home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ફિલ્લમ ફિલ્લમ

ઇતિહાસ માત્ર સુવર્ણ અક્ષરે નથી લખાતો!

બોલીવુડમાં આજકાલ પીઠ થાબડવાની મોસમ ચાલી રહી છે. ગયા વરસે પ્રેક્ષકોને ‘પૈસા વસૂલ’ લાગે તેવી ફિલ્મો અને પર્ફોર્મન્સ આપનારા કલાકારો-કસબીઓને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. એ અલગ વાત છે કે હવે એટલા બધા લોકો એટલા બધા એવોડ્‌ર્સ જાહેર કરે છે કે આ પ્રકારના એવોડ્‌ર્સની ઘણા-બધા લોકોને નવાઈ લાગતી નથી. અને એટલે જ અલગ પાડવા માટે સારું પર્ફોર્મન્સ આપનારા લોકોની પીઠ થાબડવાના બદલે ખરાબ પર્ફોર્મન્સ આપનારા લોકોની યાદી બનાવીને આ સૌને શાબ્દિક કીક મારવાવાળા લોકો પણ ફૂટી નીકળ્યા છે.

સામાન્ય રીતે આવું બઘું કરવા માટે ઈન્ટરનેટ સૌથી સરળ અને શક્તિશાળી માઘ્યમ પુરવાર થાય છે. આજકાલ ઈન્ટરનેટ પર ગયા વરસની સૌથી ખરાબ ફિલ્મોની યાદી તૈયાર થઈ રહી છે. પ્રેક્ષકોને ‘પૈસા પડી ગયા’નો અહેસાસ કરાવતી આ ફિલ્મોમાં ‘ધન ધના ધન ગોલ’થી માંડીને ‘રામગોપાલ વર્મા કી આગ’ સુધીની અલગ-અલગ અંદાજથી પ્રેક્ષકોને પજવનારી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘ચક દે ઈન્ડિયા’ની ગજબનાક સફળતા પછી વઘુ એક સ્પોટર્‌સ ફિલ્મ તરીકે આવેલી ‘ધન ધના ધન ગોલ’ના ડાયરેક્ટર તરીકે વિવેક અગ્નિહોત્રીનું નામ હોવાથી સૌને સરસ મજાની ફિલ્મ મળવાની અપેક્ષા હતી. પરંતુ વિવેક અગ્નિહોત્રીએ એક જ ફિલ્મમાં અનેક ઈશ્યુ સ્પર્શવાનું જોખમ લીઘું, જે સરવાળે ફિલ્મ માટે જોખમી પુરવાર થયું. વંશીય ભેદભાવ, ભારત-પાકિસ્તાનના સંબંધો, રોમાન્સ, રમત દરમિયાન થતી ઇજા, ખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ, આર્થિક અસમાનતા - જે માંગો તે બઘુંજ હતું. સિવાય કે એન્ટરટેઈન્મેન્ટ!

‘યશરાજ’ કેમ્પની ‘ઝૂમ બરાબર ઝૂમ’ના પોસ્ટર્સ જોયા ત્યારે જય-વીરૂની નવી પેઢી ધમાલ મચાવવા આવી રહી હોવાનું લાગતું હતું. અભિષેક બચ્ચન - બોબી દેઓલની આ ફિલ્મનું ટાઈટલ સોંગ પણ લાંબા સમય સુધી ટોચ પર રહ્યું હતું. પરંતુ આ ફિલ્મમાં જોવા જેવું શું હતું તે સંશોધનનો વિષય ગણાય.

હલ્કી-ફૂલ્કી કોમેડી અને મગજ બંધ કરીને પગ ચલાવતા લોકોની દોડાદોડી બતાવીને પ્રેક્ષકોનું મનોરંજન કરતા પ્રિયદર્શનની ‘ઢોલ’માં શર્મન જોષી, કુણાલ ખેમુ, તુસ્સાર કપૂર અને રાજપાલ યાદવની સાથે તનુશ્રી દત્તા પણ જોડાઈ હતી. પ્રિયદર્શનનું નામ જોઈને ‘ઢોલ’ જોવા ગયેલા પ્રેક્ષકોએ સરવાળે ‘ઢોલ’ના બદલે માથું પીટવાનો વારો આવ્યો હતો.

માત્ર ડાયરેક્ટરનું નામ જ નહીં, સ્ટારકાસ્ટની યાદી જોઈને પણ જોવા જવાનું મન થાય એવી ફિલ્મ તરીકે ‘સલામે ઈશ્ક’નું નામ પણ લેવું પડે. ડાયરેક્ટર તરીકે નિખીલ અડવાણી છ જોડી સ્ટાર્સ પાસેથી કેવું કામ લઈ શક્યો છે તે જોવા માટે પહોંચેલા પ્રેક્ષકોને માત્ર એટલું જ સમજાયું કે કેટલીક ફિલ્મો જોવા કરતાં તેના પોસ્ટર્સ અને પ્રોમોઝ જોવાનું વધારે એન્ટરટેઈનીંગ હોય છે.

પોતાની પહેલી ફિલ્મથી પ્રેક્ષકોને પ્રભાવિત કરનારા અને બીજી ફિલ્મમાં પ્રેક્ષકોને પજવનારા નિખીલ અડવાણીની લાઈનમાં પ્રદીપ સરકાર પણ બેસી ગયા હતા. ‘યશરાજ’ કેમ્પની વઘુ એક ફ્‌લોપ તરીકે નામ નોંધાવવા માટે આવેલી ‘લાગા ચુનરી મેં દાગ’ માત્ર અને માત્ર રાની મુખર્જીને ‘ઓલ ટાઈમ ગ્રેટ’ અભિનેત્રી સાબિત કરવા માટે બનાવવામાં આવી હતી એવું જાણકારોનું માનવું છે. અને તે સમયે રાની મુખર્જી - આદિત્ય ચોપ્રાના સંબંધો જોતાં આ વાત માનવા જેવી લાગે. ખાસ કરીને ફિલ્મો જોયા પછી...! કારણ કે યશરાજ જેવું ગણતરીબાજ બેનર આ પ્રકારની ફિલ્મ શા માટે બનાવે, તે વાત સમજવી મુશ્કેલ છે.

એકચ્યુઅલી, સમજવી મુશ્કેલ પડે તેવી ફિલ્મ તરીકે ‘નો સ્મોકીંગ’નું નામ ટોચ પર મૂકી શકાય. લેખક-નિર્દેશક અને અન્ય ફિલ્મોના વિવેચક તરીકે જબ્બર ટેલેન્ટેડ એવા અનુરાગ કશ્યપની ‘નો સ્મોકીંગ’ જોયા પછી ભાગ્યે જ કોઈને કશું સમજાયું હશે. અનુરાગ કશ્યપની કેટલીક વિશેષતાઓ પ્રત્યે માન હોવાના કારણે એવું માની લઈએ કે તેને આ ફિલ્મ સંપૂર્ણપણે સમજાઈ હશે. પરંતુ આ ફિલ્મમાં કામ કરનારા કલાકારો વિશે આવું કહેવાનું મન થતું નથી. આ ફિલ્મ માટે માત્ર એટલું કહી શકાય કે અનુરાગ કશ્યપને પોતાના સમયનો અને પોતાના પ્રોડ્યુસરના નાણાનો ઘુમાડો કરવાનો હક છે. પરંતુ પ્રેક્ષકોના પૈસાનું શું? પ્રેક્ષકોને કલાના નામે આ પ્રકારની ફિલ્મો બતાવનારાઓ સામે ગ્રાહક સુરક્ષાનો કાયદો કામે લગાડવો જોઈએ કે નહીં?

અનુરાગ કશ્યપની માફક માત્ર પોતાને ગમે તેવી ફિલ્મ બનાવવાનો સફળ પ્રયાસ (અને નિષ્ફળ ફિલ્મ) સંજય લીલા ભણસાળી તરફથી પણ બોલીવુડને મળ્યો. ‘સાવરીયા’માં રણબીર કપૂર અને સોનમ કપૂર જેવા સ્ટાર સંતાનો ના હોત તો આ ફિલ્મની ચર્ચા પણ થઈ હોત કે કેમ તે સવાલ છે. જાણકારોના કહેવા મુજબ સંજય લીલા ભણસાળીએ ‘સોની પિક્ચર્સ’ને સિત્તેર કરોડનું નુકસાન પહોંચાડ્યું પરંતુ બોલીવુડને કદાચ સાતસો કરોડનો ચૂનો લાગ્યો છે. કારણ કે હવે હોલીવુડવાળા બોલીવુડમાં રોકાણ કરતાં અચકાશે!

અનુભવં સંિહાની ‘કેશ’ અને સિઘ્ધાર્થ આનંદની ‘તારા રમ પમ’ પણ પ્રેક્ષકોની સહનશક્તિ ચકાસવામાં પાછી પડે તેવી ન્હોતી. પણ આ બધી ફિલ્મો ‘રામગોપાલ વર્મા કી આગ’ સામે તો પાણી ભરે! ‘વર્લ્ડ ઈલેવન’માં સોબર્સથી માંડીને તેંડુલકર સુધીના સુપરસ્ટાર્સ ભેગા થયા હોય અને એ લોકો ઓરિસ્સાની રણજી ટીમ સામે સાત ઓવરમાં સમેટાઈ જાય એવું ‘રામગોપાલ વર્મા કી આગ’નું થયું. રામગોપાલ વર્મા જેવો ડાયરેક્ટર, અમિતાભ જેવો મહાનાયક અને મોહનલાલ-સુસ્મિતા-અજય દેવગન જેવા સજ્જ અને સફળ કલાકારો ‘શોલે’ જેવી ઓલટાઈમ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ હીટ ફોર્મ્યુલા સાથે આવ્યા અને સૌએ ભેગા મળીને ઇતિહાસ રચ્યો... કાળો ડિબાંગ ઇતિહાસ! વેલ, આ વરસે પણ આ સૌને સારા કહેવડાવે તેવા પરાક્રમો જોવા મળશે. પણ તેની વાત આવતા વરસના જાન્યુઆરી - ફેબુ્રઆરીમાં!

Top

Copyright   © Gujarat Samachar