home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
 

સંક્ષિપ્ત સમાચાર

જેલમાં તબીબોની સલામતી વ્યવસ્થા ઉભી કરવા સૂચના

ગાંધીનગર,

સાબરમતી જેલમાંથી સારવાર માટે બહાર જવા માગતા કેદીઓ દ્વારા ડોક્ટરોને આપવામાં આવતી ધમકી સામે આરોગ્ય વિભાગે જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને સલામતી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી છે. એટલું જ નહીં જેલના વહીવટી તંત્રને પ્રોટેક્શન આપવા કહ્યું છે.

જેલના કેદીઓ હોસ્પિટલમાં દાખલ થવાનું બહાનું બતાવીને ગુનાહિત કૃત્ય કરતા હોવાથી સામાન્ય સારવાર માટે કેદીઓને જેલની બહાર કાઢવાની મનાઇ ફરમાવી હોવાથી સિવિલના ડોક્ટરો તેમને તપાસવા જેલમાં જતા હોય છે પરંતું આ પ્રકારના બનાવો બને તો ડોક્ટર માટે ઉચિત નથી તેથી આરોગ્ય વિભાગે સિવિલના સુપ્રિટેન્ડેન્ટની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.

પાટણના સામુહિક બાળાત્કાર કેસમાં ન્યાય માટે સહી ઝુંબેશ

અમદાવાદ,

પાટણની પીટીસી કોલેજમાં વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બાળાત્કારની ઘટનાને એક વર્ષ પુરુ થવા આવ્યું છતાં હજુસુધી આ કિસ્સામા ન્યાય મળ્યો નથી. ત્યારે આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ દ્વારા ભદ્ર અને લાલ દરવાજા ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પ્રજાની સહી સાથેનું આવેદનપત્ર રાજયપાલને સુપ્રત કરવામાં આવશે. આજે સહી ઝુંબેશ દરમિયાન અનેક નાગરિકોએ પાટણ ઘટનામાં તાકિદે ન્યાય મળવા ઉપરાંત બાળાત્કારના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગણી કરવામાં આવી હતી.

આઇઆઇએમનો ૪૪મો પદવીદાન સમારંભ ૨૮ માર્ચે

અમદાવાદ,

આઇઆઇએમ અમદાવાદનો ૪૪મો પદવીદાન સમારંભ ૨૮મી માર્ચે યોજાવાનું નક્કી થયુ છે. દરેક વર્ષે પદવીદાન સમારંભમાં રાષ્ટ્રિય કક્ષાના મહાનુભાવ હાજર રહેતા હોય છે. આ વર્ષે એચડીએફસી બેંકના ચેરમેન શ્રી દિપક પારેખ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને પદવીદાન સમારંભનું મુખ્ય વક્તવ્ય આપશે.

સ્વ. રણબીરસંિહ હુડાને રાજ્યપાલ-મુખ્યમંત્રીની અંજલિ

ગાંધીનગર,

ભારતના સંવિધાન સભાના અંતિમ જીવિત સદસ્ય રણબીરસંિહ હુડાના નિધન અંગે રાજ્યપાલ નવલકિશોર શર્મા તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઘાતની લાગણી વ્યક્ત કરી છે. સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી આપતાં તેમણે જણાવ્યું છેકે સંવિધાનની રચના અને તેના યોગ્ય પરિપેક્ષમાં અમલ માટેની સ્વર્ગસ્થ હુડાએ આપેલી સેવાઓ ચિરંજીવ રહેશે.

પેટ્રોલિયમ એમ્પ્લોઇઝનું અનશન આંદોલન

અમદાવાદ,

પોતાની વિવિધ માગણીઓના સંદર્ભમાં આંદોલન ચલાવી રહેલા અને ઓએનજીસી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને ત્યાં કામ કરતા કામદારોના ગુજરાત પેટ્રોલિયમ એમ્પ્લોઇઝ યુનિયને અવની ભવન પાસે ૨૪ કલાકના રીલે ઉપવાસ શરૂ કર્યા છે. છઠ્ઠી ફેબુ્રઆરી સુધી આ કાર્યક્રમ ચાલશે. તે પછી પણ જો કોઇ નિકાલ નહીં આવે તો આમરણ અનશન શરૂ કરવાની ધમકી આપી છે.

ધો.- ૧થી ૪ના પાઠ્યપુસ્તકોનું આજથી વિતરણ કરાશે

અમદાવાદ,

પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો. ૧થી ૪ના પાઠ્યપુસ્તકોનું વિતરણ આવતીકાલથી ઉત્તર ગુજરાતના ચાર સ્થળોએ કરવામાં આવશે જેમાં પ્રાંતિજ, ઇડર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ધો. ૫થી ૭ના પુસ્તકોનું વિતરણ હવે પછી કરાશે. ધો. ૧થી ૪ના રાજ્યભરમાં ૩૬ લાખ વિદ્યાર્થી, જ્યારે ૫થી ૭માં ૩૨ લાખ વિદ્યાર્થીઓ છે. માર્ચથી ધો.-૫થી ૭ના વિદ્યાર્થીઓને પુસ્તકો અપાશે.

બાલમંદિરનાં શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની માગણી

અમદાવાદ,

ગુજરાતમાં ઠેર ઠેર ચાલતાં અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પાયાની ભૂમિકા ભજવતાં બાલમંદિરો, બાલવાડીઓની શિક્ષિકાઓ અને તેડાગર બહેનોને આંગણવાડી કાર્યકરોની માફક યોગ્ય પગાર, નિવૃત્તિ પેન્શન અને અન્ય લાભો આપવાની માગણી પૂર્વપ્રાથમિક શિક્ષકોના સંઘે કરી છે. આ પ્રશ્ને છેલ્લા સાત મહિનાથી સરકાર સમક્ષ રજૂઆતો થયા છતાં કોઇ પરિણામ ન આવતાં, એક સપ્તાહ પછી આંદોલન શરૂ કરવાની ચેતવણી સંઘે ઉચ્ચારી છે.

Copyright   © Gujarat Samachar