home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

શાહરૂખ ખાન - કારકિર્દીનાં વીસ વર્ષ પછી પણ અભિનય કરી શકે છે એ સાબિત કરવા મેદાને પડ્યો

શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબને બના દી જોડી’ને શરૂઆતમાં મિશ્ર પ્રત્યાઘાત મળ્યા હતા. પરંતુ પાછળથી આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. ‘‘અમે આ ફિલ્મ દિલથી બનાવી હતી. અને દરેકને ફિલ્મ ગમી હતી. ફિલ્મનો વિષય ઘણો અલગ હતો. આ વિષય પર ફિલ્મ બનાવી આદિત્યએ મોટું જોખમ ખેડ્યું હતું. ‘રબને...’ હૃષિકેશ મુખર્જી ટાઈપની ફિલ્મ હતી. અને આમ પણ બોક્સ ઓફિસના કલેકશન પર મને વિશ્વ્વાસ નથી. ટ્રેડના લોકોએ મને ફોન કરીને કહ્યું હતું, ‘‘સર, અબ તો માનને લગે હૈ...’’ લોકો મને સૂરી સા’બનું સંબોધન કરતા હતા એ વાત મારે માટે ગર્વની છે. આ પૂર્વે પણ ‘બાઝિગર’ જેવી મારી ફિલ્મોના પાત્રોના નામે લોકો મને બોલાવતા હતા.’’

શાહરૂખે કરેલા દાવા મુજબ આ ફિલ્મે પ્રથમ જ સપ્તાહ દરમિયાન વિશ્વ્વભરમાંથી રૂા. ૯૦ કરોડ મેળવ્યા હતા. જેને કારણે અદી (આદિત્ય) ઘણો ખુશ હતો. અદી ભાગ્યે જ ખુશ થાય છે અને એ ખુશ થયો એ વાત સાબિત કરે છે કે ફિલ્મ ખરેખર હિટ ગઈ છે.’’

‘બિલ્લુ બાર્બર’ આ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ એક સુપર સ્ટારનું પાત્ર ભજવે છે.’’ સૌ પ્રથમ તો હું એ સ્પષ્ટ કરવા માગું છું કે આ ફિલ્મ મારી નથી. પરંતુ ઇરફાન ખાનની છે. હું એ ફિલ્મનો એક ભાગ છું. આ ફિલ્મ એક મલલાયમ ફિલ્મની રિમેક છે. આમા ઇરફાન અને લારા મુખ્ય ભૂમિકામાં છે. ‘રબને...’ જેમ આ ફિલ્મ પણ એક સામાન્ય માનવીની છે. આમા ગ્રામ્ય જીવન અને બોલીવૂડી મસાલાનું મિશ્રણ છે. બે અજાણ્યા વિશ્વ્વ એકઠા થવાની આમાં વાત છે.

ઇરફાનને મુખ્ય પાત્રમાં લેવાનું કારણ સ્પષ્ટ કરતા શાહરૂખ કહે છે કે પ્રિયન સર (પ્રિયદર્શન)ને આ પાત્રમાં ઇરફાન યોગ્ય લાગ્યો હતો. પ્રિયન સર માને છે કે પાત્ર કામ કરી જાય તો જ ફિલ્મ ચાલે છે. આ પાત્ર માટે ઇરફાન બિલકુલ યોગ્ય છે. તેની આંખો ઘણું સમજાવી જાય છે.

પ્રિયદર્શન શાહરૂખને મુખ્ય ભૂમિકામાં લઈને એક ફિલ્મ બનાવવાના હતા. આ વિષય પર વાત કરતા કંિગ ખાન કહે છે. ‘‘તેમની પાસે બે વિષય હતા. એક લૂંટમાર પર આધારિત અને એક ‘બિલ્લુ બાર્બર’, મેં પ્રથમ વિષયની ફિલ્મ કરી હોત, પરંતુ તેમને ‘બિલ્લુ...’માં વઘુ રસ હતો. આ વિષય ઘણો ઇમોશનલ હોવાનું તેમણે કહ્યું હતું. આથી મેં ઇરફાનને ફોન કર્યો તે અમેરિકા હતો. અને એણે તરત જ ફિલ્મ કરવાની હા પાડી દીધી.’’

લૂંટમારની ફિલ્મ નિર્માણ કરવાનો પ્રશ્વ્ન છે તો હમણા શાહરૂખ ઘણો વ્યસ્ત છે. હમણા તે અમેરિકામાં કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’નું શૂટંિગ કરવાનો છે એ પછી તે આ ફિલ્મના નિર્માણ બાબતે વિચાર કરશે.

‘માય નેમ ઈઝ ખાન’માં શાહરૂખ એક આર્ટિસ્ટીક પાત્ર ભજવે છે. આ એક પુરુષ અને તેના પરિવારની સફરની કથા છે. કરણની અન્ય ફિલ્મો કરતા એ ફિલ્મ ઘણી અલગ છે. શાહરૂખ માટે પણ આ અનુભવ અલગ છે. આ ફિલ્મ ‘રબને...’ તેમજ ‘ચક દે...’ જેવી અઘરી ફિલ્મ છે એવો શાહરૂખનો દાવો છે, આનું કારણ સમજાવતા શાહરૂખ કહે છે, ‘‘મને કર્મશિયલ હીરોના બીબામાં ઢાળી દેવામાં આવ્યો છે. કંઈક અલગ કરવું જેને નેશનલ એવોર્ડની યાદીમાં મૂકી શકાય સાથે સાથે એ કર્મશિયલ પણ હોય એ એક પડકાર છે. કારણ કે ૯૦ ટકા લોકો મારી ફિલ્મ ક્રિટિકલી જોશે અને હું અભિનય કરી જાણું છું. એમ વિચારશે. આમા ઘણા એકટરો પણ સામેલ છે. આમ ૨૦ વરસ પછી પણ હું અભિનય કરી શકું છું. એ સાબિત કરવા હું લડી રહ્યો છું. ‘રબને...’ અને ‘બિલ્લુ...’ પછી હું આ કામ કરવા સમર્થ થયો છું.’’

‘દુલ્હા મિલ ગયા’ તેની ફિલ્મ નથી એમાં એણે માત્ર ચાર-પાંચ દિવસ જ કામ કર્યું છે. ફિલ્મના નિર્માતા વિવેક વાસવાનીએ તેને માટે ઘણું કર્યું હોવાથી તે આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ પોતાને કારણે અટવાઈ ગઈ હોવાનું પણ શાહરૂખ સ્પષ્ટ કરે છે. આ ફિલ્મના સેટ પર ઈજા થવાથી પોતાને પોતાની ભૂલનું ફળ મળી ગયું હોવાનું શાહરૂખ કહે છે, પરંતુ હવે આ પછી મહેમાન ભૂમિકા નહીં ભજવવાનું શાહરૂખે નક્કી કર્યું છે.

શું મહેમાન કલાકારની ભૂમિકા નહીં ભજવવાનું અને નેશનલ એવોર્ડ જીતવાનો તારો નવા વર્ષનો સંકલ્પ છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં શાહરૂખ કહે છે,

‘‘નેશનલ એવોર્ડ! મને લાગે છે કે મેં ૨૦ વરસ પૂર્વે અભિનેતા બનવાનો વિચાર કર્યો ત્યારે જ મને નેશનલ એવોર્ડ આપવો જોઈતો હતો. તેઓ મને એવોર્ડ નહીં આપે તો વાંધો નહીં. હું હજુ વધુ મહેનત કરીશ.’’

મને લાગે છે કે ૨૦ વરસ પછી મેં મારા મિત્રો જેમણે મને સ્ટાર બનવામાં મદદ કરી છે એમનું ૠણ ઉતારી દીઘું છે. હવે મારે વઘુ મહેમાન કલાકારના પાત્રો ભજવવાની જરૂર નથી. તેમની ફિલ્મોમાં કામ કરવું એ મારી ફરજ હતી જે મેં પૂરી કરી છે.’’

શું આ ઇશારો યશ રાજ ફિલ્મસ તરફ છે જેની સાથે તેના સંબંધો બગડ્યા હોવાની અફવા છે?

Copyright   © Gujarat Samachar