માલેતુજાર
પરિવારના નબીરાનું કારસ્તાન સ્કૂલમાં ટીનેજરે દોઢેક લાખની
ચલણી નોટો સહપાઠીમાં વહેંચી મુંબઈ,તા.૫ માલેતુજાર
પરિવારના બાપ લાખ છપ્પન હજાર જેવાં નબીરાઓ સ્કૂલ કે કોલેજોમાં પોતાની શ્રીમંતાઈનો
દેખાડો કરી છાંટ મારતા હોય છે. પરંતુ સાંતાક્રુઝની એક સ્કૂલના નવમા ધોરણના
એક સ્ટૂડન્ટે તો હદ કરી નાખી. ચૌદ વર્ષના આ વિદ્યાર્થીએ પપ્પાની તિજોરીમાંથી
કડકડતી ચલણી નોટનું બંડલ લઈને સ્કૂલમાં આવ્યો હતો. કલાસમાં ટીચર ભણાવતા હતા. ત્યારે
આ ભાઈ સાહેબ પૈસાની થોકડી હાથમાં રમાડી રહ્યો હતો, એટલું જ નહી એણે પૈસા પોતાના
સહપાઠીઓને વહેંચી પણ દીધા હતા. પપ્પાની
તિજોરીમાં મોટી રકમ જોઈને તફડંચી કરવાની લાલચ રોકી ન શક્યાનો એકરાર સાંતાક્રુઝની
લીલાવતીબાઈ પોદ્દાર હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. જો કે ચૌદ વર્ષના વિદ્યાર્થીની
ઓળખ છતી ન થઈ જાય માટે તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. નવમા ધોરણનો વિદ્યાર્થી
ચાલુ ક્લાસે પૈસાની થોકડીને રમાડતો જોઈને બીજા વિદ્યાર્થીઓનું ઘ્યાન તેની તરફ જ ખેંચાયું
હતું. ટીચરને કંઈક ગડબડ છે એવું લાગતા વિદ્યાર્થીને ઊભો કર્યો હતો. તેના ખિસ્સા તપાસવામાં
આવતા ૨૫ હજાર રૂપિયા નીકળ્યા હતા. વઘુ તપાસ કરવામાં આવતા ખબર પડી હતી કે ઘરની તિજોરીમાંથી
લગભગ દોઢેક લાખ જેવી મોટી રકમ તફડાવીને આવેલા ટીનેજરે પૈસા પોતાના સહપાઠીઓને
વહેંચી દીધા હતા. બધાને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવતા તેમણે વટાણા
વેરી નાખ્યા હતા. ચૌદ વર્ષના આ વિદ્યાર્થી અને તેના વાલીઓને નિષ્ણાતોનું માર્ગદર્શન
મેળવવાની ભલામણ કરવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપલ નોરીના ફર્નાન્ડિસે આ બનાવ વિશે
જણાવ્યું હતું કે ‘વિદ્યાર્થીએ એવો એકરાર કર્યો હતો કે પિતાની તિજોરીમાં મોટી
રકમ પડેલી જોઈને તે તફડંચી કરવાની લાલચ રોકી નહોતો શક્યો. આ કૃત્ય માટે તેણે દિલગીરી
વ્યક્ત કરી હતી. આ વિદ્યાર્થી ઓલરાઉન્ડર છે અને અમને ખાતરી છે કે યોગ્ય માર્ગદર્શન
અને શીખામણને લીધે તે ભવિષ્યમાં ફરીથી આવું નહીં કરે. |