૨૦૧૦ - દિલ્હીના આંગણે રોપાશે રાષ્ટ્રકુળ રમતોત્સવનો માંડવો તરવરાટ, થનગનાટ અને ઝગમગાટ
ભારતની રાજધાની દિલ્હીમાં આજકાલ એક ખાસ પ્રસંગની તડામાર તૈયારી થઈ રહી છે. હજારો માણસો રાતદિવસ કામ કરી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. નવી અત્યાધુનિક સુવિધાઓ થઈ રહી છે. આ પ્રસંગ રંગેચંગે અને સફળતાપૂર્વક પાર પડે તે માટે દિલ્હી અને કેન્દ્ર સરકાર બનતી બધી જ મદદ કરી રહી છે. સાથોસાથ આ પ્રસંગ શોભાવવા ભારત સહિત ઘણા દેશોનાં મહેમાનોને આમંત્રણ અપાઈ રહ્યાં છે. આખી દિલ્હી નગરીમાં સુશોભનનાં તોરણો બંધાઈ રહ્યાં છે. એક વખત આ અત્યંત મહત્ત્વનો પ્રસંગ સફળતા અને સલામતીપૂર્વક યોજાઈ જાય એટલે આખા દેશમાં દિલ્હીનો વટ પડી જશે. દેશના પાટનગરની ચારે તરફ વાહ વાહ થઈ જશે. કરોડો રૂપિયાનો આ પ્રસંગ કયો છે તે જાણો છો? આ પ્રસંગ છે ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સ એટલે કે રાષ્ટ્રકૂળ રમતોત્સવનો. દિલ્હીના આંગણે રોપાશે રાષ્ટ્રકૂળ રમતોત્સવનો માંડવો. રાષ્ટ્રકૂળ એટલે વિશ્વ્વના જે જે દેશમાં અંગ્રેજોનું શાસન હતું તે રાષ્ટ્રોનો એક સમૂહ. ભારત સહિત જે કોઈ રાષ્ટ્રો અંગ્રેજ શાસનમાંથી સ્વતંત્ર થયાં તે બધા જ દેશોએ સ્વતંત્રતા મળી તે પછી પણ બ્રિટનની રાજાશાહી (આમ તો રાણી શાહી) સાથે સારા હૂંફાળા રાજકીય સંબંધ જાળવી રાખ્યા છે. આમ ઇંગ્લેન્ડ સહિત ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સંિગાપોર અને સાઉથ આફ્રિકા વગેરે દેશોના જુદી જુદી રમતના ખેલાડીઓ રાષ્ટ્રકૂળ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લે છે. હવે ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં યોજાશે. વિશાળ ફલક પર યોજાતા રાષ્ટ્રકૂળ રમતોત્સવના માટે શિસ્તબદ્ધ અને આગોતરુ આયોજન કરવું પડે છે. એટલે જ આ રમતોત્સવની સફળતા માટે દિલ્હી મહાનગરપાલિકા, દિલ્હી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તમ તૈયારી થઈ રહી છે.
આમ તો ૧૯૮૨માં દિલ્હીમાં એશિયાડ રમતોત્સવનું સફળ આયોજન થયું હતું. એટલે દિલ્હીને મોટા પાયાના રમતોત્સવના આયોજનનો અનુભવ જરૂર છે. જોકે ૧૯૮૨ના એશિયાડ રમતોત્સવની તૈયારી ફક્ત ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં કરવી પડી હતી. આમ છતાં તે વખતના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જગમોહને તેમની સૂઝબૂઝ અને કુશળતાથી એશિયાડ પાર પાડ્યો હતો. જોકે કોમનવેલ્થ ગેમ્સની તૈયારી આજે ત્રણ વર્ષ અગાઉ શરૂ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે રાષ્ટ્રકૂળ રમતોત્સવની તૈયારી સાથોસાથ દિલ્હીની ભાવિ વિકાસ યોજનાઓ પણ શરૂ થઈ ગઈ છે. આમાંની અમુક વિકાસ યોજનાઓ રાષ્ટ્રકૂળ રમતોત્સવ માટે છે તો અમુક આડકતરી રીતે મદદરૂપ બનશે. વિશાળ સ્ટેડિયમો, જુદી જુદી રમતો માટેનાં મેદાનો, સાધનો, રમતવીરો માટે રહેવાની, સલામતીની, ભોજનની અને વાહનવ્યવહારની વ્યવસ્થાથી લઈને નવા, પાકા, પહોળા રસ્તા, ફલાય ઓવર્સ, સિટીબસ, મેટ્રો ટ્રેન, હોટેલ વગેરેથી લઈને સુશોભનની તડામાર તૈયારી થઈ રહી છે.
રાષ્ટ્રકૂળ રમતોત્સવની વ્યવસ્થાપક સમિતિના અઘ્યક્ષ છે કોંગ્રેસી નેતા સુરેશ કલમાડી. આમ તો સુરેશ કલમાડી રાજકીય નેતા હોવા છતાં તેમને જુદા જુદા રમતોત્સવના આયોજનનો સારો એવો અનુભવ છે. સુરેશ કલમાડી ઉત્સાહભેર કહે છે, રાષ્ટ્રકૂળ રમતોત્સવના આયોજનથી દિલ્હી વિકાસની દૃષ્ટિએ દેશનાં અન્ય શહેરો કરતાં દસ વર્ષ આગળ નીકળી જશે. આટલું જ નહીં, મારી દૃષ્ટિએ તો આ રમતોત્સવ દિલ્હી માટે લાભકારક જ્યારે મુંબઈ મોટ ખોટરૂપ બનશે. મુંબઈ માટે ખોટરૂપ એટલા માટે કે રાષ્ટ્રકૂળ રમતોત્સવના યજમાન બનવા માટે મેં સૌપ્રથમ મુંબઈનું સૂચન કર્યું હતું. જોકે મહારાષ્ટ્ર સરકારે રતીભાર ઉત્સાહ ન દર્શાવ્યો એટલે આ યશ દિલ્હીને મળ્યો. હવે આ રમતોત્સવ દેશના પાટનગરમાં યોજાવાનો છે એટલે દિલ્હીની પ્રતિષ્ઠા માટે પણ દિલ્હી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી મહાનગરપાલિકાના ત્રિવેણી સંગમ સમો તમામ સાથ-સહકાર અમને મળી રહ્યો છે, એ અમારા માટે આનંદની બાબત છે.
કોમનવેલ્થ ગેમ્સની વ્યવસ્થાપક સમિતિનાં સૂત્રો કહે છે, આ રમતોત્સવના આયોજન માટે ૧૩,૨૭૯ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ૭૬૭ કરોડની મદદ કરી છે. આમ આ રમતોત્સવનો કુલ ખર્ચ ૧૪,૦૪૬ કરોડ જેટલો થવાની શક્યતા છે. રમતોત્સવ દરમિયાન રમતવીરો, તેમના કોચ, ટીમના મેનેજરો અધિકારીઓ રમતના રેફરી અને નિર્ણાયકો વગેરેની સતત અવરજવર રહેશે. આ વ્યવસ્થા માટે દિલ્હીના રસ્તા વઘુ પાકા, પહોળા અને સમથળ બની રહ્યા છે. સાથોસાથ દિલ્હીના મુખ્ય અને મહત્ત્વનાં રસ્તા સિગ્નલ-ફ્રી બની જશે. રસ્તા પર લાંબા અંતર સુધી એક પણ સિગ્નલ નહીં હોવાથી વાહનચાલકો પૂરપાટ વેગે તેમનાં વાહન દોડાવી શકશે. રસ્તા સિગ્નલ-ફ્રી બનાવવાની કામગીરી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને ૨૦૧૦ પહેલાં તે કામગીરી પૂરી થઈ જશે. વળી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડી.ટી.સી.) રાષ્ટ્રકૂળ રમતોત્સવ માટે ૧૧૦૦ નવી અને શ્રેષ્ઠ સુવિધા તથા ટેકનોલોજી સાથેની બસ પણ ખરીદશે. રમતોત્સવ બાદ આ બધી ૧૧૦૦ નવી બસ ડી.ટી.સી.ના કાફલામાં સામેલ થઈ જશે. આ બધી નવી બસ લો. ફ્લોર સુવિધાવાળી હશે. એટલે કે બસમાં પગથિયાં અને રસ્તા વચ્ચે બહુ જ ઓછું અંતર હોવાથી ખેલાડીને ઉતરવામાં ઘણી સુગમતા રહેશે. વળી લો-ફ્લોર બસની આ જ સુવિધા સમય જતાં દિલ્હીનાં નાગરિકોને મળશે. એક વખત આ નવી ૧૧૦૦ બસ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કાફલામાં જોડાઈ જશે એટલે રાજધાનીમાં દર કલાકે લગભગ ૮૦,૦૦૦ મુસાફરો અવરજવર કરી શકશે.
જોકે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો રમતોત્સવ યોજાય ત્યારે આખું શહેર ચોખ્ખું ચણક અને રળિયામણું હોય તે જરૂરી છે. સાથોસાથ દિલ્હીમાં પ્રદૂષણ પણ ઓછું રહે તેવા પ્રયાસો થશે. એટલે દેશના પાટનગરને રળિયામણું અને લીલુંછમ બનાવવા ઉત્તર રેલવે તથા દિલ્હી રાજ્ય સરકાર ભેગાં મળીને દોઢ લાખ જેટલા વનસ્પતિ છોડ રોપશે. શહેરમાં જુદી જુદી વનસ્પતિના આટલા બધા છોડવા ઉગશે એટલે શહેરના વાતાવરણમાં ઠંડક રહેશે અને હવા પણ ચોખ્ખી રહેશે. સાથોસાથ ઉત્તર રેલવે રાષ્ટ્રકૂળ રમતોત્સવ ગ્રામ (કોમનવેલ્થ ગેમ્સ વિલેજ) નજીકના રેલવે પાટાને સમાંતર ૧૫ લાખના ખર્ચે સાઉન્ડ બેરિયર્સ (અવાજ પ્રતિરોધક યંત્રણા) ગોઠવશે. આવાં સાઉન્ડ બેરિયર્સથી દોડતી ટ્રેનનો અવાજ રમતવીરો સુધી નહીં પહોંચે. રમત દરમિયાન તેમને કોઈ જ ખલેલ નહીં પડે.
જોકે આ બધી વ્યવસ્થા વચ્ચે રમતવીરોની સલામતી સૌથી મહત્ત્વની છે. એટલે ખેલાડીઓને રમતગમતના મેદાન નજીક સંપૂર્ણ સલામતી સાથે રખાશે. વળી રાષ્ટ્રકૂળ રમતોત્સવ ભારતમાં યોજાઈ રહ્યો છે ત્યારે ઉગ્રવાદીઓ કોઈ ખતરનાક કાવતરાં ન કરે તેની પણ પૂરી કાળજી રાખવી પડશે. રમત દરમિયાન સ્ટેડિયમમાં અને તેમના નિવાસસ્થાને બોમ્બ વિસ્ફોટ, ગોળીબાર અથવા કોઈ ખેલાડીનું અપહરણ કરવાનો પ્રયાસ ન થાય તે માટે સરકારે અને પોલીસ ખાતાએ અત્યંત કડક અને શિસ્તબઘ્ધ સુરક્ષા કવચ ગોઠવવું પડશે. સાથોસાથ ખાનગી સુરક્ષા એજન્સીઓની મદદ પણ લેવી પડશે. રમતોત્સવ નિહાળવા ભારત સહિત વિદેશમાંથી પણ ઘણા રાજકીય મહેમાનો અને દર્શકો આવશે. વળી રમતોત્સવનો રોજેરોજનો અહેવાલ તૈયાર કરવા ઝાઝા બધા પત્રકારો પણ આવશે. આ બધા મહેમાનો, દર્શકો અને પત્રકારો માટે પણ રહેવાની,ભોજનની અને વાહનવ્યવહારની સગવડ કરવી પડશે. ઉપરાંત દેશી-વિદેશી મહેમાનોને જુદા જુદા રસ્તા, હોટેલ, રેલવે સ્ટેશન અને સ્ટેડિયમ વગેરેની માહિતી અને માર્ગદર્શન મળે તે માટે પણ દિલ્હી રાજ્ય સરકાર અને મહાનગર પાલિકા દ્વારા વ્યવસ્થા થઈ રહી છે આ વ્યવસ્થામાં દિલ્હી ટ્રાફિક પોલીસની પણ મદદ મળશે.
રાષ્ટ્રકૂળ રમતોત્સવનો આનંદ માણવા આટલા બધા દેશોમાંથી આવનારાં મહેમાનો અને પત્રકારોને દિલ્હીની હોટેલમાં ઉતારો અપાશે. આ વ્યવસ્થા માટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથઓરિટી (ડી.ડી.એ.)એ વધારાની નવી હોટેલો બનાવવા શહેરની જમીનના ૨૦ પ્લોટસની હરાજી પણ કરી દીધી છે. શહેરમાં ૨૦ નવી હોટેલ તૈયાર થશે એટલે તેમાં લગભગ ૮૦૦૦ રૂમની ક્ષમતા પણ વધશે. જોકે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ નોર્ધન ઈન્ડિયાના સેક્રેટરી જનરલ દીપક શર્મા થોડાક ખચકાટ સાથે કહે છે કે ડી. ડી.એ.ના અધિકારીઓએ નવી હોટેલો માટે જમીનના પ્લોટની હરાજી તો કરી છે. તેઓએ મોટું મોટું આયોજન પણ કર્યું છે. આમ છતાં રાષ્ટ્રકૂળ રમતોત્સવ સુધીમાં નવી હોટેલો સંપૂર્ણપણે તૈયાર થઈ જશે કે કેમ તે વિશે અમને શંકા છે. આમ પણ હોટેલો બનાવવાની પૂર્વ તૈયારીમાં જ બે વરસ જેટલો સમય પસાર થઈ જશે. એટલે અમારી હોટેલો ૨૦૧૦ સુધીમાં બની જશે અને અમારો બિઝનેસ પણ શરૂ થઈ જશે એ બાબત અમને થોડી વઘુ પડતી લાગે છે. અમે કોમનવેલ્થ ગેમ્સનાં મહેમાનોની આગતાસ્વાગતા કદાચ નહીં કરી શકીએ. જોકે હોટેલો ૨૦૧૦ સુધીમાં કદાચ તૈયાર નહીં થાય તો પણ છેવટે તો તેનો લાભ દિલ્હીવાસીઓને જ મળશે.
આ તો થઈ કોમનવેલ્થ ગેમ્સની તડામાર તૈયારીની વાતો પરંતુ પાટનગર દિલ્હીમાં થઈ રહેલાં વિકાસકાર્યોની વિગતો પણ જાણવા જેવી છે. એટલે દિલ્હી રાજ્ય સરકાર અને દિલ્હી મહાનગરપાલિકા કેન્દ્ર સરકારની નાણાં સહાય અને માર્ગદર્શનથી રાજધાનીમાં ૨૫ નવા ફ્લાયઓવર્સ, નવું અને અત્યાઘુનિક વિમાનમથક, મેટ્રો રેલવેનું વિસ્તરણ, મલ્ટીલેવલ ઓટોમેટિક પાર્કંિગ લોટસ, શ્રેષ્ઠ સુવિધા સાથેનાં સમારંભ કેન્દ્રો, નવાં વીજળી મથકો, નવું રેલવે સ્ટેશન અને હાલના રેલવે સ્ટેશનનું નવીનીકરણ વગેરે વિકાસકાર્યો થઈ રહ્યાં છે. દિલ્હી રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાકેશ મહેતા આ વિકાસ કાર્યોની રૂપરેખા આપતાં કહે છે, અત્યારે દિલ્હીમાં ૬૫ કિલોમીટરની મેટ્રો રેલવે લાઈન છે. હવે અમે વધારાની ૧૨૮ કિલોમીટરની મેટ્રો રેલવેલાઈન તૈયાર કરી રહ્યા છીએ. એક વખત આ મેટ્રો લાઈન તૈયાર થઈ જશે એટલે શહેરનું રેલવે સ્ટેશન અને વિમાનમથક એકબીજા સાથે જોડાઈ જશે. દર કલાકે ૧૩૫ કિલોમીટરની ઝડપે દોડતી મેટ્રો ટ્રેન ફક્ત ૧૬ મિનિટમાં રેલવે સ્ટેશન અને વિમાનમથક વચ્ચેનું ૧૯ કિલોમીટરનું અંતર પૂરું કરશે. મેટ્રો ટ્રેનના વિસ્તૃતિકરણની આ યોજના ૨૦૧૦ સુધીમાં પૂરી થાય તે માટે અમે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. વાહનવ્યવહારની આ વ્યવસ્થાથી રમતોત્સવના આયોજનમાં ઘણી સરળતા રહેશે. આવી જ સરળતા ૨૫ નવા ફલાય ઓવર્સથી પણ રહેશે. આવતાં બે વરસમાં દિલ્હીમાં એક સાથે ૨૫ નવા ફલાય ઓવર્સ તૈયાર થઈ જશે એટલે તેનો સૌથી વઘુ લાભ વાહનચાલકોને થશે. વાહન ચાલકોનો સમય અને પેટ્રોલ બન્નેની બચત થશે. સાથોસાથ દિલ્હી નજીક નવાં વિદ્યુતમથક પણ આકાર લઈ રહ્યાં હોવાથી દિલ્હીવાસીઓની વીજળી કાપની ફરિયાદ પણ નજીકના ભવિષ્યમાં દૂર થઈ જશે.
વીજળીની સાથોસાથ દિલ્હીનાં નાગરિકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી પણ મળી રહે તે માટે નવી કેનાલ અને જળશુદ્ધકરણ પ્લાન્ટ પણ તૈયાર થઈ રહ્યાં છે. આ જ રીતે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોનાં નાગરિકોને સસ્તી, સારી અને ઝડપી તબીબી સુવિધા મળી રહે તે હેતુથી સાત નવી હોસ્પિટલો પણ તૈયાર થઈ રહી છે.
આટલી બધી સગવડો સાથે દિલ્હીવાસીઓને નવું વિમાનમથક પણ મળશે. લગભગ એકસો (૧૦૦) એકરના વિશાળ વિસ્તારમાં તૈયાર થઈ રહેલા નવા વિમાનમથકમાં ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એમ બન્ને ટર્મિનલ્સ બનશે. સાથોસાથ ૭૫ એરોબ્રીજ પણ તૈયાર થશે. આટલું જ નહીં નવા વિમાનમથક નજીક સેવન સ્ટારની શ્રેષ્ઠ સુવિધા સાથે નવી હોટેલો પણ આકાર લઈ રહી છે. નવા વિમાનમથક સાથોસાથ પૂર્વ દિલ્હીમાં ૮૬ કરોડના ખર્ચે મેગા રેલવે ટર્મિનલ પણ ૨૦૦૮ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વળી હાલના રેલવે સ્ટેશનમાં ચાર નવાં પ્લેટફોર્મ, ટ્રેનના સમયપત્રકની વિગતો દર્શાવતા વિશાળ પ્લાઝામાં સ્ક્રિન, ટ્રેનના કોચની માહિતી દર્શાવતાં ઇન્ડીકેટર બોર્ડઝ અને શોપંિગ ઝોન પણ આકાર લઈ રહ્યાં છે. અત્યારે તો દિલ્હીમાં રાષ્ટ્રકૂળ રમતોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે. સાથોસાથ દેશની રાજધાનીમાં ઝાઝી બધી વિકાસ યોજનાઓની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જોકે આમાંની કેટલી વિકાસ યોજનાઓ ૨૦૧૦ સુધીમાં પૂરી થશે તે મોટો પ્રશ્વ્નાર્થ છે. જોકે દિલ્હી રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાકેશ મહેતા ભારોભાર આશા દર્શાવતાં એમ કહે છે કે અત્યારે અમારા મનમાં કોમનવેલ્થ ગેમ્સ સફળ બનાવવાની અદમ્ય ઇચ્છા છે. એટલે કોમનવેલ્થ ગેમ્સને સફળ બનાવવાના પ્રયાસો સાથોસાથ દિલ્હીની ભાવિ વિકાસ યોજનાઓની કામગીરી પણ જોશભેર દોડી રહી છે. કોઈ નહીં માને પણ દિલ્હીની વિકાસ યોજનાઓની મુદત ૨૦૧૫ની છે. આમ છતાં અમારા મજબૂત પ્રયાસોથી તે વિકાસ યોજનાઓ ૨૦૦૯ના અંતમાં જ પૂરી થઈ જશે. આમ છેવટે તો લાભ દિલ્હીવાસીઓને જ થશે. દેશનાં પાટનગરનાં નાગરિકોને અને અહીં આવતાં હજારો-લાખો લોકોને નવા-સ્વચ્છ રસ્તા, લીલાંછમ વૃક્ષો, નવું રેલવે સ્ટેશન, નવું વિમાનમથક અને મેટ્રો રેલનું વિસ્તૃતિકરણ વગેરેનો લાભ મળશે.
સાચી વાત છે. ફક્ત દિલ્હી જ નહીં. મંુબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલોર, અમદાવાદ વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરનાં મૅગાસિટી બનવા થનગની રહ્યાં છે. અત્યાઘુનિક સગવડો વિકસી રહી છે. ભારતમાં વિકાસ સૂર્ય ઊગી રહ્યો છે.
|