|
એસટી નિગમની ૫૦ ટકા બસો
મોબાઇલ યુનિટમાં ફેરવાઇ જશે ગાંધીનગર, ગુજરાત
એસટી નિગમની ભંગાર બસો કે જેને ક્રેપમાં કાઢી નાંખવાની થાય છે તેને હવે મોબાઇલ યુનિટમાં
ફેરવવાની દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઓછામાં ઓછી
૫૦ ટકા બસોને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ફેરવવામાં આવશે. આ બસોમાં આંગણવાડી કેન્દ્રો,
રેસ્ટોરન્ટ તેમજ લાયબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસોને જો કોઇ
સ્વૈચ્છિક સંસ્થાઓ લેવા માગતી હોય તો તેમને વહીવટ સોંપવાનું પણ કહેવામાં આવ્યું
છે. આ બસોને સ્ક્રેપ કરાશે નહીં. કિલોમીટર
પૂરાં થયાં છે તેવી બસોમાં આંગણવાડી કેન્દ્રો,રેસ્ટોરન્ટ અને લાઇબ્રેરી બનાવી ગુજરાતના
ગ્રામ્ય વિસ્તારોમાં મોકલાશે ગુજરાતમાં
એસટી નિગમ પાસે હાલ ૭૬૦૦ બસો છે જે પૈકી એક હજાર સીએનજી બસો છે. બસોના કાફલામાં
૫૦ ટકા થી પણ વધારે બસો ભંગાર થઇ ચૂકી છે અને તેના કિલોમીટર પણ પૂરાં થયાં
છે. આ બસનો રિનોવેટ કરીને મોબાઇલ યુનિટમાં ફેરવવાની દરખાસ્ત રાજ્યના વાહન
વ્યવહાર વિભાગે કરી છે અને તેને એસટીના વહીવટી સંચાલક દ્વારા મંજૂરી પણ આપવામાં આવી
છે. વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ એચ.કે.દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા
ત્રણ વર્ષમાં એસટી નિગમે ૩૭૦૦ નવી બસો ખરીદી છે અને ૫૦૦ બસો ભાડેથી લીધી
છે. હાલ જે બસો છે પર્યાપ્ત નથી. આ વર્ષમાં બીજી એક હજાર બસો ખરીદવામાં આવશે
અને ૨૦૧૦ સુધીમાં ગુજરાતમાં ૧૦ હજાર બસો મૂકવામાં આવશે કે જેથી પ્રત્યેક ગામડાને
એસટી સાથે સાંકળી શકાય. જૂની અને ભંગાર બસો અત્યાર સુધી કાઢી નાંખવામાં આવતી
હતી પરંતું હવે તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જે બસ બે થી પાંચ કિલોમીટર સુધી
ચાલી શકે તેવી બસને મોબાઇલ યુનિટમાં ફેરવી દેવાશે. ગુજરાતમાં આંગણવાડીના ૪૪
હજાર કેન્દ્રો છે જે પૈકી ૫૦ ટકા ભાડાની ઇમારતોમાં ચાલે છે. આ બસનો ઉપયોગ આંગણવાડી
કેન્દ્રોમાં કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શકે તેમ છે. એ ઉપરાંત
મોબાઇલ લાયબ્રેરી અને રેસ્ટોરન્ટ ઉભાં કરવાની પણ સરકારે વિચારણા કરી છે. |