પારિજાતનો પરિસંવાદ
નાટકકાર મર્દ જ હોય!
પ્રાચીન ગ્રીસના એથેન્સ નગરના રાજમાર્ગ પર એરિસ્ટોફનીઝને એનો મિત્ર મળી ગયો.
મિત્રએ થોડા કલાક પૂર્વે પોતાના સ્વજનો સાથે એથેન્સના ભાષણિયા નેતા કિલયોનેના દંભ, આડંબર અને યુદ્ધપ્રેમ અંગે ચર્ચા કરી હતી. એણે કહ્યું કે એથેન્સના આ નેતાએ માઝા મૂકીને ભ્રષ્ટાચાર કર્યો છે અને એમણે જ એથેન્સને સ્પાર્ટાનગર સામે યુદ્ધમાં ધકેલ્યું છે. પોતાના ઘરઆંગણાની ક્ષતિઓ, નિર્બળતા અને ભૂલોને છાવરવા અને પ્રજાનું ઘ્યાન અન્યત્ર દોરવા માટે ખંધા રાજકારણીઓ યુદ્ધનો આશરો લેતા હોય છે. એથેન્સના રાજકારણીઓ, સામાજિક નેતાઓ અને લોકશાહીના સમર્થકોએ આ નગરની સંસ્કૃતિને પીંખી નાંખી હતી. આ અંગે અકળાયેલા યુવાને એરિસ્ટોફેનિઝને કહ્યું,
‘‘દોસ્ત એરી! મારે તને એક કામ સોંપવું છે. એ તું જ કરી શકે તેમ છે. કરીશ ખરો?’’
‘‘યોગ્ય કાર્ય હશે તો જરૂર કરીશ, કોઈ પણ ભોગે કરીશ., શું છે એની વાત તો કર.’’
યુવાને કહ્યું, ‘‘દોસ્ત! સૂતેલા સાપને છંછેડવાનો છે. એને છંછેડયા પછી પાછા હટવાનું નથી. જો પાછો હઠીશ, તો એના ઝેરી ડંખથી મોત પામીશ. નામર્દાઈ એ નાશ બનશે. હંિમત રાખીને કામ કરવાનું છે.’’
‘‘દોસ્ત, તારો આ મિત્ર નાટયકાર છે. નાટયકાર મર્દ જ હોય એ ભૂલી ન જઈશ. પણ એની મર્દાનગી દંભ અને દુરિત સામે લડવા માટે છે.’’ એરિસ્ટોફનીઝે કહ્યું.
‘‘બસ, એની જ સામે તારે લડવાનું છે. આ એથેન્સના પ્રજાનોની આંખે ભાષણખોર ક્લિયોનેએ પોતાના દંભ અને આડંબરથી, અનીતિ અને ભ્રષ્ટાચારથી પાટા બાંધી દીધા છે. એના ભાષણિયા શબ્દો પાછળ અંધ બનેલી પ્રજા સત્યને જોઈ શકતી નથી અને એની પાછળ દોરવાઈ જાય છે. તારી ફરજ છે કે ક્લિયોનેનો દંભ દુનિયા સમક્ષ જાહેર કરવો. આવું કરવામાં પાછા પગલાં ભરે, તો તું નાટકકાર નહીં.’’
એરિસ્ટોફનીઝે કહ્યું, ‘‘દોસ્ત! હવે હું આ જ કાર્ય કરવાનો છું. તું સઘળી ફિકર છોડી દે.’’
થોડા જ સમયમાં એરિસ્ટોફનીઝે એક કોમેડી નાટક લખ્યું. ક્લિયોને અને એના જેવા અન્ય રાજકારણીઓને દાહક કટાક્ષ અને તીવ્ર વ્યંગથી લક્ષ બનાવ્યા. એથેન્સની મશહૂર રંગભૂમિ પર આ નાટકની પ્રસ્તુતિ હતી, તે પૂર્વે નગરવાસીઓમાં ચર્ચા જાગી. કોઈએ કહ્યું કે આ નાટકનું વિષયવસ્તુ ભ્રષ્ટાચારી નેતાઓને ખુલ્લા પાડી દેશે, તો કોઈએ કહ્યુંકે આનાથી રાજકીય ધરતીકંપ સર્જાશે, તો કોઈએ દહેશત વ્યક્ત કરી કે આવું નાટક પ્રસ્તુત કરીને એરીસ્ટોફનીઝ પોતાની બેહાલીને નોતરૂં આપી રહ્યો છે.
ગ્રીસની રંગભૂમિ પર એરિસ્ટોફનીઝનું રાજકીય કથાવસ્તુ ધરાવતું નાટક રજૂ થયું. એ પૂર્વે ક્લિયોનેએ એરિસ્ટોફનીઝ ગ્રીક નથી પણ પરદેશી છે એવો આરોપ મૂક્યો. અદાલતમાં કેસ કર્યો કે એથેન્સનો એ કાયદેસર નાગરિક નથી. પરંતુ એના આ પ્રયત્નો નિષ્ફળ ગયા. એરિસ્ટોફનીઝના આ નાટકમાં દંભી ક્લિયોનેના સાચા સ્વરૂપને બતાવવા માટે એના જેવું એક પાત્ર રજૂ કર્યું.
એથેન્સની ગુમરાહ પ્રજા ક્લિયોનેના સાચા રૂપને પામી ગઈ. એની બજારોમાં અને શેરીઓમાં યુદ્ધની પ્રશ્ચાદ્ભૂ ઉપર લખાયેલા એરિસ્ટોફનીઝના ‘નાઈટ્સ’નાટકની ચર્ચા થવા લાગી. યુદ્ધનીતિના પુરસ્કર્તા ક્લિયોનેની તરકીબોનો ભેદ પ્રજાને મળી ગયો. એથેન્સવાસીઓ એરિસ્ટોફનીઝને મળ્યા અને કહ્યું,
‘‘વાહ, તમે કમાલ કરી. ઊંધા પાટે લઈ જનારા ક્લિયોનેને તમે ખુલ્લો પાડયો. એનાથી નગરને મુક્ત કઈ રીતે કરવું?’’
નાટકાર એરિસ્ટોફનીઝે કહ્યું, ‘‘નગરને મુક્ત કરવું હોય તો એને કારાવાસના બંધનમાં રાખો. એના દુષ્કૃત્યો માટે દંડ આપો. પ્રજાને હાથમાં ચાંદો બતાવનાર એ સમજે છે શું?’’
એથેન્સવાસીઓએ એરિસ્ટોફનીઝની સલાહ માની. કિલ્યોનેને કેદ કર્યો અને એની પાસેથી મોટી રકમનો દંડ વસૂલ કર્યો. નગરજનોએ દંડનાં એ નાણા ઈનામરૂપે એરિસ્ટોફનીઝને આપ્યા. શેરીએ શેરીએ આ નાટકકારના કાર્યને બિરદાવવામાં આવ્યું.
એક સવારે એથેન્સના મુખ્ય માર્ગો પર ખુશબોદાર ફૂલોથી ખીચોખીચ પાલખીમાં બેસાડીને એરિસ્ટોફનીઝની પાંચ કલાક સુધી નગરયાત્રા કાઢવામાં આવી. સહુએ એના પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો અને આ નાટકકારના મસ્તક પર એથેન્સની પ્રજાએ ‘એલાઈવઝાડ’ નામ નો મુગટ મૂક્યો.
ગ્રીક કોમેડીના આ પ્રથમ સર્જક એરિસ્ટોફનીઝે ચોપ્પન નાટકોનું સર્જન કર્યું. કથળેલા લોકશાહીના તંત્ર સામે પ્રજાને જાગૃત કરી અને પોતાના વ્યંગ, કટાક્ષ દ્વારા એણે ધર્મ, રાજકારણ, સમાજ અને સાહિત્યની કડક આલોચના કરી. એરિસ્ટોફનીઝે લખેલા ‘પ્લોટ્સ’ નાટક પરથી ૧૮૬૩માં કવિ દલપતરામે ‘લક્ષ્મી’ નાટક લખ્યું હતું.
એક જવાંમર્દ નાટકકારે હંિમત દાખવીને લોકશાહીના અનિષ્ટકારી નેતાઓ સામે પ્રજાને જાગૃત કરી.
ક્ષણનો સાક્ષાત્કાર
કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિ’થી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસીયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે. ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી’ તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટૂન’ કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક ‘ઉપનામ’થી બોલાવનાર વ્યક્તિ નિર્બળ માનસિકતા અને ક્ષુદ્ર વૈચારિકતા ધરાવે છે. એના મનમાં રહેલો તમામ વ્યક્તિઓ માટેનો તિરસ્કાર એના તોછડા શબ્દોમાં વ્યક્ત થાય છે અથવા તો પોતાની નિર્બળતાને ઢાંકવા કે અહમને પોષવા માટે એ તોછડાઈનો આશરો લે છે. જીવનની સ્થૂળતામાં રચ્યાપચ્યા અને સપાટી પર જીવતા આવા લોકોની વાણી એ એમના રુગ્ણ માનસનું પ્રગટીકરણ છે.
જેનું નવું ‘ઉપનામ’ પાડયું હશે, તેને એના ઉપનામની ખબર પડશે, ત્યારે બોલનાર તરફ તિરસ્કાર અને ધિક્કાર જાગશે. એના મનમાં એ વિશેનો ડંખ રહેશે. એ વ્યક્તિ પાસેથી તમે જે ચાહતા હશો તે મેળવી શકશો નહીં, બ્લકે ધીરે ધીરે એના દ્વેષ, ઉપેક્ષા અને ગુસ્સાનું કારણ બનશો. તમારા ઉદ્બોધનમાંથી આવી નકારાત્મકતા અને તિરસ્કારને ઓગાળી નાંખજો, નહીં તો તમને જ એ વ્યક્તિ માટે પ્રયોજાયેલા શબ્દનો બચાવ કરવો ભારે પડી જશે.
મનઝરૂખો
બ્રિટનના પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ હર્બટ સ્ટેન્લી મોરિસનના પિતા અત્યંત ગરીબ પોલીસ કર્મચારી હતા. તેઓને કુટુંબનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી ચૌદ વર્ષની વયના એમના પુત્ર હર્બટ મોરિસને એક કરિયાણાની દુકાનમાં નોકરી શરૂ કરી. એકવાર હર્બર્ટ મોરિસનને સામુદ્રિક શાસ્ત્રી મળ્યા, જે વ્યક્તિના મસ્તકને જોઈને એનું ભવિષ્ય ભાખતા હતા.
એમણે હર્બર્ટ મોરિસનના ચહેરાને જોયો, એનું કપાળ, આંખો, નાક, હોઠ, ગાલ અને કાનના આકારને ઝીણવટથી નિહાળ્યો. એના માથાના આકારને જોયો અને એના પર ઉપસેલા ભાગને જોઈને કહ્યું. ‘‘આ તો વિદ્વાન લેખક મેકોલે જેવો ઉપસેલો ભાગ છે, જેણે આ જગતને કેળવણીસ વિશે નવા વિચાર આપ્યા હતા. આ સૂચવે છે કે તમે પણ આ જગતને નવા વિચારો આપશો.’’
બસ, પછી તો હર્બર્ટ મોરિસનને મેકોલેની મનઃસૃષ્ટિમાં રસ પડયો અને આ ગરીબ બાળક ઊંડા અભ્યાસથી પોતાનું જ્ઞાન વધારતો ગયો, વ્યક્તિત્વ ખીલવતો ગયો વિચારજગતને વઘુ ને વઘુ સમૃદ્ધ કરવા પ્રયાસ કરવા લાગ્યો. એણે બ્રિટનના મજૂર પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય કામગીરી બજાવી. પાંત્રીસ વર્ષની વયે મોરિસન લંડનના હેક પરગણાનો નગરપતિ બન્યો. મૌલિક વૈચારિક ચંિતનને કારણે એણે લંડન શહેરની આસપાસ ગ્રીન બેલ્ટ રાખવાનો કાયદો કર્યો. વાહનવ્યવહારની સુવિધા અંગેના કાયદા ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. એ પછી ગૃહપ્રધાન અને સમય જતાં બ્રિટનના નાયબ વડાપ્રધાન બન્યા. વૈચારિક રીતે સમૃદ્ધ એવા હર્બર્ટ મોરિસને એમના પક્ષની સમાજવાદની સ્થાપના અંગેની વિચારધારામાં મઘ્યમમાર્ગીય નીતિ અપનાવીને પરિવર્તન આણ્યું. એમણે રાજનીતિ અને વાહનવ્યવહારવિષયક મહત્ત્વના ગ્રંથો લખ્યા. આર્થિક રીતે ગરીબ માણસ પણ માનસિક સજ્જતા સાધીને કેવો ‘માનસિક અમીર’ બની શકે તેનું હર્બર્ટ મોરિસન દ્રષ્ટાંત બની રહ્યા.
Top
|