‘તારે ઝમીન પર’ના સર્જક આમિર ખાનના ગુરુ કોણ?
આમિર ખાનની ‘તારે ઝમીન પર’ ફિલ્મની બહુ તારીફ થઈ રહી છે. આમિર ખાનની ફિલ્મો હંમેશા ‘હટકે’ જ હોય, એવું પ્રેક્ષકો માને છે. ‘‘આમિર ચોકસાઈનો બહુ આગ્રહી છે અને એના કારણે તેને ફિલ્મ ડાયરેક્ટર્સ સાથે બહુ જામતું નથી. તે ફિલ્મના દિગ્દર્શનમાં સતત ચંચુપાત કરતો રહે છે.’’
એવા આક્ષેપ તેના પર થતા રહે છે. આમિર ખાન બ્લેક ફિલ્મને બેવકૂફીભરી ફિલ્મ ગણાવીને સંજય લીલા ભણશાળી અને અમિતાભ બચ્ચનનો ખોફ વહોરી શકે છે, પણ આ આમિર ખાનની અભિનય કારકિર્દીનો પાયો મજબૂત બનાવનારો માણસ ગુજરાતી હતો અને એ માણસ પાસેથી જ આમિર ખાનને ચોકસાઈના પાઠ ભણવા મળ્યા હતા. આપણે જે માણસની વાત કરીએ છીએ તેણે આમિરને ગુજરાતી નાટકમાંથી તગડી મૂક્યો હતો અને કદાચ એ ઘટનાને કારણે આમિરના જીવનમાં ચોકસાઈ વણાઈ ગઈ એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
આમિર ખાનને ગુજરાતી નાટકમાંથી કાઢી મુકાયો હતો! એ વાક્ય પહેલી નજરે આંખમાં ઉતારતા અને એ વાત ગળે ઉતારતા તકલીફ પડે. કોઈ વળી પૂછી લે કે ફિલ્મ સ્ટાર આમિર ખાનની જ વાત છે ને?
દિગ્ગજ ગુજરાતી નાટ્ય દિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો!
યસ, આપણે ફિલ્મ સ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ!
‘‘ના હોય!’’
‘‘શું વાત કરો છો?’’
‘‘બને નહીં!’’
‘‘હોતું હશે?’’
આવાં કે બીજાં કોઈ વાક્યો તમારા દિમાગમાં વિસ્મયરૂપી વાવાઝોડાની જેમ ધુમરાઈ ગયાં હશે, પણ બોસ આ તો પાશેરામાં પહેલી પૂણી છે!
વેલ, વાતમાં વઘુ મોણ ઘાલવાને બદલે આવી થોડીક મસાલેદાર વાતો તમને સડસડાટ કહી દઈએ ઃ
આમિર ખાને કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બૅક સ્ટેજથી કરી હતી. અને એ દરમિયાન તેણે સ્ટેજ પર ઝાડુ મારવાની ‘ડ્યુટી’ પણ બજાવી હતી.
આમિર તેની મોટી બહેન નિખતને કારણે ગુજરાતી રંગભૂમિમાં આવી ચડ્યો હતો.
આમિરની એર હોસ્ટેસ બહેન નિખત ઘુરંધર ગુજરાતી નાટ્ય દિગ્દર્શક (૧૯૯૩થી પરલોકવાસી) મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડી હતી અને પછી તેમને પરણી હતી.
આમિરે એક ગુજરાતી નાટકમાં અભિનય પણ કર્યો હતો અને એમાં તેનો લીડ રોલ નહીં, બલકે સાઈડ રોલ હતો.
ઓ. કે. હવે જેમની પાસે ટાઈમ ન હોય એવા વાચકોની નજર અહીંથી એક્ઝિટ કરીને બીજી કોલમ પર મંડાઈ શકે છે. બાકીના વાચકો માટે આમિરના ગુજરાતી સ્ટેજ, બોલે તો, રંગભૂમિ સાથેના કનકેશનની અને આમિરને અભિનયના મેદાનમાં ઉતારનાર (અને જરૂર પડ્યે કાઢી પણ મૂકનાર!) ‘ગુરુ’ની વાત વિગતે માંડીએ છીએ.
આમિર ખાન મુંબઈના જૂહુ વિસ્તારમાં ગુજરાતી મેનેજમેન્ટવાળા વિલેપાર્લે કેળવણી મંડળની એન. એમ. કોલેજમાં ભણતો હતો. એ વખતે તેની બહેન નિખતને કારણે તે ગુજરાતી રંગભૂમિના મહારથી મહેન્દ્ર જોશીના સંપર્કમાં આવ્યો હતો. મહેન્દ્ર જોશી અને આમિરનો કઝિન મન્સુર ખાન (આમિરની પહેલી અને સુપર હિટ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ ફિલ્મનો દિગ્દર્શક) અચ્છા દોસ્ત હતા. એ દોસ્તીને કારણે અને પછી સાથે નાટકો કરવાને કારણે નિખતની મહેન્દ્ર જોશી સાથે દોસ્તી જામી અને એ દોસ્તી પ્યારમાં અને પછી પરિણયમાં પરિણમી હતી.
એ વખતે આમિર એન. એમ. કોલેજમાં નિખતના ભાઈ તરીકે ઓળખાતો હતો. અને નિખતને સૌ મહેન્દ્ર જોશીની પ્રેમિકા તરીકે ઓળખતા હતા. આમિરે મહેન્દ્ર જોશી પાસે કામ માગ્યું અને મહેન્દ્ર જોશીએ ક્ષણનોય વિલંબ કર્યા વિના આમિરને બૅક સ્ટૅજની જવાબદારી સોંપી દીધી.
મહેન્દ્ર જોશી સાથે કામ કરી ચૂકેલા ઘણા મિત્રો કહે છે કે મહેન્દ્ર જોશી માણસપારખુ માનવી હતા અને દરેક માણસને તેની ટૅલેન્ટને યોગ્ય કામ સોંપતા હતા! (જસ્ટ કિડિગ, યાર!) એની વે, ‘બેક સ્ટેજ’ યાને ઝાડુ કાઢવાથી માંડીને નાનીમોટી વસ્તુઓ લાવી આપવાની અને કલાકારોનાં કપડાંની કન્ટિન્યુટીનું ઘ્યાન રાખવા સુધીની, પડદા પાછળની પ્રવૃત્તિ, જેના માટે ચણામમરા જેવી રકમ વળતરરૂપે મળે અને એ રકમમાંથી ચણામમરા ખરીદવા ન હોય તો ચા-પાણીનો ખર્ચ નીકળી શકે.
મહેન્દ્ર જોશીના‘ખેલૈયા’ નાટકમાં આમિરે ‘બૅક સ્ટૅજ’ કર્યું હતું. એ નાટકમાં આમિરે કૃત્રિમ વરસાદ વરસાવવાનો હતો. આમિરને રંગબેરંગી કાગળ અપાયા હતા એ કાગળના નાના નાના ટુકડા કરીને હીરો-હિરોઈન ગીત ગાતાં હોય ત્યારે તેમના પર વરસાવવાના હતા. આમિર એ કામ ઉદય શેટ્ટી નામના વિદ્યાર્થી સાથે કરતો. ‘ખેલૈયા’ના શો દરમિયાન આમિરે બાકાયદા સ્ટેજ પર ઝાડુ મારવાની અને પાનના ગલ્લેથી કલાકાર કસબીઓ માટે સિગારેટ લઈ આવવાની જવાબદારી ‘સફળતાપૂર્વક’ નિભાવી હતી.
આમિરને ચેસ રમવાનો બહુ શોખ હતો અને તે ઘણી વાર સાથે ચેસ બોર્ડ લઈ આવતો અને પછી પરેશ રાવલ કે બીજા કોઈ સાથે ચેસની રમત જમાવતો હતો. (‘કયામત સે કયામત તક’ ફિલ્મ હિટ થઈ ગઈ એ પછી ફાઈવસ્ટાર હોટેલ ‘સી રોક’માં યોજાયેલી પાર્ટીમાં ચેસ અને ડ્રામા કનેકશનને કારણે જ પરેશ રાવલે આમિરને કહ્યું હતું, ‘‘બડા હીરો બન ગયા તૂ તો!’ અને આમિર ત્યારે શરમાઈ ગયો હતો.) એ સિવાય પણ તે મસ્તીખોર સ્વભાવનો વિદ્યાર્થી હતો અને કોલેજની કેન્ટિનમાં ધમાલમસ્તી કરતો રહેતો.
આમિર ખાન તેની આત્મકથા લખે તો ‘ગુજરાતી રંગભૂમિના પ્રયોગો’ નામનું ખાસ ચેપ્ટર ઉમેરી શકે એમ છે. મહેન્દ્ર જોશીએ ‘કેસરભીના’ નાટક કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આમિરને સાઈડ રોલ આપ્યો હતો. ‘કેસરભીના’ નાટક વિશે અને એ નાટકમાં આમિરના રોલ વિશે વઘુ વાતો સાંભળવી હોય તો વર્ષો સુધી રંગભૂમિ સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસર ભરત નાયકને મળવું પડે. સુવર્ણ મંદિરમાં ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ હાથ ધરાયું હતું એના પરથી મહેન્દ્ર જોશીને ‘કેસરભીના’ નાટક કરવાનો આઇડિયા આવ્યો હતો. જો કે ટોમ સ્ટોપાર્ડના નાયક ‘સોલ્જર્સ સ્ટોરી’ પરથી આ નાટકની કથા લખાઈ હતી. એ નાટકનો પહેલો શો પૃથ્વી ફેસ્ટિવલમાં થયો હતો. અને એ નાટકના કુલ ૧૦ શો થયા હતા. ‘કેસરભીના’ની કથા એવી હતી કે આર્મીની પંજાબ રેજિમેન્ટમાં ગરબડ થાય છે અને એક સૈનિકનું ખૂન થઈ જાય છે. એની તપાસ માટે સીબીઆઈનો એક ઓફિસર આવે છે અને તે સૈનિકના ખૂનનું રહસ્ય ઉકેલે છે એ નાટકમાં મહેન્દ્ર જોશી, મકરંદ દેશપાંડે, આતીશ કાપડિયા અને અમિત ઠાકુરની સાથે આમિર ખાને સરદારજીનો સ્વાંગ સજીને અભિનય કર્યો હતો. અને સીબીઆઈના ઓફિસરનો રોલ હોમી વાડિયાએ કર્યો હતો.
ભરત નાયક પાસેથી આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશનની વાતો જાણવા મળે એ જ રીતે જાણીતા નાટયલેખક મિહિર ભૂતાનાં પત્ની અને ‘સંક્રમણ’ ફિલ્મ ટીવી સ્ટુડિયોના ડાયરેક્ટર માધવી ભૂતાને મળો તો આમિર ખાનના ગુજરાતી રંગભૂમિ કનેકશન વિશે રસપ્રદ વાતો જાણવા મળે.
૧૯૮૨માં આંતર મહાવિદ્યાલય નાટ્ય સ્પર્ધા (આ શબ્દો ભાષાશુદ્ધિના અતિ આગ્રહી કે દુરાગ્રહી ‘ભદ્રંભદ્રી’ ભાઈઓ-ભગિનીઓ માટે વાપર્યા છે. સામાન્ય વાચકો માટે ‘ગુજરાતી’માં કહીએ તો, ઇન્ટર કોલેજ ડ્રામા કોમ્પિટિશન)માં દિગ્દર્શક મહેન્દ્ર જોશીનું એક નાટક હતું, ‘પસિયો રંગારો’. એન.એમ. કોલેજવતી એ નાટક બનાવાયું હતું. એના લેખક હતા ચંદ્ર શાહ, વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાના જમાઈ અને જિન્સ કાવ્યોનો સર્જક. એ નાટકનો પસિયા રંગારોનો લીડ રોલ અમોલ ગુપ્તેએ કર્યો હતો. અને પ્રીતિ નામની ગુજરાતી વિદ્યાર્થિની હિરોઈન બની હતી. પછી જ્યારે ‘પૃથ્વી’ થિયેટરમાં ‘પસિયો રંગારો’ના કમર્શિયલ શો થયા ત્યારે અમોલ ગુપ્તેની સામે શંકર નાગની સાળી અને અરુંધતી નાગની બહેન પદ્માવતી રાવ હિરોઈન બની હતી. માધવી ભૂતાએ પસિયા રંગારાની માનો અને જનક જાનીએ પસિયા રંગારાના બાપનો રોલ કર્યો હતો.
રંગારો (કલર કરવાવાળો, સાદી ભાષામાં કહીએ તો) દર વર્ષે નગરના પુલને રંગ કરે છે અને સમય જતાં રંગારાને નગરના પુલ સાથે પ્રેમ થઈ જાય છે અને વર્ષો પછી નગરના શાસકો બદલાય છે અને પસિયા રંગારાનો ‘પ્રેમ’ છીનવી લે છે, એવી કથા એ નાટકની હતી.
એ નાટકમાં આમિર ખાનને શું રોલ અપાયો હતો? એ નાટકમાં પંદર-સત્તર રંગારાનું ટોળું બતાવાયું’તું એમાંનો એક આમિર ખાન હતો! (એ વખતે આમિર ખાન આમિર હુસેન હતો. કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં પણ તેણે આમિર હુસેન નામ રાખ્યું હતું.) ઉપરાંત જમનાદાસ મજિઠિયા (હવે જે. ડી. તરીકે જાણીતા અભિનેતા અને ‘ખીચડી’ સિરિયલના નિર્માતા) અને પરેશ ગણાત્રા (અભિનેતા) પણ રંગારા બનીને પીંછી ફેરવવાનો અભિનય કરતા હતા.
‘પસિયો રંગારો’ના રિહર્સલ દરમિયાન આમિર સહકલાકારોના ડબ્બામાંથી લંચ શેર કરતો હતો. માધવી ભૂતાને ૨૪ વર્ષ પછી પણ યાદ રહી ગયું છે કે આમિરને ટીંડોળા અને ભીંડા સહિત કેટલાંક ગુજરાતી શાક બહુ ભાવતાં હતાં. માધવી કે બીજા કોઈ સ્ટુડન્ટના લંચ બોક્સમાં એ ટીંડોળાનું કે ભીંડાનું શાક જુએ તો સફાચટ કરી દેતો હતો. આમિર સહકલાકારો સાથે ક્યારેક ફિલ્મો જોવા પણ ઊપડી જતો. પોતે હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર નાસિર હુસેનનો દીકરો છે એવો ફાંકો તેને નહોતો. એ મોટે ભાગે શોટર્સ (ચડ્ડી) પહેરીને ફરતો રહેતો હતો. રિહર્સલમાં મોડું થઈ જાય તો માધવીને કે બીજી કોઈ સહકલાકારને મૂકવા માટે તેમના ઘર સુધી રિક્ષામાં સાથે જતો હતો. એક વાર, ગૌરી વિસર્જનના દિવસે, આમિર અને બીજા સહકલાકારો માધવીના ઘરે ગયાં હતાં અને ગપ્પાં મારતાં હતાં ત્યારે માધવીના ઘરમાં પહેલા માળે ત્રણ મહેમાન હિન્દી નાટક જોવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. તેમનાં નામ હતાં, બાળાસાહેબ દેવરસ (આર.એસ.એસ.ના નેતા) અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી! (માધવીના પિતા રમેશ મહેતા વિશ્વ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા છે). તેમના વિશે અછડતો ઉલ્લેખ થયો અને ‘ઓ. કે. રાજકારણીઓ નાટક જોતા પણ હોય છે!’ એવી કંઈક ટિપ્પણી કરીને આમિર આણિ મંડળી પાછી અલકમલકની વાતે ચડી ગઈ.
જુહુમાં એન. એમ. કોલેજની અડોઅડ
જશોદા રંગમંદિરમાં દોઢ મહિના સુધી ‘પસિયો રંગારો’ નાટકના રિહર્સલ દરમિયાન આમિર ખાને નિયમિત હાજરી આપી હતી, આવી બધી મજાકમસ્તી અને ધમાલ સાથે. પણ ફાઈનલ રિહર્સલના દિવસે મહારાષ્ટ્ર હોલીડેને કારણે આમિરે જૂહુથી લાંબા થવાનું માંડી વાળ્યું એટલે મહેન્દ્ર જોશી ભડકી ગયા અને તેમણે આમિરને ‘પસિયો રંગારો’ નાટકમાંથી કાઢી મૂક્યો! ‘એક ઓર સારી ખુદાઈ, દૂસરી ઓર જોરુકા ભાઈ’ કહેવત ભૂલીને મહેન્દ્ર જોશીએ આમિરને શાબ્દિક રીતે ઠમઠોરીને નાટકમાંથી રવાના કરી દીધો ત્યારે આમિર રડી પડ્યો હતો!
વર્ષો પછી આમિર ખાન જ્યારે મોટો ફિલ્મ સ્ટાર બની ગયો ત્યારે પણ મહેન્દ્ર જોશીએ (પોતાની ગેરહાજરીમાં) તેને ડઝનબંધ ફિલ્મ સ્ટાર્સ અને ટીવી તથા રંગભૂમિના ખેરખાંઓ સહિત સેંકડો માણસોની વચ્ચે ઘૂ્રસકે ઘૂ્રસકે રડાવ્યો હતો, અને એ પણ જશોદા રંગ મંદિરની બાજુમાં જ સંતોકબા હૉલમાં.
ઓક્ટોબર, ૧૯૯૩માં મહેન્દ્ર જોશી મૃત્યુ પામ્યા એ પછી તેમની શોકસભા યોજાઈ હતી. એ શોકસભામાં ઘણા કલાકારોએ મહેન્દ્ર જોશીને શબ્દાંજલી આપી. એ પછી આમિર ખાન મહેન્દ્રભાઈ વિશે બોલવા માટે ઊભો થયો. તે થોડાક શબ્દો બોલ્યો અને તેનંુ ગળું ભરાઈ આવ્યું અને તે ઘૂ્રસકે ઘૂ્રસકે રડી પડ્યો એ વખતે ત્યાં ઉપસ્થિત બીજા બધાની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
|