home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

હોટલાઈન

પરગ્રહવાસીની શોધમાં પૃથ્વીવાસી માનવ ભૂલો પડી ગયો છે!

અમાસની અંધારી રાતે અગાસીમાં સૂતાં સૂતાં અનંત આકાશ સામે નજર નાખીએ એટલે લાખો કરોડો તારલા ટમટમતા દેખાય... અનંતનો આભાસ થાય... અને તે સાથે એક અબજ એકલતાનો ય અનુભવ થાય... શું આટલા અખિલ બ્રહ્માંડમાં માત્ર આપણે જ છીએ? શું બીજા કોઈ ગ્રહ પર, અનંતના આ મહાસાગરના કોઈ ટાપુ પર બુદ્ધિશાળી જીવ નહિ પાંગર્યો હોય?

તાજેતરમાં મંગળના ગ્રહ પર એક સ્ત્રી દેખાઈ તેવા સમાચાર ટીવી ચેનલ પર વહેતા થયા હતા. વાસ્તવમાં મંગળની ધરતી પર ફરી રહેલાં નાસાના રૉવરયાન સ્પિરીટે ઝડપેલી કેટલીક તસવીરોમાં નીલા રંગની એક માનવદેહ જેવી આકૃતિ જોવા મળી હતી. પરંતુ વિજ્ઞાનીઓ કહે છે કે આ તસવીર કોઈ માનવીની નહીં બલ્કે મંગળની સૂકી, વેરાન, ધરતી પર ઉડતી ઘૂળની ડમરીઓથી રચાયેલી આકૃતિ હતી.

ઈસરોના અઘ્યક્ષ જી.માધવન નાયર આ સંદર્ભમાં કહે છે કે મંગળ પર જીવન વિકસ્યું હોવાના કોઈ પુરાવા હજુ સુધી આપણને સાંપડ્યા નથી. માટે મંગળની જમીન પર દોડતી સ્ત્રીની આભાસી તસવીર તરંગના તુક્કા જેવી છે. ‘નાસા’એ પણ આ બાબતમાં કોઈ ખુલાસો કર્યો નથી. હા, મંગળના આકાશમાં સૂકા બરફના વાદળો હોવાના પુરાવા ફ્રેંચ ખગોળ શાસ્ત્રીઓએ ભેગાં કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ હિમવાદળો ક્યારેક એટલા ઘટ્ટ હોય છે કે તેના પડછાયા મંગળની ધરતી પર અવનવી આકૃતિ રૂપે જોવા મળે છે.

હા, આ ખુલાસો કર્યા પછી પણ પેલો સવાલ તો ઊભો જ રહે છે કે શું પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ વિકસી છે?

આ જ સવાલે થોડાં વર્ષ પૂર્વે રશિયાના બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલાં તાલ્લીન શહેરમાં વિશ્વભરના લગભગ ૨૦૦ જેટલા વિજ્ઞાનીઓને એકઠા કરી દીધા હ તા.

આ બધા વિજ્ઞાની ભેગા થયા હતા. બ્રહ્માંડમાં જો કોઈ અન્ય બુદ્ધિશાળી જીવનું અસ્તિત્વ હોય તોતેની ભાળ મેળવવા.

બ્રહ્માંડમાં અન્ય બુદ્ધિશાળી જીવસૃષ્ટિ છે કે કેમ એ સવાલ તો યુગો જૂનોે છે પણ એ જાણવાની દિશામાં સક્રિય પ્રયત્નો શરૂ થયા બીજા વિશ્વયુદ્ધ બાદ. ખગોળશાસ્ત્રીઓએ પોતાનાં રેડિયો ટેલિસ્કોપ આકાશ ભણી તાક્યાં ત્યારે તેમને ખબર પડી કે શાંત-નિરવ ભાસતું બ્રહ્માંડ વિવિધ પ્રકારનાં અવાજોથી ભરેલું છે. જેમ સામાન્ય દૂરબીનથી દૂર દૂરની વસ્તુ સ્પષ્ટ અને મોટી જોઈ શકાય છે તેમ રેડિયોટેલિસ્કોપથી દૂરદૂરથી આવતા રેડિયોતરંગોને સાંભળી શકાય છે. આ અવકાશી ઘોંઘાટમાં વિજ્ઞાનીઓને દૂરદૂરના ગ્રહો પરના બુદ્ધિશાળી માનવોના સંદેશા પણ સમાયેલા હોવાની શક્યતા જણાઈ. ૧૯૫૯માં કોર્નેલ યુનિવર્સિટીના પદાર્થ વિજ્ઞાનીઓ ફિલીપ મોરિસન અને જ્યુસેપ કોકોનીએ વિચાર કર્યો કે પૃથ્વીની સૌથી નજદીક આવેલા તારાઓ સામે રેડિયો ટેલિસ્કોપ માંડીને જોવું જોઈએ કે તેમાંથી પણ કંઈ અવાજો આવે છે ખરા? દરમિયાન ફેન્ક ડ્રેઈક નામના એક યુવાન ખગોળશાસ્ત્રીએ ગ્રીનબેન્ક ખાતે આવો જ પ્રયોગ ચાલુ કર્યો. ૧૯૬૦માં તેણે ૮૫ ફૂટના વ્યાસવાળા ઍન્ટેનાની રકાબી બે નજીકના તારાઓ તરફ ફેરવી એ બે તારાઓ આપણા સૂર્ય જેવા અને તાઊસેટી અને ‘એપ્સીલોન એરીડાની’નાં નામે ખગોળશાસ્ત્રીઓ તેને ઓળખે છે. આમાંના બીજા તારા સામે ડ્રેઈકે દૂરબીન તાક્યું. તરત જ નિયમિત અંતરે ‘બીપ...બીપ...’ના સંકેતો આવવા માંડ્યા.

ખગોળશાસ્ત્રીઓના ઉત્સાહનો પાર ન રહ્યો. પણ બે અઠવાડિયા પછી ખબર પડી કે આ સંકેતો એક લશ્કરી વિમાનના હતા! ગેરમાર્ગે દોરનારા આવા ઘણા સંકેતો પણ મળતા જ રહે છે. આમાં સૌથી વિખ્યાત ઘટના ૧૯૬૮માં ઈંગ્લેન્ડમાં બની. કેમ્બ્રીજની એક વિદ્યાર્થિની જોસલીન બેલે શોધી કાઢ્‌યું કે આકાશમાંના એક ચોક્કસ પોઈન્ટ પરથી દર એક અને ૧/૩ (૧૧/૩/ સેકન્ડે નિયમિત સંકેત મળે છે. ફરીથી કોઈ બુદ્ધિશાળી જીવસૃષ્ટિ સાથે સંપર્ક થયો હોવાની વાત ફેલાઈ. પાછળથી ખબર પડી કે બેલ અને તેના પ્રોફેસર એન્ટની હ્યુઈશે ન્યુટ્રોન તારાની શોધ કરી હ તી. પદાર્થ વિજ્ઞાનીઓએ આવા તારાઓનાં અસ્તિત્ત્વનાં સિદ્ધાંતો રજૂ કર્યા જ હતા પણ તેને હજુ સુધી શોધી શક્યા ન હતા.

ઈન્ડિયન પ્લેનેટરી એસોસિએશનના અઘ્યક્ષ ડૉ.જે.જે.રાવલ કહે છે કે આપણી આકાશગંગામાં જ એવા લાખો તારા છે જે સૂર્ય જેવડાં મોટા છે અને તેમની ગ્રહમાળા પણ હશે. અને બ્રહ્માંડમાં આવી તો બીજી લાખો, કરોડો મંદાકિનીઓ છે અને એ દરેકમાં કરોડો તારા છે. આમ કોઈ એકાદ ગ્રહમાળામાં ક્યાંક તો જીવનો વિકાસ થયો જ હશે.

બીજી બુદ્ધિશાળી જીવસૃષ્ટિને શોધવાના પ્રયાસો ‘‘સર્ચ ફોર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ ઈન્ટેલીજન્સ’’નાં નામે ઓળખાય છે. તેની તરફેણમાં જેમ પ્રખર વિજ્ઞાનીઓ છે તેમ તેની વિરુઘ્ધમાં પણ છે. ઘણાં પૂછે છે કે આટલાં ગંજાવર ખર્ચે બીજી જીવસૃષ્ટિ શોધી કાઢીએ તો પણ શોે ફાયદો? અમેરિકન વિજ્ઞાની જાૅન વુલ્ફ કહે છે, ‘‘જો આખી તપાસના અંતે ખબર પડે કે આપણા સિવાય બીજું કોઈ બ્રહ્માંડમાં નથી તો માનવજાત પર કેટલી મોટી જવાબદારી આવી જાય...?’’

પણ શું ખરેખર બીજી કોઈ જગાએ માનવ જેવા બુદ્ધિશાળી જીવો હોવાની શક્યતા છે? પૃથ્વી પર જીવસૃષ્ટિના પ્રારંભકાળે હતું એવું વાતાવરણ જ્યાં હોય ત્યાં જીવસૃષ્ટિ સંભવી શકે. મીથેન ગેસ, પાણીની વરાળ, નાઈટ્રોજન, ઍમોનિયા કાર્બન ડાયોક્સાઈડ, ઓક્સિજન સલ્ફર, માટી, પાણી આટલા પદાર્થો હોય, વીજળી અથવા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હોય તો એમિનોએસિડ પેદા થાય, આ એમિનોએસિડ પ્રોટીનરૂપે મકાનની ‘ઈંટો’ છે. આમાંથી જીવનો વિકાસ થાય. વળી, પૃથ્વી પર જીવન છે તો બીજે પણ હોઈ શકે. કેમ કે વિશ્વમાં કોઈપણ વસ્તુ એક જ જોવા નથી મળતી- એકથી વિશેષ હોય જ છે.

બ્રહ્માંડમાં બીજી જીવસૃષ્ટિનો વિચાર કરીએ એટલે ઘણા સવાલ ઊભા થાય. અબજો તારાઓમાંના કેટલાક તારા લાંબુ જીવન ધરાવનારા છે - એટલું લાંબુ કે જીવન પાંગરે, વિકસે અને પ્રગતિ સાધી શકે. તેમાંના કેટલા તારામાં ગ્રહો હશે? વળી એમાંના કેટલા ગ્રહો પર અનુકૂળ વાતાવરણ હશે? વળી, જીવસૃષ્ટિ હોય પણ બુદ્ધિશાળી ન હોય એવું પણ બની શકે. બુદ્ધિશાળી ય હોય પણ કોઈ અલગ જ ટેક્નોલોજીનો ઉપયોગ જ કરતી હોય અથવા ન કરતી હોય એમ પણ બની શકે. જેમ પૃથ્વી પર ડોલ્ફીન છે, તે બુદ્ધિશાળી પ્રાણી છે અને તે આનંદથી જીવે છે. આવી જીવસૃષ્ટિ હોય તો તેનો સંપર્ક ન સાધી શકાય? વિજ્ઞાનીઓ તો એક ડગલું આગળ પણ વિચારે છે. બુદ્ધિશાળી જીવસૃષ્ટિઓ વિકાસ સાધી સાધીને આખરે ખતમ પણ થઈ ગઈ હોય. આ બધી શક્યતા કે અશક્યતાઓનો અભ્યાસ કર્યા બાદ કાર્લ સેગાન જેવા વિજ્ઞાની કહે છે કે આ બધી પ્રતિકૂળતા છતાં ફક્ત આકાશગંગામાં જ દસ લાખ વિકસિત સંસ્કૃતિઓ હોઈ શકે છે!

પરગ્રહવાસીઓ સાથે સંપર્ક સાધવાના પ્રયાસોના વિરોધીઓ પણ છે. તેના આગેવાન છે ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી માયકલ હાર્ટ એ કહે છે કે જો અન્ય સંસ્કૃતિ હોય અને આગળ વધતી હોય તોતેણે અવશ્ય અવકાશયાનો બનાવ્યાં હોય અને જુદા જુદા ગ્રહો પર કૉલોનીઓ -વસાહતો સ્થાપી હોય.

પ્રકાશની ગતિ સેકન્ડના એક લાખ છ્‌યાંશી હજાર માઈલની છે. એક વર્ષમાં પ્રકાશું કિરણ જેટલું અંતર કાપે તેને માઈલમાં નહિ પણ પ્રકાશવર્ષમાં માપવામાં આવે છે. હાર્ટ માને છે કે કોઈ ગ્રહવાસીઓ પ્રકાશની ઝડપ કરતાં દસમા ભાગની ઝડપે ગતિ કરી શકે તો દસ વર્ષમાં બીજા તારા પર જઈ શકે. દસ વર્ષમાં ત્યાં સ્થાયી થઈ આગળ બીજા તારા પર જઈ શકે. આ ગતિએ ગેલેક્સીને પાર કરતાં એ જાતિને ૨૦ લાખ વર્ષ લાગે. ગેલેક્સી આ સમયના કરતાં ૫૦૦૦ ગણી જૂની છે. જો કોઈ સુવિકસિત જાતિનું અસ્તિત્વ હોત તો અત્યાર સુધીમાં પૃથ્વી સુધી પહોંચી જ આવી હોત! બીજા વિજ્ઞાની ટિટલર આની સાથે સંમત થાય છે. તે કહે છે કે સુવિકસિત જાતિઓએ જાતે આટલી લાંબી સફર કરવાનીય જરૂર ન પડે. તેઓ યંત્રમાનવોને મોકલી શકે.

‘સેટી’ના ટેકેદારોના ઉત્સાહમાં આ વિજ્ઞાનીઓના બયાનોથી જરા પણ ઓટ આવી નથી. તેઓ કહે છે કે સાચા કે ખોટાનો નિર્ણય પ્રયોગોથી જ કરી શકાય! પણ તેમના પ્રયોગોની આડે આવે છે સેનેટર વિલિયમ પ્રોક્સમાયર. તેમણે આ પ્રયોગો માટેના બજેટને હંમેશા અટકાવ્યું છે. એ કહે છે કે આ પ્રયોગોથી જો સંદેશા પકડાશે તો પણ એ લાખોે વર્ષ પહેલાં નાશ પામેલી જાતિઓના હશે. આ પ્રયોગો હમણાં ન થાય અને લાખ વર્ષ પછી થાય તો શું વાંધો?

વિજ્ઞાનીઓને આવી ‘ઢીલ’ સામે સખત વાંધો છે. કેમ કે પૃથ્વી પરનો રેડિયો સંદેશવ્યવહાર દિવસે દિવસે વધતો જાય છે. કોમર્શિયલ લશ્કરી, સરકારી અને ખાનગી ઉપયોગો માટે રેડિયો વેલલેંગ્થોનો કબજો લેવાતો જાય છે. હવે તેમાં ઉપગ્રહો પરથી આવતા સંદેશાઓ જોડાયા છે. આમ અવકાશ વઘુને વઘુ કોલાહલમય બનતું જાય છે. આમ જ ચાલતું રહેશે તો દૂરસુદૂરથી આવતા સંદેશાઓ આ કોલાહલમાં જ અટવાઈ જશે! એ ધીમા -નબળા રેડિયોસંકેતો આ ધાંધલમાં ક્યાંથી સંભળાય? એટલે આ બાબતમાં પરિણામ મેળવવા માટે સમય ખૂબ જ થોડો છે.

ઝડપભેર પ્રયોગો કરવા પણ મુશ્કેલ છે. કેમ કે દરેક ફ્રિકવન્સી ચકાસવી પડે, તેની દિશાઓ ચકાસવી પડે અને જો સંદેશાના સંકેતો પકડાય તો તેને ઓળખવા પડે. આ માટે જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી ખાતે એક ખાસ સાધન વિકસાવ્યું છે. તેને મલ્ટીચેનલ સિગ્નલ એનેલાઈઝર કહે છે. આ સાધન એક રેડિયો સંકેતને ૮૦ લાખ સૂક્ષ્મ ચેનલોમાં વહેંચી દરેકની ચકાસણી કરી શકે છે. એવું એક સાધન ૨૧૦ ફૂટના માર્શ એન્ટેના સાથે જોડવામાં આવ્યું છે. આ સ્થળે અત્યંત અદ્યતન સાધનો વડે સમગ્ર આકાશમાંથી સંદેશાઓ શોધવાનો પ્રયાસ કરાય છે.

આવું બીજું સાધન ૧૦૦૦ ફૂટના વ્યાસવાળા (જગતના સૌથી મોટા) આરેસીબો એન્ટેના સાથે જોડાયું છે. ત્યાંથી ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીથી ૧૦૦ પ્રકાશવર્ષનાં અંતરમાં આવેલા ૭૭૩ સૂર્ય જેવા તારાઓની ચકાસણી કરી રહ્યા છે.

આ બધી શોધખોળનું પરિણામ થોડા મહિના, થોડાં વર્ષો કે થોડી સદીઓ પછી પણ મળી શકશે? માયકલ ક્લેઈન કહે છે કે ‘ખરેખર તો અમે બ્રહ્માંડમાં આપણું સ્થાન કયાં છે તે શોધવાનો જ પ્રયાસ કરીએ છીએ!

પરગ્રહવાસીઓની ખોજ કરવાનું ‘ફૂલ ટાઈમ’ કામ બીજી એક જગાએ પણ થઈ રહ્યું છે. ઓહાયોની યુનિવર્સિટીની રેડિયો વેધશાળામાં બ્રહ્માંડમાંથી આવતા રૅડિયો સંકેતોની સતત નોંધ લેવાયા કરે છે. ખગોળશાસ્ત્રી બોબ ડિક્સન સપ્તાહમાં બે વખત આ સ્થળે જઈ નોંધ ચકાસે છે.

આ વેધશાળા પર કોઈ દેશના ઘ્વજને બદલે ‘પૃથ્વીનો ઘ્વજ’ ફરકે છે. ઇલિનોયના એક ખેડૂત જેમ્સ કેડલે ચંદ્ર પર માણસનાં ઉતરાણ જેવા પ્રસંગોએ વાપરી શકાય એ માટે આ ઘ્વજ તૈયાર કર્યો હતો. કાળા ઘ્વજ પર પીળો સૂર્ય, ભૂરી પૃથ્વી અને સફેદ ચંદ્ર મૂકવામાં આવ્યાં છે. ડિક્સન કહે છે કે જો બીજી કોઈ જાતિના સંકેતો પકડાશે તો તે કોઈ સંસ્થા કે રાષ્ટ્રની નહિ પણ પૃથ્વીવાસી માનવની જ સિદ્ધિ હશે!

પરગ્રહવાસીઓની શોધમાં એક ઓર અખતરો પણ કરી જોવાયો છે. આજથી ૨૫૦૦ વર્ષ પછી એમ ૧૩નાં નામે ઓળખાતા તારા પર જો કોઈ જીવ રેડિયોટેલિસ્કોપથી નિરીક્ષણ કરતાં હશે તો તેમને આકાશગંગાના કિનારે આવેલા એક નાના તારા પર ત્રણ મિનિટ માટે અત્યંત પ્રકાશિત ઝબકારા દેખાશે. આવા ઝબકારા સામાન્ય રીતે કોઈ તારાનો વિસ્ફોટ જ સૂચવે. પણ આ ઝબકારા આરેસીબો વેધશાળાના મહાકાય રેડિયોટેલિસ્કોપ દ્વારા એક ટેલિગ્રામ તાર તરીકે પાઠવવામાં આવ્યા છે. ૧૯૭૪માં આ પ્રયોગ કરાયેલો. ફ્રેન્ક ડ્રેક નામના ખગોળશાસ્ત્રીએ આ તાર-સંદેશ તૈયાર કર્યો છે. આ સંદેશમાં ૧૬૭૯ શૂન્ય અને એકડાનો ઉપયોગ કરાયો છે. કોમ્પ્યુટરોમાં જે વપરાય છે એ બાયનરી ગણિત ભાષામાં આ સંદેશ વાંચી શકાય છે. સૌથી ઉપરની હારમાં ૧ થી ૧૦ સુધીની સંખ્યાઓ છે. તેની નીચે નાઈટ્રોજન, હાઈડ્રોજન, ઓક્સિજન, કાર્બન અને ફોસ્ફરસની અણુસંખ્યા આપી છે. ત્યારબાદ પૃથ્વી પરનાં જીવનની ચાલીસમા ડીએનએની રસાયણિક ક્રિયા વર્ણી છે. તેની નીચે આ પ્રક્રિયાનાં પરિણામ જેવા માનવની આકૃતિ આપી છે.

આ આકૃતિની બાજુમાં રેડિયો સંકેતની લંબાઈના ગુણાંકમાં માનવીની ઊંચાઈ આપેલી છે. બીજી તરફ માનવવસ્તીના આંકડા છે.

એથી નીચે સૂર્ય અને તેના નવ ગ્રહોની આકૃતિ છે. માનવચિત્ર બરાબર પૃથ્વી પર ગોઠવાયું છે. નીચે આરેસીબોના ટેલિસ્કોપનું ચિત્ર છે. સૌથી નીચે ટેલિસ્કોપનો વ્યાસ કેટલો છે તે દર્શાવ્યું છે. ડ્રેક માને છે કે વિકસિત જીવો અને સંકેતોને સરળતાથી વાંચી ઉકેલી શકશે. બની શકે કે અત્યાર સુધી કોઈએ ઉકેલી પણ લીધા હોય!

ફરી પાછો એ જ સવાલ ઃ પૃથ્વી સિવાય અન્યત્ર ક્યાંય જીવન છે ખરું ? વિજ્ઞાનીઓએ અત્યાર સુધી કરેલી તપાસ દરમિયાન આપણી સૂર્યમાળામાં ક્યાંય જીવન હોવાનું જણાયું નથી. આપણી સૂર્યમાળાની બહાર કોઇ ગ્રહમાં જીવન હોઇ શકે ખરું, પરંતુ ત્યાં સુધી પહોંચવાનું આ સદીમાં તો શક્ય નથી. કદાચ ક્યારેય નહીં પહોંચી શકાય. આકાશમાં અગણિત તારાઓ છે, તેના અસંખ્ય ગ્રહો છે. ક્યાંક તો જીવન હશે જ. પૃથ્વી સિવાય ક્યાંય જીવન ન હોય તો એ ચમત્કાર ગણાય એમ અમેરિકી અવકાશ સંસ્થા ‘નાસા’ના ભારતીય મૂળના વિજ્ઞાની અમિતાભ ઘોષનું માનવું છે.

તેમના કહેવા પ્રમાણે બ્રહ્માંડમાં અન્યત્ર જીવન છે કે નહીં તે જાણવા સામે ત્રણ પડકાર છે. પ્રથમ તો બ્રહ્માંડના કોઇ વિસ્તારમાં લાખો વર્ષ પહેલાં જીવન પ્રગટ્યું હોય અને તેનો અસ્ત પણ થઇ ગયો હોય,આજે જ્યારે આપણે અન્ય ગ્રહમાં જીવનની તપાસ કરીએ છીએ ત્યારે ત્યાં હાલ જીવન ન પણ હોય.દા.ત. અન્ય ગ્રહના લોકોએ ચાર અબજ વર્ષ પહલાં આપણી પૃથ્વીનું સંશોધન કર્યું હોય તે સમયે તેમને પૃથ્વી પર જીવન ન જણાયું હોય અને પછી તેમણે એ તાપસ પર પૂર્ણવિરામ મૂકી દીઘું હોય. કારણકે પૃથ્વી પર જીવનનો ઉદ્દભવ સાડાત્રણ અબજ વર્ષ પહેલાં થયો હતો. બીજો પડકાર એ છે કે અન્ય ગ્રહમાંનું જીવન આપણાથી અબજો-પરાર્ધો માઇલ દૂર છે આંતર ગ્રહમાળામાં પ્રવાસ કરવા માટે માનવજાત સશક્ત નથી, કારણકે એ પ્રવાસમાં સેંકડો વર્ષ નીકળી જાય. ૩૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલા કોઇ ગ્રહમાં જીવન હોય તોપણ પૃથ્વી અને તેની વચ્ચેનું અંતર એટલું બઘું છે કે તેનો કોઇ રીતે સંપર્ક સાધી શકાય નહીં.

ત્રીજું,બ્રહ્માંડમાં અન્યત્ર જીવન કદાચ આપણા જેવું ન પણ હોય. ત્યાં આપણા જેવા મુનષ્યો, પ્રાણીઓ કે પક્ષીઓ ન હોય. આપણું જીવન કાર્બન આધારિત છે ત્યાં સિલિકોન આધારિત હોઇ શકે અને બનવા જોગ છે કે તે પોતાને જુદી રીતે પ્રદર્શિત કરતું હોય. પૃથ્વી પરના બાયોલોજિકલ ટેસ્ટ તેમાં પાર ન ઊતરી શકે. અન્ય ગ્રહોમાં જીવનની શોધખોળ કરતાં વિજ્ઞાનીઓને વિશ્વાસ છે કે ત્યાંના મનુષ્યો રેડિયો સિગ્નલ મોકલી શકે એટલા તો આગળ વધી ગયા હશે.મંગળ પર મોકલાતા યાનો ત્યાં જીવન છે કે નહીં તેના પુરાવા મેળવી આપશે. એ જીવન સૂક્ષ્મ સ્વરૂપે પણ હોઇ શકે. જોકે આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોમાં જીવનના પુરાવા શોધવાનું આવતા વર્ષોમાં શક્ય નથી, કદાચ ૧૦૦ વર્ષ પછી શક્ય બને ખરું.

પરગ્રહવાસીઓના અસ્તિત્વ બાબત, તેમની શોેધખોળ અંગે આજ સુધીમાં અનેકવાર ચર્ચા થઈ છે. લેખો લખાયા છે. પરંતુ આ વિષય એટલો જટિલ બનતો જાય છે કે ક્યારેક માણસનું મગજ કામ ન કરે. છેવટે એમ કહીને મન મનાવવું પડશે કે ઈશ્વરની લીલા અપરંપાર છે...

Top

Copyright   © Gujarat Samachar