સાઈટ સીઇંગ
www.encyclozine.com
એન્સાયક્લોપીડીયા (વિશ્વકોશ) અને મેગેઝીનના સંયુક્ત સ્વરૂપ જેવી આ સાઇટ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવે એવી છે. આંખની સાથે મગજને ગુંચવતાં ઓપ્ટિકલ ઇલ્યુઝન, કોયડા, સવાલ-જવાબ, પઝલ, ભૂલભૂલામણી જેવા વિભાગો મઝાના છે. તેની સાથે ઇતિહાસ, વિજ્ઞાન, કમ્પ્યુટર, ખગોળશાસ્ત્ર જેવા ગંભીર વિષયો પર ટૂંકાણમાં માહિતી આપવામાં આવી છે. નિયમિત વિભાગો ઉપરાંત કોઇ ેએક વિષય પર લાંબો લેખ આપવામાં આવે છે. આખી સાઇટના સૌથી હિટ વિભાગોમાં આજકાલ મોહનદાસ ગાંધી પરનો લેખ પહેલા સ્થાને છે. આ સાઇટના લેખો અભ્યાસ કે ગંભીર વાચન માટે ઉપયોગમાં લેવાય એવા નથી, પણ બાળકોને હળવાશપૂર્વક વિષયથી પરિચીત કરાવવામાં તે ઉપયોગી બને એમ છે. ઇતિહાસનો વિભાગ અમેરિકા-કેન્દ્રી હોવા છતાં વિશ્વયુદ્ધોની અને (ભારત સિવાયની) જૂની સંસ્કૃતિઓની થોડીઘણી વિગત મળે છે. મોટા અક્ષરો અને પીળા-ભૂરા રંગના પ્રભુત્વને કારણે સાઇટ બાળકો માટેની છે, એવું એક નજરથી સ્પષ્ટ થઇ જાય છે. સાઇટ પર સંબંધિત વિષયો પરનાં પુસ્તકો, પોસ્ટર અને સોફ્ટવેર વિશેની માહિતી મળે છે, એ વધારાનો ફાયદો છે.
www.sitagita.com
આઠેક વર્ષ પહેલાં ચોતરફ ડોટ કોમ કંપનીઓ ખુલી રહી હતી, ત્યારે ચેન્નઇનાં નિર્મલ મિર્ઝાને ફક્ત સ્ત્રીઓ માટેની એક સાઇટ શરૂ કરવાનો વિચાર આવ્યો. એ પોતે સુખી પરિવારનાં હતાં, એટલે આર્થિક સમસ્યા ન હતી. તેમના માનસસંતાન જેવી આ સાઇટ આઠ વર્ષમાં બરાબર વિકસી છે અને ઇન્ટરનેટ વાપરતી ભારતીય સ્ત્રીઓમાં ખાસ્સી લોકપ્રિય પણ છે. કેમ કે, સાઇટના નોંધાયેલા યુઝર્સ એક લાખ કરતાં વધારે છે. સાઇટનું સ્વરૂપ પહેલી દ્રષ્ટિએ સારા મહિલા સામયિક જેવું લાગે છે. તેમાં બ્યુટી, ડાયેટ એન્ડ ફીટનેસ, ફેમિલી હેલ્થ, સ્ટાઇલ, ફેશન, ફુડ, પ્રેગ્નન્સી જેવા ઘણા વિભાગો છે. ‘ગ્રાન્ડમાઝ કોર્નર’ તરીકે ઓળખાતા વિભાગમાં આઘુનિક દાદીમાઓના રસના વિષયો ઉપરાંત દાદીમાની વાતો, દાદીમાનું વૈદું એવા દસેક પેટાવિભાગ છે. પરંપરાગત પ્રકારની સામગ્રી ઉપરાંત આઘુનિક યુગમાં સ્ત્રીઓ માટે ઉપયોગી એવા કારકિર્દી, કાયદો અને આર્થિક બાબતોમાં સ્ત્રીઓને માર્ગદર્શન આપતા લેખો અને વિગતો પણ છે. સીતાગીતાના ટૂંકા નામે (‘સીગી’) અઠવાડિક ઇ-મેગેઝીન પર તૈયાર કરવામાં આવે છે, વેબસાઇટ પર જુદા જુદા વિષયોના બ્લોગ અને સવાલોના જવાબની સુવિધા પણ છે.
www.sdburman.net
કોઇ પણ પેઢીના સંગીતપ્રેમીઓને એકસરખી અપીલ કરે એવાં અસંખ્ય ગીતોના સંગીતકાર એટલે એસ.ડી.બર્મન. તેમની યાદ તાજી રાખવા માટેની આ સાઇટ નો આરંભ દાદા બર્મનના અમર ગીત ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’થી થાય છે. સાઇટના મુખ્ય વિભાગોમાં બર્મનદાદાના જીવન વિશેની વિગતો, ફોટો આલ્બમ, તેમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોની યાદી, એમના વિશેના જૂના-નવા લેખ મુકવામાં આવ્યા છે. ‘બર્મનદા કા પીટારા’માં બર્મનદાએ ગાયેલાં અને તેમનું સંગીત ધરાવતાં કેટલાંક ગીતો ડાઉનલોડ કરી શકાય છે. તેમનો આસ્વાદ કરાવતા લેખો પણ ‘પીટારા’માં સામેલ છે. ‘ફીચર ઓફ ધ મન્થ’ અને ‘ટ્રીબ્યુટ્સ’માં બર્મનદાના સંગીત અને વ્યક્તિત્વ વિશેનાં કેટલાંક સંસ્મરણો વાંચવા મળે છે. ફોટો આલ્બમમાં કેટલીક દુર્લભ તસવીરો છે, પણ તેમની સાઇઝ નાની છે. સાઇટનો સૌથી ઉપયોગી વિભાગ ‘લિન્ક્સ’નો છે. તેમાં બર્મનદાદા વિશેની ઉપયોગી વિગતો કે તેમનાં ગીતો ધરાવતી બીજી વેબસાઇટની માહિતી છે. બર્મનદાની ૨૮મી મૃત્યુ તિથિ નિમિત્તે ઢાકા (બાંગલાદેશ), રાવલપીંડી (પાકિસ્તાન) અને ન્યૂ જર્સી (અમેરિકા)નાં ત્રણ ચાહકોએ આ સાઇટ તૈયાર કરી હતી.
|