હોરાઈઝન
ન્યુયોર્કના સ્ટોક એક્સચેન્જની નજીક મુકાયેલ ‘ચાર્જીંગ બુલ’ની તેજીલી વાતો અંધશ્રઘ્ધાની અડફેટમાં આખલો
આજકાલ મુંબઈ સ્થિત ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જની બહાર શેરબજારની તેજીના પ્રતિક સમાન મનાતા બુલ (આખલા)ની કાંસ્ય બનાવટની કલાકૃતિના રક્ષણ આપવા માટે પોલીસ દળને ખડે પગે રાખવું પડે છે. પાંચ ફૂટ ઉંચા અને આઠ ફૂટ લાંબા આ બુલના શિલ્પનું વજન એક ટન જેટલું છે. ગત ૧૧મી જાન્યુઆરીએ જ સ્ટોક એક્સચેન્જની બહાર તેનું ભારે ઉમળકાભેર અનાવરણ કરવામાં આવ્યું હતું તે વખતે મોટી સંખ્યામાં શેરદલાલો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. તે દિવસોમાં તેજી જોરમાં હતી. રોકાણકારો, સ્ટોક એક્સચેન્જનો સ્ટાફ તેમજ શેરદલાલો કોલર ઉંચા રાખીને ફરતા હતા. સટોડિયાઓ તો જાણે પોતે અંબાણી બંઘુઓના ઉઘ્ધારક હોય તેમ હવામાં ફરતા હતા. હવે અમેરિકના જમાના ગયા. ભારતનું સ્ટોક એક્સચેન્જ ન્યુયોર્કના સ્ટોક એક્સચેન્જનું વૈશ્વિક સ્થાન લેશે તેવા કેફમાં ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની બહાર આખલાની વિશ્વખ્યાત શિલ્પ કૃતિની બેઠ્ઠી નકલ કરતા આપણે પણ તેવી જ રીતે કાંસ્ય બનાવટનો બુલ ખડો કરી દીધો હતો.
પણ હજુ ગણતરીના દિવસો જ થયા હશે ત્યાં ભારતમાં સેન્સેક્સની રીતે ઐતિહાસિક કડાકો બોલાયો. બે જ દિવસમાં આઠ લાખ કરોડથી વઘુ રકમનું રોકાણકારોએ નાહી નાંખ્યું. મઘ્યમવર્ગની પ્રજાને સટ્ટાની લત લગાડનારા સટોડિયાઓ અને દલાલો તો મુંબઈ સ્ટોક એક્સચેન્જની બહાર મોટી સંખ્યામાં દેખાવો કરતા થોડા દિવસો પહેલાં મુકાયેલા આખલાના શિલ્પને તોફાન કરીને તોડી મુકવાના મૂડમાં હતા. બુલના રક્ષણ માટે તાત્કાલિક લોખંડની જાળી મુકવામાં આવી અને સીક્યોરિટી ખડી કરી દેવામાં આવી છે.
શેરદલાલોની એવી બેહુદી માંગણી છે કે જ્યારથી આ બુલનું શિલ્પ મુકાયુ છે ત્યારથી શેરબજારની પડતી અને પનોતી બેઠી છે.
આ વહેમીઓને કેટલાક ચલતાપૂર્જા જેવા વાસ્તુશાસ્ત્રીઓએ વાંદરાને દારૂ પીવડાવવા જેવું કામ કર્યું અને એવી વાતો વહેતી કરી છે કે બુલનું શિલ્પ કાંસ્યનું બનાવેલું છે. તેના હાવભાવ જ ગભરાયેલા અને ભુંરાટો આખલો હોય તેવા બતાવાયા છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની બહાર જે બુલની પ્રતિમા છે તે આક્રમક મુદ્રા ધરાવે છે. રક્ષણાત્મકતા નહીં.
ભારતીય ભુમિના સંદર્ભમાં તેના મોંની દિશા પણ યોગ્ય નથી. શેરદલાલો અને સટોડિયાઓનો રોષ અને દબાણ એ હદે તીવ્ર છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જના હોદ્દેદારો વાસ્તુશાસ્ત્રીઓનું માર્ગદર્શન લઈને તેની દિશા બદલી નાંખવા વિચારી રહ્યા છે. જો તે પછી પણ મંદી જારી રહેશે તો શક્ય છે કે બુલનું શિલ્પ શેરદલાલો જ સ્વયંભુ હાથમાં હથોડા લઈને તોડી પાડી ભંગાર ભેગુ કરી દેવાનો રોષ ધરાવે છે.
શોલાપુર સ્થિત શિલ્પીને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ બહારના બુલના શિલ્પનો ફોટો મુંબઈના બુલ બનાવવા માટે આપવામાં આવ્યો હતો. આ શિલ્પીએ જણાવ્યું કે આ બુલ પૈસો અને તાકાતના પ્રતિકરૂપે હોય છે તે નજરમાં રાખીને જ તે બનાવાયો છે પણ હવે તેને જોનારાઓને તેમાં ખુમારીના રેખાંકનો નથી દેખાતા.
હતાશ થઈને તેણે જણાવ્યું હતું કે બુલ મુંબઈ સ્ટોક એક્સચેન્જની માલિકીનો છે. તેઓ તેનું જે કરવું હોય તે કરી શકે છે. બહુ તો વઘુ સારા મુહુર્તમાં તેને ફરી જુદી દિશામાં મુકવામાં હું મદદ કરી શકીશ. શેરદલાલો પણ આવી જ માંગણી કરી રહ્યા છે.
આ શિલ્પીએ સટોડિયાઓનો ઉધડો લેતા કહ્યું છે કે ‘‘૨૧મી સદીમાં આ નરી અંધશ્રદ્ધા કહી શકાય’’ દેશના મઘ્યમ વર્ગીઓની આંતરડી કકળાવનારાઓ દોષનો ટોપલો એક શિલ્પી પર ઓઢાડી દે તે કેટલી નિર્દય બાબત કહેવાય.
શેરબજારમાં અબજો અને ખર્વો રૂપિયાનું જે રીતે મઘ્યમવર્ગના રોકાણકારોનું ઉઠમણું થઈ ગયું તેમાં સૌથી વઘુ તેઓને શોર્ટ કટમાં માલામાલ થઈ જવાની લાલચનો જે ચેપ સટોડિયાઓએ લગાવ્યો હતો તે જ છે. માની લો કે કુલ ધોવાણ ૫૦ ટકા ટોચની કંપનીઓના જાયન્ટોનું હોય તો બાકીના ૫૦ ટકા મઘ્યમ વર્ગની પ્રજાના હતા. આ આંક ચાર લાખ કરોડ રૂપિયા જેટલો હતા ! આ તમામ મઘ્યમવર્ગીઓ સમાજના સોદાગરોના શિકાર બનેલા હતા. ‘૧૦ ટકે વ્યાજ લઈને પણ રૂા. ૫૦,૦૦૦૦ મને આપી દો બોસ, તમને ચાર ગણા રૂપિયા કમાવી આપીશ.’ તેવી લલચામણી ઓફરોએ પ્રત્યેક આદમીને સટોડિયા બનાવી દીધા છે.
હવે જે પણ હાલત થઈ તેનો દોષ એક કાંસ્ય પ્રતિમાને આપવો તે શરમજનક બાબત છે.
ખરેખર તો સટોડિયાઓએ તેઓ કઈ હદે લાખો સામાન્ય કુટુંબોના ઘરને બરબાદ કરતી નીતિરીતી ખેલે છે તેનું આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. તેમાં આખલાનું શિલ્પ કઈ રીતે મંદી લાવી શકે.
શેર બ્રોકરો કહે છે કે મુંબઇ સ્ટોક એક્સચેન્જના ગેટ નંબર બેને ખોલીને આ બુલ મુકાયુ તે સાથે જ કંઇક અમંગળ થશે તેવી શંકા સેવાતી હતી. ૧૯૯૨માં પ્રથમ વખત આ ગેટ ખોલવામાં આવ્યો તે પછી તરત જ હર્ષદ મહેતા કૌભાંડના પગલે શેરબજાર તુટી પડયુ હતું. તે પછી આ ગેટ બંધ રહેતો હતો. ૨૦૦૧માં બિલ કલીન્ટનનું સ્ટોક એક્સચેન્જમાં સ્વાગત કરવા દરમ્યાન ગેટ નંબર બે થોડા દિવસો ખોલવામાં આવ્યો હતો તે પછી તરત જ ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે બુલનું શિલ્પ મુકવા ફરી ગેટ નંબર બે ખુલ્યો અને ધબડકો થયો.
અંધશ્રઘ્ધામાં માનતા શેર દલાલોએ બુલના શિલ્પ કે ગેટ નંબર બેને જ અપશુકનિયાળ કહ્યા છે તેવું નથી. ૧૯૯૯-૨૦૦૦માં સેન્સેકસ ૫૦૦૦ના આંકને સ્પર્શ્યો ત્યારે તેની ઉજવણી કરવા બ્રોકરો અને રોકાણકારોએ સ્ટોક એક્સચેન્જની ટેરેસ પર ઉજવણી કરી હતી. તે પછી થોડા દિવસોમાં જ બજારના બેહાલ થયા ત્યારે શેર બ્રોકરોએ ઉપરની અગાસીને સમગ્ર અપજશ આપતા કહ્યું હતું કે હવે પછી કયારેય સ્ટોક એક્સચેન્જની અગાસી પર ઉજવણી ના કરવી.
હવે વાસ્તુશાસ્ત્રીઓએ એવી સલાહ આપી છે કે મુંબઇના સ્ટોક એકસચેન્જનું બુલ કાંસ્ય બનાવટનું છે તેમાં ખોટું નથી પણ તેનું માથુ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ અને શિલ્પને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઉભુ રાખવું જોઈએ.
ભારતનો બુલ આ હદે અંધશ્રઘ્ધાની અડફેટે ચઢી ગયો છે ત્યારે અમેરિકાની મુડીવાદી તાકાતના પ્રતિક તરીકે મનાતા ન્યુયોર્કના મેનહટનમાં આવેલા સ્ટોક એકસચેન્જની બહાર ખડા કરાયેલ આખલાના શિલ્પ પ્રત્યે આજે પણ અમેરિકનો ગૌરવ લે છે.
ન્યુયોર્કમાં જે પણ વિશ્વ પ્રવાસીઓ ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ જોવા આવે છે તેઓ આ બુલને પણ જોવાનું ચુકતા નથી. ૧૯૮૭માં અમેરિકામાં મંદીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે સમગ્ર અમેરિકનો નિરાશ થઇ ગયા હતા. રોકાણકારો અને કંપનીઓ તેમની આગવી ધાક ભુલી જઈને ઢીલી પડી ગઈ હતી ત્યારે ડી મોડીકા નામના શિલ્પીને વિચાર આવ્યો કે અમેરિકાને યાદ કરાવવું પડશે કે આપણો દેશ વિશ્વમાં સુપર પાવર છે. વિશ્વનું અર્થતંત્ર આપણા પર મદાર રાખે છે. આપણે ઢીલા-પોચા બનીશું તો કેમ ચાલશે તેવો મેસેજ તેમને આપવો હતો. તેણે તેનો પોતાનો ૩,૬૦,૦૦૦ ડોલરનો પ્રોજેકટ બનાવીને અમેરિકી પ્રજામાં તરવરાટ અને જોમનું કાયમી સંિચન કરવા આખલાનું શિલ્પ બનાવ્યું. આમ શેરબજારમાં જે ‘બુલ’નો ખ્યાલ મુર્તિમંત થયો તેમાં મોડીકાની દ્રષ્ટિને અને રાષ્ટ્રભાવનાને દાદ આપવા જેવી છે. આ બુલની પ્રતિમાનું વજન ૭૦૦૦ પાઉન્ડ જેટલું છે. ૧૫ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
જો કે રસપ્રદ વાત એ છે કે મોડીકા અને તેના મિત્રોએ કોઇને જણાવ્યા વીના જ ન્યુયોર્ક સ્ટોક એકસચેન્જ નજીકના ૬૦ ફૂટ ઉંચા ક્રીસમસ ટ્રી નજીક આ આખલાનું શિલ્પ ખડુ કરીને વિદાય લીધી હતી. મોડીકા અને તેના મિત્રોએ આજુબાજુના રાહગીરો, દુકાનદારોને ચોપાનિયા વેચીને શા માટે તેઓએ આ ‘બુલ’ શેરબજાર નજીક મુકયુ છે તેની ભાવના વ્યકત કરી હતી.
પણ ન્યુયોર્કના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને તેમજ સ્ટોક એકસચેન્જને મોડિકાની ભાવના અને પ્રોજેકટમાં સ્હેજ પણ રસ ના પડ્યો. તેઓએ ટ્રક કરીને બુલને એક ગોડાઉન જેવી જગાએ મુકી દીધો. પણ નાગરિકોમાં બુલ હટાવવા સામે એવો પ્રબળ વિરોધ નોંધાયો કે તત્કાલિન પોલીસ કમિશનર હેનરી સ્ટર્નને એક્સચેન્જ નજીકના ઉત્તર છેડે બોલંિગ ગ્રીન વિસ્તારમાં નાગરિકો જોઇ શકે તેમ કામચલાઉ ધોરણે બુલની પ્રતિમા ખડી કરવી પડી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટે તેને જેમ બને તેમ ઝડપથી વેચી દેવા મોડીકાને જણાવ્યું હતું.
લાસ વેગાસની એક હોટલે તેને ખરીદવાની તૈયારી બતાવી તે સાથે જ સમગ્ર ન્યુયોર્કમાં તેને આ સ્થળેથી ખસેડવા સામે ભારે હોબાળો મચ્યો હતો. અંતે ન્યુયોર્ક સત્તાવાળાઓને ઝુકવું પડયું હતું તેનો શરૂમાં વિરોધ કરનારા કમિશનર હેનરી સ્ટેર્ન હવે નિવૃત્ત થઇ ચૂકયા હતા. તેમણે જ આ પ્રતિક અમેરિકાની ઓળખ બનતું જાય છે તેવી માંગણી કરી તેને નહીં હટાવવાની અપિલ કરી હતી. ત્યારથી આજ દિન સુધી જગવિખ્યાત ‘બુલ’નું શિલ્પ તેની કામચલાઉ જગાને કાયમી ધોરણે રોકીને ખડુ છે.
આજે પણ અમેરિકાના રોકાણકારો આ ‘ચાર્જીંગ બુલ’ની પ્રતિમા જોઈને ચાર્જ થઇ જાય છે. મુંબઇમાં શેરબ્રોકરો અને રોકાણકારો પોતે જ સટ્ટો ખેલતા હોઇ માનસિક રીતે ઢીલા અને અંધશ્રઘ્ધામાં ગળાડુબ છે.
Top
|