પૃથ્વીવાસીઓ, સૂરજદાદાનો પ્રકોપ ઝીલવા તૈયાર રહેજો!
ડિસેમ્બર-જાન્યુઆરીમાં સામાન્ય રીતે આખા દેશમાં શિયાળાની ઠંડી અનુભવાય છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડતી હોય તો મઘ્ય અને દક્ષિણ ભારતમાં પણ લોકોએ શાલ-સ્વેટર ઉપયોગમાં લેવા પડે તેટલી ટાઢ તો લાગે જ છે, પરંતુ આ વર્ષે સમસ્ત ભારતમાં શિયાળાની ૠતુનું જરા વિચિત્ર રીતે આગમન થયું. ઠંડી પડવાની શરૂઆત ખાસ્સી મોડી થઈ. વળી કાશ્મીરથી લઈને કચ્છ અને કર્ણાવતી (અમદાવાદ) સુધી અમુક દિવસોમાં કાતિલ ઠંડી પડી. તો ક્યારેક ઉષ્ણતામાનનો પારો એકાએક ઊંચે ચઢી ગયો. ખબર ના પડે કે શિયાળો છે કે ઉનાળો.
માત્ર ભારતમાં જ નહીં, વિશ્વ્વના અનેક ઠેકાણે છેલ્લાં એક મહિનાની અંદર હવામાનમાં ભારે ઉથલપાથલ થઈ છે. અમેરિકામાં ક્યાંક હિમવર્ષા અને બરફના તોફાન થયા છે. તો કોઈ સ્થળે મૂશળધાર વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આવું જ યુરોપ અને પૂર્વ એશિયન દેશોમાં બની રહ્યું છે. આનું કારણ છે સૂરજમાં ચાલી રહેલી ઉથલપાથલ.
વિજ્ઞાનીઓ એવું કહે છે કે સૂર્ય એકાએક વઘુ સક્રિય બન્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ૧૧ વર્ષ ચાલનારું નવું સૌર ચક્ર (સોલાર સાયકલ) શરૂ થયું છે.
કુદરતના ખેલ બહુ અચરજ પમાડનારા હોય છે અને ક્યારેક તો વિજ્ઞાનીઓ પણ સમજી ન શકે તેવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. થોડાં સમય પહેલાં ૧૦ પૃથ્વી સમાઈ જાય તેટલું મોટું સૂર્યકલંક સૂરજમાં જોવા મળતાં ખગોળ વિજ્ઞાનીઓ આશ્ચર્યથી દંગ રહી ગયા હતા. આ રીતે સતત બે વર્ષથી સૂર્યના ધગધગતા ગોળામાં અભૂતપૂર્વ હલચલ મચી રહી છે.
જાણીતા ખગોળશાસ્ત્રી અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અઘ્યક્ષ ડૉ. જે.જે. રાવલે આ ઘટના વિશે કહ્યું કે છેલ્લાં બે વર્ષથી સૂર્યકલંક વધવા લાગ્યા છે. દર ૧૧ વર્ષે આ ચક્ર વઘુ બળવત્તર બને છે. પણ વર્ષે વર્ષે આ ચક્ર વઘુ ક્રિયાશીલ જણાય છે. અને આ પાછળનું કારણ ખગોળવિજ્ઞાનીઓ સમજી શકતા નથી.
વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે દર અગિયાર વર્ષે સૂર્યની સપાટી પર ખળભળાટ થવાથી આ પ્રકારની જ્વાળા લપકારા મારે છે અને આ પ્રક્રિયા ત્રણ-ચાર વર્ષ ચાલે છે. સપાટી પર જમા થઈ ગયેલો ગરમ વાયુ એક સાથે પ્રચંડ માત્રામાં છૂટે ત્યારે આવી ઘટના સર્જાય છે. આ ઘટનામાં સૌથી હલકો હાઈડ્રોજન વાયુ એટલી પ્રચંડ માત્રામાં નીકળે છે કે તેનું સંયુક્ત વજન કરીએ તો માઉન્ટ એવરેસ્ટ જેટલું થઈ જાય, એમ વિજ્ઞાનીઓએ કહ્યું હતું.
થોડા સમય પૂર્વે સૂર્યની સપાટી પરથી સાડાત્રણ લાખ કિલોમીટર લાંબી પ્રચંડ અગનજ્વાળા નીકળી હતી અને અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહ સોલર એન્ડ હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વટરી(સોહો) એ લપકારા મારતા સૂર્યની દુર્લભ તસવીર લીધીહતી. અમેરિકન અને યુરોપિયન અવકાશ સંસ્થાઓએ આ ઉપગ્રહને પૃથ્વી તથા સૂર્યની વચ્ચે ગોઠવ્યો છે.
સૂર્યની અગનજ્વાળા પૃથ્વીના વ્યાસ કરતાં ત્રીસ ગણી લાંબી હતી. એટલેકે ત્રીસ પૃથ્વી આજુબાજુમાં ગોઠવવામાં આવે એટલી લાંબી આ જ્વાળા હતી.સૂર્યની સપાટી પરથી દર દસ-વીસ મિનિટે અગનજ્વાળા લપકારા મારતી હતી. અગનજ્વાળા લપકારાને કારણે સેકન્ડના સો કિલોમીટર (લગભગ ૬૨ માઈલ)ની ઝડપે ગરમ વાયુ નીકળતો હતો અને બેથી ત્રણ લપકારા બાદ ગેસ ઠંડો પડી જતો હતો. આ જ્વાળાની ગરમી ૧,૨૬,૦૦૦ ફેરન હાઈટ(૭૦,૦૦૦ સેન્ટીગ્રેડ) જેટલીહતી, જ્યારે સૂર્યની સપાટી પરની ગરમી એનાથી દસ ગણી હતી.
ખગોળ વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે ‘આ અગનજ્વાળા પૃથ્વીથી વિરુઘ્ધ દિશામાં નીકળી હતી. જો આ જ્વાળાઓ પૃથ્વી ભણી લપકારા માર્યાહોત તો તેના ચુંબકીય મોજાનાં તીવ્ર આઘાતથી ઉત્તર અને દક્ષિણ ઘુ્રવનું આકાશ ઝળહળી ઉઠ્યું હોત અને રેડિયો તેમજ અન્ય સંદેશવ્યવહારમાં અંતરાય સર્જાયો હોત, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હોત, કેટલાક ઉપગ્રહોની કામગીરી ખોટકાઈ ગઈ હોત તેમજ પૃથ્વી પરના અમુક વિસ્તારોમાં વીજપુરવઠો ખંડિત થઈ ગયો હોત.’
નાસા અને સૂર્યનું નિરિક્ષણ તથા અભ્યાસ કરતી સંસ્થાઓ દ્વારા નોંધાયેલા સૂર્યવિસ્ફોટોને પગલે હવે કુતૂહલવશ વિજ્ઞાનીઓ સૂર્ય પરના ધડાકાઓની પૃથ્વીની આસપાસ ધૂમી રહેલા સંદેશ ઉપગ્રહો અને તેના નેટવર્ક પર શી અસર પડે છે એ જાણવા તત્પર થઈ બેઠા છે.
હાલમાં સૂર્ય પરના જ્વલંત દ્રવ્યમાં કોરોનલ માસ ઈંજેક્શન (સીએમઈ) નોંધાયું હતું. પૃથ્વી પરના જ્વાળામુખીઓમાંથી થતી આ પ્રક્રિયાને જેવી જ પ્રક્રિયા કહી શકાય પણ એની ઉગ્રતા અતિશય હોય છે. પૃથ્વી પરનાસમગ્ર જ્વાળામુખીઓ એક સાથે ફાટે ને જેટલી તીવ્રતા અનુભવાય તેના કરતાંય અનેકગણી તીવ્રતા આ સૂર્યપરના એક સીએમઈમાં હોય છે. વિજ્ઞાનીઓ આની તીવ્રતા મૂલવતા હિરોશીમા પરઝીંકાયેલા બોમ્બની સરખામણી કરતાં જણાવે છે કે એક સીએમઈ એ ૪૦ અબજ એવા અણુબોમ્બની ઉગ્રતા ધરાવતી ઘટના છે.
દીર્ધકાલીન નિરિક્ષણોએ ફલિત કર્યું છે કે સૂર્ય પરનાઆવા પ્રચંડ વિસ્ફોટોને પગલે નિષ્પન્નથતી ઉર્જાના મોજાં અને કણોનો ભોગ સૌપ્રથમ સંદેશ ઉપગ્રહો બને છે. ઉત્તર ગોળાર્ધના દેશોમાં પાવર ગ્રીડ્સ પર પણ આ મોજાંની અવળી અસર પડે જ છે. પુણે ખાતેની વેધશાળાના નિયામક અને નેશનલ સેન્ટર ઓફ રેડિયો એસ્ટ્રોફિઝિક્સ ખાતેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રચંડ મોજાં અને નુકસાનકારક ઊર્જાકણોની અવળી અસરથી બચવા લગભગ બધા જ ઉપગ્રહોને ‘સ્લીપીંગ’ સ્વરૂપમાં રાખવામાં આવશે, કારણકે કાર્યન્વિત ઉપગ્રહોની કામગીરીને આ ઉર્જાકણો જોતજોતામાં ખોરવી નાખવાની ક્ષમતા ધરાવે છે. સૂર્યકિરણોના પૃથ્વી તરફ આવવાના અત્યારના માર્ગમાં જો કોઈ ભારતીય ઉપગ્રહ હશે અથવા આવશે તો એને પણ નુકસાન થવાની શક્યતા છે.
www.solcumhouse.com નામની વેબસાઈટ પર સૂર્ય સ્ફોટો નોંધવામાં આવ્યા છે. અને એનું વિવરણ આપવામાં આવ્યું છે. આ સાઈટના જણાવ્યા અનુસાર દર અગિયાર વર્ષે આ ‘સોલર મેક્ઝિમમ’ નામે ઓળખાતી વિસ્ફોટમય ઘટના સૂર્ય પર આકાર લે છે. જો કે છેલ્લીવાર આ ઘટના ૧૯૮૯માં બની તે પછી જગત આખાએ ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે અને વઘુને વઘુ સંવેદનશીલ ઉપકરણો વિકસાવ્યા છે. આજે સેંકડો ઉપગ્રહો પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. એમાંના મોટાભાગના સંદેશવ્યવહાર માટેના ઉપગ્રહો છે. આ સર્વને સૂર્યસ્ફોટની અને પૃથ્વી તરફ ધસમસતા આવી રહેલા ઊર્જાકણોની અસર થવાની ભારોભારી શક્યતા છે એવું ઉક્ત વેબસાઈટ જણાવે છે. આ ઘટનાથી હાઈ ફ્રિકવન્સીના રેડિયો વ્યવહારનેય ભારે મુશ્કેલી નડશે એવુંય સાઈટમાં જણાવાયું હતું.
ડૉ.રાવલ તો એટલે સુધી જણાવે છે કે વિશ્વમાં હાલમાં અસામાન્ય ચોમાસું જોવા મળે છે તેનું કારણ પણ સૂર્યકલંકની વધી ગયેલી ગતિવિધિઓ હોઈ શકે. હમણાં ગયો એ ઉનાળો પણ અતિ વિષમ હતો તેનું કારણ સૂર્યકલંકોની ભરમાર જ હોઈ શકે. સૂર્યની સપાટી પર જ્યારે જબ્બર સૂર્યકલંકો પેદા થાય છે ત્યારે લાખો ટન ગરમ વાયુ, વિદ્યુત ભારવાળા અને વિદ્યુતભાર વિહિન પદાર્થકણો તથા અલ્ટ્રાવાયોલેટ, ગામા અને એક્સ-રે કિરણો બહાર ફેંકે છે. આ કિરણોરૂપી ઉર્જા ચારેકોર પ્રચંડ ગરમી ફેલાવે છે. સૂર્ય પરથી ઉડતીલાખો કિલોમીટર લાંબી સૌર જ્વાળાઓની સાથે ગરમીના ગોળા જાણે કે ચોતરફ ફંગોળાય છે. પૃથ્વી પર આ ઘટનાક્રમની બહુ વ્યાપક અસર થાય છે. રાવલ સાહેબ કહે છેે તેમ ઃ ‘પૃથ્વી પરના માનવીઓએ સૂર્યના આ પ્રકોપનો ભોગ વિવિધ રીતે બનવું પડે છે. યુરોપીય પ્રદેશોમાં, ખાસ તો જર્મનીમાં, જે ઘોડાપૂર આવ્યા તે પણ સૂર્યની વધી પડેલી કાર્યશીલતાનું પરિણામ હોઈ શકે.’’ કેટલાંક વિજ્ઞાનીઓ તો માનવીના લડાયક સ્વભાવ માટે પણ સૂર્યકલંકને જવાબદાર લેખે છે!
સૂર્ય પર ઉપજતા સૂર્યકલંકોનું ચક્ર અગિયાર વર્ષનું જ કેમ છે તેનું કારણ પણ જાણવા જેવું છે. આ ઘટમાળના કેન્દ્રમાં રહેલાં સૂર્યકલંકો સૂર્યના વિશિષ્ટ ધરીભ્રમણને કારણે જન્મે છે. વિશિષ્ટ એટલા માટે કે સૂર્ય આપણી ધરતીની જેમ નક્કર ગોળા તરીકે ધૂમતી નથી, આ વિરાટ ગોળો માત્ર હાઈડ્રોજન વાયુનો (અને કેટલેક અંશે હિલિયમ વાયુનો) બનેલો છે. માટે તેના જુદાં જુદાં વિસ્તારો અલગ-અલગ ઝડપે ફરે છે. વિષુવવૃત્તનો પ્રદેશ ફક્ત ૨૪.૭ દિવસમાં ધરી પર એક ચકરાવો લઈ નાખે છે. તો ઘુ્રવો તરફના પ્રદેશોને ખાસ્સાં ૩૨ દિવસ લાગે છે. વચ્ચેના અફાટ વિસ્તારોમાં પણ ઝડપ ક્યાંય એક સરખી નથી. આ જંગી તફાવતને લીધે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર ઠેકઠેકાણે મરોડાય છે, ખેંચાય છે અને છેવટે ક્યારેક તૂટી જાય છે. જાણે દોરડું તૂટ્યું હોય એમ ચુંબકીય રેખાનાં છૂછાં સપાટી પર નીકળે છે અને ત્યાં સ્થાનિક બળવાન ચુંબકીય ક્ષેત્ર રચાય છે.
આ ક્ષેત્ર સૂર્યની ફાટફાટ થતી ઉર્જાને બને ત્યાં સુધી બહાર જવા દેતું નથી. માટે એટલા ભાગમાં સપાટી જરા ઠંડી અને ઘેરી રહે છે.
રક્ષણાત્મક ફિલ્ટર ચડાવેલા સોલાર ટેલિસ્કોપ વડે નજર માંડો તો સૂર્યકલંક નામે ઓળખાતું ધાબું ત્યાં દેખાય છે. અલબત્ત, કેટલાક સમય પછી સૂર્યની દબાઈ રહેલી ઊર્જા એકાએક જ્વાળારૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. વિનાશકારી ઊર્જાના (વિકિરણોનાં) બેફામ સ્ત્રોત ચારે બાજુ પૂરઝડપે ફેલાવા લાગે છે.
આ તાંડવ દર ૧૧ વર્ષે ચરમસીમાએ પહોંચે ત્યારે વિકિરણોનો મારો આપણી ધરતીને પણ માથાબોળ સ્નાન કરાવે છે. એટલે ખગોળનિષ્ણાતો ૧૬૧૦ના વર્ષથી સૂર્યકલંકોની ઘટમાળાનું બારીક અવલોકન કરતા આવ્યા છે અને પૃથ્વીના હવામાનને જણાતી તેની અસર માપતા રહ્યા છે. સાથોસાથ પૃથ્વીવાસી માણસના સ્વભાવમાં આવતો ફેરબદલો પણ તેઓ નોંધતા આવ્યા છે. જાપાની નિરિક્ષકોના મતે સૂર્યકલંકોની બેસુમાર પ્રવૃત્તિ દરમિયાન જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ વધી જાય છે, જ્યારે રશિયામાં તથા અમેરિકામાં હૃદયરોગના હુમલા વડે થતા મૃત્યુનો આંક વધતો જોવા મળ્યો છે.
કેટલાક ચેપી રોગો પણ માઝા મૂકે છે. આ બધા અનર્થોનું સંભવિત કારણ એ કે સૂર્યનાં વિદ્યુત ચુંબકીય મોજાં પૃથ્વીના વાતાવરણમાં ફેલાયાં પછી માણસની બાયો રીધમને પલટી નાખે છે, જેના ફળસ્વરૂપે માણસમાં શારીરિક અને માનસિક વિકૃતિ આવે છે. ખાસ કરીને રુધિરાભિસરણ અને હોર્મોન્સ સ્ત્રાવ બદલાય છે.
સૂર્ય પૃથ્વીથી ૧૫ કરોડ કિ.મી. છેટે છે. તેનો વ્યાસ ૧૩,૯૨,૦૦૦ કિ.મી. છે. આમ છતાં સૂર્ય પર થતી ઉથલપાથલ આટલે દૂર વસવાટ કરનારા પૃથ્વીવાસીઓને મુંઝવે છે. કારણ કે સૂર્ય પોતે આગનો વિશાળ મોટો દરિયો છે. સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન આશરે ૬૦૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જ્યારે તેની મઘ્યમાં (કેન્દ્ર બંિદુ પાસેનું) તાપમાન દોઢ કરોડ કેલ્વિન છે. અખિલ વિશ્વમાં એવી કોઈ ચીજ નથી, એવી કોઈ ધાતુ નથી જે સૂર્યની આ પ્રચંડ ગરમી સામે ટકી શકે. સૂર્યમાં દર સેકન્ડે ૬૦ કરોડ ટન હાઈડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે. આ ફેરબદલીની પ્રક્રિયા ટાણે ખૂબ જ ઊર્જા પેદા થાય છે. આગળ જણાવ્યું તેમ હાઈડ્રોજન (૯૨ ટકા)ના બનેલા આ ગોળામાં આઠ ટકા હિલિયમ છે. સૂર્યનારાયણ પોતાની પ્રચંડ શક્તિમાંથી ઉર્જાનો જે ધોધ વહેવડાવે છે તેનો આછો અંદાજ આવે એટલે વિજ્ઞાનીઓ આ સરખામણી કરે છે. સૂરજમાંથી પ્રતિ સેકન્ડે વછૂટતી ઉર્જા અમેરિકા આખુ વરસ વીજળી વાપરે તેના કરતાં સવા કરોડ ગણી વઘુ હોય છે. હવે કલ્પના કરો કે સૂરજદાદા કેટલી વિપુલ ઉર્જા પોતાના ગર્ભમાં ભરીને બેઠાં છે. આ ઉર્જા ક્રમશઃ વપરાતી જાય છે એટલે સૂરજ પણ કાળક્રમે સંકોચાતો જવાનો અને બીજા તારાઓની માફક સૂર્ય પણ એક દિવસ નિસ્તેજ થઇ જશે. પણ ગભરાશો નહીં. પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે સૂરજ હજુ બીજા પાંચ અબજ વર્ષ તપતો રહેશે. ઝળહળતો રહેશે.
|