| શિરડીના
પ્રસિદ્ધ સાંઇબાબા મંદિરને ૮૧
કરોડ રોકડા, ૧૨૦ કિલો સોનુ અને ૪૪૦ કિલો ચાંદીનું ગુપ્ત દાન (પીટીઆઇ)
લખનૌ, તા.૫ મહારાષ્ટ્રના શિરડીમાં
આવેલા વિખ્યાત સાંઇબાબાના મંદિરને ગત વરસે રુ.૮૧ કરોડ રોકડા સહિત ૧૨૦ કિલો
સોનુ અને ૪૪૦ કિલો ચાંદીનું ગુપ્ત દાન પ્રાપ્ત થયું હતું. મંદિરના ઇતિહાસમાં
પ્રથમવખત કોઇએ આટલું વિશાળ ગુપ્તદાન કર્યું છે. મંદિરના
ઇતિહાસમાં પ્રથમવખત આટલું વિશાળ દાન મળ્યું હોવાનો મેનેજીંગ ટ્રસ્ટીનો સ્વીકાર
ઃ ૨૦૦૭માં ૬૧ કરોડ રોકડા સહિત સોના, ચાંદીનું દાન મળ્યું હતું. શિરડી
સાંઇબાબા સંસ્થાનના મેનેજીંગ ટ્રસ્ટી અશોક ખાંબેકરે સ્વીકાર્યું હતું કે ગયા વરસે મંદિરને
પ્રથમવખત આટલું વિશાળ ગુપ્તદાન મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ અગાઉ વર્ષ
૨૦૦૭માં મંદિરને રુ.૬૦ કરોડ રોકડા, ૧૦૪ કિલો સોનુ અને ૨૩૫ કિલો ચાંદીનું
દાન મળ્યું હતું. ખાંબેકરે જણાવ્યું
હતું કે શિરડીના સાંઇબાબા મંદિરના વિકાસ માટે રુ.૩૦૩ કરોડના વિકાસકામોની યોજના
તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ એરપોર્ટ, હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસનું નિર્માણ
કરવામાં આવશે. અત્યાંઘુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલને રુ.૨૨ કરોડના ખર્ચે
તૈયાર કરવામાં આવશે. જ્યારે રુ.૩૫ કરોડના ખર્ચે પ્રસાદ બનાવવા માટેના ‘પ્રસાદાલય’નું
સર્જન કરવામાં આવશે. આ ઉપરાંત રુ.૧૭ કરોડના ખર્ચે ૩૩૪ રુમના ગેસ્ટ હાઉસની યોજના પણ
ઘડવામાં આવી છે. જ્યારે રુ.૨૫ કરોડના ખર્ચે સાંઇ આશ્રમ બનાવવાનું આયોજન છે. ખાંબેકર
માર્ચ મહિનામાં યોજાનાર સાંઇ ભક્ત સંમેલનની જાહેરાત માટે લખનૌ આવ્યા હતા. આ સંમેલનમાં
અંદાજે એક લાખથી વઘુ સંખ્યામાં સાંઇભક્તો ઉમટશે એવી શક્યતા છે. ખાંબેકરે જણાવ્યું
હતું કે સાંઇબાબાની પ્રસિદ્ધ ‘શોભાયાત્રા’ની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં
આ પ્રકારના સંમેલનોનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ૧૯૦૮માં પ્રથમવખત
શરુ થયેલી શોભાયાત્રાને આ વરસે ૧૦મી ડિસેમ્બરે ૧૦૦ વર્ષ પુરા થશે. |