પાકિસ્તાને
મુંબઈ હુમલા અંગે માહિતી આપી નથી ઃ ચિદમ્બરમ (પી.ટી.આઇ.)
નવી દિલ્હી, તા. ૫ મુંબઈના
હુમલાઓ અંગે પાકિસ્તાનને સુપરત કરાયેલા ડોઝિયરનો ઇસ્લામાબાદ તરફથી કોઈ પ્રતિ
ઉત્તર મળ્યો ન હોવાનું ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું છે. ગૃહપ્રધાનના
આ સ્પષ્ટીકરણથી રાષ્ટ્રીય સલાહકાર એન. કે. નારાયણના નિવેદનને છેલ્લા ત્રણ દિવસમાં
બીજી વાર રદિયો મળ્યો છે. ૨૬
નવેમ્બરના આતંકવાદી હુમલાની તપાસમાં પ્રગતિની જાણકારી ભારતને નહિ કરાયાનો દાવો મુંબઈમાં
૨૬મી નવેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાને તેમની તપાસ વિશે નવી
દિલ્હીને કોઈ જાણકારી આપી ન હોવાનું વિદેશ પ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યા
બાદ ગૃહપ્રધાન ચિદમ્બરમે આ ખુલાસો કર્યો હતો. પ્રધાન
મંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનને
સુપરત કરાયેલા ડોઝિયર અંગે ઇસ્લામાબાદ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી તેવું મેં
અને વિદેશ પ્રધાન બન્નેએ સ્પષ્ટ કર્યું છે અને હવે આ મુદ્દે કોઈ મુંઝવણ નથી.’ આ
અગાઉ રાષ્ટ્રીય સલામતી સલાહકાર એન. કે. નારાયણને નિવેદન આપ્યું હતું કે, ભારતે
આપેલા ડોઝિયર અંગે પાકિસ્તાને ઘણાં પ્રશ્નો ઉઠાવ્યા છે. એન.એસ.એ.ના આ નિવેદનથી
સરકારમાં કોઈ મુંઝવણ છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ચિદમ્બરે પોતાનો ખુલાસો
આપતા આ પ્રમાણે જણાવ્યું હતું. અમેરિકી
પ્રમુખ બરાક ઓબામા કાશ્મીર મુદ્દાને પાકિસ્તાનના આદિવાસી વિસ્તારની ધમાલ સાથે
સાંકળીને ખોટા મુદ્દે વિરોધ નોંધાવશે તેવા પોતાના નિવેદન અંગે નારાયણને
ગઈકાલે ખુલાસો આપ્યો હતો પણ ડોઝિયર અંગે પાકિસ્તાને ઉઠાવેલા સવાલો વિશે પોતે
આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે તેમણે કોઈ ખુલાસો આપ્યો નહોતો. ભારત
પાકિસ્તાન સાથેના સંબંધો તોડી નાખે તેવી શક્યતા છે તેવા પોતાના નિવેદનને
ખોટી રીતે લેવાયું હોવાનું જણાવી ચિદમ્બરમે ખુલાસો કર્યો હતો કે, ‘મેં
એવું કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક કરારો થયેલા છે. ભારતે આપેલા
ડોઝિયર અંગે પાકિસ્તાન પ્રતિભાવ નહીં આપે તો આ કરારો નબળા પડતા જશે અને એક દિવસ
તૂટી જશે. આ વિચારોની માત્ર એક પ્રક્રિયા છે અને નીતિસ્તરનું કોઈ નિવેદન નથી.’ |