અગોચર વિશ્વ
માનસિક શક્તિથી ભૌતિક વસ્તુઓ પર પ્રભાવ પાડતા ચૈતસિકો
સ્પર્શાતીત ગતિ (Psychokinesis)
તરીકે ઓળખાતી શક્તિ એવી ચૈતસિક શક્તિ છે જે મનોપ્રભાવથી ભૌતિક વસ્તુઓને ગતિમાન કરી શકે છે. આને mind
movement તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાંના વખતમાં ‘સાઇકો- કાઇનેસિસ’ નહિ પણ ‘ટેલિ-કાઇનેસિસ’ શબ્દનો ઉપયોગ થતો હતો. ટેલિ-કાઇનેસિસ એટલે far-movement
. પણ આ શક્તિમાં મનનો સીધો પ્રભાવ હોવાથી આને સાઇકો- કાઇનેસિસ તરીકે જ ઓળખવાનું નક્કી કરાયું. જેમ કે લોહીચુંબકનો લોખંડ પર સીધો પ્રભાવ પડે છે તેમ આમાં મનનો ભૌતિક વસ્તુઓ પર પ્રભાવ પડે છે.
નીના સર્ગેયેવના કુલાગિના એવી મહિલા છે જેનામાં વિપુલ પ્રમાણમાં આ શક્તિ જોવામાં આવી છે. તે ૧૯૨૭માં રશિયાના લેનિનગ્રાડમાં જન્મી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ત્યાં જ રહી હતી. તે યુવાન વયની હતી ત્યારથી જ તેનામાં અસામાન્ય ચૈતસિક શક્તિઓ હતી. તે લોકોના ખિસ્સામાં છૂપાયેલી વસ્તુઓને ‘જોઈ’ શકતી હતી અને બીમાર વ્યક્તિના શરીરનો કયો ભાગ રોગગ્રસ્ત છે તે ‘જાણી’ શકતી હતી. પણ ૧૯૬૪માં તેને નર્વસ બ્રેકડાઉનનો હુમલો થયો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે જ તેની શક્તિ વિજ્ઞાનીઓના ઘ્યાનમાં આવી. નર્સંિગ હોમમાં તે સિવણકામ કરતી ત્યારે તેને જે રંગનો દોરો જોઈતો હોય તેને તે વગર જોયે જ પસંદ કરી લેતી. આના ઉપરથી લેનિનગ્રાડના મનોવિજ્ઞાનીઓના ઘ્યાનમાં આવ્યું કે નીનામાં રોઝા કુલેશોવાની જેમ ‘ફિન્ગર-ટીપ વિઝન’ કે eyeless
sight ની શક્તિ પણ છે. એ સાથે વિજ્ઞાનીઓને એ ખ્યાલમાં આવ્યું કે તેનામાં વિચારમાત્રથી ભૌતિક વસ્તુઓને ખસેડવાની શક્તિ પણ છે.
મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના એડવર્ડ ન્યુમોવે નીનાની શક્તિનું સર્વપ્રથમ પરીક્ષણ કર્યું. તેમણે પ્રયોગશાળાના ટેબલ પર થોડી દિવાસળીની સળીઓ વેરવિખેર દશામાં મૂકી. નીનાએ તેની માનસિક શક્તિથી એમને આગળ- પાછળ ખસેડી બતાવી. એ જ રીતે ટેબલ પર પાંચ સિગારેટોને મૂકવામાં આવી અને તેના પર પારદર્શક કાચની બરણી મૂકવામાં આવી. નીનાને કહેવામાં આવ્યું તો સિગારેટ તેણે દ્રષ્ટિમાત્રથી ખસેડી બતાવવી. નીનાએ એની સાથે ડાઇનંિગ ટેબલ પર ભોજન લઈ રહેલ વાદિમ માર્ટિનને એક અદ્ભુત પ્રયોગ કરી બતાવ્યો. ટેબલ પર મૂકેલી એક પ્લેટમાં બ્રેડનો ટુકડો પડ્યો હતો. નીનાએ એના પર ઘ્યાન કેન્દ્રિત કર્યું અને એ ટુકડો હાલવા લાગ્યો. થોડીવારમાં તો પ્લેટમાંથી અદ્ધર થયો અને નીનાના ખુલ્લા મોં તરફ ખેંચાઈ આવ્યો અને એમાં ઉતરી ગયો. આનાથી એ સાબિત થયું કે નીના કોઈ લોહચુંબકનો ઉપયોગ કરતી નથી કેમ કે બ્રેડના ટુકડા પર કોઈ લોહચુંબક હોય તો ય તેની અસર ક્યાંથી થાય ?
યુટોમ્સ્કી ઇન્સ્ટિટયૂટ (Utomski
Institute) ના વિજ્ઞાની ગેનાડી સર્ગેયેવે પણ નીના કુલાગિના પર અનેક પ્રયોગો કર્યા. એક પ્રયોગ દરમિયાન નીનાએ તેનાથી છ ફૂટ દૂર કાચના એક્વેરિયમમાં મૂકેલા એક કાચા ઇંડાને આંખોની દ્રષ્ટિમાત્રથી તોડી નાંખ્યું હતું અને એના સફેદ અને પીળા પદાર્થને છૂટો પાડી બતાડ્યો હતો. બીજા એક પ્રયોગ દરમિયાન એક જીવિત દેડકાના હૃદયને દ્રષ્ટિમાત્રથી ધબકતું બંધ કરી બતાડ્યું હતું.
સર્ગેયેવે પ્રયોગો દરમિયાન જોયું કે નીનાના શરીરની આસપાસનું વિદ્યુતક્ષેત્ર સામાન્ય માનવીના શરીરની આસપાસ રહેલા વિદ્યુત ક્ષેત્ર કરતાં અનેકગણું વધારે હતું. પૃથ્વીનું જેટલું ચુંબકીય ક્ષેત્ર છે તેનાથી માત્ર દસમા ભાગ જેટલું ઓછું કહેવાય એટલું ભારે ચુંબકીય ક્ષેત્ર તે ધરાવે છે. સામાન્ય માનવીના મગજ પાછળનો ભાગ આગળના ભાગ કરતાં ત્રણ કે ચાર ગણો વધારે વિદ્યુત વોલ્ટેજ બહાર પાડતો હોય છે. જ્યારે નીનાના મગજનો પાછળનો ભાગ આગળના ભાગ કરતો પચાસગણો વધારે વિદ્યુત વોલ્ટેજ બહાર પાડતો હતો ! સર્ગેયેવના ખાસ પ્રકારે બનાવેલા ‘સર્ગેયેવ ડિટેક્ટર’થી જોવામાં આવ્યું કે પ્રયોગો દરમિયાન તેની શારીરિક સ્થિતિમાં બહુ ભારે પરિવર્તનો આવતા હતા. તે ખૂબ થાકી જતી હતી, હૃદયના ધબકારા દર મિનિટે ૨૦૦ જેટલા થઈ જતા હતા. કોઈ વ્યક્તિ ભારે સ્ટ્રેસનો અનુભવ કરે ત્યારે તેના મનની જે સ્થિતિ હોય છે એવી સાઇકો- કાઇનેટિક પ્રયોગો દરમિયાન નીનાના મનની સ્થિતિ થઈ જતી હતી.
‘ધ માઇન્ડ રેસ’ પુસ્તકના લેખકો રસેલ ટાર્ગ અને કીથ હરારીએ નીનાની પેરાનોર્મલ શક્તિની વાત કરી છે તેમાં નીનાએ મોલાકોનોવ નામના વિજ્ઞાની પર કરેલો પ્રયોગ ઘ્યાન ખેંચે એવો છે. તેણે વિજ્ઞાનીના હાથના બાવડા પર કેવળ દ્રષ્ટિથી ગરમી પેદા કરી ફોલ્લો પાડી દીધો હતો. મોલાકોનોવ કહે છે, ‘‘નીનાએ જ્યારે મારા બાવડા ઉપર બાહ્ય દ્રષ્ટિ કેન્દ્રિત કરી ત્યારે પહેલાં મને ઉષ્માનો અનુભવ થયો તે પછી ધીમે ધીમે ઉષ્ણતા વધવા લાગી અને થોડીવારમાં તો દાઝ્યા હોઈએ તેવો ફોલ્લો ઉપસી આવ્યો હતો. મારા બાવડા પર એ ફોલ્લાનું ચિહ્ન ચારથી પાંચ દિવસ રહ્યુ ંહતું. બીજા એક પ્રયોગ દરમિયાન નીનાએ પોતાના બાવડા પર આવો ફોલ્લો નજરથી પેદા કર્યા પછી દસ જ મિનિટમાં એને એ જ રીતે નજરમાત્રથી મટાડી પણ દીધો હતો. ચામડી પર ઉદ્ભવેલું દાઝ્યાનું લાલ ચકામું પણ અદ્રશ્ય થઈ ગયું હતું. ડૉક્ટરોએ એનું પરીક્ષણ કર્યું તો એ જગ્યાએ નવા કોષો આવી ગયા હતા.
મેં આવા અનેક પ્રયોગોને આધારે જોયું કે, નીનામાં ડિવાઇન હિલંિગની શક્તિ પણ હતી.’’
ઇ.સ. ૧૯૬૮માં યોજાયેલ મોસ્કો પરિષદમાં અનેક વિજ્ઞાનીઓ અને પત્રકારોએ હાજરી આપી હતી, જેમાં શૈલા ઓસ્ટ્રેન્ડર અને લિન શ્રોએડર નામની બે અમેરિકન મહિલા પત્રકારો પણ હાજર હતી. તેમણે નીના કુલાગિના પર કરાયેલા પ્રયોગો નિહાળ્યા હતા અને એને લગતી અનેકવિધ માહિતી એકત્ર કરી હતી. તેમણે આ બધી વિગતો એમના પ્રખ્યાત પુસ્તક ‘Psychic Discovers Behind
Iron Curtain ’માં રજૂ કરી છે. વિજ્ઞાનીઓએ આ પ્રયોગોની ફિલ્મ પણ ઉતારી હતી. નીના કુલાગિનાની જગ્યા લઈ શકે એવી એક અન્ય રશિયન મહિલા એલ્લા વિનોગ્રાડોવા (Alla
Vinogradova) પણ ગજબનાક સાઇકો-કાઇનેટિક પાવર ધરાવે છે. તે મોસ્કોના પરામનોવૈજ્ઞાનિક વિક્ટર એડામેન્કો કે જે ‘નેશનલ ઇન્સ્ટિટટયૂટ ઓફ નોર્મલ ફિઝિયોલોજી’માં કામ કરે છે, તેમના પત્ની છે.
નીના કુલાગિનાના પ્રયોગોની ફિલ્મ જોયા પછી જ એલ્લાને આવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી હતી. આ દરમિયાન તેને ખ્યાલ આવ્યો હતો કે, તેનામાં પણ કેવળ મનની ઇચ્છાશક્તિથી જ વસ્તુઓ પર અસર પેદા કરવાની વિશિષ્ટ ચૈતસિક શક્તિ રહેલી છે. એલ્લા કહે છે કે જ્યારે તેનું મન પ્રસન્ન, પ્રફુલ્લિત અને વિશ્રાંતિમય હોય છે ત્યારે તે ખાસ આવા પ્રયોગો કરી શકે છે. વસ્તુઓ પર મનનો પ્રભાવ પાડવા પહેલાં તો તે વસ્તુની નજીક બેસે છે અને આંખોથી જોઈને કે દૂરથી એ વસ્તુ તરફ હાથ ફેરવીને તેને આગળ કે પાછળ ખસેડી શકે છે. પછી તે ગમે તેટલી દૂર ખસી જાય તો ય તેની સાથે તેનો અદ્રશ્ય સંપર્ક જળવાઈ રહે છે અને એ વસ્તુમાં ગતિસંચાર કરવાનું ચાલુ રાખી શકે છે.
"The New Soviet Psychic Discoveries"
ના લેખકો હેનરી ગ્રીસ અને વિલિયમ ડિકને આપેલી એક મુલાકાતમાં તેણે કહ્યું હતું, ‘‘સાઇકો- કાઇનેસિસના પ્રયોગો દરમિયાન હું જે પદાર્થ ઉપર માનસિક પ્રભાવથી ગતિ પેદા કરવાની હોય તેનો માત્ર વિચાર જ કરું છું. હું તેના પર બરાબર ઘ્યાન કેન્દ્રિત કરું છું અને તે વસ્તુ ખસે તે માટે દ્રઢ નિર્ધાર કરું છું. છતાં એ પ્રક્રિયામાં જરાય તનાવ ન આવે તેનો ખ્યાલ રાખું છું. મને એવો અનુભવ થવા માંડે છે કે મારા હાથ અને આંગળીઓની આજુબાજુમાંથી કોઈક ઊર્જાનો પ્રવાહ વહેવા લાગે છે અને એ પછી એ વસ્તુઓ ખસવા લાગે છે. જ્યારે એ વસ્તુઓ સાથે મારું બરાબર ટ્યુનંિગ થઈ જાય ત્યારે જ આવી સ્પર્શાતીત ગતિ પેદા થાય છે.’’
|