home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

‘સ્લમડોગ મિલિયોનેર’નો બાળકલાકાર અને તેની માતા અદ્રશ્ય થઈ ગયાં

મુંબઈ,તા. ૫

ઓસ્કાર એવોર્ડની દોડમાં સામેલ થયેલી ફિલ્મ ‘સ્લમડૉગ મિલિયોનર’નો બાળકલાકાર મોહમ્મદ અઝહરૂદ્દિન ક્યાં છે? એવો પ્રશ્વ્ન પોલીસ અને ભૂતપૂર્વ નગરસેવક નિકોલસ અલ્મેડાને પરેશાન કરી રહ્યો છે. અલ્મેડાએ મંગળવારે નિર્મલ નગર પોલીસસ્ટેશનમાં એક અરજી આપી આક્ષેપ કર્યો હતો કે, ‘આ ફિલ્મ સામે નોંધાયેલાં કેસની તપાસમાં અડચણ ઊભી કરવા માટે ફિલ્મ સાથે સંકળાયેલાં કેટલાક લોકો આવા મહત્વના લોકોને ગાયબ કરી દેવામાં સામેલ હોઈ શકે.’

પોલીસ કહે છે કે માજી નગરસેવકના ત્રાસથી તે અન્યત્ર ચાલ્યા ગયાં, જોકે ફિલ્મ સામે વાંધો ઉઠાવનારાએ પોલીસના દાવાને નકાર્યો

અલ્મેડાએ બે અઠવાડિયા અગાઉ આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને વિતરક સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. તેમણે ફિલ્મના શિર્ષકમાં ‘સ્લમ ડૉગ’ શબ્દ સામે વાંધો નોંધાવ્યો હતો. તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મેળવનારી આ ફિલ્મમાં બાળ સલિમની ભૂમિકા કરનારો અઝહરૂદ્દિન અને તેની માતા શાઈમ (૪૫ વર્ષ) સોમવારથી ‘ગાયબ’ હોવાનો દાવો અલ્મેડાએ કર્યો હતો.

અલ્મેડાએ કહ્યું હતું કે, છેલ્લે સોમવારે સવારે તેણે વિલેપાર્લા પોલીસ સ્ટેશને આ બાળકલાકારને જોયો હતો. અલ્મેડાના જણાવ્યા મુજબ, ‘કોર્ટે બદનક્ષીના કેસની તપાસ વિલે-પાર્લા પોલીસને સોંપી હોવાથી હું ત્યાં મારું નિવેદન નોંધાવવા ગયો છે. તેના જણાવ્યા મુજબ, અઝહરૂદ્દિન પણ ત્યાં પોતાનું નિવેદન નોંધાવવા આવ્યો હતો. વઘુમાં અલ્મેડાએ કહ્યું હતું કે, ‘બાદમાં હું આ ફિલ્મમાં કામ કરી ચૂકેલાં અન્ય બાળકોને મળવા માટે વાંદરા (પૂર્વ)ના બહેરામપાડામાં ગયો હતો ત્યારે મેં ત્યાં અઝહરૂદ્દિનને જોયો નહોતો. મેં તેની એક સંબંધી મહિલાને કહ્યું હતું કે, તેને (અઝહરૂદિનને) મળવા હું સાંજે પાછો આવીશ.’

પોતાની ફરિયાદમાં અલ્મેડાએ દાવો કર્યો હતો કે, સોમવારે રાત્રે તે પાછા અઝહરૂદ્દિનની ઝૂંપડીએ ગયા હતાં તો તેના પડોશીઓએ તેને કહ્યું હતું કે, દિવસે કેટલાક લોકો આવ્યાં હતાં અને આ માતા-પુત્રને વાંદરા કોર્ટે નજીકનાં એક સ્થળે આવવાનું કહ્યું હતું. અલ્મેડાના જણાવ્યા મુજબ, બસ આ માતા-પુત્ર ગયાં તે ગયાં હજુ સુધી પાછા આવ્યાં નથી. જોકે, પોલીસના દાવા મુજબ, અઝહરૂદિન અને તેની માતાએ પોતાની ઝૂંપડી છોડી દીધી છે. ‘‘કેમ કે તેમને અલ્મેડાનો ત્રાસ હતો.’

પોલીસ ઇન્સ્પેક્ટર રહીમ શેખના જણાવ્યા મુજબ, ‘અલ્મેડા રોજ તેના ઘરે જઈને ફિલ્મમાં કામ કરવાના આ છોકરાને કેટલા પૈસા મળ્યાં તે પુછતો હતો. આનાથી ત્રાસીને કદાચ તેઓ અન્યત્ર ચાલ્યાં ગયાં હશે. અમે પણ તેમને શોધી રહ્યાં છીએ.’અલ્મેડાએ પોલીસના દાવાને નકારી કાઢી જણાવ્યંુ હતું કે, ‘મંગળવારે હું અઝહરૂદિનના પિતા મોહમ્મદ ઇસ્માઈલ (૬૫ વર્ષ)ને દાખલ કર્યાં છે તે ટ્યુબરકયુલોસિસ હોસ્પિટલે પણ ગયો હતો, આ માતા પુત્ર ક્યાં છે તેની જાણકારી ઇસ્માઈલને પણ નથી. તેઓ ઘરે પાછા ફરશે એમ ધારી મેં સાંજ સુધી રાહ જોઈ હતી. પણ તેઓ ઘરે આવ્યાં જ નહિ તેથી મેં પોલીસનો સંપર્ક કર્યો હતો.’

Copyright   © Gujarat Samachar