લોકસભાની
ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં
એસટીના ભાડામાં આઠ થી દસ ટકા ઘટાડો કરવાની
વિચારણા
ગાંધીનગર,ગુરુવાર
ગુજરાતમાં
સરકાર સંચાલિત એસટી બસોના ભાડામાં ઘટાડો કરવાની ઉચ્ચકક્ષાએ વિચારણા કરવામાં આવી
છે અને એસટી નિગમને દરખાસ્ત તૈયાર કરવાનો ટૂંક સમયમાં આદેશ કરવામાં આવે
તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રજા પાસે મત માગવા જવાનો આનાથી સસ્તો
વિકલ્પ કોઇ હોઇ શકે તેમ નથી. કેન્દ્ર સરકારે ડિઝલના ભાવમાં બે તબક્કે ચાર રૂપિયાનો ઘટાડો
કર્યો હોવાથી ભાડામાં આઠ થી દસ ટકા સુધીનો ઘટાડો શક્ય બન્યો છે.
ડિઝલના
ભાવમાં ચાર રૂપિયાના ઘટાડાના સંદર્ભમાં વાહન વ્યવહાર વિભાગ કહે છે કે નિગમમાંથી
દરખાસ્ત આવે પછી મંજૂર કરી શકાય
વાહન
વ્યવહાર વિભાગના અગ્ર સચિવ એચ.કે.દાસેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે
‘એસટી નિગમ ભાડા ઘટાડાની દરખાસ્ત રજૂ કરશે તો રાજ્ય સરકારે ચોક્ક્સ તેની
ઉપર વિચારણા કરશે.’ જો કે તેમણે કહ્યું હતું કે એસટીના કર્મચારી યુનિયન સાથે પગાર
અને વિવિધ ભથ્થાંના મામલે સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાથી નિગમ ઉપર વધારાનો
બોજો પડ્યો છે તેથી નિગમ આ બોજો સરભર કરવા માટે કદાચ ભાડા ઘટાડો કરવાની
દરખાસ્ત રજૂ ન પણ કરે.
એચ.કે.દાસના
જણાવ્યા મુજબ નિગમ પાસે હાલ રાજ્ય સરકાર અને વિવિધ આર્થિક સંસ્થાઓની ૧૭૦૦ કરોડની
જવાબદારીઓ છે, એ ઉપરાંત કર્મચારીઓને સેટલમેન્ટના ૪૯ કરોડ ચૂકવવાના થાય છે.
બીજી તરફ નવી બસો ખરીદવાનું નિગમે
નક્કી કર્યું છે અને વધારાના ગ્રામ્ય રૂટ ઉભા કરી સ્કૂલો માટે બસની સુવિધા ઉભી
કરવાની યોજના છે આમ છતાં એસટી નિગમ દરખાસ્ત કરે તો ઇન્કાર થઇ શકે તેમ નથી.
નિગમની બસોના સંચાલનનો નફો દેખાઇ
રહ્યો છે પરંતું જવાબદારીઓ હોવાથી નિગમમાં ખર્ચનું પ્રમાણ પણ વધારે છે.
અલબત્ત,
રાજ્ય સરકાર શું કરે છે તેના ઉપર ગુજરાતની મુસાફર જનતાનું ભાવિ નિશ્ચિત બને છે. સચિવાલયના
વર્તુળોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે લોકસભાની ચૂંટણી આવતી હોવાથી મુખ્યમંત્રી
કક્ષાએથી એસટીના ભાડા ઘટાડાનો નિર્ણય લેવાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ડિઝલના
ભાવમાં એકંદરે ૧૫ ટકાનો ઘટાડો થયો છે નિગમની મોટાભાગની બસો ડિઝલ સંચાલિત
છે.
હાલ નિગમ પાસે ૭૬૦૦ બસોનો કાફલો
છે જેમાં માત્ર એક હજાર બસો સીએનજી સંચાલિત છે.