home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

હોમ પેજ

જેફ બાયઝોસનો જાદુઇ ચિરાગ - નામ હૈ કીન્ડલ, એમેઝોન કીન્ડલ

ટેકનોલોજીના ક્ષેત્રમાં બદલાતી પેઢીને ૧.૦, ૨.૦, ૩.૦ - એ રીતે રજૂ કરવામાં આવે છે. એ પદ્ધતિ પ્રમાણે સદીઓથી પુસ્તકોની પહેલી પેઢી ચાલી રહી હતી. ગુટેનબર્ગે પ્રિન્ટીંગ ટેકનોલોજી શોધી, ત્યાર પછી સદીઓ સુધી પુસ્તકના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર થયો નહીં. પરંતુ જુદાં જુદાં ક્ષેત્રોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની બોલબાલા પછી પુસ્તકોને પણ ડિજિટલ ટેકનોલોજીનો પવન સ્પર્શ્યો છે. અત્યાર સુધી ‘ઇ-બુક’ કહેવાતી ઇલેક્ટ્રોનિક બુકની દિશામાં ઘણું કામ થયું છે. ઇ-બુકમાં છપાયેલા પુસ્તકનું પાનેપાનું સ્કેન કરવામાં આવે છે. આ રીતે આખું પુસ્તક ડિજિટલ તસવીરોની જેમ ૦ અને ૧ના સંકેતોમાં ફેરવાઇ જાય છે, પણ છપાયેલાં પાનાંનો અસલી દેખાવ જળવાઇ રહે છે. વિશ્વભરનાં પુસ્તકાલયોમાં સચવાયેલા અદ્‌ભૂત જ્ઞાનખજાનામાંથી પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપવાનું કામ ઠેકઠેકાણે ચાલી રહ્યું છે. ‘ગુટેનબર્ગ પ્રોજેક્ટ’ (www.gutenberg.org) જેવી કેટલીક વેબસાઇટો પર અંગ્રેજી સાહિત્યની ઘણી ક્લાસિક કૃતિઓ મફત ડાઉનલોડ કરવા મળી શકે છે.

પુસ્તકને ડિજિટલ સ્વરૂપ તો અપાયું, પણ એ પુસ્તકને વાંચવું કેવી રીતે?

ઇ-બુક સામેના પડકાર

પુસ્તક એટલે ફક્ત છપાયેલા શબ્દો? ના. પુસ્તક વાંચવાની મઝાનું આખું રસાયણ હોય છે. કોઇને વાંચતાં વાંચતાં નાસ્તો કરવા કે નાસ્તો કરતાં કરતાં વાંચવા જોઇએ. કોઇને વળી બેઠાં બેઠાં વાંચવાને બદલે આડા પડખે વાંચે તો જ શબ્દો દિમાગમાં ઉતરે. આરામખુરશીથી માંડીને કમોડ સુધીની મનપસંદ જગ્યા પર નિરાંતે પુસ્તક વાંચનારા હોય છે. એ બધાને ‘ઇ-બુક’ શી રીતે અનુકૂળ આવે? ઇ-બુક માટે કમ્પ્યુટર જોઇએ. ડેસ્કટોપ નહીં તો લેપટોપ. પણ ખોળામાં લેપટોપરૂપી ભાણીયો રાખીને કેટલું વંચાય? અને એમાં મઝા આવે કે કેમ એ સવાલ તો ખરો જ. આ સમસ્યાઓના ઉકેલ તરીકે ઘણી કંપનીઓ ઇ-બુક રીડર બનાવી ચૂકી છે. પરંતુ અક્ષરોની ચોખ્ખાઇ જેવી ટેકનિકલ બાબતથી માંડીને ‘વાંચવાની મઝા’ જેવા માનસિક મુદ્દે એક પણ ઇ-બુકને ધારી સફળતા મળી નથી.

વાચનપ્રેમીઓ માટેનું ‘આઇ-પોડ’

આઇ-પોડના લીધે પોર્ટેબલ મ્યુઝિક પ્લેયરમાં સર્જાઇ, એવી ક્રાંતિની ઇ-બુકના રીડર માટે પ્રતીક્ષા હતી, પણ ગયા વર્ષના અંતે ‘એમેઝોન.કોમ’ વેબસાઇટના જેફ બાયઝોસે ‘એમેઝોન કીન્ડલ’ નામે બુકરીડર પ્રદર્શીત કર્યું. ‘એમેઝોન’ ઇન્ટરનેટની આલમમાં જૂની અને જાણીતી વેબસાઇટ છે, જે નવાં-જૂના પુસ્તકોના વેચાણમાં મોખરે ગણાય છે. તેનો સ્થાપક જેફ બાયઝોસ પોતે પુસ્તકપ્રેમી હોવાથી, તેને ઝંખના હતી એક એવા બુકરીડરની જે લગભગ પુસ્તક વાંચવા જેવો જ અહેસાસ આપે. સાથોસાથ, પરંપરાગત પુસ્તકમાં ન મળતા હોય એવા ઇન્ટરનેટ અને કમ્પ્યુટર ટેકનોલોજીના ફાયદા પણ મળે. ‘એમેઝોન કીન્ડલ’માં એ સંગમ શક્ય બન્યો છે.

પહેલી વાત તેના અક્ષરોની ચોખ્ખાઇની. એ માટે વપરાયેલી ‘ઇ- ઇન્ક’ ટેકનોલોજી જેફ બાયઝોસની શોધ નથી. અગાઉ ‘સોની’ કંપનીનાં રીડરમાં એ ટેકનોલોજી સફળતાપૂર્વક વપરાઇ ચૂકી છે અને તેનું સરસ પરિણામ મળ્યું છે. છતાં, જેફ બાયઝોસે ‘કીન્ડલ’માં એટલી કરામતો મુકી છે કે ‘સોની રીડર’ સાથે તેની સરખામણી થઇ શકે નહીં.

કમાલનું કીન્ડલ

‘કીન્ડલ’નો એક અર્થ થાય ઃ ચિનગારી. ઇ-બુકરીડરના ક્ષેત્રમાં નવી ચિનગારી- નવું અજવાળું ફેલાવતા એમેઝોન કીન્ડલની સૌથી પહેલી કમાલ છે તેનું ટચૂકડું કદ અને વજન. તેનો સ્ક્રીન ખાસ્સો છ ઇંચનો છે, પણ વજન માંડ ૩૦૦ ગ્રામ. બેટરીથી ચાલતું હોવા છતાં લેપટોપની જેમ એ ગરમ થઇ જતું નથી. લેપટોપ કે લેટેસ્ટ મોબાઇલ ફોનની સૌથી મોટી મર્યાદા તેમની બેટરીની આવરદા હોય છે. સાધનમાં લાખ કરામત હોય, પણ બેટરી થોડા કલાકમાં ઠુસ. ‘કીન્ડલ’નું કામ ચોપડી ધરવાનું ગણાય. કંટાળાજનક કે ભારે ચોપડી હોય, વાંચવાનો મૂડ ન હોય તો વાંચનાર પંદર મિનીટમાં તેને બાજુ પર મુકી દે, પણ રસ પડી ગયો અને એક બેઠકે બારસો-પંદરસો પાનાં ખેંચી પાડવાનું મન થાય તો? એવું થાય ત્યારે બેટરી દગો ન દે એ માટે ‘કીન્ડલ’માં ૩૦ કલાક સુધી ચાલે એવી બેટરી મુકવામાં આવી છે. છતાં તેને પૂરેપૂરી ચાર્જ કરતાં ફક્ત બે કલાક લાગે છે.સો-બસો ઇ-બુક ‘કીન્ડલ’ માટે કશા હિસાબમાં જ નથી. એટલી તો તેની પર અમસ્તી મળી રહે છે. તેની મેમરીમાં બીજી સેંકડો ઇ-બુક્સ સ્ટોર કરી શકાય છે. એ સિવાય ‘એમેઝોન’ની વેબસાઇટ સહિત બીજી અનેક વેબસાઇટ પર મુકાયેલી ઇ-બુક ‘કીન્ડલ’માં ડાઉનલોડ કરવાનું બહુ સહેલું છે. કારણ કે તે વાયરલેસ ઇન્ટરનેટથી સજ્જ છે. (સોનીના બુક રીડરમાં આ સુવિધા ન હોવાથી, તેની ઉપયોગીતામાં થોડા માર્ક કપાય છે.)

‘વીસ્પરનેટ’ તરીકે સીસ્ટમ અંતર્ગત ‘કીન્ડલ’માં ફક્ત વાઇ-ફાઇ કનેક્શન ધરાવતાં હોટ-સ્પોટ પર જ નહીં, તમામ જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન મળી રહે છે. એ કારણથી ‘કીન્ડલ’ દ્વારા થઇ શકતાં કામની યાદી ઘણી લાંબી છે. તેને કમ્પ્યુટરની કશી ગરજ નથી. છતાં, ઇન્ટરનેટ સજ્જ કમ્પ્યુટર પર (ઇ-બુક વાંચતી વખતે) કરી શકાય, એ બધાં જ કામ ટચૂકડા વાયરલેસ ‘કીન્ડલ’ પર થઇ શકે છે. ‘કીન્ડલ’ પર વન ટચ સીસ્ટમથી કોઇ પણ પુસ્તક ખરીદતાં, એ પુસ્તકનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ તત્કાળ ડાઉનલોડ થઇ જાય છે અને ‘કીન્ડલ’ પર તેની લિજ્જત માણી શકાય છે. લગભગ ૮૮,૦૦૦ ઉપલબ્ધ પુસ્તકોના આરંભિક ખજાના સાથે ‘કીન્ડલ’ વાચનરસિયાઓ માટે ખરા અર્થમાં જાદુઇ ચિરાગ બની રહેશે.

અજાયબીઓ અપરંપાર

ફક્ત ટેકનોલોજીના પ્રેમીઓ માટે જ નહીં, તમામ ઉંમરના વાચકો માટે ‘કીન્ડલ’ ઉપયોગી બની રહે એ માટે તેમાં લખાણના ફોન્ટ (અક્ષરો) નાના-મોટા કરી શકાય એવી વ્યવસ્થા છે. બાળકો કે મોટી ઉંમરનાં વડીલોને ઝીણા અક્ષર વાંચવાની તકલીફ પડતી હોય, તો એ સમસ્યાનો આ સચોટ ઉકેલ છે. ‘કીન્ડલ’ પર કોઇ પણ પુસ્તક કે લખાણ વાંચતી વખતે, સાથે ને સાથે બીજાં પુસ્તકો શોધી શકાય છે, તમારી રુચિ પ્રમાણે સૂચવાયેલાં પુસ્તકોની યાદી તપાસી શકાય છે, બીજા વાચકોએ લખેલા રીવ્યુ વાંચી શકાય છે, જાતે રીવ્યુ લખી શકાય છે. આખા પુસ્તકમાંથી ચોક્કસ શબ્દ કે શબ્દપ્રયોગ શોધવો હોય તો એ શક્ય છે અને પુસ્તકમાં અન્ડરલાઇન કરવાની ટેવ ધરાવતા લોકો ‘કીન્ડલ’ પર ખાસ ઇલેક્ટ્રોનિક પેનથી લખાણનો ચુનંદો હિસ્સો હાઇલાઇટ કરી શકે છે. ૩૯૯ ડોલરની કંિમત ધરાવતું ‘કીન્ડલ’ હજુ અમેરિકામાં પણ છૂટથી મળતું થયું નથી. છતાં, ટૂંક સમયમાં તેનો પૂરતો સ્ટોક બજારમાં આવશે ત્યારે વાચનના શોખીનોને ટેકનોલોજીનો નવો ટેકો મળશે અને પુસ્તકોને મળશે નવું જીવન.

Copyright   © Gujarat Samachar