home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

બ્રોડ બેન્ડ

૧ લીટરે ૪૨ કિ.મી.ની એવરેજ? સર્ચ ચાલુ છે

ગુગલ ડોટ કોમ અને વિનોદ ખોસલા- આ બન્ને આઇ.ટી. ઇન્ડસ્ટ્રીનાં પ્રતિષ્ઠિત નામ છે. ગુગલ હવે માત્ર સર્ચએન્જિન ન રહેતાં, માઇક્રોસોફ્‌ટને ઘુ્રજાવે એવી કંપની બન્યું છે, જ્યારે વિનોદ ખોસલા ‘સન માઇક્રોસીસ્ટમ’ના સહસ્થાપક અને અનેક ઇન્ટરનેટ સાહસોમાં ભંડોળ આપનાર વેન્ચર કેપિટલીસ્ટ તરીકે જાણીતા છે. આ બન્ને મોટાં નામ અહીં તેમના આઇટીના નહીં, પણ ઓટોમોબાઇલ ક્ષેત્રના પરાક્રમને કારણે યાદ કરવાં પડ્યાં છે. રતન ટાટાએ એક લાખ રૂપિયામાં ‘નેનો’ કાર આપીને સૌથી સસ્તી કારનો ધડાકો કરી દીધો, પણ સૌથી વઘુ એવરેજ આપતી-સૌથી ઓછું પ્રદૂષણ કરતી કાર માટેની હરીફાઇ હજુ ચાલુ છે. એક લિટરે આશરે ૪૨ કિ.મી.ની એવરેજ આપતી કાર બનાવવા માટે ‘ગુગલ’ સહિત ઘણા હરીફો મેદાનમાં છે. (એમ તો એપલ કંપનીના બહુચર્ચીત આઇ-ફોનની હરીફાઇમાં ગુગલનો જી-ફોન આવી રહ્યો હોવાનું પણ ક્યારનું સંભળાય છે.) પૂનામાં જન્મેલા અને અમેરિકામાં ઝંડા ફરકાવનારા વિનોદ ખોસલા ઘણા વખતથી પેટ્રોલ-ડીઝલના વૈકલ્પિક બળતણમાં ઘણો રસ લઇ રહ્યા છે. મકાઇમાંથી બાયો-ફ્‌યુઅલ તૈયાર કરતી કંપનીઓમાં ખોસલાએ ઘણા ડોલર રોક્યા છે. બન્ને કંપનીઓ હાઇબ્રીડ (મિશ્ર) બળતણ વાપરી શકાય એવી ટેકનોલોજી અંગે સંશોધન અને તેના પ્રચાર પાછળ પણ પુષ્કળ નાણાં ખર્ચી રહી છે. ‘એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશન’ નામની ત્રીજી કંપનીએ પણ આ હરીફાઇના બળતામાં ઘી (કે ડોલર) હોમ્યા છે. તેણે એક લીટરે ૪૨ કિલોમીટર (અમેરિકન હિસાબ પ્રમાણે, ૧૦૦ માઇલ પ્રતિ ગેલન)ની એવરેજ આપતી કાર બનાવનાર માટે અઢી કરોડ ડોલરનું અધધ ઇનામ જાહેર કર્યું છે. આવી કાર બનશે તો આખરી જીત ગ્રાહકોની જ થશે.

મોબાઇલ ફોન સામે ખતરાની ઘંટડી?

લાંબા સમય સુધી મોબાઇલ ફોન વાપરવાથી મગજને કે શરીરને નુકસાન થાય? મોબાઇલનો વપરાશ વઘ્યો તેની સાથે આ પ્રકારની ચંિતાઓ અને અટકળો વધી છે. છતાં નવાઇની વાત છે કે હજુ સુધી આ દિશામાં નક્કર અને આખરી કહી શકાય એવું સંશોધન થયું નથી. અમેરિકા જેવા સંશોધનપ્રિય દેશની નેશનલ રીસર્ચ કાઉન્સિલે વાયરલેસ સાધનોના વધી રહેલા ઉપયોગ અંગે આ મહિને જાહેરમાં ચંિતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે બાળકો તથા ગર્ભવતી મહિલાઓ પર વાયરલેસ સાધનોના રેડિયો તરંગોની કેવી અસર થાય છે, એ અંગે વ્યવસ્થિત અભ્યાસ થવો જોઇએ. કેટલાક અભ્યાસોમાં બ્રેઇન ટ્યુમર સાથે મોબાઇલનો સંબંધ હોવાનો નિર્દેશ મળ્યો હતો, પણ એ તારણ મોટા પાયે સિદ્ધ થઇ શક્યું નથી. બીજી હકીકત એ પણ છે કે અત્યાર સુધી થયેલા મોટા ભાગના અભ્યાસો પુખ્ત વયના મોબાઇલ વાપરનારા લોકો પર થયા છે. એટલે અમેરિકાની સરકારને વૈજ્ઞાનિક બાબતોમાં સલાહ આપતી નેશનલ રીસર્ચ કાઉન્સિલે ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર ઘ્યાન કેન્દ્રીત કરવા સંશોધકોને જણાવ્યું છે.

ભાવિ સંશોધકો તૈયાર કરવા માટે ‘નાસા’ની ઓનલાઇન ગેમ

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ માને છે કે બાળકોની અત્યારની પેઢી ફક્ત પુસ્તકો વાંચે એટલું પૂરતું નથી. તેમને ‘નાસા’ની પ્રવૃત્તિઓમાં રસ લેતાં કરવાં હોય અને અવકાશ સંશોધન જેવા વિષયો તરફ વાળવાં હોય તો, ઓનલાઇન ગેમની મદદ પણ લેવી જોઇએ. ઓનલાઇન ગેમ્સ એટલે કે ઇન્ટરનેટ કનેક્શન થકી જુદી જુદી વેબસાઇટ પર ખેલી શકાતી રમતો બાળકો માટે વ્યસન બની જાય એવો ખતરો હોય છે. પણ બાળકોમાં તે પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે એ પણ હકીકત છે. એ જ કારણથી, ‘નાસા’એ નવી પેઢીના દિલ સુધી પહોંચવા માટે ઓનલાઇન ગેમનો રસ્તો અપનાવ્યો છે. આ પ્રકારની ગેમ વિકસાવવા માટે ‘નાસા’એ ‘રસ ધરાવતી પાર્ટીઓ’ પાસેથી અરજી મંગાવી છે. એક સાથે અનેક લોકો રમી શકે એવી આ પ્રકારની ગેમ ઇન્ટરનેટની પરિભાષામાં ‘મેસીવલી મલ્ટીપ્લેયર ઓનલાઇન’ (એમએમઓ) ગેમ તરીકે ઓળખાય છે. ‘નાસા’ માને છે કે ઓનલાઇન ગેમની મદદથી, ઓછા સમયમાં અને ઓછા ખર્ચે બાળકોને નાસામાં કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકાશે.

ઇન્ટરનેટ પર સમાંતર સૃષ્ટિ રચનારી વેબસાઇટ ‘સેકન્ડલાઇફ’માં વાસ્તવિક દુનિયાની બીજી અનેક સંસ્થાઓ-કંપનીઓની જેમ ‘નાસા’એ પણ પોતાની હાજરી રાખી છે. ‘સેકન્ડલાઇફ’માં પોતાનું નવું અસ્તિત્ત્વ ઊભું કરતા લોકો ‘નાસા’ની જગ્યામાં જઇને વૈચારિક આપ-લે અથવા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. વિજ્ઞાનસંસ્થાઓ દેશના ભાવિ નાગરિકોની રસ-રુચિને ઘ્યાનમાં રાખીને, તેમની પસંદ પ્રમાણે પોતાના કાર્યક્રમો તૈયાર કરે એની ભારત જેવા દેશમાં કલ્પના કરવી પણ અઘરી છે.

‘ઓપન આઇડી’ની માસ્ટર કી, ટૂંક સમયમાં ‘યાહુ’ પરથી

ઇન્ટરનેટ પર અનેક વેબસાઇટ એવી હોય છે, જેની સામગ્રીનો લાભ મેળવવા માટે સૌ પહેલાં પોતાની ઓળખ (આઇડેન્ટીટી- ટૂંકમાં આઇડી) અને સાથે પાસવર્ડ આપવાં પડે. ઓરકુટ, માયસ્પેસ કે ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કંિગ સાઇટ હોય કે યુટ્યુબ જેવી વીડીયો-શેરીંગ સાઇટ, આઇડી અને પાસવર્ડ ફરજિયાત છે. નેટ વાપરનારા મોટા ભાગના લોકો એકથી વધારે ઇ-મેઇલ એકાઉન્ટ અને જેમાં આઇડી-પાસવર્ડની જરૂર પડે એવી અનેક સાઇટમાં સભ્યપદ ધરાવતાં હોય છે. એ બધામાં એન્ટર થવા માટે જુદાં જુદાં આઇડીને બદલે એક જ આઇડીથી ચાલી જતું હોય તો કેવું? બધાં તાળાં માટે જેમ માસ્ટર-કીથી ખુલી જાય તેમ આઇડી-પાસવર્ડ માગતી બધી સાઇટ માટે એક જ સર્વસામાન્ય આઇડી હોય તો? આ કલ્પના હવે વાસ્તવિકતા બની છે. આઇડી માગતી બધી તો નહીં, પણ સંખ્યાબંધ સાઇટ માટેની ‘માસ્ટર-કી’ એટલે ઓપન આઇડી.

livejournal.com, vox.com, verisignlabs. com, myopenid.com જેવી કોઇ સાઇટ પર જઇને પોતાનું ઓપન આઇડી ખોલાવી શકાય છે. એક વાર abc..livejournal.com કે abc.myopenid.com જેવું ‘ઓપન આઇડી’ મળી જાય, એટલે તે ઘણી બધી વેબસાઇટ માટે માસ્ટર કીની ગરજ સારે છે. એ બધી વેબસાઇટ પર લોગ ઇન થવા માટે અલગથી યુઝરનેમ-પાસવર્ડ આપવાની જરૂર પડતી નથી- ફક્ત ઓપન આઇડીથી કામ ચાલી જાય છે. ‘ઓપન આઇડી’ પર વ્યક્તિ પોતાનો પ્રોફાઇલ પણ મુકી શકે છે. એ રીતે, માસ્ટર કી જેવું ઓપન આઇડી વિગતવાર પરિચય આપવા માટે ઉપયોગી બને છે. કઇ કઇ વેબસાઇટ પર ઓપન આઇડીની માસ્ટર-કી કામ લાગે છે, તેની લાંબી યાદી ઉપર જણાવેલી દરેક સાઇટ પર મળી શકે છે. તાજા સમાચાર પ્રમાણે ‘યાહુ’ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ‘ઓપન આઇડી’ને સપોર્ટ કરતું થઇ જશે. એટલે કે, યાહુમાં એકાઉન્ટ ન હોય, પણ ઓપન આઇડી હોય એવા સૌ કોઇ ‘યાહુ’ની મેઇલ સર્વિસ વાપરી શકશે. એ જ રીતે, ‘યાહુ’ પરથી તેના દરેક ખાતેદારને એક ઓપન આઇડી પૂરું પાડવામાં આવશે, જેની મદદથી તે ઓપન આઇડી ધરાવતી બીજી વેબસાઇટમાં લોગ ઇન થઇ શકશે. હાલમાં ૧૨ કરોડ જેટલાં ઓપન આઇડી એકાઉન્ટ ખુલી ચૂક્યાં છે, પણ ‘યાહુ’ના ૨૪.૮ કરોડ ખાતેદારો ઉમેરાતાં આવતા મહિને ઓપન આઇડી એકાઉન્ટનો આંકડો ૩૬.૮ કરોડ સુધી પહોંચશે અને આ તો હજુ શરૂઆત છે. ‘યાહુ’ના પગલે બીજી ઘણી લોકપ્રિય વેબસાઇટ પણ ઓપન આઇડીના રસ્તે ચાલવા તૈયાર થાય એવી આશા રહે છે.

Copyright   © Gujarat Samachar