કેન્દ્ર
પુરસ્કૃત યોજનાઓનો ઉપયોગ હીરાના કારીગરો માટે કરાશે
ગાંધીનગર,
ગુજરાત
સરકારે હીરાના બેકાર કારીગરો માટે કોઇ નવું પેકેજ જાહેર કરવાની જગ્યાએ કેન્દ્ર સરકારે
અમલમાં મૂકેલી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત હીરાના કારીગરો માટે
પણ રોજગારી ઉભી કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રની આ યોજના હેઠળ જે ગામોમાં ગરીબ લોકોને
કામ નહીં અપાય તેના સરપંચ અને તલાટીને નોટીસ આપી હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા સુધીની
શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય
ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં રોજગારી નહીં અપાય તો સરપંચ અને તલાટીને સસ્પેન્ડ
કરાશે
ગાંધીનગર સહિત રાજ્યની
કુલ આઠ જિલ્લા પંચાયતોમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંગે રીવ્યુ બેઠકો
યોજવામાં આવી હતી, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ,
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં
આવી હતી. આ યોજનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આઠ જિલ્લાના ૫૪ તાલુકાનાં ટીડીઓ,
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો તેમજ અધિક મદદનીશ ઇજનેરોને ગ્રામીણ
રોજગારી માટે દરેક ગામોમાં નવેસરથી આયોજન કરવા જણાવાયું હતું. આ માટે ૬૦
ટકા મજુરી મળી રહે તેવા વિકાસ કામો તાત્કાલિક શરૂ કરવાની સુચના આપવામાં આવી હતી.
ખાસ તો હીરાના બેકાર કારીગરોને રોજગારી આપવા અંગે ભાર મૂકાયો છે.
આ
સમીક્ષા બેઠકમાં તમામ બીપીએલ લાભાર્થીઓને જોબકાર્ડ ઇસ્યુ કરવા સાથે બેંકમાં ફરજીયાત
ખાતું ખોલાવવા જણાવાયું હતું. આ પછી તેમને ફરજીયાત કામે લઇ આવવાની વ્યવસ્થા ગોઠવવા
સુચના અપાઇ હતી. આ યોજના હેઠળ અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં રહેતા
અથવા સુરતથી પાછા ફરેલાં હીરા ઉદ્યોગના કારીગરોને રોજગારી આપવાનું આયોજન કરવા
તાકીદ કરાઇ હતી.
ગુજરાતમાં જ્યારે
ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક આર્થિક મંદીની અસર હેઠળ દબાયેલી છે ત્યારે રાજ્ય સરકાર
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના વિકાસ માટે એક ખાસ પેકેજ લાવવાની હતી જેમાં આ સેક્ટરના
એકમો માટે પાંચ જેટલી સ્કિમોને પાંચ વર્ષ સુધીના પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં
આવ્યું હતું. આ સ્કિમમાં મુખ્યત્વે જેમ્સ એન્ડ જ્વેલરીના યુનિટો માટે ક્રેડીટ લીંક કેપિટલ
સબસીડી, હોલમાર્ક સેન્ટર, હેલ્થ એન્ડ સેફ્ટી મેજર્સ, જ્વેલરી પાર્ક તેમજ ટ્રેઇનંિગ ઇન્સ્ટીટ્યુટ્સનો
સમાવેશ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, પરંતું તેમાં સરકાર આગળ વધી
શકી નથી. તૈયાર કરવામાં આવેલી આ દરખાસ્તમાં એવું પણ સૂચવવામાં આવ્યું
હતું કે ૩૫ લાખના રોકાણ ઉપર ૫૦ ટકા આર્થિક મદદ હોલમાર્ક સેન્ટર માટે અને
૨૫ લાખ જેમ ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવા ઉપલબ્ધ કરાશે. આ પેકેજમાં ઉદ્યોગ વિભાગે આ સેક્ટરના
કારીગરો માટે પણ ધંધાકીય સ્વાસ્થ્ય માટેના ખતરા સામે જે તે એકમને કારીગરદીઠ
૫૦૦ રૂપિયા આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. જો કે સરકારે આ દિશામાં આગળ વધવાનું
મુનાસિબ માન્યું નથી.