બેનઝીરની
હત્યાની તપાસ માટે યુએન દ્વારા સ્વતંત્ર પંચ રચાશે (પી.ટી.આઈ.)
ઇસ્લામાબાદ, તા. ૫ સંયુકત
રાષ્ટ્રોના મહા સચિવ બાન કિ-મૂને જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેઓ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ
વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા અંગે તપાસ કરવા એક સ્વતંત્ર પંચની ટુંક સમયમાં
જ રચના કરશે. પાક. પ્રમુખ ઝરદારી
સાથે મુલાકાત પછી મહામંત્રી બાન કી-મૂને કરેલી જાહેરાત બાન
કિ-મૂને જણાવ્યું હતું કે ભુટ્ટોની હત્યા અંગે તપાસ કરવા એક પંચની રચના કરવાનો નિર્ણય
પાકિસ્તાની સરકાર અને યુએનની સલામતિ પરિષદના સભ્યો સાથે ચર્ચા કરાયા બાદ
લેવામાં આવ્યો છે. આ પંચના વડાની નિમણૂક પણ થોડા સમયમાં જ કરવામાં આવશે. ભુટ્ટોની
હત્યાને ‘આખા વિશ્વમાં આઘાત અને નારાજગી જન્માવનારી’ ગણાવીને બાને જણાવ્યું હતું
કે આ હત્યાની તપાસ પાકિસ્તાનની સરકાર અને પ્રજા બંને માટે ઘણી મહત્વની છે. મરહૂમ
બેનઝીરની હત્યાની યુએન દ્વારા તપાસ કરવાની પાકિસ્તાની સરકારની વિનંતીને માન્ય રાખવા બદલ
પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલિ ઝરદારિએ બાન કિ-મૂનનો આભાર પણ માન્યો હતો. તેમણે
આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ ઘુ્રષ્ટ આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલા તત્વોને
સૂચિત પંચ ખુલ્લા પાડશે અને તેમને યોગ્ય સજા કરાવશે. પાકિસ્તાન સરકાર આ તપાસમાં યુએનનાં
પંચને સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. આ
સુચિત આંતરરાષ્ટ્રીય પંચમાં ત્રણ સભ્યો હશે અને તે પાકિસ્તાની સંસ્થાઓ, અધિકારીઓ
અને દસ્તાવેજોનો જરૂર જણાય ત્યાં ઉપયોગ કરી શકશે. આ તપાસનો ખર્ચ અને સમયમર્યાદા
સહિતના વિવિધ પાસાની જાહેરાત પાકિસ્તાન સરકાર અને યુએન ટુંક સમયમાં જ કરશે. આ
પંચની રચનામાં શરૂઆતના તબક્કે પાકિસ્તાન પચાસ લાખ અમેરિકી ડોલરનો ફાળો આપશે તેવા
અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે. ઉલ્લેખનીય
છે કે ૨૦૦૭માં ડિસેમ્બર મહિનામાં રાવલપીંડી ખાતે એક ચૂંટણી સભા દરમિયાન ભુટ્ટોની
ગોળીબાર અને બોંબ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ તેનીયુએન
દ્વારા તપાસ કરાવવાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ માંગણી કરી હતી પણ પાકિસ્તાનના તત્કાલિક
પ્રમુખ પરવેઝ મુશર્રફના શાસને આ માંગણી ફગાવી દીધી હતી. અને આ હત્યાની બ્રિટનના
સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તપાસ કરાવવા જણાવ્યું હતું. પીપીપીએ સત્તા પર આવ્યા બાદ
ફરીથી યુએન સમક્ષ તપાસની માંગણી મૂકી હતી. |