home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
સતત ત્રીજા દિવસે ચોરી થતાં વેપારી આલમમાં ફફડાટ
રાજકોટમાં દુકાનમાંથી દસ લાખના મોબાઇલની ચોરીઃ તસ્કરો કેમેરામાં કેદ

રાજકોટ, ગુરૂવાર

શહેરમાં નાઇટ પેટ્રોલીંગના નામે પોલીસના ડીંડકનો આજે ત્રીજા દિવસે પણ તસ્કરોએ પર્દાફાશ કરી દીધો છે. સરદારનગર રોડ જેવા ધમધમતા વિસ્તારમાં આવેલ દુકાનમાંથી તસ્કરો દસ લાખના મોબાઇલ ફોનની ચોરી કરી ગયાની ઘટનાથી પોલીસ તંત્રને પરસેવો વળી ગયો છે. દુકાનમાં લાગેલ સીસી ટીવી કેમેરામાં તસ્કરો કેદ થઇ ગયા છે પરંતુ તેમાં માત્ર પડછાયા જ દેખાતા હોવાથી પોલીસને આ ફૂટેજ બહુ કામમાં લાગ્યા નથી. એક દેવીપૂજક શખ્સની પોલીસે પૂછપરછ જારી રાખી છે.

ગુનાશોધક શ્વાન જયાં અટકયો તે ઝુંપડામાં રહેતાં દેવીપૂજક શખ્સની પૂછપરછઃ કેમેરામાં તસ્કરોના પડછાયા જ દેખાય છે

ડો. યાજ્ઞિક રોડ પર છેલ્લાં બે દિવસથી બે કપડાના શો-રૂમમાંથી ચોરીની ઘટના બાદ આજે ત્રીજા દિવસે પણ એક દુકાનમાં થયેલી ચોરીથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે જયાં ચોરીઓ શરૂ થઇ છે તે વિસ્તારો સતત ધમધમતા હોય છે આમ છતાં આ વિસ્તારોની દુકાનોને નિશાન બનાવી તસ્કરો ત્રણ દિવસથી પોલીસની આબરૂના ધજાગરા કરી રહ્યા છે પરંતુ ખાઇબદેલા પોલીસના પેટનું પાણી હલતું નથી.

જાણવા મળ્યા પ્રમાણે, સરદારનગર શેરી નંબર ૨૧માં સ્થિત ગોલ્ડન સ્પેસ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર શ્રી વલ્લભ ટેલીકોમ નામની દુકાન છે જે ભાગીદારીમાં ચાલે છે. દુકાન નંબર ૧૧માં મોબાઇલનું વેચાણ કરવામાં આવે છે. જયારે દુકાન નંબર ૯નો વેચાણ ઉપરાંત ગોડાઉન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

બે દિવસ પહેલાં મોબાઇલનો જથ્થો આવતાં તેને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી દુકાનમાં રાખી દેવામાં આવ્યો હતો. ગઇકાલે રાત્રે મોડી રાત સુધી એટલે કે ૧.૧૫ વાગ્યા સુધી દુકાન ચાલુ રહ્યા બાદ બંધ કરવામાં આવી હતી.

આજે સવારે તેના માલીકો અને માણસો આવ્યા ત્યારે દુકાન નંબર ૯નું શટર તાળા તોડયા વગર કોઇ ઓજારની મદદથી ખુંટા છટકાવી વચ્ચેથી ઉંચકાયેલું જોવા મળ્યું હતું જેથી અંદર જઇ તપાસ કરતાં મોબાઇલનો જથ્થો ગાયબ હોવાથી તત્કાળ આ અંગે પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.

દુકાનની અંદર જોતાં ચોરાયેલા તમામ મોબાઇલના ખોખા યથાવત હતા તેમાં ચાર્જર અને હેન્ડસ ફ્રી પણ પડયા હતાં, માત્ર મોબાઇલ અને બેટરીઓની જ ચોરી કરવામાં આવી હતી. દુકાન માલીકે ગણતરી કરી રૂા. ૯,૭૮,૪૦૦ની કંિમતના ૩૧૩ નંગ મોબાઇલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે તસ્કરો માત્ર નોકીયા કંપનીના જ મોબાઇલ ચોરી ગયા હતાં. ચાઇનાના ૧૫૦ જેટલા મોબાઇલ પડયા હતાં તેને હાથ પણ લગાડયો ન હતો. આ એક બાબત પરથી તસ્કરો જાણભેદુ હોવાની શંકા પોલીસને ગઇ છે. વળી તસ્કરો હેન્ડસ ફ્રી અને ચાર્જર કેમ ન લઇ ગયા તે બાબતે પોલીસને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે.

સ્થળ પરથી રબ્બરનું એક ચપ્પલ મળ્યું હતું જેમાંથી ગુનાશોધક શ્વાનને સ્મેલ અપાતા તે જનતા સોસાયટીમાંથી થઇ આલાબાઇના ભઠ્ઠા નજીકના ઝુંપડામાં પહોંચતાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને ત્યાં રહેતાં દેવીપૂજક પરિવાર સાથે ચકઝક ઝર્યા બાદ અગાઉ ચોરીમાં પકડાયેલા એક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરી હતી જે સાંજ સુધી જારી રહ્યા બાદ આ શખ્સને પોલીસે કલિનચીટ આપી નથી.

બીજી તરફ દુકાનમાં લગાડાયેલા સીસી ટીવી કેમેરાનો પોલીસે અભ્યાસ કરતાં ચોરી સવારે ૫થી ૫-૫૪ વચ્ચે થયાની માહિતી મળી છે. સી.સી. ટીવીમાં ત્રણ બેટરીના ટોર્ચના પ્રકાશ જોવા મળ્યા છે જેથી ત્રણ ચોર આવ્યાનું પોલીસનું અનુમાન છે.

જો કે તસ્કરો જાણે જાણકાર હોય તેમ લાઇટ ચાલુ કરી ન હતી. ટોર્ચના પ્રકાશમાં જ દુકાનની અંદરના ભાગે આવેલા સ્ટોર રૂમમાંથી કાર્ટુન દુકાનના કાઉન્ટર પાસે લઇ આવતા નજરે પડે છે અને તમામ મોબાઇલના બોકસ ખોલી તેમાંથી મોબાઇલ અને બેટરી કાઢી તેનો એક જગ્યાએ ઢગલો કરતાં નજરે પડે છે.

જો કે અંધારાને કારણે તસ્કરોના ચહેરાને બદલે માત્ર પડછાયા નજરે પડતાં હોવાથી પોલીસને નિરાશા સાંપડી છે આમ છતાં સીસી ટીવી કેમેરાનો અભ્યાસ અને અટકાયતમાં લેવાયેલા શખ્સની પૂછપરછ કરી પોલીસ ભેદ ઉકેલવાની કસરત કરી રહી છે. આ ચોરી અંગે દુકાનના ભાગીદાર વિમલ દલસુખ મોદી (રહે. રાવલનગર-૧)એ ફરિયાદ નોંધાવી છે.

Copyright   © Gujarat Samachar