એમબીએ-એમસીએ અને જુદી જુદી
યુનિવર્સિટીમાં ચાલતા એમ.ફાર્મ
-એમ.ટેકમાં હવે કેન્દ્રીય પઘ્ધતિથી પ્રવેશ અમદાવાદ,ગુરુવાર ગુજરાતની
જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી એમબીએ અને એમસીએ કોલેજમાં
પ્રવેશની પ્રક્રિયા માટે હાલ જે તે યુનિવર્સિટીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય
છે. આગામી વર્ષથી આ પ્રથા રદ કરીને પ્રવેશની કાર્યવાહી જીટીયુ એટલે કે ટેકનોલોજી
યુનિવર્સિટીને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ.ફાર્મ અને એમ.ટેકમાં
હાલ કોલેજ દ્વારા સ્વતંત્ર રીતે પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રથા
પણ રદ કરીને હવે આ તમામ માસ્ટર ડિગ્રી કોર્સમાં સેન્ટ્રલ એડમીશન સીસ્ટમ અમલમાં
લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જીસેટની
પરીક્ષા ટેકનોલોજી યુનિ.લેશે ઃ એક જ સમિતિ કેન્દ્રીય ધોરણે તમામ અભ્યાસક્રમની
કાર્યવાહી કરશે પ્રાપ્ત વિગતો અનુસાર
ગુજરાતની એમબીએ- એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાક વર્ષોથી સેન્ટ્રલ મેરિટ
સીસ્ટમ અમલમાં લાવવામાં આવી છે. જેમા દરવર્ષે રાજયની એક યુનિવર્સિટીને આ માટેની
જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પ્રવેશ પરીક્ષાથી લઇને પ્રવેશ પ્રક્રિયા સુધીની
કાર્યવાહી જે તે યુનિવર્સિટીએ સંભાળવાની હોય છે. જો કે, ચાલુ યુનિવર્સિટીઓ સાથે
સંકળાયેલી એમબીએ અને એમસીએ કોલેજોને જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી
સાથે સાંકળી લેવામાં આવી છે. પરિણામે હવે પછી આગામી વર્ષે એમબીએ-એમસીએમાં પ્રવેશની
કાર્યવાહી પણ જીટીયુ સંભાળશે. આ સિવાય
એમ.ફાર્મ એટલે કે માસ્ટર ઓફ ફાર્મસી અને એમ.ટેક એટલે કે માસ્ટર ઓફ ટેકનોલોજીના
અભ્યાસક્રમો રાજયમાં જુદી જુદી કોલેજો દ્વારા ચલાવવામાં આવે છે. આ કોર્સમાં
પ્રવેશ માટે કોઇ સીસ્ટમ ન હોવાના કારણે હાલ કોલેજ કક્ષાએ મેરિટના આધારે પ્રવેશની
ફાળવણી કરી દેવામાં આવે છે. જેમાં એમ.ફાર્મમાં મોટાપાયે ગેરરીતિઓ અને રૂપિયા
આપી બેઠકો ફાળવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. નોંધનીય
છે કે ગુજરાતમા એમ.ટેકની અંદાજે ૮ અને એમ.ફાર્મની પણ ૭ જેટલી કોલેજો અસ્તિત્વમા
છે. આ કોલેજમાં પ્રવેશ માટે મેરિટની ખુલ્લેઆમ અવગણના કરીને રેગ્યુલર બેઠકોમા મેનેજમેન્ટ
કવોટાની ફી લેવામાં આવતી હોય છે. એક બેઠક માટે ૩ લાખથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધીના
ભાવ પણ બોલાતા હોય છે. આ પ્રથા દૂર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી એમ.ફાર્મમાં
સેન્ટ્રલ એડમીશન સીસ્ટમ દાખલ કરવા માંગ ઉઠી હતી. પરંતુ આ અંગે કોઇ નિર્ણય લેવામાં
આવતો નહોતો. આગામી વર્ષથી એમબીએ,
એમસીએ, એમ.ઇ., એમ.ટેક,એમ.ફાર્મ સહિતના માસ્ટર ડિગ્રીના કોર્સ જીટીયુમા સામેલ કરી
દેવામાં આવનાર હોવાથી આ અભ્યાસક્રમની બેઠકો પર કેન્દ્રીય પ્રવેશ પઘ્ધતિથી જ
પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે તમામ સૈઘ્ધાંતિક મંજુરી મળી ગઇ
હોવાથી આગામી વર્ષથી જીટીયુ મારફતે તમામ કોર્સમાં ઇજનેરી-ફાર્મસીની જેમ મેરિટના આધારે
સેન્ટ્રલ પઘ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે. આ અંગે ટેકનિકલ શિક્ષણ નિયામક ભારદ્વાજનો
સંપર્ક કરતાં તેઓ કહે છે કે એમબીએ-એમસીએ માટેની પ્રવેશ પરીક્ષા પણ જીટીયુ દ્વારા લેવામાં
આવશે. આ સિવાય એમ.ફાર્મમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલી દૂર કરવા
માટે સેન્ટ્રલ એડમીશન કમિટી દ્વારા જ તમામ કોર્સમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું
છે. આગામી જુલાઇથી આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. |