home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

‘માય નેમ ઇઝ ખાન’ માટે ગીતો લખવા જાવેદ અખ્તરની ના

મુંબઈ, તા.૫

કરણ જોહર મિત્ર શાહરુખ ખાન અને કાજોલને લઈને ‘માય નેમ ઇઝ ખાન’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. તેણે આ ફિલ્મના બે ગીતો ગીતકાર નિરંજન આયંગર પાસે લખાવ્યા છે, પણ જ્યારે તેણે બીજા ત્રણ ગીતો લખવા ગીતકાર જાવેદ અખ્તરનો સંપર્ક કર્યો ત્યારે જાવેદ બીજા ગીતકાર સાથે ક્રેડિટ વહેંચવા ન માંગતા હોવાને કારણે તેમણે આ ફિલ્મના ગીતો લખવાની ના પાડી દીધી હોવાના સમાચાર છે.

જાવેદ અખ્તર ફિલ્મના બીજા ગીતકાર નિરંજન આયંગર સાથે ક્રેડિટ વહેંચવા ન માંગતા હોવાને કારણે આ નિર્ણય લીધો છે

જાવેદ અખ્તરની ઇચ્છા હોય છે કે જો તેઓ કોઈ ફિલ્મના ગીતકાર હોય તો એના બધા ગીતો એ જ લખે અને આ કારણે જ તેમણે તાજેતરમાં ‘માય નેમ ઇઝ ખાન’ના ગીતો લખવાની ના પાડી દીધી છે. આ મુદ્દે ‘માય નેમ ઇઝ ખાન’ના ગીતકાર અને સંવાદ લેખક નિરંજન આયંગર સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે ‘‘મેં આ ફિલ્મના બે ગીતો લખ્યાં છે એ વાત સાચી છે, પણ બીજા ગીતો કોણ લખી રહ્યું છે એ વિશે મને ખબર નથી. મને લાગે છે કે કરણ જોહર પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈ યોગ્ય ગીતકાર પાસે બાકીના ગીતો લખાવી લેશે.’’

જાવેદ અખ્તરે કરણ જોહરને ગીત લખી આપવાની ના પાડી હોય એવું પહેલીવાર નથી બન્યું. ભૂતકાળમાં પણ જાવેદે કરણને ‘કુછ કુછ હોતા હૈં’ માટે ગીત લખી આપવાની ના પાડી દીધી હતી કારણ કે તેમને આ ટાઇટલ વલ્ગર લાગતું હતું. ત્યારબાદ કરણે આ ફિલ્મના ગીતો સમીર પાસે લખાવી લીધા હતાં. ‘કુછ કુછ હોતા હૈં’ના ગીતો સુપરહીટ સાબિત થતા જાવેદને પોતાના નિર્ણય બદલ અફસોસ થયો હતો અને તેમણે જાહેરમાં આ અફસોસ વ્યક્ત પણ કર્યો હતો. ત્યારબાદ જાવેદે ‘કલ હો ના હો’ના ગીતો લખ્યા હતા.

‘માય નેમ ઇઝ ખાન’ના ગીતો લખવાની ના પાડવાના મુદ્દે પોતાની વાત સ્પષ્ટ કરતા જાવેદ અખ્તર કહે છે કે ‘‘મને કરણ સાથે કોઈ સમસ્યા નથી. હું તેની આગામી ફિલ્મ ‘વેક અપ સીડ’ની ગીતો લખી જ રહ્યો છું ને. મેં ‘માય નેમ ઇઝ ખાન’ના ગીતો લખવાની ના પાડી છે કારણ કે મને કોઈ સાથે ક્રેડિટ વહેંચવી નથી ગમતી.

હું કોઈની સાથે મળીને ગીતો લખું તો મારા ગીતોને વધારે પબ્લિસિટી મળવાથી બીજી વ્યક્તિની સર્જનાત્મકતાને અન્યાય થાય એવું બની શકે છે. મેં નિરંજને લખેલા ગીતો વાંચ્યા છે અને તેણે ખરેખર બહુ સારું કામ કર્યું છે. હું ‘માય નેમ ઇઝ ખાન’નું એકાદ ગીત લખું ખરો, પણ સત્તાવાર ગીતકાર તરીકે નહીં પણ માત્ર મિત્ર તરીકે.’’

Copyright   © Gujarat Samachar