home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

હું, શાણી અને શકરાભાઈ

હું મિ. પેરટ અને આ મારી રિલિજીયસ વાઈફ કકુ

પેથાભાઈની સોસાયટીમાં એમના મકાનથી જરાક દૂર એક ફ્‌લેટમાં કોઈ નવું કપલ રહેવા આવી રહ્યું હતું. પટલાણી કોઈક કારણસર ઘરના ઓટલે ઊભાં હતાં. તેમણે સોસાયટીના દરવાજામાંથી એક મોટો ખટારો - સામાનથી ખીચોખીચ - આવતો જોયો. ખટારાની પાછળ સ્કુટર પર કોઈ કપલ તેમણે જોયું. તેમનું કુતૂહલ સળવળ સળવળ થવા માંડ્યું. ખટારામાં જૂનાપુરાણા ખાટલા, ખખડી ગયેલી લાકડાની ખુરશી, ફ્રીજ, ટીવી, ગાદલાં-ગોદડાં અને બીજી અનેક ઘરવખરી હતી.

પટલાણીને જરા વિચાર આવ્યો કે બે રૂમના ફ્‌લેટમાં મોટા ઉકરડા જેટલો સામાન સમાશે કેમ?

પટલાણીએ પેથાભાઈને સમાચાર આપ્યા કે આપણી સોસાયટીમાં ફ્‌લેટમાં કોઈ બે જણ નવાં રહેવા આવ્યાં લાગે છે. સ્કૂટર પર પુરુષ હતો, પાછળ કોઈ બહેન હતાં. વરવહુ જ હશે ને!

પેથાભાઈ મજાકમાં કહે ઃ ‘તને કોઈ પરાયી સ્ત્રી હોવાનો વહેમ છે?’

‘ના, ના. હું એવું ક્યાં કહું છું? પણ એમનો સામાન જોયો હોય તો...! ક્યાં ગોઠવશે?’

‘ધાબામાં... તારે બધી ચંિતા છે?’ એમ કહીને પેથાભાઈએ વાત પર ટોપલો ઢાંક્યો.

પણ પટલાણીથી રહેવાયું નહિ. નવું કોણ રહેવા આવ્યું તે જાણવું તો જોઈએ. પટલાણી કંઈક બહાના હેઠળ એ ફ્‌લેટ પાસે ગયાં. એમનો સામાન બહેનની સૂચના મુજબ ફ્‌લેટમાં ગોઠવાતો હતો.

પેલા ભાઈએ પટલાણી સામે જરા નજર કરી એટલે એમણે કહ્યું ઃ ‘નવા રહેવા આવ્યાં લાગો છો. કાંઈ જોઈતું કરતું હોય તો કહેજો. પેલું ઊંચા ઓટલાવાળું અમારું મકાન છે.’

‘થેન્ક્યુ, થેન્કયુ’ કહીને પેલા ભાઈ ખટારામાંથી ટેબલ ઉતારવામાં રોકાયા.

બીજે દિવસે સવારે રજા હતી. પેથાભાઈ ચાના કપ સાથે છાપામાં દુનિયા ડહોળતા હતા. તેવામાં જ પેલા નવા આગંતુક એમનાં પત્ની સાથે જાળી પાસે આવ્યાં. પુરુષે મોટેથી કહ્યું ઃ ‘એક્યુઝ મી (એક્સ્કયુઝ મી). હું એન્ટ્રી કરી શકું?’ પેથાભાઈનું તરત ઘ્યાન જતાં તેમણે કહ્યું ઃ ‘આવો... કોનું કામ છે?’

‘તમે મિસ્ટર પેથાભાઈ પટેલ ને! સોસાયટીમાં ‘સમબડી’એ તમારો પરિચય આપ્યો. ‘વેરી કાઈન્ડ ટુ સી યુ. હું સોસાયટીમાં ન્યુકમર છું. આઈ એન્ડ માઈ વાઈફ - રહેવા આવ્યાં છીએ.’

‘વેલ કમ.’ પેથાભાઈએ કહ્યું, પૂછ્‌યું ઃ ‘તમે ફ્‌લેટમાં આવ્યાં છો?’

‘બાય ઓલ મીન્સ. વેરી ફાઈન ફ્‌લેટ. હાં, બાય ધ વે. મારું નામ પોપટલાલ છે, પણ મેં મિસ્ટર પેરટ નામ રાખ્યું છે. અને આ મારી રિલિજીયસ વાઈફ (ધર્મપત્ની) શી ઇઝ કોકિલા. પણ મેં તેનું નામ બદલી નાખ્યું છે જસ્ટ ફોર નોવેલ્ટી. ન્યુ નેઈમ કકુ છે. આઈ મીન કોયલ... આઈ એમ મિ. પેરટ એન્ડ વાઈફ ઇઝ કકુ... યુ અન્ડરસ્ટેન્ડ?’

પેથાભાઈ કહે ઃ ‘તમને જોઈને આનંદ થયો. મારે લાયક કાંઈ કામકાજ હોય તો કહેજો.... તમે ચા પીઓ છો?’

‘બાય ઓલ મીન્સ. ટી ડ્રિન્કિન્ગ તો મારો હોબી છે.’

થોડીવારમાં પટલાણી ટ્રેમાં ચાના બે કપ લઈને આવ્યાં. એટલે મિ. પેરટ એકદમ ઉત્સાહથી તેમની સામે ગયા ઃ ‘ગુડ મોર્નંિગ, મેડમ! વેરી કાઈન્ડ ઓફ યુ.’ પટલાણી ‘મેડમ’ શબ્દ સાંભળીને ગભરાઈ ગયાં. મિ. પેરટ તો શેકહેન્ડ કરવા ઉત્સુક લાગ્યા. પણ પટલાણી એકદમ પાછા હટી ગયાં. ટ્રે હાલી ગઈ અને ચા તેમના સાડલા પર ઢોળાઈ.’

‘ઓહ, સોરી મેડમ...! તમે બહુ ટ્રબલ લીધી.’

પટલાણી સારી પેઠ કચરાયા. સાડલા પરના ચાના ડાઘ કેવી રીતે જશે તેની તેમને ચંિતા થઈ. એમણે ચા ટેબલ પર મૂકી અને બેઠાં. એટલે એકદમ મિ. પેરટે તેની વાઈફને કહ્યું ઃ ‘કકુ ડિયર...! મેડમની ચરણરજ લ્યો... ઓલ્ડ મેડમ છે.’

પછી પેથાભાઈને કહે ઃ ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ. એમ આઈ રાઈટ?’

પેથાભાઈએ કહ્યું ઃ ‘ચા પીઓ...’

‘બાય ઑલ મીન્સ. મિ. પેથાભાઈ પટેલ! હું ગુજરાતનો જ છું... રનોલીનો ઈન હેબિટન્ટ... સ્કૂલમાં ટેન સ્ટેન્ડર્ડ લર્ન કર્યું. પણ મિ. પટેલ! અહીંના ટીચર મને તો ચીટર ફિલ થયા. ફિલ બેડ લાગ્યું એટલે સ્કૂલ લેફ્‌ટ કરી. અને મારી સીસ્ટરના ‘બેટર હાફ’ (બનેવી) સાથે આફ્રિકા ગયો.’

પટલાણીએ પેલાં બહેનને કહ્યું ઃ ‘તમે ચા લ્યોને!’

એકદમ મિ. પેટર કહે ઃ ‘શી ડઝ નોટ ડ્રિન્ક ટી. આઈ એમ ઓન્લી ડ્રિન્કંિગ...’

પેથાભાઈને આ પેરટ સાહેબમાં ગમ્મત પડવા લાગી. તેમણે કટાક્ષમાં પૂછ્‌યું ઃ ‘તમે અંગ્રેજી અફલાતૂન બોલો છો.’

‘બાય ઑલ મીન્સ. હું આફ્રિકામાં અંગ્રેજી પેઢીમાં વર્ક કરતો હતો. ત્યાં ઇંગ્લિશ પર્સનો સાથે વાત કરતાં ઇંગ્લિશ કોઠે પડી ગયું... નાઉ આઈ મોસ્ટલી ઇંગ્લિશમાં ટોકંિગ કરું છું. અને મિ. પટેલ યુ બીલિવ મી? તમે માનશો. મને થોટ પણ અંગ્રેજીમાં આવે છે. ગુજરાતી તો હું ફરગેટ થઈ ગયો છું.’

પેથાભાઈ હવે મિ. પેરટથી જરા બોર થવા માંડ્યા. એમને સમજાઈ ગયું કે મિ. ફોપ (Mr. Fop) શેખીખોર છે.

મિ. પેરટે ચા પી લીધી એટલે પેથાભાઈએ તેમને વિદાય આપવા માટે સૂચક રીતે કહ્યું ઃ ‘મિ. પેરટ! તમારો બહુ ટાઈમ લીધો. આનંદ થયો. હવે મળતા રહીશું.’

‘બાય ઓલ મિન્સ. મારે સોસાયટીમાં બધા સાથે એકવેન્ટન્સ કરવું જ છે. ફ્રેન્ડશીપ ઇઝ ધ બેસ્ટ શીપ. ‘ફ્રેન્ડ ઈન્ડીડ ઇઝ ફ્રેન્ડ ડીડ...’ ચાલો થેન્ક યુ મિ. પટેલ... એન્ડ મેડમ...! બેસ્ટ લક, થેન્ક યુ. ગુડ સન્ડે.’ એમ અંગ્રેજી શબ્દોનો લવારો કરતા એ ઊભા થયા. વળી પાછા અટક્યા. ‘મિ. પટેલ! તમે ક્યારેક મારે ત્યાં બ્રેકફાસ્ટ કરવા આવો. નોટ એલોન હોં! વીથ યોર ફેમિલી. મારી બેટરહાફ કકુ મેથીની ભાજીનાં એવાં ટેસ્ટી ઢેબરાં બનાવે છે કે યુ વીલ લીક યોર ફિન્ગર... તમે આંગળાં ચાટશો. રીયલી હોં? કકુ ઈઝ એ ગુડ ‘કૂકર’...’

પેથાભાઈ હસી પડ્યા. મિ. પેરટ નવાઈ પામ્યા ઃ ‘વ્હાય લાફ્‌ટર...? એની કૉઝ!’

‘ના, ના... ઢેબરાંની વાતથી આનંદ થયો... તેમાં...’

વળી પાછા મિ. પેરટ ઊભા. ‘મિ. પટેલ! તમને એક વાત કહેવી તો હું ભૂલી જ ગયો. હું બહુ ફરગેટીવ છું. મારી વાઈફ કકૂ... સુંદર ગાય છે...’ પછી કકુને કહે ઃ ‘કકુ ડિયર! મિ. પટેલને એક ગીત સંભળાવને! પેથાભાઈ! શી ઇઝ એ રીયલ કોયલ - આઈ મીન કકુ.’

પેથાભાઈ ગભરાઈ ગયા. પટલાણી તો ઊભાં જ થઈ ગયાં. કપ લઈને ચાલવા લાગ્યાં.

પેથાભાઈએ વિવેકથી કહ્યું ઃ ‘મિ. પેરટ! અત્યારે તો બહુ મોડું થયું છે. ક્યારેક સોસાયટીમાં કકુબહેનનો સંગીત જલસો રાખીશું.’

‘બાય ઑલ મીન્સ... બાય ઑલ મીન્સ... હવે મે આઈ લીવ (leave) યુ?’

‘બાય ઓલ મીન્સ...’ પેથાભાઈએ જરા કટાક્ષમાં એમનાં જ શબ્દો પાછા આપ્યા. એ હવે આ લપથી કંટાળ્યા હતા. હજી એમની ઇચ્છા વધારે સત્સંગ કરવાની હતી એટલે કહે ઃ ‘તમારી ગુડ કંપની મળી એટલે મોર્નંિગ ફાઈન થઈ ગઈ.’

એવામાં પેથાભાઈની પુત્રવઘૂ ફેન્ટા આવી, પૂછવા લાગી ઃ ‘પપ્પા! ફેવિકોલ તમારા રૂમમાં છે! મમ્મીને મેં પૂછ્‌યું. એ કહે કબાટમાં નથી પણ તારા પપ્પાને પૂછ... મોટેભાગે એમના રૂમમાં જ ફેવિકૉલ છે.’

પેથાભાઈ ઊભા થયા. મિસ્ટર પેરટ કહે ઃ ‘ફેલિકોલ? બહુ બેસ્ટ આવે છે. ક્વીક્લી ચોંટી જાય...’

પેથાભાઈ કહે ઃ ‘બાય ઓલ મીન્સ... આવજો.’

મિ. પેરટ ફરીવાર ગુડ ડે કરતા વિદાય થયા.

Copyright   © Gujarat Samachar