રાસ-ગરબા અને બાયોડાન્સ મસિયાઈ ભાઈબહેન ? આજની રહેણીકરણી અતિશય ફાસ્ટ બની ગઈ છે. માનવ જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા પ્રવેશી ગઈ છે. માત્ર ટેલિવિઝન પરના કહેવાતા રિયાલિટી શો નહીં, સ્કૂલ-કૉલેજ, રમત-ગમત, વેપાર ઉદ્યોગ, તબીબી ક્ષેત્ર, ઇજનેરી ક્ષેત્ર - દરેકમાં ધારદાર હરિફાઈ પ્રવર્તે છે. પરિણામે માણસ સતત અજંપ, બેચેન, એક પ્રકારની અસલામતી અનુભવનારો અને મનોરોગી બની ગયો છે. એને સતત કોઈના ઇમોશનલ સપોર્ટ અને પ્રોત્સાહનની જરૂર પડે છે... આ શબ્દો છે એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મનોચિકિત્સકના. પોઝિટિવ થીન્કીંગનાં પુસ્તકો, મનની અગાધ શક્તિ વિકસાવવાના વર્ગો, પર્સનાલિટી ડેવલપમેન્ટના લેકચર્સ અને અઘ્યાત્મ ગરૂઓના આશ્રમો આજે જેટલાં ધમધમે છે એટલા અગાઉ કદી નહોતાં ધમધમતાં. એવી જ એક આંતરરાષ્ટ્રીય ડાન્શશૈલી છે બાયોડાન્ઝા કે બાયોડાન્સ. સ્પેનના જગમશહૂર મનોચિકિત્સક રોલાન્ડો ટોરો આરાનેડા એના સંશોધક ગણાય છે. યૂરોપના દેશોમાં બાયોડાન્સ ઘૂમ સફળતાને વર્યો છે. શું છે આ બાયોડાન્સ ? ડૉક્ટર રોલાન્ડોએ એના વિશે લખતાં નોંઘ્યું છે કે પાંચ-સાત વરસ પહેલાં એકવાર અચાનક મેં અમારા નર્સંિગ હોમમાં પાર્ટીનું આયોજન કર્યું. એમાં સ્થાનિક બેન્ડને નોતરેલું. એ બેન્ડે અમારા પ્રદેશના લોકસંગીત- નૃત્યને આવરી લેતી સુરાવલિ છેડી. એન્ડ આય વોઝ શોક્ડ ટુ નોટ ધેટ એવરીબડી ફ્રોમ માય સ્ટાફ ટુ પેશન્ટસ- ઓલ સ્ટાર્ટેડ ડાન્સીંગ. (મારા કર્મચારીઓ અને પેશન્ટો બધાયને નાચતાં જોઈને હું ચોકી ઊઠ્યો.) આ ડાન્સરોમાં એવાય થોડા લોકો હતા જેમણે અગાઉ કદી ડાન્સ કર્યો નહોતો. એ જોઈને મને બાયોડાન્સ સિસ્ટમ ઊભી કરવાની પ્રેરણા મળી. બાયોડાન્સ એટલે યથાવિહાર. એક ચોક્કસ સ્વર-લયમાં માણસ પોતાને આવડે એવું ગાંડું-ઘેલું એવું નર્તન કરે. ડૉક્ટર રોલાન્ડોના બાયોડાન્સ વર્કશોપ જબરદસ્ત કામિયાબીને વર્યા છે. યૂરોપના દેશોમાં ઠેર ઠેર એની શાખાઓ ખુલી છે. શરૂમાં માત્ર પંદર મિનિટનો બાયોડાન્સ હોય છે. આરંભે કહી દેવામાં આવે છે કે તમારાં શરમ-સંકોચ છોડી દો. બીજાઓ શું માનશે કે બોલશે એની પરવા ન કરતા. તમે તમારા આનંદ માટે અને તમારું બાળપણ તાજું કરવા માટે ડાન્સ કરો છો એ યાદ રાખો. અહીં અનાયાસે ઓશો રજનીશ યાદ આવે છે. કોરેગાંવ (પૂના, મહારાષ્ટ્ર) આશ્રમમાં ઓશો આવો પ્રયોગ કરતા. શરૂમાં જે આવે એને આવા પ્રયોગમાં સામેલ કરતા. ઓશો કહેતા - તમારા મનમાં ઠાંસીને ભરી રાખેલા ક્રોધ, સંતાપ, નફરત, ધૃણા, બઘ્ઘું અહીં બહાર કાઢી નાખો. પછી ઘ્યાન મેડિટેશનની વાતો કરીશું. એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ આવા સેશનમાં પોતાના પ્રતિસ્પર્ધીને જે અપશબ્દો સંભળાવતા હતા એ જોઈ-સાંભળીને ઘણાને આઘાત લાગેલો. એક સજ્જન નિર્વસ્ત્ર થઈને ઝાડ પર ચડી ગયેલા. એક મહિલા પોતાનાં સંતાનો સાથેના મનદુઃખને યાદ કરીને આક્રંદ કરતી હતી. હકીકતમાં રોજ-બરોજના જીવનમાં આપણે ઘણી પરિસ્થિતિમાં મન મારીને સંજોગો સ્વીકારી લેવા પડે છે. બોસ ખોટા હોય અને વિના વાંકે કર્મચારીને બધાની હાજરીમાં ઉતારી પાડતા હોય છતાં કર્મચારી કશું કરી શકતો નથી. સંતાનો માતાપિતાના આદેશોને કમને માથે ચડાવે છે. કોઇને પ્રિયપાત્રનું અમુક પ્રકારનું વર્તન ડંખે છે. કોઇ પરિવારમાં માબાપની સંપત્તિ વહેંચવાના પ્રશ્ને મન ઊંચાં થઈ જાય છે. લાગણીના આવા ચડાવ-ઉતાર તંદુરસ્તી પર માઠી અસર કરે છે. આવી નેગેટિવ લાગણીનું વમન-શમન આજના સમયમાં અત્યંત જરૂરી છે. ફિલ્મ સંગીતકાર સદ્ગત કલ્યાણજી (કલ્યાણજી-આણંદજી ફેમ) કહેતા કે નવરાત્રિનો ઢોલ ઘુ્રબાંગ ઘુ્રબાંગ બોલે એ સાથે હાજર રહેલા આબાલ-વૃદ્ધ સૌના તનમનમાં ઝણઝણાટી થાય છે. એક અનોખો તરવરાટ હાથપગને ડોલાવે છે. જેને સૂરતાલની સૂઝસમજ ન હોય એ પણ પોતાને આવડે એવું ઝૂમવા-નાચવા માંડે છે. વાત સાચી છે. સ્કૂલ-કૉલેજમાં બારે માસ ગંભીર, અભ્યાસી કે અંતર્મુખ (ઇન્ટ્રોવર્ટ કે રિઝર્વ) રહેતા ટીનેજર્સને નવરાત્રિના રાસગરબા અનેરા ઉલ્લાસથી ભરી દે છે. એટલે જ છેલ્લાં થોડાં વરસથી બિનગુજરાતી લોકો પણ નવરાત્રિના રાસગરબાની મોજ માણતા થયા છે. ડૉક્ટર રોલાન્ડોના બાયોડાન્સના પાયામાં આ જ થિયરી રહેલી છે. યથેચ્છ ઝૂમો- નાચો. અગાઉ ગરબા એટલે તાળીના તાલે ગવાય તે અને દાંડિયા એટલે લાકડા કે ધાતુના સોટા-સળિયાથી રમાય તે એવી મર્યાદિત વ્યાખ્યા હતી. આજે કોઈ પણ નવરાત્રિ મંડપમાં જઈને જુઓ - ટીનેજર્સ પોતાની મસ્તીમાં અવનવા અંગમરોડ અને નીત નવી મુદ્રાઓ સાથે ડોલતા દેખાશે. એમાં વ્યકિતગત અને સામૂહિક, બંને પ્રકારનો સમન્વય નજરે પડશે. એમાંય હવે તો અખબારો - સામયિકો અને ટીવી ચેનલો નવરાત્રિ ઉત્સવને ઉદાર મને કવરેજ આપે છે. એટલે મનોચિકિત્સકો જેને ઇમોશનલ સપોર્ટ કે એપ્રિસિયેશન (વખાણ, પ્રોત્સાહન, શાબાશી) કહે છે એ અનાયાસે ટીનેજર્સને મળી રહે છે. સંગીતના સૂર-લયમાં ખેલૈયાનું મન નિર્દોષ બાળકની જેમ મસ્ત થઇ જાય છે. બાયોડાન્સના સમર્થકો એજ ઇચ્છે છે. તમારામાં રહેલું બાળક ફરી પ્રગટે તો તમે જીવનને સંપૂર્ણપણે માણતા થઈ જાઓ. બિનજરૂરી તાણ-ટેન્શન, અજંપો, અકળામણ, ઉશ્કેરાટ અને અસલામતી આપોઆપ અદ્રશ્ય થઇ જાય. એના પગલે ડૉક્ટરો જેને સાઇકોસોમેટિક બીમારી કહે છે એ પણ દૂર થઈ જાય. |