતી વખતે મારી સગવડતાનું પહેલાં ઘ્યાન રાખું છું. સગવડતા દાયક કપડાં પહેરવાથી એક જાતનો આત્મવિશ્વાસ આવે છે અને એનાથી વિરૂદ્ધ પરિસ્થિતિમાં મુંઝવણ અનુભવાય છે. મારો ટેસ્ટ બધા કરતા અલગ છે. જો મને કોઈ વસ્તુ ન ગમે તો એ ગમે એટલી ચલણમાં કેમ ન હોય, હું ન જ વાપરું. મારા કલેક્શનમાં આખી દુનિયામાંથી ભેગા કરેલા વસ્ત્રો અને જુતાં છે. હું કોઈ ખાસ બ્રેન્ડ પાછળ પાગલ નથી. મને તો જે વસ્તુ ગમી જાય એ હું ખરીદી લઉં છું. મારા કલેક્શનમાં મને ગમી ગઈ હોય એવી ફુટપાથ પરથી ખરીદેલી વસ્તુઓ પણ છે. હું લગભગ આખી દુનિયા ફરી છું અને મને તમામ જગ્યાઓમાં લંડન સૌથી ફેશનેબલ શહેર લાગ્યું છે. અહીંની મોટાભાગની વ્યક્તિઓની ફેશન સેન્સ સારી છે. મારી પસંદગી લંડનની વ્યક્તિઓ જેવી જ છે. હું અલગઅલગ બ્રેન્ડની વસ્તુઓ મિક્સ એન્ડ મેચ કરીને વાપરવામાં માનું છું.’’

દિયા મિર્ઝા તેની દરેક ફિલ્મમાં પાત્રને અનુરૂપ ડ્રેસંિગમાં જ દેખાય છે. ફિલ્મની ડ્રેસંિગ સેન્સ રિયલ લાઇફની સ્ટાઇલ કરતા સાવ અલગ હોય છે એમ કહીને દિયા સ્પષ્ટતા કરે છે કે ‘‘મેં મારી દરેક ફિલ્મના કોસ્ચ્યુમ નક્કી કરતી વખતે ડિઝાઇનર સાથે બેસીને લાંબી ચર્ચા કરી છે. ફિલ્મમાં પાત્રને અનુરુપ ડ્રેસંિગ ત્યારે જ કરી શકાય જ્યારે તમે પાત્રને બરાબર સમજો. હું ફિલ્મના મારા કોસ્ચ્યુમની પસંદગી મારી પર્સનાલિટીના આધારે નહીં, પણ પાત્રની જરૂરિયાતને આધારે કરું છું. હું માનું છું કે યોગ્ય ડ્રેસંિગ પાત્રાલેખનનો અગત્યનો હિસ્સો છે.’’

શોપંિગ માટે પોતાની પસંદગીની જગ્યા વિશે વાત કરતા દિયા કહે છે કે ‘‘હું ડિઝાઇનર વસ્ત્રો પાછળ પાગલ નથી, પણ મને વેરહાઉસ બ્રેન્ડના વસ્ત્રો ખરેખર બહુ ગમે છે. મને તેના ડ્રેસથી માંડીને શર્ટ સુધી બધાની રેન્જ ગમે છે. ઇન્ડિયન ડિઝાઇનરોમાં હું મોટાભાગે શાંતનુ એન્ડ નિખીલ, રોકી એસ., તરૂણ તાહિલયાની, રોહિત બાલ, શહાબ દુરાઝી અને રિતુ કુમારના ડિઝાઇનર કપડાં પહેરવાનું પસંદ કરુું છું. મને દિલ્હીમાં શોપંિગ કરવાનું પસંદ છે. પરંપરાગત વસ્ત્રો મુંબઈ કરતા દિલ્હીમાં વધારે સારા મળે છે. મુંબઈમાં હું મોટાભાગે મારી ખરીદી ‘કિમાયા’, ‘ઓગાના’, ‘અમારા’ અને ‘મોગરા’ જેવા સ્ટોરમાંથી કરું છું. હું ખરીદી રતી વખતે મારી પડોશી અને ખાસ મિત્ર રિયાને હંમેશા મારી સાથે લઈ જાઉં છું કારણ કે મને તેની ક્રિએટીવ સેન્સ અને પસંદગી બહુ ગમે છે. જો મારે કોઈ ફિલ્મના લુક પર કામ કરવાનું હોય તો મારા ડિઝાઇનર મિત્રો શાંતનું અથવા તો નિખીલની સલાહ લેવાનું પસંદ કરું છું. હું જ્યારે કોઈ નવી ખરીદી કરું છું ત્યારે આટલા લોકોને તો એ બતાવી જ દઉં છું.’’

પોતાની પસંદગીના પોશાકો વિશે વાત કરતા દિયા કહે છે કે ‘‘મારા વોર્ડરોબમાં દરેક પ્રકારના કપડાં છે, પણ મને લાગે છે કે દરેક યુવતી પાસે બ્લેક ડ્રેસ તો હોવો જ જોઈએ કારણ કે બ્લેક ડ્રેસ કોઈ પણ સમયે અને દરેક પ્રસંગે શોભે છે. મારી પાસે પણ અનેક બ્લેક ડ્રેસ છે, પણ મને આ બધામાં રોકી એસ. એ મારા માટે ખાસ ડિઝાઇન કરેલું બ્લેક ગાઉન બહુ પસંદ છે. હું આ ગાઉન વારંવાર પહેરવાનું પસંદ કરું છું. આ સિવાય મને લાગે છે કે નોખી તરી આવવા માગતી હોય એવી કોઈ પણ યુવતી પાસે બ્લુ જીન્સની આકર્ષક જોડ, સફેદ લખનવી ચુડીદાર-કુર્તા અને સરખું ફિટીંગવાળું બ્લેક અને વાઇટ શર્ટ તો હોવું જ જોઈએ. આ કપડાંને મિક્સ અને મેચ કરીને પહેરી શકાય છે. આ વસ્ત્રો સાથે સ્ટિલેટો, ચંપલ કે થેલો ભરાવીને ક્લાસિક કે પછી ટ્રેન્ડી લુક સહેલાઈથી મેળવી શકાય છે. મને પોલિસ્ટર અને સિન્થેટીક કપડાં પહેરવા બિલકુલ પસંદ નથી એટલે મારા વોર્ડરોબમાં આ કપડાં માટે કોઈ સ્થાન નથી.’’

શોપંિગ કરવાની પોતાની આદત વિશે દિયા કહે છે કે ‘‘મને કારણ વગર શોપંિગ કરવાની આદત નથી. મેં સૌથી પહેલી ડિઝાઇનર ઘડિયાળ હું મિસ ઇન્ડિયા સ્પર્ધામાં જીતી પછી થયેલી કમાણીમાંથી ખરીદી હતી. મને લાગે છે કારણ અને જરૂરિયાત વગર શોપંિગ કરવાની આદત મોટી કુટેવ છે. ક્યારેક ઠીક છે, પણ એક તબક્કા પછી દરેક વ્યક્તિએ પૈસાની કદર કરવી જોઈએ. આંધળી ખરીદી પાછળ પૈસાના વેડફાટને હું વિકૃતિ ગણું છું. જો મને કોઈ વસ્તુ ગમી જાય કે એની જરૂરિયાત જણાય તો હું કંજુસાઈ નથી કરતી, પણ કોઈ ખરીદી કરતા પહેલાં હું બરાબર વિચાર કરું છું. મને કોઈ વસ્તુ બહુ ગમી ગઈ હોય, પણ મારે એની જરૂર ન હોય એટલે મેં એને ખરીદવાનો વિચાર પડતો મુક્યો હોય એવા પ્રસંગો મારી સાથે ઘણીવાર બન્યા છે. મારા માટે સ્ટાઇલ મારી પર્સનાલિટીનો એક ભાગ છે. ટુંકમાં હું જ્યારે શોપંિગ કરવા નીકળું છું ત્યારે મારા મનમાં શું ખરીદવું છે એ વિશે સ્પષ્ટતા હોય છે.’’

પોતાની પસંદગીના ફેશનેબલ ફિલ્મ કલાકારો વિશે વાત કરતા દિયા કહે છે કે ‘‘બોલીવુડમાં મને દિપીકા પદુકોણની ફેશન સેન્સ ક્લાસિક લાગે છે. તેના પોશાકો બિલકુલ ફિલ્મી નથી હોતા અને આ વાત જ મને છે. તેના કપડાં ક્લાસિક અને ગરિમાપુર્ણ હોય છે. મને લાગે છે કે કંગના રાણાવતે તેની ડ્રેસ સેન્સ અને મેક-અપ સેન્સ સુધારવાની જરૂર છે. કંગનાનો ચહેરો અને ફિગર બહુ જ આકર્ષક છે અને તે જ્યારે યોગ્ય કપડાં અને મેક-અપ કરે છે ત્યારે ગજબની ખુબસુરત લાગે છે. જોકે આવું બહુ ઓછું થાય છે કારણ કે તેણે જ્યારે સારો ડ્રેસ પહેર્યો હોય ત્યારે મેક-અપ વિચિત્ર હોય છે અને જો મેક-અપ સારો કર્યો હોય તો કપડાંના ઠેકાણાં નથી હોતા. આ સિવાય પુરુષોમાં મને હૃતિક રોશન અને જ્હૉન અબ્રાહમની ફેશન સ્ટાઇલ ગમે છે. આ બન્ને પર કોઈ પણ પોશાક દીપી ઉઠે છે.’’

Copyright   © Gujarat Samachar