home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

જાણ્યું છતાં અજાણ્યું

ઈશ્વર જેવો મહાન ‘પ્લાનર’ કોઈ નથી

ઈશ્વર સાથે કેવો એકમાર્ગી વ્યવહાર છે આપણો! આપણે એને આપણી અપરંપાર અને અળવીતરી ઈચ્છાઓ કહ્યા કરીએ, પરંતુ એની ઈચ્છા જાણવાનો આપણે કદી લેશમાત્ર પ્રયત્ન પણ કરતા નથી. આપણે આપણા હેતુઓ અને પ્રયોજનો એની સમક્ષ ધરતા જ રહીએ છીએ, પરંતુ એના હેતુ કે પ્રયોજનને આપણે સમજતા નથી અને એની સામે સતત ફરિયાદ કર્યા કરી છીએ. ઈશ્વર જેવો જબરો ‘પ્લાનર’ કોઈ નહીં હોય. એ કેવી કેવી યોજનાઓ કરે છે!

આપણે એની યોજના વિશે તદ્દન અજ્ઞાત અને અજ્ઞાન હોવાથી એની યોજનાને સમજી શકતા નથી. પોતાની જાતને ડાહ્યો, સમજદાર અને કાબેલ માનનાર માનવી કેટલી બધી મૂર્ખામીભરી માગણીઓ ઈશ્વર પાસે કરે છે, પણ ઈશ્વર એવો સમજદાર છે કે એની બધી માગણીઓને સંતુષ્ટ કરતો નથી. એ તો એની ઈચ્છા અને એના હેતુ પ્રમાણે આપણા જીવનને ઘડતો હોય છે. આપણે ઘણી ઘણી ધારણાઓ કરી હોય, પણ એ આપણી ધારણાઓ હોય છે, ‘એની’ ઈચ્છા નહીં.

બ્રિટનથી બેરિસ્ટર થઈને મહાત્મા ગાંધીજી ‘આસામ’ નામની સ્ટીમરમાં બેસીને મુંબઈ આવતા હતા, ત્યારે એમણે માન્યું હતું કે મુંબઈ ઉતરીને વહેલામાં વહેલી તકે રાજકોટ જઈને રાહ જોતી માતાને મળીશ અને એમને જોઈને માતા કેવી આંનદવિભોર બની જશે!

તેઓ માતાને સચ્ચાઈપૂર્વક કહી શકશે કે એમના લાડકા દીકરા મોહનદાસે એમની આગળ લીધેલી ત્રણેય પ્રતિજ્ઞાઓ ઈંગ્લેન્ડમાં પૂર્ણરૂપે પાળી છે!

આ બેરિસ્ટર મોહનદાસની ધારણા હતી. સ્ટીમરમાંથી ઊતર્યા પછી એમણે એમના મોટાભાઈ લક્ષ્મીદાસને કહ્યું કે ચાલો, જલદી રાજકોટ પહોંચી જઈએ અને માનાં દર્શન કરીએ. એ સમયે લક્ષ્મીદાસે આંખમાં આંસુ સાથે કહ્યું, ‘‘બા તો હવે આપણી વચ્ચે નથી રહી, તને યાદ કરતી કરતી એ તો સ્વર્ગે સિધાવી.’’

જીવનમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણે બઘું કરવા ઈચ્છીએ છીએ પરંતુ થાય છે તો ઈશ્વરની ઈચ્છા મુજબ જ. ઈશ્વર પોતાની ઈચ્છા અને હેતુ અનુસાર આપણા જીવનને ઘડતો હોય છે. આપણા જીવનને જુદા જુદા વળાંકો આપતો હોય છે.

આપણે સુખથી છકી જઈએ છીએ, દુઃખથી દુઃખી દુઃખી થઈ જઈએ છીએ, જ્યારે ભક્ત તો કહે છે

‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ,

ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે,

રધુનાથનાં જડિયા.’’

જીવનમાં જે સુખ કે દુઃખ આવે, આશા કે વિષાદ જાગે, આનંદ કે વેદના સર્જાય, તેને સંતો અને મહાત્માઓએ ઈશ્વરની દેન માની છે. એમણે જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો હસતે મુખે સ્વીકાર કર્યો છે. એની સામે કશી ફરિયાદ કરી નથી. એ અંગે કોઈ આક્રોશ ઠાલવ્યો નથી અથવા તો એવી ઘટનાઓથી સંત આસ્તિકમાંથી નાસ્તિક બની ગયા નથી. ‘રામ રાખે તેમ રહીએ’ એ રીતે રહે છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ ‘જે જે ભાવો અવશ્ય બનવાના છે, તેમને જો અટકાવી શકાયા હોત તો નળ, રામ કે યુધિષ્ઠિર જેવા મહાપુરુષો દુઃખોથી લેપાત નહીં.’

આજના તર્કના જમાનામાં ભાગ્યે જ ઈશ્વરની ઈચ્છાનો વિચાર થાય છે ત્યારે એનો આનંદભેર સ્વીકાર તો ક્યાંથી થાય?

જો સાચો સ્વીકારભાવ કેળવવામાં આવે, તો વ્યક્તિ પરિસ્થિતિ અને પરિણામને સહર્ષ સ્વીકારશે. એનું જીવન સુખ-દુઃખથી ડોલાયમાન નહીં થાય અને માત્ર આનંદ સભરતાથી એ જીવતો રહેશે.

આપણે કોઈ યોજનાનો પ્રારંભ કરીએ ત્યારે એ માટેના આપણા પ્રયત્નોનો પ્રારંભ થાય છે, પરંતુ યોજનાના પરિણામની આપણને કશી ખબર નથી. ધાર્યું હોય કંઈ અને થાય કંઈ! આથી જ આરંભ સમયે વ્યક્તિ ઈશ્વર સ્મરણ કે પ્રાર્થના કરે છે.

કારણ એ કે આરંભનું આપણને પૂરેપૂરું જ્ઞાન છે, પરંતુ યોજનાના અંત વિશે આપણે સાવ અજ્ઞાની છીએ.

એ ખ્યાલ પણ નથી કે આ યોજના સફળ થશે અને આપણી સંપત્તિમાં વધારો થશે કે પછી આ યોજના નિષ્ફળ જશે અને આપણું જીવન કેટલીય આફતોથી ઘેરાઈ જશે!

કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી એટલે કે વ્યક્તિ પુરુષાર્થ કરે અને અમુક પરિણામ આવશે જ એમ માનવું નહિ. એનો આ પુરુષાર્થ તો વૈજ્ઞાનિકના પ્રયોગ જેવો છે. જેમાં નિષ્ફળતાઓ આવતી રહે અને ઈશ્વરકૃપા હોય તો સફળતા હાથ લાગે. કુશળ પ્લાનર ઈશ્વર પાસે તો યોજનાની આખી રૂપરેખા હોય છે. સમગ્ર યોજનાના આરંભથી અંત સુધીનો એને ખ્યાલ હોય છે. નવાઈની વાત તો એ છે કે આપણી યોજનાઓ નિષ્ફળ જાય, ત્યારે આપણે નસીબનો વાંક કાઢીએ છીએ. હતાશાને દૂર રાખવા માટે બહાનાં ઊભાં કરીએ છીએ, કારણ કે આપણો અહંકાર એ નિષ્ફળતાનો સ્વીકાર કરવા માટે લેશમાત્ર તૈયાર નથી.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ‘‘ઈશ્વર મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થાય છે, પરંતુ નાનાં નાનાં પુષ્પોથી ક્યારેય ખિન્ન થતો નથી.’’

આપણી યોજનાઓ વિશે જરા વિચાર કરીએ. કેટલીક જ્વલંતપણે સફળ થાય છે, તો કેટલાકમાં ઘોર નિષ્ફળતા મળે છે. ક્યારેક છેક સફળતાને કિનારે વહાણ લાંગરવાનું હોય અને ડૂબી જાય છે, તો ક્યારેક નિષ્ફળતાનાં વાદળોથી ઘેરાયેલા ગમગીન આકાશમાં સફળતાનો સૂર્ય એકાએક ઊગે છે. આમ યોજનાની સફળતા કે નિષ્ફળતા આપણા હાથની વાત નથી. સફળતા મળે કે નિષ્ફળતા મળે, એનો સ્વીકાર કરીને આગળ ચાલવું, કારણ કે યોજનાના પરિણામ અંગે આપણે કશું નિશ્ચિત ધારી શકીએ તેમ નથી. આફત કે સંકટથી અકળાવાને બદલે જે કોઈ પરિસ્થિતિ હોય તેનો આનંદભેર સ્વીકાર કરવો.

Copyright   © Gujarat Samachar