home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

સ્પેકટ્રોમીટર

આવકમાં ગાબડાં પડે ત્યારે જાવક કેવી રીતે ઘટાડવી, એની સતરંગી તરકીબો!
અસરદાર કરકસરઃ સેવન સેવંિગ આઈડિયાઝ

‘સાહેબ, મિનરલ વોટર લઈ આવું કે રેગ્યુલર?’

પ્રોગ્રામ્ડ રોબોટ જેવો આ સવાલ પોશ, આલીશાન રેસ્ટોરાંમાં રેગ્યુલરલી પૂછાતો હોય છે. જ્યારે જ્યારે અમને આ સવાલ પૂછાયો છે, ત્યારે તપાક દઈને અમે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો છે.

‘કેમ? તમારી હોટલનું પાણી ચોખ્ખું અને પીવાલાયક નથી હોતું?’

નેચરલી, આ સવાલનો જવાબ કદી નેગેટિવ હોતો નથી. તરત જ કહેવાય છે- ‘હોય કંઈ? અમારું પણ ફિલ્ટર કરેલું શુદ્ધ પીવાલાયક પાણી જ છે.’ અને ચાલાકીથી ખંખેરી લેવામાં આવતા કેટલાક (એ પણ બાર રૂપિયાની બોટલના ત્રીસ રૂપિયા લેખે) રૂપિયાની બચત થઈ જાય છે! (એમ તો, જરૂર વિના બહાર ખાવાનું ટાળો તો ફૂડ બિલ ઉપરાંત ભવિષ્યના હોસ્પિટલ બિલનું પણ એડવાન્સ્ડ સેવંિગ થઈ જતું હોય છે!)

બચત, સેવંિગ, આ શબ્દો પ્રત્યે ભારતભૂમિને અગાઉ બહુ ગાઢ લગાવ હતો. એટલે રાષ્ટ્રના અર્થતંત્રની તબિયત રાંકડી હતી. લોકો પૈસાને ચસચસાવીને પ્રેમ કરતા, અને કસકસાવીને બાંધી રાખતા. નાણુ ખર્ચાય નહિ, ત્યાં સુધી ઈકોનોમીની હાલત ફાંકડી થાય નહિ. ઉપરવાળાની અસીમ કૃપાથી હવે ‘સ્પેન્ડંિગ જનરેશન’ આવી છે. ભારતીયો પૈસા બચાવવાને બદલે દિલ ખોલીને વાપરતા થયા છે. ફાઈન. પૈસો ગળે બાંધીને ફર્યા કરવાનું લોકેટ નથી. બેન્કમાં રાખેલા પૈસાથી બેન્ક જલસા કરે, એ પહેલા આપણે કરી લેવા જોઈએ. પ્રાચીન સંસ્કૃત સુભાષિતમાં અપાર ડહાપણ હતું. ધનની ત્રણ ગતિ છેઃ ભોગ, દાન અને નાશ. પરસેવો પાડીને તમે (કે તમારા પૂર્વજ) પૈસા કમાયા છો, તો એશ કરો. (બીજું શું કરશો? શૂન્યોનો સરવાળો?) ભરપૂર ભોગવટો કર્યા પછી બીજાના માટે સંપત્તિ ખર્ચો, ચેરિટી કરો. આ બેમાંથી કંઈ નહિ કરો તો નાણાનો નાશ અવશ્ય થવાનો છે!

લેકિન, કિન્તુ, પરંતુ... આ ત્રણેય ગતિ માટેપહેલા ધન હોવાનું જરૂરી છે. પૈસા કમાશો નહિ, તો શું વાપરશો અને શું વહેંચશો? અને અર્થશાસ્ત્રનો નિયમ છે. મની સેવ્ડ, ઈઝ મની અર્ન્ડ.

ખેર, મંદી આવે એટલે મઘ્યમવર્ગની કરોડરજ્જૂમાં કટકા થઈ જાય છે. મુફલિસોએ તો આમ પણ ન્હાવા કે નિચોવવાનું કશું હોતું નથી. અને દોલતમંદોની કમર પર ‘રિઝર્વ મની’ના શોક એબ્સોર્બસ વીંટળાયેલા હોય છે. ફસાય છે દેખાદેખીમાં હનુમાન કૂદકો મારવા જતા મામૂલી મર્કટોનો મિડલ ક્લાસ. ‘પછેડી એટલી સોડ તાણવી’ એ બહુ કોઠાસૂઝવાળી કહેવત છે. દેવું કરીને પણ ઘી પીવું જોઈએ, પણ દેવું થઈ જાય અને ઘી સૂંઘવા ય ન મળે ત્યારે શું?

પૈસો ફરતો રહેવો જોઈએ. એ ખર્ચશો નહિ, તો એ કાગળનો ટૂકડો જ છે. મન મારીને જીવવાના, પરાણે વૈરાગ વિના ત્યાગ કરીને સાદાઈથી જીવવાના ઉપદેશોના અતિરેકે જ ભારતને ભૂખડીબારશ બનાવ્યું હતું. બહુ સાચવેલો પૈસો કદી તમને કામ નહિ આવે, અંતે એ બીજાઓ વાપરી જશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, વાત ચંિગૂસાઈની, લોભિયાવેડાની વકીલાતની નથી. કોઈ કંજૂસ, મખ્ખીચૂસ પોતાનો દલ્લો મરતી વખતે ભેગો લઈ જઈ શક્યો નથી. ખજાનો ખુશ થવા માટે છે, રખોપું કરવાની ચોકીદારી કરવા માટે નહિ!

પણ વાત ‘કરકસર’ની થાય છે, કંજૂસાઈની નહિ. પૈસો વાપરવો અને પૈસો ઉડાડવો એમાં ફરક છે અને મિડલક્લાસને પૈસો ઉડાવી દેવાની લકઝરી પોસાય તેમ નથી. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય. મોજમજા ન કરો, હરોફરો નહિ, મનોરંજનના સાધનો ન વસાવો, સાદા આહારવિહાર રાખો, સરસ કપડાં ન પહેરો, ફિલ્મો ન જુઓ, ફર્નિચર ન વસાવો... સ્ટોપ ઈટ! આવા સુખવિરોધી સેવંિગ કમાન્ડમેન્ટસ તદ્દન આઉટડેટેડ છે. આવી વાસી સલાહોથી પબ્લિકની ખોપરીમાં સબાકા આવે છે. આવી અપ્રાકૃતિક જીંદગી- માનવ સ્વભાવને માફક આવતી નથી. માટે જરા પ્રેક્ટિકલ ટિપ્સ ચર્ચાવી જોઈએ. ટેસડા કરતાં કરતાં પણ જોશમાં જરા હોશ ભેળવો, તો બહુ મોટા સમાધાનો કર્યા વિના પણ ખાસ્સા રૂપિયા બચાવી શકાય છે. મમ્મી-પપ્પા પાસે હાથ લંબાવીને બહાર વટ મારતા યંગસ્ટર્સની લાચારી ઘટે છે. થોડાક હજાર રૂપિયા ગુમાવવાથી વગર ઠંડીએ ઠૂઠવાઈ જતા પરિવારોમાં થોડો ગરમાટો આવી શકે છે. આના માટે સગવડ વિરોધી કે જીવનવિરોધી થવાનું નથી. ફ્રીજ વેંચીને માટલું લેવાનું નથી. બઘું જ માણવાનું છે. સાધનોના ઉપયોગમાં ફક્ત વિવેક રાખવાનો છે. બચતના આઘુનિક આઈડિયાઝ એવા હોવા જોઈએ, જેમાં ખર્ચ ન ઘટે... પણ ‘ખોટો’ ખર્ચ બંધ થઈ જાય! એનો ફાયદો મનુષ્ય જાતિને જ નહિ, પણ સમગ્ર પૃથ્વીલોકને થવાનો છે. કારણ કે, આવા સેવંિગ આઈડિયાઝ હંમેશા ઈકો-ફ્રેન્ડલી હોય છે. એ પર્યાવરણ રક્ષણનું પુણ્ય ફ્રી ઓફ ચાર્જ તમારા ખાતામાં ડિપોઝિટ કરે છે.

જો તમે મઘ્યમ વર્ગના હો, છપ્પરફાડ આવક ન ધરાવતા હો, તો અછતને હંફાવવા બચતની આ શાણપણભરી શિખામણો મમળાવોઃ

(૧) ફાઈટ ધ લાઈટઃ મિડલ ક્લાસના મન્થલી બિલમાં છેલ્લા દસકાઓમાં સૌથી વઘુ રાઈઝ ક્યા કારણથી આવ્યો છે? ઈલેકટ્રોનિક્સ? લાઈફ અઢળક ડોમેસ્ટિક એપ્લાયન્સીસને લીધે સ્મૂધ થઈ ગઈ છે. પણ એની કોસ્ટ વધી ગઈ છે. ટીવી, ટેપ, ફ્રિજ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, વોશંિગ મશીન, મિકસર, ઓવન, ટોસ્ટર, ડોરબેલ, મોબાઈલ, ડીવીડી પ્લેયર, મોસ્કિટો રેપેલેન્ટ, ગીઝર- આ સઘળા સાધનોની પાઘડીનો વળ ક્યા છેડે નીકળે છે? પ્લગમાં! એ ઉપરાંત ટયુબલાઈટસ એન્ડ બલ્બ્સ તો ખરા જ!

ના, ઝૂંપડીમાં જવાની જરૂર નથી. પણ જરા સેન્સિબલ ઉપયોગ કરીએ તો ૠતુચક્રને પલટાવી નાખતું ગ્લોબલ વોર્મંિગ પણ જરા ઘટશે. ધીંગા ઉનાળાના વિષુવવૃત્તીય ભારતમાં સોલાર કૂકર એન્ડ હીટરનો ઉપયોગ કેમ ન થાય? ફ્રીઝ વારંવાર ખોલબંધ કરો તો કૂલંિગ ટેમ્પરેચર એડજસ્ટ કરતું બિલ વધવાનું જ! ફ્રીઝની જગ્યા કે બેલેન્સ બરાબર ન હોય તો પણ એ વઘુ વીજળી ખાય! જોવું ન હોય તોય ‘કંપની’ આપણા કુતરાની માફક ટીવી ચાલુ કરી દેવાની પણ ઘણાને આદત હોય છે. ટિપિકલ લેમ્પ અને લાઈટસને બદલે એટલો જ પ્રકાશ ઓછી વીજળીએ આપતા ફ્‌લ્યુરોસન્ટ લેમ્પ્સ વાપરી શકાય. એન્ડ હેલો, એક રૂમમાં બધા બેઠા હો તો બધા રૂમની લાઈટો શા માટે ચાલુ રાખવાની? ડ્રેક્યુલાનો એટલો બધો ડર લાગે છે કે? શોભા માટે ગેટ લાઈટસ પણ આપણા ગજવે જ ચાલુ રહે છે. ઘણી વખત કોમ્પ્યુટર કે ટીવી જેવા સાધનોનો પાવર ઓફ કર્યા પછી સ્વીચ ઓફ આપણે ન કરીએ, તોય એ થોડી થોડી વીજળી ઓહિયાં કરતા જાય છે. રાતના બદલે સવારે ઉઠીને વાંચવાથી રોજની બે-ત્રણ કલાકનું ઈલેકટ્રોનિક કન્ઝમ્પશન ઘટી શકે! ને સમયસર જમી લો તો વાનગીઓ ગરમ ન કરવી પડે ને ઠંડી ન રાખવી પડે!

(૨) ફરગેટ ધ ફોનઃ મન્થલી એક્સપેન્સનું સેકન્ડ એક્સટેન્શન ફોન બિલના ટેન્શનથી વઘ્યું છે. હિન્દુસ્તાનમાં તહેવારોની કમી નથી. માટે દર પંદર દિવસે જાતભાતના ગ્રીટંિગ્સના ચિબાવલા એસએમએસ કરવાના ધખારાને પોસાતું ન હોય તો મનમાં જ ધરબી દો. લવમાં કે ફ્રસ્ટ્રેશનમાં ફોન પર લાંબીલચ વાતો દોસ્તો સાથે કરવાનો ‘ફોનેરિયા’ રોગ લાગુ પડી જાય છે, અને લાઈફમાં મોટે ભાગે આ બેમાંથી એક તબક્કો ચાલુ જ રહે છે. પર્સ કે વોલેટ ‘ફુલ’ ન હોય તો આવા ‘ફૂલ’ ન બનો. ઘણી વખત તો આટલા લાંબા કોલ કરતા ટિકિટ ખર્ચીને રૂબરૂ વાત કરવી સહેલી બને! નોનપ્રોડક્ટિવ કોલ્સ કરવા જેટલા ખમતીધર ન હો, તો સ્વરપેટીને આરામ આપો. ફોન કરતા હો ત્યારે ટીવી, ટેપ, કોમ્પ્યુટર ચાલુ ન રાખો એન્ડ વાઈસે વર્સા. ગમ્મત ન પડતી હોય તો દોસ્તોમાં વટ મારવા ખાતર ડાઉનલોડીંગ કરવાને બદલે એટલા રૂપિયાની તાજી દ્રાક્ષ ખાઈ જાવ. લેન્ડલાઈન ઓપ્શન અવેલેબલ હોય ત્યાં ખર્ચાળ મોબાઈલનો ઉપયોગ ટાળો... ફોન પર વાતો ઓછી થશે... તો વઘુ પ્રોડક્ટિવ કામોમાંથી કમાણી થશે, ને ફોન ચાર્જ ઓછો કરવો પડશે તો એટલું બિલ પણ ઘટશે!

(૩) ડુ ઈટ યોરસેલ્ફઃ જીંદગીમાં કેટલીયે એવી નાની નાની બાબતો હોય છે, જે શીખવી સહેલી હોય છે- પણ આળસમાં આપણે એ માટેના પૈસા ચૂકવી દઈએ છીએ. એક્સેસ મની ન હોય તો ખુદ હી કો બુલંદ કર ડાલો. નાના ઈલેકટ્રિકલ ફિટીંગ, પ્લમ્બંિગ, ઓટોમોબાઈલ રિપેરંિગ જાતે કરતા જાવ. સજાવટની ચીજો મોંઘાદાટ સ્ટોરમાંથી લેવાને બદલે ચાકળા-તોરણ જાતે બનાવો કે હેન્ડીક્રાફટની હોબી ડેવલપ કરો. હોટલમાં બહુ ભાવેલી ચીજની રેસિપી ફાવે તો જાતે અજમાવી જુઓ. ઘરની સફાઈ- વાસણ વગેરે બધા મેમ્બર્સ જાતે મળીને કરે, એવી આદત રાખો. થોડું કોમ્પ્યુટર ઓપરેટંિગ જાતે શીખવાથી બેઝિક ડિઝાઈનંિગ, ટાઈપંિગ, પ્રેઝન્ટેશન્સ બહાર બનાવડાવવાનો ખર્ચ ઘટશે. નવરાશની પળોમાં ગપ્પા મારવાને બદલે પેઈન્ટંિગ, મ્યુઝિક, કૂકંિગ જેવી કોઈ ક્રિએટિવ હોબી ડેવલપ કરો. મન પ્રસન્ન રહેશે અને ઘણી વખત મોંઘીદાટ ગિફટસ ખરીદવાને બદલે જાતે બનાવેલી ચીજો ‘પર્સનલ ટચ’ સાથે આપીને ઓછા ખર્ચે ઝાઝી વાહવાહી પણ મળશે. જસ્ટ થંિક, જાતે ભણવાની કે પેરન્ટ હો તો સંતાનને ભણાવવાની ત્રેવડ રાખો તો ટયુશનની કેટલી બધી ફી બચે? પાડોશીઓ- દોસ્તોને સ્વાવલંબી થઈને મફતની મદદ કરી, વઘુ લોકપ્રિય પણ બની શકાય! બરિસ્ટાઝની કોફી ન પોસાય તો ઘેર બનાવવામાં શું ખોટું?

(૪) સ્વીચ ઓફ ઓટોમોબાઈલઃ ભૈ, કઈ ચીજના ભાવ સૌથી વઘુ વધતા જાય છે? ના, સોનાના નહિ, પેટ્રોલ- ડિઝલ- ગેસના! ચકલી નાની ને ફૈડકો મોટો રાખવા માટે કાર કે બાઈક વસાવ્યા પછી એ હવાથી ચાલવાના છે? ચલ, ચલા ચલ ઓ રાહી ચલ ચલા ચલ! એક તો મરણના અને પરણના પ્રત્યેક અવસરે ‘વહેવાર થોડો ચૂકાય’ કહીને જવાની કુટેવ પર ચોકડી મારો. આરામ વઘુ એટલી આવક ઓછી. જરૂર પડે ત્યાં જ તમારું કે દેશનું ઈંધણ બાળો. એતી રાષ્ટ્રની મોટી સેવા થશે. પ્રદૂષણ ઘટતાં કુદરતની એથીયે મોટી સેવા થશે. જીમમાં જઈને ફી ભરીને સાઈકલંિગ કરો, એના કરતાં સાઈકલ લઈને જ કોલેજે કે ઓફિસે જાવ. (કેમ? લોકો શું કહેશે એની ફિકર થાય છે? વેલ, એ લોકો પાસેથી દર મહિનાનો ફ્‌યુઅલ એક્સપેન્સ ઉધાર માંગતા જાવ!) ચાલીને જાવ! ઘણી વખત એક દિવસમાં એટલી છૂટક રીક્ષા થતી હોય છે કે એટલા પૈસામાં રાજ્યની બહાર એક શહેર સુધી પહોંચી જવાય! વોકંિગ એન્ડ રનીંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. શરીર સુડોળ રહેશે. બાઈક, સ્કૂટર કે કાર વસાવ્યા હોય તો સર્વિસ બરાબર કરાવો અને બ્રેક ઓછી મારી વ્યવસ્થિત ચલાવીને ફ્‌યુઅલ બચાવો.

(૫) સ્ટોપ! બિફાર યુ શોપઃ વેચનારાઓનો એક નિયમ હોય છે, યેન કેન પ્રકારેણ તમને વઘુ ખરીદતા કરવા, શોપંિગ મોલના ડિસ્પ્લે પણ લાળ પડાવવા માટે જ હોય છે. જો બેન્ક બેલેન્સનું સંતુલન ખોરવાઈ ગયું હોય, તો એમાં પ્રાણીબાગની જેમ લટાર મારવાનો જ આનંદ લેવો. એક સાદો સવાલ ‘પરચેઝ ડિસિશન’ લેતા પહેલા જાતને પૂછવાનો. ‘મને ખરેખર આની જરૂર છે?’ ઘણી વાર આમાં વિવેકબુદ્ધિ ચૂકાઈ જતી હોય છે. રેસ્ટોરાંના સસ્તા પિઝા કરતા મોંધુ પણ તાજું ફ્રુટ ખરીદવું સારું! બચત પણ અંતે આપણા ભલા માટે કરીએ છીએ ને!

બે ઉપર એક ફ્રીના ગાજર પાછળ ક્યારેય ન દોડવું. જગતમાં ક્યુટ ભૂલકાંઓના નિર્દોષ સ્માઈલ સિવાય કશું ય ફ્રી નથી. જરૂર હોય તો બેને બદલે પાંચ લો, પણ જરૂર વિના એક પણ વધારે શા માટે? એવું જ ‘પોઈન્ટ’ એકઠા કરવા માટે મેમ્બરશિપ કાર્ડ રાખવાનું છે. વઘુ પોઈન્ટસનો મતલબ વઘુ ડિસ્કાઉન્ટ નથી થતો. ઈન્ડાયરેક્ટલી વઘુ શોપંિગ થાય છે. અર્થાત, મોર એક્સપેન્સ! બ્રાન્ડેડ ઈલેકટ્રોનિક્સ આઈટેમ્સ લીધા પછી ફ્રી સર્વિસ/વોરન્ટીના એક્સટેન્ડેડ કોન્ટ્રાક્ટ ઉંઘુ ઘાલીને સાઈન ન કરવા. એડવાન્સ્ડ ટેકનોલોજીને લીધે લગભગ ત્રણેક વર્ષ વસ્તુ સારી ચાલતી જ હોય છે. પોસાતું હોય તો બ્રાન્ડેડ ચીજોનો ઉપભોગ કરો. પણ ન પોસાતું હોય, તો પેનથી પેન્ટ સુધી ટોચના બ્રાન્ડનેમ માટે વઘુ પ્રિમિયમ આપવાનું ટાળો. (અને સાવ સસ્તું, તકલાદી, હલકું ઉપયોગ કરવાનું પણ ટાળવું જ- એ સરવાળે ખર્ચ વધારશે!) સારી ક્વોલિટીની નોન બ્રાન્ડેડ ચીજોના ઓપ્શન તલાશો. જરા ફરતા રહો એક જગ્યાએ ચોંટી રહેવાને બદલે જુદી જુદી જગ્યાએ ભાવતાલ કરતા રહો. વસ્તુઓ જ નહિ, સેવાઓ માટે પણ ઘ્યાનમાં રાખવું. લકઝુરિયસ હોટલ કે ટ્રાવેલની જરૂર ન હોય, તો જસ્ટ વટ મારવો મોંઘો પડી જાય. વેકેશનમાં એજન્ટો પાસે બૂકંિગ કરાવતાં પહેલા ઈન્ટરનેટ કે અનુભવી દોસ્તોની મદદથી એડવાન્સ્ડ પ્લાનંિગ કરી જાતે બૂકંિગ કરાવતા શીખો! રિમેમ્બર, સર્ચ, કમ્પેર, એડિટ. વાંચવાના હો તો જ મેગેઝીન ખરીદો. જોવાના હો તો જ કેબલની બધી ચેનલ રાખો.

(૬) ડોન્ટ ટેઈક ચાન્સ, પ્લાન એડવાન્સઃ મહિનાનો કેટલોય ખર્ચ છેલ્લી ઘડીની દોડધામમાં વધી જતો હોય છે. પ્રવાસમાં કશું ભૂલાઈ જાય, અને નવું ખરીદવું પડે. ‘ઉપર’ના પૈસા ચૂકવી ટિકિટ બૂક કરવી પડે, એક્સપ્રેસ ડિલીવરી કે ફેક્સના ચાર્જીસ આપવા પડે, વન વેમાં પેસી જવાનો દંડ ભરવો પડે. સ્ટડી મટીરિયલની ફોટોકોપી કરાવવી પડે...સો ઓન! જરા આગોતરું વિચારો. કેટલીક ચીજોની નિયમિત જરૂર પડે, તો કાયમી મેમ્બરશિપ, જથ્થાબંધ ખરીદી, ગુ્રપ બનાવીને ખરીદી કે કોન્ટ્રાક્ટથી ભાવમાં ડિસ્કાઉન્ટ મળે. ઉપરાંત લાયબ્રેરીનો ઉપયોગ કરો. શોપંિગ કરવા જતાં પહેલા પરિવારની જરૂર મુજબની યાદી બનાવો, અને એને જ વળગી રહો. માસિક પગાર આવે, ત્યારે જ એનું ઘરખર્ચમાં ડિવિઝન કરી નાખો. એમાંથી ચોક્કસ રકમ ‘સેફ ઈન્વેસ્ટમેન્ટ (પીપીએફ, એસ.આઈ.પી. વગેરે)માં ખર્ચની માફક જ નાખી દેવાની ટેવ રાખો. માત્ર બે કાળા પેન્ટ અને બે સારા જીન્સ હોય તો તમે એની સાથે ટીશર્ટથી સ્વેટર સુધીના ક્રોસ કરીને આખો વોર્ડરોબ હોવાની છાપ ઉભી કરી શકો! ડિટ્ટો, વિથ શૂઝ. (ડિસન્ટ, ગ્રેસફૂલ દેખાવું તદ્દન ફ્રી છે!) વધારાનો પૈસો આવે તો ખર્ચવાને બદલે એને તમારા માટે વ્યાજ કમાતો કરો. મનગમતી ફિલ્મ જોવા કે ફરવામાં દરેક વખતે દોસ્તોને ભેગા કરવાનું કે મોંઘોદાટ નાસ્તો કરવાનું ફરજીયાત નથી. ના, સાઘુ ન બનો. ફિલ્મ જુઓ, એકલા આનંદ ઉઠાવો, અને એની સાથે પરાણે નાસ્તો ઉમેરીને ચરબી વધારવાનું ઘટાડો. મેરેજીઝમાં આપવાની ગિફટસ એક સાથે લઈ લેવી!

(૭) મેઈક નોટ, સે નોઃ જે કંઈ રોજ ખર્ચ કરો, એની અચૂકપણે નોંધ કરવાની આદત ફરજીયાત કેળવો. એના બીજા ઘણા ફાયદા છે. પણ ખાસ તો એને લીધે ‘છૂટ્ટો’ હાથ જરા ભારમાં રહેશે. ચોકલેટ કે સીડી જેવી નાનકડી બાબતોનો ખર્ચ સરવાળે ખિસ્સામાં કેટલા ફાંકા પાડી જાય છે, એ સ્પષ્ટ દેખાતું જશે. સેલ્ફ રિયલાઈઝેશન વિના સેલ્ફ કન્ટ્રોલ નહિ આવે. એવી જ રીતે ઉધારીને મક્કમપણે ના પાડો. ડોન્ટ યુઝ ક્રેડિટ કાર્ડસ. પેમેન્ટ કેશથી જ કરવાની ટેવ પાડો. એકસ્ટ્રા ચાર્જીસનું સેવંિગ તો થશે, અને રોકડા ચૂકવવા પડશે ત્યારે તરત જ ખરીદીનું ‘મૂલ્ય’ કરવાની ટેવ પડશે. હાથ ખેંચાતો થશે!

અને ખરચના ખાડા વધારતી ગુટકા, સિગારેટ, સાડીના સેલ અને જ્યાંને ત્યાં ‘વહેવાર’માં ઉભા રહેવાની આદતને ચોખ્ખી ના જ પાડતા શીખી જાવ!

વેલ, જો પુરૂષ હો તો એક સેવંિગ ટિપ બોનસમાં- ગર્લ ફ્રેન્ડસથી ચેતીને ચાલવું! કર્ટસી રાખો કે ઈન્સ્ટંિકટ, તમારા દિલનો ભાર વધતો જશે ને ગજવાનો ઘટતો જશે! ને સ્ત્રી માટેની સ્પેશ્યલ સેવંિગ ટિપ? ગેટ એ બોયફ્રેન્ડ! પછી કેટલાય બિલ વાયા દિલ પાસ થઈ જશે ઃ-)

ફાસ્ટ ફોરવર્ડ

‘મારી માનો જીવન અંગેનો દ્રષ્ટિકોણ આગવો રહેતો. એમણે મને કહેલું કે ક્યારેય ખર્ચ ઘટાડવા માટે વિચારવા પર સમય બરબાદ ન કરવો. એટલી શક્તિ આવક વધારવા માટે લગાડવી! ’ (શાહરૂખખાન, ઈન્ડિયા ટુડે)

Top

Copyright   © Gujarat Samachar