ગુજરાતની ભારતને મોંઘેરી ગિફ્ટ
ડિસેમ્બર, ૨૦૦૭માં ગુજરાતના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડાઈ હતી. રાજ્યના આર્થિક વિકાસ માટે એવા ઘણાં પ્રોજેક્ટ ગુજરાત સરકારે શરૂ કર્યા છે જે પુરા થતા સાડા પાંચ ગુજરાતીઓને એના મીઠા ફળ ચાખવા મળશે. ‘ગિફ્ટ’ સિટી આવો જ એક પ્રગતિલક્ષી પ્રોજેક્ટ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આશરે ૨૦ કિલોમીટર દૂર સાબરમતી નદીના કાંઠાની સમાંતર નવાનક્કોર ગિફ્ટ સિટીનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. ગિફ્ટ હકીકતમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ-ટેક સિટીનું ટૂંકુ નામ છે.
ગિફ્ટ સિટી ગુજરાતનું એક સોનેરી શમણું છે જેને સાકાર કરવાની જવાબદારી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) અને ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝંિગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ (આઇએલ એન્ડ એફએસ)ને સોંપાઈ છે. આખા દેશમાં જુદા જુદા ક્ષેત્રના સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) આકાર લઈ રહ્યા છે, પણ દેશમાં એકલી ફાયનાન્સિયલ સર્વિસીસનો સેઝ ગિફ્ટ સિટીમાં આકાર લેશે. વિલાસરાવ દેશમુખ મુંબઈને સાંઘાઈ બનાવવાની ફક્ત વાતો કરીને એક બાજુ ખસી ગયા છે. જ્યારે ગુજરાત સાબરમતીના તટે સાંઘાઈની એક ઝાંખી ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગિફ્ટ સિટીની ડિઝાઈન ઇકાદી (ઇસ્ટ ચાઈના આર્કિટેકચરલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ)એ બનાવી છે. આ જ ઇકાદીએ આઘુનિક સાંઘાઈના ઘણાં ભાગોની ડિઝાઈન તૈયાર કરી છે. એટલે સ્વાભાવિક છે કે ગિફ્ટમાં પણ આપણને સાંઘાઈની એક ઝલક જોવા મળશે. આયોજકો કહે છે કે ગિફ્ટ સફળ થશે તો મુંબઈ પાસેથી ઘણો બિઝનેસ આંચકી લેશે. ફાયનાન્સિયલ સર્વિસીસના ક્ષેત્રે ગિફ્ટ સિટી મુંબઈનું સબળ હરીફ બનવાની ક્ષમતા ધરાવે છે.
અલબત્ત, ગિફ્ટ સિટી કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ) સુનીલ બહલના મતે ગિફ્ટ મહદ્ અંશે મુંબઈમાં થતા બિઝનેસનું સપોર્ટ સેન્ટર બની રહેશે. એ મુંબઈનું હરીફ નહિ હોય. ‘કોઈ પણ મોટા ફાયનાન્સિયલ સિટીને સપોર્ટ સર્વિસીસ માટે આધાર રાખી શકાય એવા બીજા નાના ફાયનાન્સિયલ સિટીની જરૂર હોય છે’ એમ જણાવતા બહલ ઉમેરે છે કે ગુજરાત પાસે ફાયનાન્સિયલ ટુરિઝમ માટેનું માનીતું સ્થળ બનવાની અને એનઆરઆઇઓ અને વિદેશી કલાયંટોને ફાયનાન્સિયલ સર્વિસીસ (આર્થિક સેવાઓ) આપવાની તમામ ક્ષમતા છે.
અને એટલે જ ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ ગતિ પકડી રહ્યો છે. શરૂમાં શાહપુર ગામ આસપાસની ૫૦૦ એકર જમીન પર સ્થપાનારા આ શહેરમાં ૪ લાખ માણસોના વસવાટ માટેની વ્યવસ્થા હશે. પહેલા તબક્કામાં સાબરમતીના કિનારે ત્રણ ગગનચુંબી ટાવર બંધાશે. ગિફ્ટ સિટી બાંધવાનો ખર્ચ કેટલો થશે એનો કોઈ અધિકૃત આંકડો નથી, પણ એક અંદાજ મુજબ ગિફ્ટ પાછળ રૂા. ૩,૦૦૦ કરોડથી વઘુ ખર્ચ થશે. સુનીલ બહલના અંદાજ મુજબ આ પ્રોજેક્ટ પહેલા તબક્કામાં એક લાખ લોકોને સીધી રોજગારી પુરી પાડશે. જ્યારે છ લાખ અપ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી થશે.
શું ગિફ્ટનો પ્રોજેક્ટ સફળ થશે? એક્સિસ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર. અશોક કુમારને એની ૧૦૦ ટકા ખાતરી છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસના વિકાસની એટલી બધી તર્કો છે કે આવો કોઈ પણ પ્રોજેક્ટ સફળ થાય એવું કારણ અશોક કુમાર આપે છે.
ગિફ્ટના સંભવિત કસ્ટમરોમાં ફાયનાન્સિયલ સર્વિસીસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સંિગ (બીપીઓ) કંપનીઓનો સમાવેશ હશે. પહેલા તબક્કામાં ગિફ્ટ સિટીમાં અઢી કરોડ ચો. ફૂટ જેટલી સ્પેસ પર બાંધકામ થશે, જે પૈકી ૬૫ ટકા સ્પેસ ઓફિસો માટે અનામત રખાશે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં કુલ ૭.૫ કરોડ ચો. ફૂટ સ્પેસને આવરી લેવાશે. અલબત્ત, પહેલા તબક્કાને સફળતા મળ્યા બાદ જ બીજો તબક્કો શરૂ થઈ શકશે.
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યાર બાદ આઇએલએન્ડ એફએસે તુરત પ્રોજેક્ટના પ્રમુખ રોકાણકારો સાથે સમજૂતિ પત્રો પર સહીસિક્કા કર્યા હતા. કોટક મહીન્દ્ર કંપની ગિફ્ટમાં લગભગ ૩૦૦ એકર જમીન વિકસાવવાની છે. એ જ રીતે બીજા આઠ મુખ્ય રોકાણકારોએ એક કરોડ ચો. ફૂટ જમીન વિકસાવવાની જાહેરાત કરી છે. એમાં ચેસ્ટકોર, પૂંજ લોયડ અને ફેરવૂડ એસોસિયેટસ જેવી જાણીતી કંપનીઓ છે.
પ્રમોટરોના અંદાજ મુજબ પહેલા ત્રણ વરસમાં પ્રોસેસંિગ ઝોનમાંથી એક અબજ ડોલરની નિકાસ થશે, જે પાંચમાં વરસ સુધીમાં વધીને બે અબજ ડોલર થઈ જશે. દસ વરસમાં અહીંથી વરસે ૩ અબજ ડોલરની નિકાસ થશે. વળી, ગિફ્ટને જો ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટરનો દરજ્જો મળી ગયો તો એણે પોતાની પ્રગતિમાં પાછુ વળીને જોવાની જરૂર નહિ રહે.
ગિફ્ટના વિકાસનું એક બીજું પણ કારણ છે. ગુજરાતમાં એવી ઘણી અગ્રણી બિઝનેસ કંપનીઓ છે જેઓ આ નવા અત્યાઘુનિક શહેરમાં પોતાનો બેઝ સ્થાપી શકે છે. વળી, ગિફ્ટ અમદાવાદની સાવ નજીક છે, જ્યાંથી એ મેનેજમેન્ટ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને બીજો મેન પાવર મેળવી શકે છે.
એક તરફ ગિફ્ટ છે અને બીજી તરફ ભારતની આર્થિક રાજધાની મુંબઈ છે, જે જાતજાતની સમસ્યાઓમાં અટવાયેલું છે. મુંબઈને ઇન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર બનાવવા વરસોથી ચર્ચા ચાલે છે. પણ બધા ફક્ત ફીફા ખાંડીને વિખેરાઈ જાય છે. હવે સાબરમતીના તટે જ્યારે પોતાનું એક સબળ હરીફ શહેર ઊભું થઈ રહ્યું છે ત્યારે તો કમસેકમ મુંબઈ જાગશે એવી આશા અસ્થાને નથી.
|