કેન્દ્ર
દ્વારા ગુજરાતને ૧૬૬૧ કરોડનો હાઇવે(પીટીઆઇ)
નવી દિલ્હી, તા.૫ કેન્દ્ર સરકારે
ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં રુ.૩,૨૩૦.૮૦ કરોડના ખર્ચે ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટ
શરુ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના ભાગરુપ રુ. ૧,૬૬૧.૯ કરોડના ખર્ચે સુરત-હજીરાને
જોડતા નેશનલ હાઇવેને ચાર લેનનો કરાશે. આ સાથે કેબિનેટે કાર્યસ્થળે સલામતી, આરોગ્ય
અને પર્યાવરણની જાળવણી માટેની રાષ્ટ્રીય નીતિ અને બિહારમાં રુ.૨,૦૦૦ કરોડના બે રેલવે
પ્રોજેક્ટને પણ મંજૂરી આપી હતી. સુરત-હજીરા
સેક્સન ફોર લેન કરાશે ઃ બિહારમાં રૂ. ૨૦૦૦ કરોડના રેલવે પ્રોજેક્ટોને કેન્દ્રની બહાલી કેન્દ્રીય
કેબિનેટની આર્થિક બાબતો અંગેની કમિટિ (સીસીઇપી)ની બેઠકમાં આ ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટને
મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) દ્વારા
નિર્માણ પામશે. પ્રોજેક્ટના ભાગરુપ સુરત-હજીરા વચ્ચેના નેશનલ હાઇવે નં.૬ને રુ.૧,૬૬૧.૯ કરોડના
ખર્ચે ચાર લેનનો કરવામાં આવશે, તથા રાજસ્થાનમાં જયપુર-ટોન્ક-દેઓલીને જોડતા
નેશનલ હાઇવે નં.૭૨ને રુ.૧,૨૦૩.૬૪ કરોડના ખર્ચે ચાર અને છ લેનનો કરવામાં આવશે. કેન્દ્રીય
ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે આ માહિતી આપી હતી. ચિદમ્બરમે
જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને પીપીપી દ્વારા
આ પ્રોજેક્ટોનું કામ પૂર્ણ કરવામાં આવશે. તેમણે એમપણ કહ્યું હતું કે એનએચએઆઇ
બે તબક્કાની ટેન્ડર પ્રક્રિયા દ્વારા યોગ્ય કંપનીની પસંદગી કરશે. આ સાથે તેમણે એમપણ
કહ્યું હતું બીજા તબક્કાની ટેન્ડર પ્રક્રિયા અત્યારે ગતિમાં છે. કેન્દ્રીય
કેબિનેટે આ ઉપરાંત કાર્યસ્થળે કર્મચારીઓની સલામતી, આરોગ્ય અને પર્યાવરણની સ્થિતિને
સુદ્રઢ બનાવવા માટેની રાષ્ટ્રીય નીતિને મંજૂરી આપી હતી. ચિદમ્બરમે આ અંગે જણાવ્યું
હતું કે આ નીતિના ભાગરુપ સરકારી કચેરીઓ, ઇન્સપેક્શન ઓથોરીટી, ખાનગી કંપની, સંશોધન
સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત અને યોગ્ય વાતાવરણ સર્જવા સામાન્ય માર્ગદર્શિકા
પુરી પાડવામાં આવશે. આ નીતિને ચર્ચા માટે સંસદના સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ સાથે કેબિનેટે બિહારમાં રેલવેના ઇલેકટ્રીક અને ડિઝલ લોકોમોટીવ મેન્યુફેક્ચરીંગ
પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. રુ.૨૦૦૦ કરોડના આ પ્લાન્ટ લાલુપ્રસાદની પાર્ટી
રાજદના મજબુત ગઢ મનાતા મધેપુરા અને મારહોવરામાં સ્થપાશે. |