home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

સંગીતાની ક્રૂરતાપૂર્ણ હત્યામાં અનેક સવાલો
બળાત્કારનો જ હેતુ હોય તો ત્રણ દિવસ ગોંધી કેમ રાખી?

અમદાવાદ,

માસૂમ બાળકી સંગીતાની બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં પોલીસ હજુ અનેક સવાલના જવાબ શોધી રહી છે. પોલીસ એ મુદ્દો મહત્વનો માની રહી છે કે, બળાત્કારના હેતુસર સંગીતાનું અપહરણ કરવામાં આવ્યું હોય તો તેને ત્રણ દિવસ સુધી ગોંધી કેમ રાખવામાં આવી? એવું બની શકે કે, હૈવાનિયતની હદ વટાવી ચૂકેલા શખ્સે બાળકી હાથમાં આવ્યા પછી પિશાચી આનંદ મેળવવા તેને ગોંધી રાખી હોય. પરંતુ, બાળકીને ક્યાં રાખવામાં આવી અને શાળાના શૌચાલયમાં ક્યારે લઈ અવાઈ તે સૌથી મોટો સવાલ છે.

શાળાનું ઘૂળ ભરેલું શૌચાલય અને અનેક લારીઓ છતાં અપહરણની વાત શંકાસ્પદ

મ્યુનિ.ની શાળાની સ્થિતિ પણ અનેક શંકાઓ સર્જી જાય છે. જ્યાંથી મૃતદેહ મળ્યો તે શૌચાલયની ફર્શ ઉપર ઘૂળનું આવરણ જોવા મળી રહ્યું છે. સફાઈ કામદાર મહિલા કૂતરી વિહાઈ હોવાથી તા. ૩૧મીથી સફાઈ કરવા નહીં આવી હોવાની કેફીયત આપી રહી છે. વળી, સંગીતાનો મૃતદેહ જે સ્થિતિમાં મળ્યો છે તે જોતાં તેની હત્યા કલાકો અગાઉ જ કરી મૃતદેહ રાત કે વહેલી સવારે ફેંકી જવાયાનું પ્રાથમિક રીતે જણાય છે. એ જ રીતે, ડોગ સ્કવોડનો શ્વાન શૌચાલયથી શાળાના બંધ રહેતા ઝાંપા તરફ જાય છે. લાશ ફેંકીને હત્યારો ઝાંપો કૂદીને ગયો કે આ ઝાંપામાંથી પ્રવેશ્યો તેનો કયાસ કાઢવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

બાપુનગરમાં પટેલવાડી પાછળ કન્યા શાળા, મ્યુનિ. શાળા અને ખાનગી શાળા એમ ત્રણ શાળાઓ હોવા ઉપરાંત પરપ્રાંતિય હીરાઘસુઓની વસતિ હોવાના કારણે ચાર રસ્તા ઉપર છથી આઠ લારીઓ ઉભી રહે છે. ખાનગી શાળામાં રવિવારે ગૌણ સેવા પસંદગીનું પરીક્ષા કેન્દ્ર હોવાના કારણે ખાસ્સી ચહલપહલ હતી અને સ્થાનિક બાળકો પણ રમી રહ્યાં હતાં. રવિવારની બપોરે લારીઓ હતી અને લોકોની ભીડ હતી તેમ છતાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને તેણે પ્રતિકાર કર્યો નથી તે બાબતથી એટલું સ્પષ્ટ થાય છે કે, સંગીતાને ઉઠાવી જનાર વ્યક્તિને તે ખૂબ સારી રીતે ઓળખતી હતી અને ભરોસો મુકીને તેની સાથે ગઈ હતી.

પોલીસ કહે છે કે, કોઈપણ વ્યક્તિને હચમચાવી દે તેવા આ કિસ્સામાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે અને તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. મહત્વની કડીઓ મળી છે, તેની તપાસ ચાલી રહી છે. આવા ગંભીર કિસ્સામાં ત્વરિત ગતિએ આરોપીને પકડી પાડવા ટીમો કામે લગાવાઈ છે.

Copyright   © Gujarat Samachar