ઝાકળઝંઝા
જુઓ, જુઓ, આ મેગાસીટીના માલેતુજાર શેઠિયાના ભવ્ય ભવાડા !! મોટાનાં ભઈ, મોટાં પોલ !!!
(ગતાંકથી ચાલુ)
જોતજોતામાં તો આખા પંથકમાં વાત પ્રસરી ગઈ ઃ ‘મોઢુલામાં નોં થાવાનું થ્યુ છે !’ જોબન પસાયતો રડતો હતો કહેતો હતો ઃ ‘જાહરે જાહ છોડી ! તેં તો મારી હંધીય આબરૂને બટકી નદીના ધરામાં નાખી દીધી ! નાતમાં બે-ચાર છોકરા મેં જોયા છે, ને તારું ઠેકાણું પાડવાના વેતમાં જ હતો, ને ભૂંડી, તેં આવું કર્યું ? તારી મરેલી માને આલ્યું હતું મેં વચન ઃ ‘જા, મારો કોલ છે, આપણી નેત્રાને નાતના હારામાં હારા ઘેર રંગેચંગે પૈણાવીશ !’ પણ છોડી, તેં તો મને એકેય પાનો ન રાખ્યો !’ અને એ પહોંચી ગયો ગુલાબ શેઠની હવેલીએ. શેઠ હીંચકે બેઠા બેઠા ચંિતા કરતા હતા. એમણે પસાયતાને જોઈને કહ્યું ઃ ‘આવ જોબન, બહુ ખોટું થઈ ગયું !’
‘ખોટું નહિ, ખોટું તો હવે થશે શેઠ !’ ને એ બરાડી ઊઠ્યો ઃ ‘તમારા બેશરમ છોરાએ મારી છોડીને ફસાવી છે ને ભોળીને ભરમાવીને ભાગી ગયો છે ! હાળાં નાગાં લોકને શું ? પણ યાદ રાખજો શેઠ, આ જોબન પસાયતો છે. પંદર પંદર ગામની સીમનું ભમ્મરિયા ભાલે રખોપું કરું છું ! આવવા દો એને પાછો, જો એની છાતીમાં આ ભાલો નોં પરોવી દઉં આ જોબન પસાયતા પર થૂંકજો, શેઠ !’ અને પછી તો શેઠ તરફ ! હાક થૂ.... કરીને આવ્યો હતો એ જ અદાથી ચાલ્યો ગયો ! ગુલાબ શેઠ ચાલ્યા જતા જોબનની પીઠને તાકી રહ્યા ઃ ભલું પૂછવું આ જોબનિયાનું ! બગડ્યા પછી રામ રમાડી દેતાં વાર ન કરે ! ને આ છોકરાને આ શું સૂઝ્યું ? વાણિયાની નાતમાં પરીઓને ય પાછી પાડી દે એવી કન્યાઓ મળે ! ને આ ભૂંડાએ હલકી વરણમાં જઈને મોઢું નાખ્યું ?
એમને લાગી ગયું કે જો શ્રીમંત પાછો આવશે તો એનો જીવ જોખમમાં છે ! જોબન ભર્યા ભાલે વગડામાં ફરે છે ! આ તો વાત પાછી એની છોડીની છે ! શ્રીમંતની છાતીમાં જ ભાલો ઘોંચી દે ! સીમનું રખોપું એનું છે ! પંદર પંદર ગામોનો વગડો ઘોડે ચઢીને એ ખું દે છે ! જબરો જોરાવર અને ક્રોધીલો છે ! ભલભલા ચોરટાઓને એણે ભાલે ભાલે ભૂ પીવડાવ્યાં છે ! એનો ભમ્મરિયો ભાલો જોઈને જ ભલભલાને ભૂ છુટી જાય ! મરવાની ને મારવાની વાત ! વાઢવાની ને કાપવાની વાત ! ટાંટિયા તોડવાની ને ઢીમ ઢાળી દેવાની વાત ! જોબન પસાયતો કહો એટલે આખાય મલકમાં ડંકો વાગે ! જબરો જોરાવર જણ !
પણ જાહરે જાહ !
નાદાન છોકરાએ આખા મલકમાં ફુલેકું ફેરવ્યું ! શેઠની આબરૂનું જ તો ! નહીંતર દેન છે કોઈની કે શેઠની હવેલીએ આવીને એમને એલફેલ બોલી જાય ! એય ચંિતામાં પડી ગયા હતા ! નાખી નાખીને છોકરાએ હડકાયા વાઘની બોડમાં માથું નાખ્યું હતું ! અને શેઠના નામનો થઇ ગયો ફજેત ફાળકો ! એક દિવસ, બે દિવસ ! તપાસો ચાલુ થઈ ગઈ ! જાણે કોરટનાં વોરંટ છૂટ્યાં. જોબન પસાયતો જણ દોડાવતો હતો ઃ ‘શેઠના છોરાને ગમે ત્યાંથી પકડી લાવો !’ને અચાનક જ આશ્ચર્ય થઈ ગયું !
ત્રીજે જ દિવસે જોબન પસાયતાનો એક સગો, જે પોલીસ ખાતામાં નોકરી કરતો હતો તે, નેત્રાને લઈને ગામમાં આવી પહોંચ્યો. નેત્રાને જોતાં જ જોબનની આંખ લાલ હીંગળોક જેવી થઇ ગઈ ઃ ‘ઘૂળ નાખીને મારા ધોળામાં ? ક્યાં ગ્યો તારો પેલો વાલેશરી ? બોલાવ એને. એની છાતીમાં જો ભમ્મરિયો ભાલો નોં ઘોંચી દઉં તો ફટ્ કહેજે તારા બાપને !’ ને જોબન ઊભો થઈને નેત્રાને મારવા જતો હતો ત્યાં જ પેલા સગાએ એટલે કે પરાક્રમે એને પકડી લીધો ઃ ‘ના, જોબનભા, ના ! જવાન છોડી પર હાથ ન ઉગામાય ! જુઓ, ચેં ચેં પેં પેં કરવાની જરૂર નથી ! ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે ! આમ ફજેતફાળકા કરશો તો છોડીનું ક્યાંય ઠેકાણ નહીં પડે, સમજ્યા ? સંઘુંય થઈ રહેશે !’
‘પણ પેલો...’
‘એને મેં બરાબર ઠમઠોર્યો છે. એ હવે ગામમાં આવવાનું નામ નહીં લે ! હાડકાં બરાબર ખોખરાં કરી નાખ્યાં છે ! પણ એ બધી વાત જવા દો. પણ આ નેત્રાનો કાંક વિચાર કરો.’
‘તમે કર્યો છે એનો વિચાર ?’
‘હા. એટલે તો કહું છું. વાત આપણી નાતમાં ફેલાઈ જાય એ પહેલાં નેત્રાના ફેરા ફેરવી નાખો.’
‘પણ કોની હાર્યે ?’
‘ઉદ્ધવને તો ઓળખોને ? ઉદ્ધવ ઉજમશી ! ના ઓળખ્યો ? અંકોલાવાળો ! બીજવર છે એટલું જ, બાકી કાયાએ કડેધડે છે ! ત્રીસેક થયાં હશે પણ લાગે માંડ બાવીસનો ! બોલો, વિચાર હોય તો મેળ પડી જાય !’
‘તો પાડી નાખો મેળ. પણ એ કરે છે શું ?’
‘શહેરમાં મિલમાં નોકરી છે. પગારેય સારો છે. ઓવરટાઇમ ને બોનસ બઘું ગણીએ તો આંકડો અધધધ થાય ! મેટ્રીક સુધી ભણ્યો ય છે ! શું વિચાર છે ?’
‘કરી નાખો કંકુના !’
ગુલાબદાસ શેઠને આશ્ચર્ય એ વાતનું થયું કે ઃ જોબન પસાયતો આવો શાણો કયારથી થયો ? ભમ્મરિયા ભાલા પરોવવાની વાત છોડીને ‘એ રામ રામે ગુલાબશેઠ’ કહીને હસતો કયારે થઈ ગયો ? નેત્રા પાછી આવી ગઈ છે, એ સારું થયું. અમદાવાદથી સમાચાર હતા કે શ્રીમંતની ચંિતા ન કરશો, એ એના કાકાને ત્યાં છે ! ગામમાં હમણાં આવશે નહિ, કારણ કે ગામમાં એના માથે જોખમ છે !’ તો સામે ગુલાબશેઠે પણ કહેવડાવી દીઘું કે ઃ ‘એને ત્યાં જ રહેવા દેજો. ગામમાં આવવા ન દેતા. એના માથે ગામમાં જોખમ છે, એ તમારી વાત સાચી છે !’
બઘું જ ગોઠવાઈ ગયું.
જોબન પસાયતાના આંગણે કંકુનાં પડીકાં ઉછળ્યાં ! આંગણું, માણસો અને હૈયાં લાલમલાલ થઈ ગયાં ! બઘું રાતોરાત થઇ ગયું ! રાતમાં જ હથેવાળે થઇ ગયો ને નેત્રા મિલકામદાર ઉદ્ધવ ઉજમશીની વહુ બનીને શહેરમાં આવી ! ખચ્ચર મિલની ચાલી ! કાચાંપાકાં મકાનોની હારમાળા ! બે રૂમ ને રસોડું ! ભીંતો ખખડી ગયેલી ! જૂનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું ! ને આવા ખચ્ચર જેવા ખોખલા ઝુંપડાનુમા મકાનમાં ઉદ્ધવે નેત્રાના ચહેરા પરથી ધૂંઘટ ઊઠાવી લીધો ને બોલ્યોઃ ‘રૂપાળી તો છે પણ એંઠી પતરાળી છે !’
‘એટલે ?’
‘તું એમ માને છે કે મને કાંઇ જ ખબર નથી, એમ ? અરે, હું સંઘુંય જાણીને બેઠો છું ! પેલા શેઠિયાના છોરાએ બોટેલું બારદાન છે તું ! પણ તને કહી દઉં છું, હવે સખણી રે’જે ! હવે તું છુટ્ટી નથી ને પેલો તારો ભા તારું દુઃખ ભાંગવા આવવાનો નથી, હમજી ?’
‘હમજી !’
‘શું હમજી ?’
‘મારે જંિદગીભર મહેંણાં ખાવાનાં છે એ !’
‘ના. તું ત્યારે હમજી જ નથી !’
‘શું હમજવાનું છે ?’
‘તું આ ઉદ્ધવ નામના ચોત્રીસ વરસના બીજવરની બૈરી બની, એ બધો રૂપિયાનો ચમત્કાર છે !’
‘એટલે ?’
‘રૂપિયા કયા નહીં કરતા ? રૂપિયા ખાંસાબને ય ગોલો બનાવી દે છે ! પછી બાપડા પોલીસવાળાનાં તે શાં ગજાં ?
‘સમજી ગઈ !’
‘શું ?’
‘પોલીસવાળાએ દલાલી ખાઈને મને આંહીં વેચી મારી છે એ !’
‘તારું એ બઘું ડા’પણ જાવા દે ને હાલ્ય, ઝટ દીવો રાણો કરી નાખ !’ ને ઝુંપડા જેવા એક ઘરમાં દીવો તો રાણો થઈ ગયો, પણ સાથે સાથે નેત્રાંના અરમાનોનો દીવોય રાણો થઇ ગયો ! ઉદ્ધવ મિલમાં જતો. સંચા ચલાવતો હાંફી જતો. ખૂં...ખૂં... કરતો ઘેર આવતો. ઉધરસનાં ઠસકાં ખાતો ને ગળફા કાઢતો ! એક દિવસે તો એ ખૂબ થાકી ગયો હતો. નેત્રાએ પૂછ્યું ઃ ‘તમને શું થયું છે ?’
‘મને કશું જ નથી થયું. આ ઉંમરે ય હું તો ગલકા જેવો છું. ઉધરસ તો આવે. દાકતરની દવા લઈશ, એટલે હરખું થઇ જશે ! આમ આવ-’
વરસો આમ જ વહી ગયાં. ફૂલને ભ્રમરના ઓરતા હતા. ફૂલ ખીલ્યું હતું. રાતાચોળ રંગે રંગાઈ ગયું હતું. એમાંથી નકરી સુગંધ વેરાતી હતી. ફૂલ ભર જોબનમાં આવી ગયું હતું ! પણ ફાગણ આવતો નહોતો. પતંગિયું બેસતું નહોતું. ને ફૂલ નિસાસા નાખતું હતું ઃ ‘હાય રે હાય ! આમ જ વહી જશે આ જોબનિયું ?’ અને દિવસે દિવસે, વરસે વરસે વઘુ ને વઘુ વૃદ્ધ થતો જતો, ખેંખલા શરીરવાળો મિલના સંચામાં કંતાઈ ગયેલો ઉદ્ધવ કહેતો હતો ઃ ‘રાંડ, તું છે જ વાંઝણી ! આટલા વરસેય તારું પેટ ખાલી ખાલી ખખડે છે ! તારા બદલે બીજી કોક હોત તો છોકરાંની લાઈન લગાડી દીધી હોત !’ ને આટલું બોલતાં તો તે બેવડ વળી જતો ! ખૂ...ખૂ... કરતો ! ગળફા કાઢતો ! ને એ દિવસે તો ગળફો રાતા રંગે રંગાઈ ગયો હતો ! ડૉક્ટરે નિદાન કર્યું ઃ ‘ઉદ્ધવને લાસ્ટ સ્ટેજનો ટી.બી. છે !’
ને માત્ર આઠ મહીનામાં તો ઉદ્ધવ ઉકલી ગયો ! પણ મરતી વખતે એણે હાથ જોડીને કહ્યું ઃ ‘નેત્રા, મેં તને બવ દુઃખ આલ્યું છે!’ને પછી તો તેની આંખો મીંચાઈ ગઈ હતી ! વિધવા નેત્રા આ ઝુંપડપટ્ટીમાં સમાઈ ગઈ હતી ! વરસોનાં વહાણાં વાઈ ગયાં હતાં ! નેત્રાને હવે કશું જ યાદ આવતું નહોતું ! કદાચ શ્રીમંતનો ચહેરો પણ એને યાદ નથી ! લોકોનાં કપડાં-વાસણ કરે છે ! પોતાં કરે છે ! ઝાડુ ફેરવે છે ! ને એમ જ જંિદગીનું ગાડું ચલાવ્યે રાખે છે ! નથી હવે જોબન પસાયતો, ગામમાં નથી ગુલાબ શેઠ - કોઈ એને ઓળખતું પણ નથી ! સમયે સમયનું કામ કર્યું છે. ઉંમર અને ગરીબીએ એની કાયાને ખોતરી નાખી છે ! યાદોના દીવા બળે છે ! અવતાર એળે ગયાનો અફસોસ એને રાતદિ’ પીડે છે ! વેદના સાડીના પાલવની જેમ એને સતત વળગી પડી છે ! પીડાનું પટોળું પહેરીને નેત્રા જંિદગીના એકલ ઓરડે બંગડીઓનો રણકાર ગુમાવી બેઠી છે ! ફાટ્યાં સાંઘ્યાં કપડાં ને ખાવાના અડધાપડધા કોળિયા ! અડઘુંપડઘું જીવે છે નેત્રા ! અડધી ઝુંપડામાં છે, અડધી પેલી બટકી નદીના ઓવારે છે ! અમે તો અડધાં ઊગ્યાં, ને અડધાં આથમ્યાં ! જંિદગીનું અડધિયું એના ખખડી ગયેલા ઝુંપડાની જેમ ડચકાં ખાતું જીવે છે ! બેંતાલીસ વરસની કાયામાં શ્વાસ તો છે, પણ એ શ્વાસમાં લીલાશ નથી !
અને એક દિવસે એ સૂકાભંઠ શ્વાસમાં ભીનાશ ભરવા આવી પહોંચ્યો શ્રીમંત, હાથમાં ધાબળો લઈને ! થોડીક નોટો અને ધાબળો ! અને કહેતો ગયો ઃ ‘હું આવીશ, નેત્રા ! જરૂર આવીશ !’ અને પછી તો શેઠ શ્રીમંતરાય પુનઃ આવ્યા પણ ખરા. નેત્રાને પોતાની કારમાં બેસાડી. એના અરમાનોના બુઝાતા દીવાને પ્રજ્વલિત કર્યો. નેત્રા શેઠને મળવા લાગી. પચીસ વર્ષ પહેલાંની નેત્રા ફરી ઊગી નીકળી ! નેત્રા ફૂલ બની ગઈ ! ખુશબૂવાળું ફૂલ !
ને શહેરના નંબરવન માલેતુંજાર શેઠ શ્રીમંતરાય કહેતા હતા ઃ ‘નેત્રા, તું ગભરાઈશ નહિ હું બેઠો છું !’ તપસ્વીબહેનના કાને આ વાત આવી ને એમણે રીતસર મનાઈ-હુકમ જ ફરમાવી દીધો ઃ ‘ખબરદાર જો હવે પછી એ ભિખારણને મળ્યા છો તો !’
કડક પહેરો મૂકાઈ ગયો.
ડ્રાઈવરને પૂછાપૂછ.
સહકાર્યકરોને પૂછાપૂછ.
શેઠે કહી દીઘું ઃ ‘તું શું કામ મારી બદનામી કરે છે ! હવે હું એની પાસે જતો નથી, ને જઈશ પણ નહિ !’
‘ખાવ, મારા સમ !’
‘તારા સમ !’
‘મારા ગળે હાથ મૂકીને બોલો.’
શેઠે તપસ્વીના ગળે હાથ મૂક્યો ને બોલ્યા ઃ ‘તપસ્વી, તારા સમ ખાઈને કહું છું કે હવેથી હું નેત્રાને નહીં મળું !’
થયું. પતી ગયું.
દરવાજા બંધ ! તોતીંગ દિવાલો ચણાઈ ગઈ ! પણ નેત્રાના માથે આફત તૂટી પડી ! તે ઉલટીઓ કરતી હતી ! એને ઉબકા આવતા હતા. પાડોશણે કહ્યું ઃ ‘હાચું બોલશે નેત્રા ! તારો પગ ક્યાંક કુંડાળામાં તો નથી પડી ગયો ?’
અને નેત્રા રડી પડી.
ઝુંપડપટ્ટીની પણ એક ઇજ્જત હોય છે. આબરૂની ધારદાર તલવાર ઝુંપડાં વાસીઓ પર પણ લટકતી હોય છે ! કદાચ ઊંચી ઇમારતો અને ભવ્ય ભવનોમાં વસતા માલેતુજારો કરતાં ઇજ્જત નામની ચીજને ઝુંપડાવાસીઓ વધારે આદરની નજરે જોતાં હોય છે ! ને નેત્રાની ઇજ્જત ઉઘાડી પડી ગઈ ! પાડોશણ સારી હતી ! સમય આવ્યે બાળકનો જન્મ થયો ! દીકરો હતો ! વાત આનંદની હતી, પણ વાત નાલેશીની પણ હતી ! એક દિવસે નેત્રાએ પાડોશણને પેટછુટી વાત કરીને છેલ્લે કહ્યું ઃ ‘હવે એ શેઠ મને મળતો ય નથી ને મળવા જાઉં છું તો એના નોકરો મને બહારથી જ તગેડી મેલે છે !’
પાડોશણે હમદર્દી બતાવી. એણે કહ્યું ઃ ‘તો પછી સોંપી દે આ છોકરાને એના હાથમાં ! તું તો છુટ્ટી થઈ જાય ! એનું જે થાય તે, આપણે નહિ જોવાનું !’
- ભરચકજી વિસ્તારના, ભર્યા બજારના લોકો તમાશો જોતા હતા. હસતા હતા. તાળીઓ લેતા હતા. આંખો મીંચકારતાઃ ‘જોયા શેઠિયાના ભવાડા !’
‘જોયા !’
‘મોટા માણસનાં મોટાં પોલ !’
‘ઢોલ મોટાં ને માંહીં પોલંપોલ !’
‘પણ બાઈ કાચી નથી ! જોજોને, શેઠની આબરૂના ધજાગરા થઈ જશે !’ અટ્ટહાસ્ય ! આંખોના ઇશારા ! તાળીઓ ! ને ગોબરા ગોબરા શબ્દો ! ને શેઠ શ્રીમંતરાય લાચાર બનીને ઊભા હતા. સામે ફાટેલા સાડલાવાળી બાઈ તે નેત્રા હતી ને બાળકવાળા હાથ લંબાવીને કહેતી હતી ઃ ‘લો, રાખો તમારા છોકરાને ! લો છો કે નહિ ?’
વેપારી મહામંડળના અઘ્યક્ષ, સરકારમાં મોટી વગ ધરાવતા અને શહેરના કોટયાધિપતિઓમાં અગ્રેસર ગણાતા મેગા શોપીંગ મોલના માલિક શેઠ શ્રીમંતરાય દુઃખી, લાચાર અને અશબ્દ હતા ! એમના ગળામાં લાચારીનું હાડકું ભરાઈ ગયું હતું ! ને લોકો કહેતા હતા ઃ જુઓ, જુઓ, આ મેગાસીટીના માલેતુજાર શેઠિયાના ભવ્ય ભવાડા ! મોટાનાં ભાઈ મોટાં પોલ !’
શેઠની ઇજ્જતનાં વસ્ત્રો ખેંચાઈ રહ્યાં હતાં ! આબરૂ નગ્ન બની રહી હતી ! લોકોના અવાજે ઊંચા ને ઊંચા થતા જતા હતા ! ફજેતફાળકાનો કલાઈમેકસ આવી રહ્યો હતો. ત્યાં જ દૂરથી અવાજ આવ્યો ઃ ‘શેઠ, ગભરાશો નહિ ! તમારા હાથમાં લઈ લો એ બાળકને ! અને એ ઓરત પણ આવી જાય મારી ગાડીમાં ! આપણી જંિદગીની ભવ્યતામાં એ બેયને સમાવી લઈશું ! ને છોકરો ? અલ્યા ઠઠ્ઠા શું કરો છો ? એ તો મારો દીકરો છે, મારો ! એની જણનારી શું જાણે જણતરની પીડા, પીડા તો મેં વેંઢારી છે, મેં !’ એ હતી તપસ્વી ! તપસ્વી શ્રીમંતરાય શેઠ ! અને નજીક આવીને એણે નેત્રાના હાથમાંથી બાળકને લીઘું ને બોલી ઃ ‘ચાલ નેત્રા, તું ય અમારી સાથે ! તારા છોલાયેલા કાળજાને રૂઝવવામાં પાછી પડું તો કહેજે, મારી બહેન !’
Top
|