home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

સ્પાર્ક

માતા સામે તો નમી પડવાનું હોય

ગીરમાં શંિગોડા નદીના કિનારે બેઠો બેઠો કુદરતને માણી રહ્યો છું. આખો કિનારો લીલોછમ્મ, ઘેધૂર અને નયનરમ્ય છે. જુદી જુદી જગ્યાએ જુદા વળાંકો અને આકારો ધરતી આ નદી દર્શનીય બની જાય છે. જામવાળા નજીક તો ૬૦ ફૂટ ઊંચેથી આખી નદી ધોધ રૂપે નીચે પટકાય છે. અને તેથી આ આખું દ્રશ્ય સંગીતમય, સુરમ્ય ને હૃદયંગમ બની જાય છે.

ગિરનારના અભયારણ્યમાં ત્રણેક દિવસ રહેવા-રખડવાનો અવસર મળ્યો. સવારથી સાંજ સુધી ગીચ જંગલ ને ખીણ કંદરામાં, પક્ષીઓના કલરવ વચ્ચે જીવવાની તક મળી. શહેરના ઘોંઘાટિયા ને પ્રદૂષિત વાતાવરણથી દૂર આ નીરવ શાંતિભર્યા ભૂમિખંડમાં ત્રણ દિવસના ‘નિસર્ગ શિબિર’માં કેટલાક પ્રકૃતિપ્રેમી મિત્રોનો સુંદર સહવાસ રહ્યો. આ ત્રણ દિવસ દરમિયાન એક વાત સતત ધુંટાતી રહી કે અદ્યતન માનવી પ્રકૃતિથી દૂર જઈ રહ્યો છે. કલકલ કરતાં ઝરણાં, નિર્દોષ મઝાનાં હરણાં, ખળખળ વહેતી નદી, લીલા છમ્મ વૃક્ષો, વન્ય પ્રાણીઓ, દૂર સુધી ક્યાંય પણ દીવા ન દેખાતા હોય એવી અંધકારભરી રાત્રિમાં ઝગમગતા તારાથી ભરેલું આકાશ, સન્નાટાનું સંગીત. રાત્રિનું સૌંદર્ય તો દીવાબત્તીથી દૂર, આવા અભયારણ્યમાં જ જોવા મળે. આખું આકાશ ઝગમગતું હોય. ઠૂંઠવાતી ઠંડીમાંય રાત્રે ત્રણ ચાર વાર ઊઠીને મેં આકાશ સાથે ગુફતેગો કરી છે. આકાશને માત્ર જોવાથી સંતોષ નહીં થાય. એને તો માણવું જ રહ્યું. સૂર્યોદય સમયે વાસંતી રંગોથી ભરેલું ભગવું આકાશ, માત્ર મોટો ગણીને ચોરખાનામાં મૂકી દેતા લૂખા લોકોને નહીં દેખાય. સંઘ્યા સમયનો રંગીલો માહોલ, વાદળછાયા વાતાવરણમાં સવારે અને સાંજના સમયે રંગમઢ્‌યા આકાશમાં ‘હાઉક્‌’ કરીને છૂપાઈ જતો સૂર્ય હૃદયને તરબતર કરી મૂકે એટલો સુંદર હોય છે. સ્વચ્છ આકાશમાં પૂનમની રાતે મુક્ત વિહાર કરતી ચાંદની સાથે દોસ્તી કરી છે ? ન કરી હોય તો કરજો. કારખાનાથી ભરેલા શહેરમાં પણ ક્યારેક અગાશીમાં જઈને મઘ્ય રાત્રિના સૌંદર્યને માણવું જોઈએ. રાત્રે ત્રણથી ચાર વચ્ચે મોટા ભાગનું શહેર ઊંધી ગયું હોય છે. વાહનોની અવરજવર અને લાઈટની તીવ્રતા પણ એ વખતે ઓછી હોય છે. આવા સમયમાં ઊંચી અગાશી પરથી સિમેન્ટ કોન્ક્રીટના જંગલને જોવા કરતાં રાત્રિના સૌંદર્યને પીતા પીતા આકાશના વૈભવને માણવો જોઈએ. આવી પળોમાં જો પ્રિયજન સાથે હોય તો વાતાવરણમાં પ્રેમની સુગંધ અને હૂંફ પણ ભળી જતી હોય છે. સાચુકલા પ્રેમનો અનુભવ તો પ્રકૃતિના ખોળે જ માણવા મળે. માણસમાં જો સમજ હોય તો મહિનામાં બે-ત્રણ દિવસ અને વર્ષમાં દસ પંદર દિવસ બઘું છોડીને પ્રકૃતિના ખોળે ચાલ્યા જવું જોઈએ. પ્રકૃતિથી વિમુખ થતો મનુષ્ય લૂખો, રસહીન અને હંિસક થતો જાય છે. માણસને જો શાંતિ, સૌંદર્ય અને પ્રેમભરી જંિદગી જીવવાનો રસ હોય તો એણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે. પ્રકૃતિ જ માણસને સમોસૂતરો, પ્રેમપૂર્ણ અને હળવો ફૂલ કરી શકે.

અહીં ચોમેર પથરાયેલી પ્રકૃતિને મારાં વંદન છે. હું એમાં અશેષ ઓગળી જવા માગું છું. આ ખળ ખળ વહેતા પાણીમાં, વૃક્ષો ને વનસ્પતિમાં, પશુ-પક્ષી અને આ સુંદર સૃષ્ટિમાં હું તન્મય થઈને ભળી જવા માગું છું. મારે એમને મારી કોઈ ઓળખ નથી આપવી. આ જંગલમાં એક પણ વૃક્ષ માથું ઉઠાવીને નથી કહેતું કે હું ફલાણું ફલાણું છું અને મારું સ્થાન આ બધામાં અનેરું છે. એ બધા તો અસ્તિત્વના આ ઉત્સવમાં ચૂપચાપ શામિલ છે. એક પણ પાસે ‘હુંકાર’ કે ઘમંડ નથી. વનનો રાજા ગણાતો સંિહ પણ અહંકારી નથી. એને ભૂખ લાગે તોજ એ શિકાર કરે છે. કુદરતે એના માટે એવી જ આહાર વ્યવસ્થા કરી છે. સંિહના મનમાં તો માણસની કોઈ નોંધ પણ નહીં હોય. માત્ર માણસ એનાથી ડરે છે અને એટલે એને એક હંિસક પશુ ગણી ડર અને નંિદાની નજરથી જુએ છે.

‘અમે સાવ નજીકથી સંિહ જોયા ‘એમ કહીને લોકોની નજરમાં પોતે બહાદૂર છે એવું બતાવવા જ કેટલાક માણસો સંિહ જોવાની હંિમત કરતાં હોય છે.

સૃષ્ટિ પર મનુષ્યને બાદ કરીએ તો બીજું કોઈ પ્રાણી, કોઈ વૃક્ષ કે પશુપક્ષી અહંકારી નથી. માત્ર માણસને એવો વહેમ થઈ ગયો છે કે પોતે ‘કંઈક’ છે. બાકી આ વિરાટ અસ્તિત્વમાં માણસની કોઈ વિસાત નથી. બ્રહ્માંડમાં અસંખ્ય સૂર્ય માળાઓ, મહાસૂર્યો અને પૃથ્વી જેવા અનેક ગ્રહ - ઉપગ્રહ હશે. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન અસીમ રણમાંથી ઊંચકેલા રેતકણ જેટલુંય ન હોય તો એકાદ કોઈ કાળા માથાના માનવીનું મૂલ્ય શું હોઈ શકે ? આમ છતાં સંિહ કરતાંય એનો ‘હું’કાર વઘુ ભયાનક અને બિહામણો હોય છે.

માણસે જો સુખી થવું હોય તો પોતાનો હુંકાર છોડી, અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈ, એક સામાન્ય પ્રાણીની જેમ જ જીવવું પડશે. ભલે ભગવાને એને બુદ્ધિ, સમજ, પ્રજ્ઞા કે વિચારવાની શક્તિ આપી હોય પણ એ બધાનો ઉપયોગ સૃષ્ટિ સાથે સમરસ થઈને આનંદપૂર્વક જીવવા માટે કરવો જોઈએ. પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજા પ્રાણી અને જીવમાત્ર તરફ પ્રેમ દર્શાવી એને સુખી, સુરક્ષિત તથા સંતૃપ્ત કરવા માટે થવો જોઈએ. નહીં કે એને રંજાડવા માટે.

માણસે પ્રકૃતિ પર વિજય નથી મેળવવાનો. વિજયનો વિચાર તો શત્રુતાના ભાવથી ખરડાયેલો છે. અને પ્રકૃતિ તો પ્રાણીમાત્રની માતા છે. માતા સામે નમન હોય, એના અપાર ઉપકાર સામે અનુગ્રહના ભાવથી નમી પડવાનું હોય. માણસની મોટામાં મોટી ભૂલ પોતે પ્રકૃતિનો સ્વામી છે, એને પોતાની રીતે ચલાવી કે નમાવી શકાય છે એવી નાસમજ છે. પ્રકૃતિ સાથે સમરસ થવાને બદલે, એમાં તન્મય થઈને જીવવાને બદલે આપણે પ્રકૃતિને નષ્ટ કરવાના, એની પોતીકી શૈલીમાં વિક્ષેપ ઊભો કરવાના અને એને જીતી લેવાના પ્રયાસમાં ખોવાતા જઈએ છીએ. અને એ કારણે પ્રદૂષણ ને ગ્લોબલ વોર્મંિગ જેવી અણુબોંબ કે વિશ્વયુદ્ધથી પણ ભયાનક સમસ્યા આપણા માથા પર તલવારની જેમ તોળાઈ રહી છે. માણસજાત જો આ રીતે જ બેહોશ રીતે જીવ્યા કરશે તો જીવસૃષ્ટિનો સર્વનાશ સુનિશ્ચિત છે.

ક્રાન્તિબીજ

જ્યારે બીજા બધા તમને છોડી જાય ત્યારે તમારા જીવનમાં જે પ્રવેશે અને કાયમ માટે રહે તે તમારો મિત્ર.

Copyright   © Gujarat Samachar