ગુજરાતના ઘડવૈયા
પુષ્પાબહેનનો જીવનસંદેશ - ‘‘મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક’’
પુષ્પાબહેનને જ્યોતિસંઘના અનુભવો થયા પછી તેમણે જોયું કે, જ્યોતિસંઘને મદદરૂપ એક નવી સંસ્થા સ્થાપવાની જરૂર છે. વૃદ્ધજનોનો પરણાવી ઘાલવામાં આવેલી કેટલીક યુવતીઓ તેમજ પતિનો ત્રાસ સહન કરી રહેલી કેટલીક બહારગામની બહેનોએ તેમને ફરિયાદ કરી કે અમે જ્યોતિસંઘમાં તાલીમ લેવા માગીએ છીએ પણ રહેવાને ઘર નથી. પુષ્પાબહેન તે સમયે મજૂર મહાજન પાસેના નાના ઓરડામાં રહેતા હતા. તેમણે નિઃસહાય બહેનોને આશરો આપ્યો, પણ તેમના મનમાં વિચાર આવ્યો કે જો આવી તરછોડાયેલી બહેનોને તાલીમ આપવા નિવાસીગૃહ શરૂ કર્યું હોય તો તેમના માટે આશીર્વાદરૂપ થઈ પડે તેમ છે. તેમણે મૃદુલાબહેન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો અને તેને પરિણામે વિકાસગૃહનો જન્મ ૧લી મે ૧૯૩૭ના રોજ થયો. તેની શરૂઆત સૌરાષ્ટ્ર કો.ઓ.હા. સોસાયટીના નવ રૂમ અને રસોડું તથા આઉટહાઉસમાં પુષ્પાબહેન આઉટહાઉસમાં રહીને આ સંસ્થાનો તમામ વહીવટ કરતાં. સારાભાઈ કુટુંબની મદદ તો ખરી જ, પણ સંસ્થાનું મહત્ત્વ પિછાનીને અનેક નાના મોટા વેપારીઓ અને તેમના મહાજનોનાં દાન પણ પ્રાપ્ત થવા લાગ્યાં. સત્તર બહેનોથી શરૂ થયેલ આ સંસ્થા આજે શારદા સોસાયટી પાસે વિશાળ વટવૃક્ષની જેમ વિકસી છે અને તેનું સ્વતંત્ર મકાન છે.
પુષ્પાબહેને જેટલી સંખ્યામાં સ્ત્રી સંસ્થાઓ સ્થાપી તેટલી ગુજરાતની બીજી કોઈ સ્ત્રીએ સ્થાપી હોય તેમ લાગતું નથી. પણ સંખ્યા મહત્ત્વની નથી. તેનું સંચાલન અને સંસ્થાઓ વચ્ચેની એકસૂત્રતા અને સંયોગીકરણ વધારે મહત્ત્વનું છે. પુષ્પાબહેને જે સફળતાપૂર્વક આ પ્રયોગ શરૂ કરીને સ્ત્રીસંસ્થાઓ તથા તેની આનુષંગિક બાળસંસ્થાઓ વિકસાવી અને તેમના વચ્ચે સંયોજન કર્યું તે બાબત કુશળ મેનેજમેન્ટની દ્રષ્ટિએ અભૂતપૂર્વ છે. તે સમયે I.I.Ms ન હતાં અને બિઝનેસ કોર્પોરેશનોમાં પણ પ્રોફેશનલ મેનેજમેન્ટ શરૂ થયા ન હતાં. આવા સંજોગોમાં પુષ્પાબહેને તેમના ભણતર, અનુભવો અને કોઠાસૂઝથી મહિલા સંસ્થાઓ વિકસાવી હતી. અમદાવાદમાં ૧૯૩૭માં વિકાસગૃહ સ્થાપ્યા બાદ તેમણે સૌરાષ્ટ્રને સ્ત્રી સંસ્થાઓથી મઢી લીઘું. જેમ કે ૧૯૪૪માં હળવદમાં, ૧૯૪૫માં વઢવાણ અને રાજકોટમાં, ૧૯૪૮માં જૂનાગઢમાં, ૧૯૫૦માં જામનગર અને અમરેલીમાં અને ૧૯૫૨માં પ્રભાસપાટણમાં મહિલા સંસ્થાઓ અને તેની સાથે બાલકલ્યાણ કેન્દ્રો સ્થાપ્યાં હતાં. માતૃસંસ્થા તરીકે અમદાવાદનું વિકાસગૃહ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ તમામ સંસ્થાઓ સાથે સંકળાયેલું હોવાથી અનેક તેજસ્વી સ્ત્રીઓ ગુજરાતના આ નૂતન પ્રયોગ સાથે જોડાઈ હતી. પુષ્પાબહેને અનેકવાર કહ્યું હતું કે, ‘‘મેં અને મારા સહકાર્યકરોએ સ્થાપેલ સંસ્થાઓ મારા શ્વાસ અને પ્રાણ છે.’’ તેઓ તેમની ડાયરીમાં ખાસ નોંધ કરી ગયા છે કે ઃ ‘‘મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક છે... મારું સ્મારક કરવું નહિ, મારા ફોટા ક્યાંય મૂકવા નહિ. મારી સંસ્થાઓએ જ મારું સ્મારક છે.’’
કોઈ પણ સંસ્થા અઘ્ધર રીતે શરૂ થતી નથી. સંસ્થા- સ્થાપક વ્યક્તિ કે જૂથે અગાઉ સમાજોપયોગી કાર્યો કરીને પ્રતિષ્ઠા હાંસલ કરી હોય તો જ તેને ધનિકો દાન આપતા હોય છે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત તો અંબાલાલ સારાભાઈએ ગાંધીજીને આપેલું દાન છે. હરિજનોને દાખલ કરતાંની સાથે જ જ્યારે સાબરમતી આશ્રમ વિરોધના વમળમાં સપડાયો ત્યારે આ પ્રગતિશીલ ઉદ્યોગપતિએ દાન આપીને સાબરમતી / હરિજન આશ્રમને બચાવી લીધો હતો. પુષ્પાબહેને સૌરાષ્ટ્રમાં સ્ત્રી સંસ્થાઓ સ્થાપી તે પહેલાં અમદાવાદના જ્યોતિસંઘ અને વિકાસગૃહની કામગીરી બદલ તેઓ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાં હતાં. તેથી જ જ્યારે તેમણે ૧૯૪૪માં હળવદમાં વિકાસગૃહ સ્થાપ્યું તે સમયે તેમને હળવદના ‘પંચોળી બ્રધર્સ’ની મદદ મળી ગઈ. રેવાશંકર પંચોળી અને તેમના ભાઈ દલસુખભાઈનો તે સમયે ‘પંચોળી પિક્ચર્સ’ ઉદ્યોગ ધમધમી રહ્યો હતો. આ દાનમાંથી ‘રેવાશંકર પંચોળી પ્રગતિગૃહ’ની સ્થાપના થઈ હતી. આજે તો તેણે મોટી નામના હાંસલ કરી છે. તે જ પ્રમાણે વઢવાણનું છે, જ્યારે તેમણે ૧૯૪૫માં વઢવાણમાં વિકાસ વિદ્યાલયની સ્થાપના કરી ત્યારે તેઓ અમદાવાદના વિકાસગૃહનું સંચાલન કરતા હોવાથી વઢવાણની સંસ્થાનું કામ શારદાબહેન મજમુદારને સોંપ્યું. પુષ્પાબહેનના ભત્રીજી અરૂણાબહેન ૨૧મે વર્ષે બી.એ. થતાં તેમણે જ ખુદ વઢવાણ જવાનું નક્કી કર્યું. પરંતુ આટલું માત્ર નહીં, પુષ્પાબહેને અમદાવાદના વિકાસગૃહમાં ઘડાયેલી સુલોચના નાણાવટી અને વત્સલા દેસાઈ જેવી તેજસ્વી યુવતીઓને વઢવાણ મોકલી. ૧૯૪૭માં હરિઇચ્છાબહેનને વઢવાણ મોકલ્યાં. વઢવાણની સંસ્થામાં ઘણું ઝડપથી વિસ્તૃતીકરણ થયું અને તેને અનુરૂપ ‘કોઓર્ડીનેશન’ અમદાવાદ- વઢવાણ વચ્ચે વઘ્યું. ૧૯૫૨ સુધીમાં પ્રાથમિક શાળા ઉપરાંત પુખ્ત ઉંમરની બહેનો માટે મહિલા મંડળ, સ્ત્રી અઘ્યાપન મંદિર, આંગણવાડી તાલીમ કેન્દ્ર, કાનુની સલાહ અને સહાય કેન્દ્ર શરૂ થયાં. રૂઢિચુસ્ત સમાજનો ભારે વિરોધ સહન કરીને પણ વઢવાણની સંસ્થાએ દલિત સ્ત્રીઓ અને બાળકોને તેના કાર્યક્રમોમાં સાંકળી લીધાં. કેન્દ્ર સંસ્થાની દોરવણીની સાથે સાથે તેની સાથે સંકળાયેલી સંસ્થાઓને સત્તાનો દોર કેવી રીતે સોંપવો (delegation
of power) તેના ઉત્તમ ઉદાહરણરૂપ પુષ્પાબહેન અને તેમની સંસ્થાઓ છે.
એ જ પ્રમાણે પુષ્પાબહેને ૧૯૪૫માં રાજકોટમાં ‘શ્રી કાંતા સ્ત્રી- વિકાસગૃહ’, ૧૯૪૮માં જૂનાગઢમાં ‘શિશુ મંડળ’, ૧૯૫૦માં જામનગરમાં ‘શ્રી કસ્તુરબા સ્ત્રી- વિકાસગૃહ’ તથા ‘શ્રીમતી જડાવલક્ષ્મી રામજીભાઈ કામાણી મહિલા વિકાસગૃહ’ અને ૧૯૫૨માં પ્રભાસપાટણમાં મહિલા મંડળ અને ત્યારબાદ બાલમંદિર અને સ્ત્રી અઘ્યાપન મંદિર સ્થાપ્યા હતાં. પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને બી.એડ્. સુધીના અભ્યાસક્રમો, કાનૂની સલાહ અને મદદ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો- આ પ્રકારનું તંત્ર સુગ્રથિત હોવા ઉપરાંત પરિવર્તનલક્ષી પણ હતું અને તે જ મુજબ આજે બધી સંસ્થાઓ ચાલે છે. એ ભાગ્યે જ ઉમેરવાની જરૂર હોય કે સ્ત્રીઓના સર્વાંગી પ્રશ્નોને હલ કરતાં તેમનો વિકાસ કરવા માટે પુષ્પાબહેને બૌદ્ધિકો, સામાજિક સુધારકો અને કેળવણીકારો ઉપરાંત પોલીસ તંત્ર, અદાલતો અને વકીલો સાથે પણ જરૂરી સંબંધો કેળવ્યા હતાં અને જ્યાં જરૂરી લાગ્યું ત્યાં પોલીસ ખાતા ઉપર પણ દબાણો લઈ આવ્યા હતાં. જેવી રીતે ગાંધીજી માટે કહેવાયું કે, ‘‘મારું જીવન એ જ મારી વાણી’’ તેવી રીતે પુષ્પાબહેનનાં ‘મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક’ ઉદ્ગારનું છે.
પુષ્પાબહેન રાષ્ટ્રિય આંદોલન અને રાજકીય પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં હતાં. પણ તેમનો ઉદ્દેશ ઘણો સ્પષ્ટ હતો- આર્થિક અને સામાજિક વિકાસ અને ન્યાયનો. તેમણે ૧૯૪૨ની ‘હિંદ છોડો’ની લડત વખતે પત્રકારત્વ, ખાદી અને પિકેટીંગ ઉપરાંત ભૂગર્ભ પ્રવૃત્તિ પણ આદરી હતી. ‘આરઝી હકૂમત’ના આંદોલનમાં તેમણે વીરતાપૂર્વક ભાગ ભજવ્યો હતો. નવાબની હકૂમતમાંથી જૂનાગઢને છોડાવ્યા બાદ જ્યારે સૌરાષ્ટ્રનું રાજ્ય સ્થાપવા તથા તેનું બંધારણ ઘડવા નવેમ્બર ૧૯૪૮માં સભા મળી ત્યારે તેણે પુષ્પાબહેનને તેનાં અધ્યક્ષપદે ચૂંટ્યાં હતાં. આરઝી હકૂમતના પ્રધાન તરીકે તેમણે નિર્વાસિતોના પુનઃવસવાટ માટે સફળ પ્રયાસો કર્યા હતા. જૂનાગઢનું જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિનીકરણ થયું ત્યારે પુષ્પાબહેને ગિરના જંગલોના માલધારીઓના ઉત્કર્ષ માટે જે યોજના ઘડી અને અમલમાં મૂકી તે વાત તો ઘણી રોમાંચક છે. તેમણે માલધારીઓના નવા નેસડાં બંધાવ્યા, ઢોર માટે ઘાસચારાની વ્યવસ્થા કરી અને માલધારીઓના શિક્ષણ, આરોગ્ય, જમીન વહેંચણી અને ખેતીનાં ઓજારો માટે યોજનાઓ ઘડી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસની મદદથી તેને લગતું વહીવટી તંત્ર પણ ગોઠવ્યું. માલધારીઓ પુષ્પાબહેનને તેમના તારણહાર ગણતા. ૧૯૫૬માં સૌરાષ્ટ્રરાજ્યનું વિલિનીકરણ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં થતાં પુષ્પાબહેન મુંબઈ રાજ્યના સોશિયલ વૅલ્ફેર બોર્ડના અઘ્યક્ષ થયાં. ૧ મે, ૧૯૬૧ના રોજ જ્યારે સ્વતંત્ર ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ તેમની નિયુક્તિ સમાજ કલ્યાણ બોર્ડના અઘ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. તે સમયે તેઓ વિધાનસભાના સભ્ય અને સ્ત્રીઓની આપઘાત તપાસ સમિતિના પણ અઘ્યક્ષ હતાં. તે પહેલા ૧૯૫૮માં તેમણે ‘કુંવારી માતા’ ઉપર નિબંધ લખ્યો હતો. ૧૯૬૬માં રાજયસભાના સભ્ય ૧૯૭૦માં પૂરરાહત કાર્યસમિતિના સભ્ય અને ૧૯૮૨માં વાવાઝોડા રાહત કાર્ય સમિતિના સભ્ય તરીકે તેમણે ઉમદા કાર્યો કર્યા હતાં.
પુષ્પાબહેનની સેવાઓ બદલ તેમને અનેક પુરસ્કારો મળ્યા હતાં. જેમ કે ૧૯૫૫માં પદ્મભૂષણ, ૧૯૭૫માં અખિલ હિંદ મહિલા પરિષદ તરફથી બહુમાન અને ૧૯૮૩માં જમનાલાલ બજાજ એવોર્ડ.
પુષ્પાબહેન બહુમુખી પ્રતિભા ધરાવતાં નેતા તેમજ ગ્રાસરૂટ્સ વર્કર હતાં. કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે સત્તા ઘણું બળવાન સાધન છે. પુષ્પાબહેને સત્તાનો ઉપયોગ ધન રળવા કે ‘‘વાહ... વાહ’’ના પોકારો દ્વારા કીર્તિ અને સામાજિક દરજ્જો ભોગવવા માટે નહીં પણ એક ‘ચેન્જ એજન્ટ’ તરીકે કર્યો હતો. વ્યક્તિગત તેમજ સંસ્થાકીય સ્વરૂપમાં તેમણે કરેલી કામગીરી ઠોસ પરિણામોની દ્રષ્ટિએ એવી તો કામયાબ પુરવાર થઈ હતી કે તેઓ તેમના જમાનામાં સમગ્ર રાષ્ટ્રમાં છવાઈ ગયાં હતાં અને જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, સરોજિની નાયડુ, દાદાસાહેબ માવળંકર અને કમળાદેવી ચટ્ટોપાઘ્યાય જેવા દેશનાં નેતાઓએ તેમની મુક્ત કંઠે તારીફ કરી હતી.
પુષ્પાબહેન અંત સુધી કાર્યરત રહ્યાં હતાં. ૨૬મે વર્ષે વિધવા થયાં હતાં. તેમણે આ ઘા તો જીરવ્યો હતો પણ જીવનના અંત સમયે તેમને ભાગે જે ઘા સહન કરવાનો વારો આવ્યો તે ઝીરવી શક્યા ન હતાં. ૧૯૨૨માં જન્મેલા તેમના પુત્રી ઉષાબહેન પુષ્પાબહેનના અંગત જીવનના એક મોટા આશ્વાસનરૂપ હતાં. ઉષાબહેને એમ.ડી. થઈને ગાયનેક તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગનાં વડા હોવા ઉપરાંત ‘ઉષા નર્સંિગ હોમ’ પણ ચલાવતાં મા- દીકરી સાચા અર્થમાં ગાઢ મિત્રો હતાં. ઉષાબહેનનું અવસાન માર્ચ ૧૯૮૭માં થયું તેના એક વર્ષ અગાઉ પુષ્પાબહેનને પક્ષાઘાતનો હુમલો થયો હતો. લક્વાગ્રસ્ત માતાએ પોતાની વહાલસોઈ દીકરીના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ અવાક થઈ ગયાં. મરણપથારીએથી પણ શબ્દ દ્વારા તેમના આંસુ ખરી પડ્યાં હતાં. પુષ્પાબહેનનું અવસાન ૨ એપ્રિલ, ૧૯૮૮ના રોજ થયું તે પહેલાં તેમણે જે કાવ્ય રચ્યું તેની કેટલીક કડીઓ નીચે મુજબ છે ઃ
‘‘મારા મનની ભાવના અને
મારા મનની પ્રેરણા
તું હતી અને તું હતી...
આકાશમાં ઊગેલી ઉષા
સ્મૃતિમાં તરબોળ કરી...
ચમનને વેરાન કરી શું ચાલી (ગઈ ?)
ઉષા, તું ઊગી
ઓચિંતી આથમી ગઈ
જીવનની સંઘ્યાએ
અંધકાર પાથરી ગઈ.’’
|