કહેવત મંજૂષા
પોથીમાંનાં રીંગણાં
એક વખત ગામના ચોરે એક કથાકાર કથા કરી રહ્યા હતા. ભક્તજનોની ભીડ જામી હતી. તેમાં અચાનક કોઇક બાબતે રીંગણની વાત આવી. કથાકારે કહ્યું કે, આ રીંગણાં દેખાવમાં રૂપાળાં હોય છે.પણ શાસ્ત્રમાં તેને ખાવાનો નિષેધ કહ્યો છે. કારણ કે તે બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, તથા વાયુ અને કફના કરનારાં છે. માટે તેને ત્યજવાં જોઇએ. એ પછી તો કથાકારે રીંગણની વિરુદ્ધમાં અનેક દાખલા દલીલો આપી. શ્રોતાઓમાં કથાકારના પત્ની પણ બેઠા હતા. સાંજે કથા પૂરી થઇ એટલે તેઓ ઘેર ગયા. આખા દિવસના શ્રમથી થાક્યા હતા. એટલે ખાટલામાં જરા પગ લાંબા કરીને બેઠા. પત્નીએ બૂમ પાડી કે રોટલા ને શાક બનાવીશું તો ચાલશે? કથાકારે હા કહ્યું. ત્યાં પત્નીએ ફરી પૂછ્યું કે, શાક શેનું બનાવીએ? ઘરમાં તો માત્ર બે-ત્રણ રીંગણાં જ પડ્યાં છે. અને તમે આજે જ કહ્યું કે રીંગણાં ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે તમે હવે નવું શાક લઇ આવો. પેલા થાકેલા કથાકારે તરત જ જવાબ આપ્યો કે, ઘરમાં જે હોય તે ચલાવી લો. આપણી બુદ્ધિને રીંગણાં સ્પર્શી નહીં શકે. ત્યાં કથામાં જે વાત કહીએ ને એ તો પોથી પૂરતી જ હોય. આપણા ઘરમાં જે રીંગણાં છે તે અને કથા કહેતી વખતે પોથીમાં જે રીંગણાની વાત આવે તે બંને જુદાં છે. માટે આપણે તો આનંદથી રીંગણાનું શાક બનાવો.
|