મુંબઇ
હુમલા માટે જવાબદાર ત્રાસવાદી સંગઠનનો દાવો અલ
કાયદા કે તાલિબાન સાથે કોઇ જ સંબંધ નથી ઃ જમાત-ઉદ-દાવા
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.૫ મુંબઇના
આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના સાથી
સંગઠન જમાત-ઉદ્-દાવા (જેયુડી)એ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને અલ-કાયદા
અને તાલિબાન સાથે કોઇ સબંધ નહિ હોવાનો દાવો કર્યો છે. આ સાથે જેયુડીએ
સલામતી પરિષદ દ્વારા પોતાના પર લાદવામાં આવેલા પ્રતિબંધને ગેરકાયદે
ગણાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં
જેયુડીના વડા સઇદે પ્રતિબંધનો નિર્ણય ભારતે આપેલી ખોટી માહિતીને કારણે
લેવાયો હોવાનો આક્ષેપ કર્યો ત્રાસવાદી
સંગઠન લશ્કર-એ-તોઇબાના સ્થાપક અને અત્યારે જેયુડીના વડા હાફિઝ મોહમ્મદ સઇદે
ગત ૨૬મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી-મૂનને પત્ર લખ્યો હતો. જેયુડીએ
આ પત્રની નકલો પત્રકારોને વહેંચી હતી. સઇદે પત્રમાં જણાવ્યું હતુ કે સંયુક્ત રાષ્ટ્રના
પ્રસ્તાવ ૧૨૬૭માં અલ-કાયદા અને તાલિબાન જેવા સંગઠનો સામે પગલા લેવાની જોગવાઇ છે,
પણ જેયુડીને આ સંગઠનો સાથે કોઇ સબંધ નથી, આ સાથે તેણે એવો પણ આક્ષેપ કર્યો
હતો કે પ્રતિબંધનો નિર્ણય ભારતીય લોબીએ આપેલી ખોટી માહિતીને આધારે
લેવામાં આવ્યો હતો. આ તરફ સંયુક્ત રાષ્ટ્રના
મહાસચિવ મૂન ગઇકાલે પાકિસ્તાનના એક દિવસના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે મુંબઇના
આતંકવાદી હુમલાની તપાસમાં ભારતને સંપુર્ણ સહકાર આપવા જણાવ્યું હતું. મૂનને લખેલા
પત્રમાં સઇદે સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને
પાકિસ્તાનના હિતના વિરોધી ગણાવ્યા હતા, સઇદે દાવો કર્યો હતો કે આ
નિયંત્રણોને કારણે તેમના સંગઠન (જેયુડી)ની સામાજીક પ્રવૃત્તિનો લાભ મેળળતા અનેક
લોકોને નુકશાન પહોંચ્યું છે. મુંબઇ હુમલાના ગણતરીના દિવસો બાદ સલામતિ
પરિષદે જેયુડી અને તેના નેતાઓને ત્રાસવાદી જાહેર કરી પ્રતિબંધ લાગુ
કર્યો હતો, જો કે સઇદે મુંબઇ હુમલામાં તેમના સંગઠનની સંડોવણી નહિ હોવાનો
દાવો કર્યો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રએ બચાવની
એકપણ તક આપ્યા વિના જેયુડી પર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. કૂટનૈતિક
સુત્રોના મતે સંયુક્ત રાષ્ટ્ર, સઇદના પત્રને ગંભીરતાથી લે એવી શક્યતાઓ ઓછી છે,
કારણ કે આ પત્રને પાકિસ્તાન સરકારે ટેકો આપ્યો નથી. પાકિસ્તાન સરકારે સઇદ અને
મુંબઇ હુમલાનો માસ્ટરમાઇંન્ડ ઝકીઉર રહેમાન લખવી સહિત તોઇબા અને જેયુડીના ૧૨૦થી વધારે
કાર્યકર્તાઓને અટકાયતમાં રાખેલા છે. |