ભાત ભાતકે બ્લોગ
બ્લોગ એટલે કે વેબ લોગ એટલે કે ઇન્ટરનેટ પર વેબસ્પેસ ખરીદીને વેબસાઇટ બનાવવાને બદલે, મફતમાં પોતાને ગમતી સામગ્રી ઇન્ટરનેટ પર મુકવાની જગ્યા. ઘણીબધી વેબસાઇટ બ્લોગ બનાવવા માટેની સુવિધા પૂરી પાડે છે. બ્લોગ બનાવનાર એટલે ‘બ્લોગર’. ઇન્ટરનેટની આલમમાં લાખો બ્લોગર રોજેરોજ અથવા અનિયમીત રીતે પોતાની મનપસંદ તસવીરો, વીડીયો, લખાણ અને કામની-નકામી અનેક વિગતો બ્લોગના માઘ્યમથી પબ્લીશ કરતા રહે છે. એ દુનિયાનો અંદાજ મળી રહે એવા બ્લોગનો પરિચય અહીં આપવામાં આવશે.
સ્પાઇક્ડ હ્યુમર ઃ આ બ્લોગમાં મનોરંજક વીડીયો, તસવીરો, સમાચાર, ગેમ્સ અને જોક્સનો સારો સંગ્રહ છે. દરેક વિભાગમાં પણ જુદા જુદા પેટાવિભાગો છે. જેમ કે, વિડીયોમાં ફની, એક્ટ્રીમ, સ્પોર્ટંિગ, એનિમલ એન્ડ પેટ્સ, સેલીબ્રીટીઝ, કોલેજ લાઇફ, કમર્શીયલ્સ, મીલીટરી અને ઇલ્યુઝન. એ જ રીતે તસવીરોમાં આ બધા વિભાગો ઉપરાંત પ્રાકૃતિક દ્રશ્યો પણ જોવા મળે છે. સમાચારોમાં સામાન્ય ઉપરાંત સાયન્સ-ટેકનોલોજીના, રમતગમતના, મનોરંજનના અને ચિત્રવિચિત્ર સમાચારો સચિત્ર મુકાયા છે. સમાચારો સાચા, પણ અચરજ પમાડે એવા હોય છે. જેમ કે, ‘અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઇ પોતાનું ટેલીફોન બિલ સમયસર ભરી શકી નહીં, એટલે ટેલીફોન કંપનીએ એફબીઆઇનું કનેક્શન કાપી નાખ્યું.’ અથવા ‘દારૂ પીને લોનમુવર ચલાવવા બદલ માણસની અટકાયત.’
જોક્સના વિભાગમાં વન-લાઇનર કે ટૂંકા જોક્સને બદલે લાંબા પ્રસંગો વધારે પ્રમાણમાં છે. ‘પોલિટિકલ જોક્સ’ના વિભાગમાં ઐતિહાસિક કે આંકડાકીય વિગતોનો પણ ઉપયોગ થયો છે. જેમ કે, એવી કઇ સંસ્થા છે જેના પાંચસો જેટલા માણસોમાંથી ૨૯ પર પોતાના જીવનસાથીને ત્રાસ આપવાનો અને ૧૯ પર ખોટા ચેક લખવાનો આરોપ છે, ૭ જણની છેતરપીંડી માટે ધરપકડ થઇ ચૂકી છે, ૧૧૭ જણે સીધી યા આડકતરી રીતે ધંધામાં ઉલાળીયું કર્યું છે, ૭૧ જણને ખરાબ ક્રેડિટને કારણે ક્રેડિટ કાર્ડ મળ્યાં નથી, ૧૪ જણની ડ્રગ્સ સંબંધિત મામલે અને ૮ જણની દુકાનમાંથી તફડંચી કરવા બદલ ધરપકડ થઇ છે. કઇ છે આ સંસ્થા? આ સંસ્થા છે...૫૩૫ સભ્યો ધરાવતી અમેરિકાની કોંગ્રેસ (સંસદ) www.spikedhumor.com
|