home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સત્યમના કૌભાંડને પગલે
સેબીએ કોર્પોરેટ નિયમનોને કડક કરવાનો સંકેત આપ્યો

(પીટીઆઇ) મુંબઇ, તા.૫

સત્યમ કોમ્પ્યુટરના કૌભાંડને પગલે કોર્પોરેટ કંપનીઓના વ્યવહારમાં પારદર્શિતા લાવવા માટે સેબીએ તેના નિયમનોને વઘુ કડક બનાવવાના સંકેતો આપ્યા છે. આ સાથે કંપનીઓના આંતરિક હિસાબો બહારની એજન્સી પાસે કરાવવાના વિકલ્પને ફરજિયાત બનાવવા અંગે પણ સેબીએ વિચારણા હાથ ધરી છે.

કોર્પોરેટ કંપનીઓને આંતરિક હિસાબો માટે બહારની એજન્સીની નિમણૂંકને ફરજિયાત બનાવવાની પણ વિચારણા ઃ સેબીના ચેરમેન ભાવે

ઉદ્યોગોના સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા સેબીના ચેરમેન સી.બી. ભાવેએ જણાવ્યું હતું કે (કોર્પોરેટ કંપનીઓના વ્યવહારમાં) પારદર્શિતા, કાર્યક્ષમતામાં વધારો અને ધારધોરણોને વઘુ સક્ષમ બનાવવા માટે નિયમનોને વઘુ સુદ્રઢ બનાવવાની જરુર છે. તેમણે વઘુમાં જણાવ્યું હતું કે કોર્પોરેટ કંપનીઓના વહીવટના ધોરણો અંગે સેબી સતત જાગૃત છે પણ આ પ્રકારની (સત્યમના કૌભાંડ) પદ્ધતિસરની સ્થિરતા અંગેની ઘટનાઓમાં તત્કાળ નિષ્કર્ષ પર આવવાનું ટાળવાની જરુર છે.

ભાવેએ એમપણ કહ્યું હતું કે સત્યમ જેવી ઘટનાઓને લઇને સેબી પોતાની ભૂમિકા યોગ્યરીતે ભજવવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે સેબી હંમેશા ગમેત્યારે ઉભા થતા નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર હોય છે, અને કોર્પોરેટ કંપનીઓ જાતે જ પોતાની વહીવટી પદ્ધતિને વઘુ અસરકારક બનાવે એ સેબીની પ્રાથમિકતા રહી છે. તેમણે એમપણ કહ્યું હતું કે નવા કાયદાઓ દ્વારા અનેક નિયંત્રણો લાદવા એ સેબીની પ્રાથમિકતા નથી, પણ કંપનીઓ જાતે જ પહેલ કરીને કેટલાક પ્રયાસો કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

સત્યમ કોમ્પ્યુટરના કૌભાંડ અંગે બોલતા સેબીના ચેરમેને જણાવ્યું હતું કે કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સેબીએ ત્વરિત પગલા લઇને કાર્યવાહી શરુ કરી હતી, અને હવે નિર્ધારીત સમયમર્યાદામાં મુખ્ય ગુનેગારને સજા આપવાનો પડકાર છે. ભાવેએ જણાવ્યું હતું કે અત્યારે જે ઝડપ અને કાર્યક્ષમતાથી કૌભાંડની તપાસ થઇ રહી છે, એ જોતા એવું લાગે છે કે નક્કી કરેલી સમયમર્યાદામાં આરોપીઓ સામે ગુનો દાખલ કરી શકાશે. જ્યારે ઓડિટરોની ભૂમિકા અંગે તેમણે કહ્યું હતું કે લીસ્ટેડ કંપનીઓ ઓડિટરોમાં ફેરફાર કરતા રહે એવી કવાયતને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લીસ્ટેડ કંપનીઓ માટે પોતાના હિસાબો તૈયાર કરવા માટે બહારની એજન્સીની નિમણૂંકને ફરજિયાત બનાવવાના વિકલ્પ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.

Copyright   © Gujarat Samachar