લલીત
મોદીના નિવેદનથી ક્રિકેટ વર્તુળમાં ટીકા
‘ક્લાર્કને
ખરીદવા કોઈ તૈયાર નહીં હોઈ આઈપીએલમાંથી ખસી ગયો’
નવીદિલ્હી,
તા. ૫
આવતીકાલે આઈપીએલની બીજી
સીઝન માટે પીટરસન, ફ્લીન્ટોફ, ડુમિનિ સહિત ખેલાડીઓની નીલામી થવાની છે. આજે છેલ્લી
ઘડીએ ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કે અંગત કારણ આગળ ધરીને તેનું નામ પાછું ખેંચી
લેતા આયોજકોએ આંચકો અનુભવ્યો હતો. એવો પ્રચાર થયો હતો કે પીટરસનની ૧૩ લાખ
ડોલરની બેઝ પ્રાઈઝ પછી માઇકલ ક્લાર્કે ૧૦ લાખ ડોલરની બેઝ પ્રાઈઝ સાથે બીજા નંબરનો સૌથી
મોંઘો ખેલાડી બનશે.
ક્લાર્કે આજે તેનું
નામ પાછા ખેંચી લેતા ઓસ્ટ્રેલિયાના અત્યારના સૌથી ટેલેન્ટેડ ઓલરાઉન્ડર ખેલાડીથી આઈપીએલ
વંચિત રહેશે. એવું લાગે છે કે આગામી એશિઝમાં ક્લાર્કને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન તરીકે
નિયુક્ત કરવાનો ઓસ્ટ્રેલિયન બોર્ડે તેને સંકેત આપી દીધો હોય તેમ લાગે
છે.જે પણ કારણસર ક્લાર્કે તેનું નામ આઈપીએલમાંથી પાછું ખેંચ્યુ હોય પણ આઈપીએલના
કન્વીનર લલીત મોદીએ ક્લાર્કને માટે ઘસાતુ બોલીને ક્રિકેટ વિશ્વમાં તેની ઇમેજ અને
આઈપીએલના ગૌરવને ફટકો પહોંચી ગયો છે.
લલીત
મોદીએ કહ્યું હતું કે ક્લાર્કને બેઝ પ્રાઇઝ તરીકે દસ લાખ ડોલર ફાળવ્યા હતા
પણ તેને ખરેખર તો તેની ઇચ્છીત કંિમતે કોઈ ખરીદવા તૈયાર જ નહોતું તેનો તેને
અંદાજ આવી ગયો હતો. લલીત મોદીએ તો એટલે સુધી કહ્યું હતું કે
તેને ખરીદનારજ કોઈ ના મળે તેવી પણ સંભાવના હતી. ક્લાર્ક તેની સરખામણી પીટરસન
કે ફ્લીન્ટોફ જોડે કરે તે જ તર્કહીન બાબત હતી તેવું પણ મોદીએ કહ્યું હતું.
ખરેખર
તો લલીત મોદીએ કોઈપણ ખેલાડી માટે અપમાનજનક બોલવું જ ના જોઇએ. ખેલાડીનું
ગૌરવ જાળવવાની તેની ફરજ છે. આઈપીએલના સર્વોચ્ચ હોદ્દેદારોને ખરેખર તો ક્રિકેટરોની
નીલામીના આંકડા કે રેસમાં નામજોગ પડવાની જરૂર નથી. ક્રિકેટ વિશ્વ પણ મોદીના આવા
હલકા માનસ સાથેના વર્તનની નોંધ લેશે. મોદીને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના
પ્રમુખ તરીકે જ અસંતુષ્ટોનો વ્યાપક સામનો કરી રહ્યા છે. ત્યારે તેણે તેની પ્રતિષ્ઠા વઘુ
ઘવાય નહીં તેની તકેદારી રાખવી જોઇએ.